Posted by: bazmewafa | 12/30/2009

નિબંધ:આટાનો સૂરજ-રતિલાલ ‘અનિલ’

આટાનો સૂરજ-રતિલાલ ‘અનિલ’

મારી મા આટાનો સૂરજ બે હથેળી વચ્ચે ઘડતી, હા, આટાનો સૂરજ ! સફેદ સફેદ, ગોળ ગોળ અને હું જોયા કરતો એ લથબથ આટાનો સૂરજ, એ બે હાથ વચ્ચે ફરતો, ઘડાતો અને ગોળ ગોળ બનતો હાથના એ થપથપાટમાં માતાનું વહાલ હતું.જ્યારે એ ઘડાતો ત્યારે લાગતું આજે જરૂર સૂરજ ઉગ્યો છે. વાદળાં જેવું કશું આવરણ નથી. ખાસ્સો ઉજાસ છે અને દિવસ દેખાય છે, હું દેખાઉં છું, મા દેખાય છે દિવસ ઉગ્યાની જાણ ત્યારે આ શીશુને મારી મા આટાનો સફેદ સૂરજ ઘડતી ત્યારે થતી અમે દીવાના અજવાળે જોતાં તો કેટલું મોડે શીખ્યા ! અમને શિખવાડવામાં આવ્યું ત્યારે. તે ય થોડું થોડું ! અમને તો ચૂલો અગે ત્યારે દિવસ અગવાનો એવું લાગતું માણસનો સૂરજ અગ્યો એની નાએ બંને હાથે આટાનો સૂરજ ઘડવા માંડયો ત્યારે જાણ થઈ , તે પહેલાં તો પેલા પશુ જેમ આમતેમ હડી કાઢી, ઝપટી, ઝાપટ મારી કંઈ ખાઈ લેતા. આ આદિમ લોક હતો. આ મારો લોક નાએ આટાનો સૂરજ ઘડવા માંડયો ત્યારે મનુષ્યલોક બન્યો.

માણસે પહેલાં ચૂલો સળગાવ્યો, તે પછી એને લાગ્યું કે દીવો કરું. પહેલાં તો ચૂલાના અજવાળે એકબીજાના મોઢાં જોઈ લેતા એના પર નાચતા પ્રકાશના ઓળા જોઈ રહેતા, ધુમાડો થાય ત્યારે સૂર્યગ્રહણ જેવું લાગે પણ મા ચૂલામાં ફૂંક મારે, પછી ખાંસે અને મોઢું તણાય પછી ગ્રહણ કુટી જાય એ માટે બ્રાહ્મણને કે અંત્યજને દાન કરવું પડતું નહીં. ઘડાતા સૂરજને અમે વિસ્મયથી નહીં, આશાથી નહીં; પણ બસ જોઈ રહેલા અમે મંદિર બંધાતું હતું ત્યારે ઘડાતા ઈશ્વરને પણ જોયો હતો હતો તે લંબચોરસ પથ્થર, ઘડનારને લાગતું કે એના મૂળ આકાર આસપાસ થર જામી ગયા છે તે દૂર કરું એટલે ઈશ્વર પ્રગટ થશે; પણ એ કામ બે ટાંકણા ને હથોડી લઈને કરતો તે કંઈ ગમતું નહિ, આ મારી મા લોટના પીણ્ડમાં છૂપાયેલા સૂરજને વહાલથી થપથપાવીને પ્રગટ કરે છે એવું કંઈ એમને કેમ આવડતું નહીં હોય ? એ તો ‘કળાકાર’ કહેવાય છે, અને મા તો બસ ‘મા’ છે, એથીવીશેષ કંઈ નહીં, આટાના સૂરજની પણ એ માતા જ ને ? આ સૂરજને રોજ રોજ ઘડવો પડે છે શા માટે ? માતા પોતાના અસ્તિત્વ માટે, પોતાના જીવન માટે, માતૃત્વ માટે અનિવાર્ય માનતી હશે સૂરજ રોજ ઉગવો જોઈએ માતૃત્વ જીવન્ત, અખંડ રાખવા માટે.પેલો કહેવાતો સૂરજ કહે છે કે આથમે છે ત્યારે વળી મા આટાના સૂરજને બંને હાથે આમ તેમ કરી, એને મલાવી મલાવીને ઘડે છે પેલો મૂર્તિ મૂર્તિ કાર પુરુષ છે. મૂર્તિ પુરુષની કઠોરતાથી કદી ઓગળતી નથી, એ ઈશ્વરને પણ કઠોરતાથી ઘડે છે. આટાનો સૂરજ ઘડાય ત્યારે કેવો, રસ પડે એવો, બસ સાંભળ્યા કરીએ એવો ધ્વનિ આવે છે એમાં જીવનનો લય અને યતીનો અનુભવ થાય છે દૂર સડક પરથી ચાલ્યા જતા સૂરજના ઘોડાની ટાપ પણ માના એ થપથપાટમાં સંભળાય.

    પેલા ખ્રિસ્તીઓ તો ઈશ્વરને પિતા અને ઈસુને ઈશ્વરનો પુત્ર કહે છે; પણ મને તો એ મેરીનો દીકરો જ લાગે છે. એ પિતાના પુત્ર કરતાં મેરીનો પુત્ર વધારે લાગે છે હા, સાચું કહું છું, સાચું કહું છું, પિતા કઠોર જ હોય છે, કઠોર, એ સખ્તાઈથી ઘડે છે. પેલો મૂર્તિકાર હથોડી અને ટાંકણાથી મંદિરના ઈશ્વરને ઘડે છે તેમ જ એ પીણ્ડ આસપાસના થરને થપથપાવી વહાલથી કંઈ ઘડી શકતો નથી આવો કરુણાળુ ઈસુ પિતાએ ઘડયો હોય ? ના, ના, આટાનો સૂરજ ઘડતી મેરીએ જ વહાલથી એને ઘડયો હશે. પીણ્ડને શી રીતે ઘડવો એ માતા જ જાણે છે, માતા જ જાણે છે. પિતા પીણ્ડને હાથમાં લે છે, ત્યારે પણ મારે પથરાને જ ઘડવાનો છે એવું માને છે અને મા પથરાને હાથમાં લે છે ત્યારે મારે સ્વાદીષ્ટ ચટણી જ લસોટવાની છે એમ માને છે. અને એકલય બને છે ગોળ પથરો આગળ જાય, પાછળ જાય અને ચટણી લસોટાય મા જાણે ચટણીને નહીં, એક લયને લસોટે છે, લયને મેં પ્રથમ વાર ઘડિયાળનું લોલક જોયું એ પહેલાં એનો લય આ લસોટાતા લયમાં જોયો હતો.

       આ ભદ્ર લોકોની રોટલી સાચું કહું છું, મને ગમતી નથી. જુવારના સફેદ સફેદ, બારસી જુવારના રોટલાથી મારો પીણ્ડ ઘડાયો છે, એ સૂરજ મારો જઠરાગ્નિ બન્યો હતો.એમાં સર્જનનો લય હતો. બંને હાથમાં આમતેમ ઝૂલતો, થપથપાવાતો.ચૂલાના અજવાળે એ ક્રાંતિમાન લાગતો અને થપ્પ દઈને કલેડે પડતો, તવેથાથી ફેરવાતો, અને તેની સુગંધ આવતી તે જઠરાગ્નિને આતુર કરી મુકતી એવું કશું આ રોટલીમાં નથી. એ ઘડાતી નથી, વણાય છે એ પ્રોડક્ટ લાગે છે, માના હાથનું એમાં ઘડતર નથી

        અમારે દીવાટાણું નહોતું થયું. દીવાટાણું તો આ રોટલી આવી ત્યારે થવા લાગ્યું. માના વખતમાં તો ચૂલાટાણું થતું.ચૂલાના અજવાળે અમારા ચહેરા મા જોતી પછી એ કહેતી : ફૂંક માર તો ભઈલા અને અમે ધુમાડા ભેગી રાખ પણ ઉડાડતા !બાળકો આમેય મસ્તીખોર ન થાય તો તે બાળક નહીં ! અમે તો મસ્તી ભૂલી જવાની હોય ત્યારે જ પિતા પાસે જતા. પિતા કઠોર વ્યવસ્થાનું પ્રતીક, વ્યાકરણનો એક કઠોર નિયમ, સમાસ કરતી વખતે બંને શબ્દને જોડે નહીં, પુરુષ-પિતા બને નહીં, પુરુષ-પિતા એવી જોડણી સ્વીકારે. સમાસમાં પણ અંતર રાખે. પ્રત્યયની જેમ માના વાંસે ઝુલી શકાય, પિતાનાવાંસે ? જોખમ તો ખરું જ. માને પ્રત્યયનો બોજ લાગતો નથી, એ એને પોતાનું જ અભિન્ન અંગ માને છે.

      ખરેખર આટાનો સૂરજ ઘડાતો એ સમય ‘ટાણું ’ લાગતું. બહાર રઝળવા ગયા હોઈએ અને અલગ અલગ રહેતા પુત્રો-પુત્રવધુને ન્યુ ઈયર સાંભરે અને માની પાસે ડીનરટેબલ પર ભેગાં થઈ જાય એમ અમારે માટે સાંજ એ ન્યુ ઈયરનું ટાણું થઈ જતું ! અમે ગમે ત્યાં હોઈએ પણ ટાણે હાજર થઈ જઈએ, મા પાસે – ‘ચૂલા પાસે’ એ તો અ-કવિના શબ્દો છે.

      આટાનો સૂરજ ઘડાતો માના વહાલસોયા હાથે. ત્યારે રોજ રોજ ટાણું આવતું, એ માટે કેલેન્ડર-પંચાંગ જોવા પડતાં નહીંના, નહીં જ વળી. અમારા ચહેરા ચૂલાના અજવાળે કાંતીમય થતા-થયા. અમને મહેનતુ કહેવાતા માણસોને એ અજવાળાએ જ કંાતી આપી. હા, પહેલા મા કપાસનું રુ લઈને પુમડું બનાવતી, એને ઘીવાળું કરી, કોડીયામાં મુકી, પ્રગટાવી એનું સૌમ્ય તેજ ચહેરે ઝીલી, બે હાથ જોડી, તે પછી જ ચૂલો પ્રગટાવતી, પણ એ દીવો કરવામાં મોડું થતું અને અમે અકળાઈ ઉઠતા પહેલા દીવો, પછી ચૂલો એમ માને સમજાતો, અમને નહીં. દીવાટાણું, ચૂલાટાણું અમે તો માત્ર ‘ટાણું ’ યાદ રાખતા, એ જ યાદ રહેતું. નાતાલની રાતે વિખેરાઈને રહેતો ખ્રિસ્તી પરિવાર મા-બાપને ત્યાં ડીનર ટેબલ પર ભેગો થઈ જાય એમ અમે બધાં સાંજે ચૂલા આસપાસમાની આસપાસ ભેગા થઈ જતાં અમને જીવનની ગંધ આવવા માંડતી એવું તે શું થયું કે હવે જીજીવિષાની ગંધ સંાજટાણે આવે છે ? પેલી મા-હા, ‘પેલી ’, ‘આ રહી મા ’ કહેવાનો અવસર તો નીકળી ગયો , , ગયો ને ગયો જ તેજીવનની ગંધ ઉછરતા; ઉગમ પામતા જીવનની ગંધ ઉગતા સૂરજની ગંધમાના હાથે ઘડાતા આટાના સૂરજ અને અશ્વિનીકુમારના ધડતરની ગંધ…

      હવે અધીરતાને ક્રિયામાં જોડી તેને સૌમ્ય કરવા કોઈ કહેતું નથી : ‘ચાલ, હાથપગ ધોઈ આવ,કાંધી પરથી થાળી ઉતાર, લૂછ, અને લઈને બેસી જા ’ આટાનો સફેદ સૂરજ પણ ઘડાતો નથી, રોટલી શી રીતે વણાય છે તેયે જોતો નથી –જાણતો નથી, ટાણું આવે છે કે નથી આવતું તેયે જાણતો નથી, હાક પડે છે : ‘જમવા ચાલો’ અને ટેવથી બોલી જવાય છે ‘અવાય છે.હવે એમ કરો, અહીં જ થોડું મોકલી આપો’ ડીલીવરીડ્રોઈંગરુમમાં ડીલીવરી મોઢા પર ઈલેક્ટ્રીક બલ્બની રોશની લીંપી છે. ચૂલાનું નાચતું અજવાળું મોઢા પર પણ પ્રતીછાયા કે ઓળા રુપે નાચતું તે માની સાથે ગયું ‘આપણા’ ને ‘પેલાં ’ કહેવા પડે, નજીકને દૂર કહેવું પડે, હાથવગા સૂરજને ‘પેલ્લો દૂર દૂર દેખાય એ સૂરજ’ કહેવું પડે એ કેટલું વસમું હોય છે ‘વસમાં વળામણાં’ રણે જતા પુરૃષને જ શું હોય છે ? પોતીકાં, પોતીકાપણું લેતાં જાય છે, એ જ વિરહ છે, એ જ વિરહ છે, જુદાઈ છે.

( રતિલાલ ‘અનિલ’ લિખિત અને ‘સાહિત્ય અકાદમી’ના પુરસ્કારપ્રાપ્ત પુસ્તક ‘આટાનો સૂરજ’માંથી)

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

શ્રેણીઓ

%d bloggers like this: