Posted by: bazmewafa | 08/19/2019

મસ્તરંગી નહીં, છતાં ગુજરાતીનો મસ્ત ગઝલકાર :મસ્ત હબીબ__શકીલ કાદરી

મસ્તરંગી નહીં, છતાં ગુજરાતીનો મસ્ત ગઝલકાર :મસ્ત હબીબ__શકીલ કાદરી

ગમતો ગઝલકાર : ૪

મસ્તરંગી નહીં, છતાં ગુજરાતીનો મસ્ત ગઝલકાર :મસ્ત હબીબ

__શકીલ કાદરી

ગુજરાતી ગઝલક્ષેત્રે મરીઝે જેમની પાસે પ્રારંભમાં ઇસ્લાહ લીધી હતી અને એ દ્રષ્ટિએ જે મરીઝના ઉસ્તાદ ગણાય એવા ગઝલકાર અમીન આઝાદ, અમૃત ઘાયલ, મરીઝ, રતિલાલ ‘અનિલ’,’શૂન્ય’ પાલનપુરી, ‘સૈફ’ પાલનપુરી અને ‘ઓજસ’ પાલનપુરીએ આ ધરતી પર જન્મ નહતો લીધો એ પહેલાં પહેલાં ગઝલકાર ‘મજનૂ’, ‘શયદા’, ‘બેકાર’, ‘સગીર’, ‘નસીમ’, ‘નામાવટી’, ‘આસિમ’ રાંદેરી, જમિયત પંડ્યા ‘જિગર’ અને ‘ગની’ દહીંવાલાનો જન્મ થઈ ચુક્યો હતો…. આ બધાં ગઝલકારોના જન્મ પછી’ શૂન્ય ‘- ‘ઘાયલ’ – ‘મરીઝ’ આદિ પહેલાં જન્મેલ ગઝલકાર તે ‘મસ્ત’ હબીબ સારોદી.

ગુજરાતી ગઝલની સરસ વેબસાઈટ ચલાવતાં મુહમ્મદ અલી ‘વફા’ની વાત માનીએ તો આજે એક તરફ આધુનિક ગઝલના પ્રમુખ હસ્તાક્ષર ગણાતાં ‘અદમ’ ટંકારવી અને બીજી તરફ પરંપરાને ચુસ્ત રીતે વળગી રહેનાર ગઝલકાર ‘રાઝ’ નવસારવી (બીજું નામ સૈયદ રાઝ- એટલે ચિનુ મોદીએ બંને જુદાં ગણી ‘ગુજરાતી પ્રતિનિધિ ગઝલો’માં બબ્બે સ્થાને જેમની ગઝલો લીધી તે…)ના ગઝલગુરુ આ ‘મસ્ત’ હબીબ સારોદી જ. જુનાં ગઝલકાર ‘મસ્ત’ મંગેરા અને ખુદ મુહમ્મદ અલી વફાની ગઝલોની પણ એમણે ઇસ્લાહ કરી હતી. આવા મહત્વના ગઝલકારને રતિલાલ ‘આનિલે’, ‘સફરના સાથીમાં’ અને જલન માતરીએ ‘ઊર્મિની ઓળખ’માં યોગ્ય રીતે ન્યાય આપ્યો છે…પરંતું ત્યારબાદ ગઝલકારો વિશે લખનારાઓ માટે આ સર્જક ‘અછૂત’ કેમ રહ્યો એ પ્રશ્ન છે. જ્યાં એના નામનો ઉલ્લેખ થયો ત્યાં પણ બે પાંચ આડીઅવળી રેખાઓથી વિશેષ એનો ગ્રાફ દોરવામાં ન આવ્યો.

ગુજરાતીના ઉત્તમ ગઝલકારોમાં ગઝલસર્જન સાથે જ ગઝલવિવેચનના ક્ષેત્રમાં પણ સક્રિય રહેનાર સર્જકો ‘નિસાર’ શેખચલ્લી, અમૃત ‘ઘાયલ’ના ગુરુ ‘અસર’ સાલેરી, ‘ચાંદમુખ’, ‘નસીમ’ અને રતિલાલ ‘અનિલ’ની સાથે ‘મસ્ત’ હબીબનું નામ પણ મૂકવું જ પડે. ૧૯૬૫માં પ્રકાશિત એમના સંગ્રહ ‘મસ્તી’માં સમાવિષ્ટ ત્રણ લઘુલેખો “શે’રનો ધર્મ'”, “ગઝલનો મિજાજ”, અને “ગઝલનું સ્વરૂપ” વાંચીએ તો ગઝલકાર ઉપરાંત ગઝલવિવેચક તરીકેની એમની ઓળખ પણ પ્રાપ્ત થાય છે.

‘મસ્ત’ હબીબનું મૂળ નામ પટેલ હસન મૂસાભાઈ હતું પણ એ ઉર્દૂ શાળામાં આચાર્ય હોવાથી મુન્શી હસન મૂસા એવું પણ લખાતું. એમના જન્મની બે ભિન્ન તારીખો પ્રાપ્ત થાય છે. જલન માતરીએ એમના જન્મની તારીખ ૮મી નવેમ્બર ૧૯૧૨ દર્શાવી છે. એ જ તારીખ ગુજરાતી સાહિત્ય કોશમાં એ કારણે મળે છે કે જલન માતરીના પુસ્તકમાંથી લેવાઈ છે. જ્યારે ઈ. સ. ૨૦૦૦માં ‘મસ્ત’ મંગેરા અને ‘જય’ નાયકે “આવાઝ પ્રકાશન” દ્વારા પ્રકાશિત કરેલ ‘મોજ-મસ્તી’માં ‘મસ્ત’ હબીબની જન્મ તારીખ ૨૫/૫/૧૯૧૨ દર્શાવવામાં આવી છે. એ જે તારીખ હોય તે, પણ જન્મનું વર્ષ ૧૯૧૨ નિશ્ચિત છે.

ગઝલસર્જન માટે એમણે ‘હબીબ’*જ્યારે હઝલસર્જન (વ્યંગ-કટાક્ષ કાવ્યો)ના સર્જન માટે ‘મુલ્લાં રમૂજી’ ઉપનામ ધારણ કરી ‘તુલસી ઇસ સંસાર મેં’ સંગ્રહ આપ્યો હતો. આમ, સર્જક તરીકે એમની ગંભીર મુદ્રા ‘મસ્તી’માં જ્યારે વ્યંગકવિ તરીકેની મુદ્રા ‘તુલસી ઇસ સંસાર મેં’ સંગ્રહમાં ઉપસી આવે છે. આ બંને સંગ્રહોને એક જ સંગ્રહમાં સમાવી આવાઝ પ્રકાશને ઈ. સ. ૨૦૦૦માં ‘મોજ-મસ્તી’ સંગ્રહ કર્યો છે. જો કે, આ સંગ્રહમાં પૂર્વે અપ્રકટ રહેલી નબળી રચનાઓ પણ સમાવી લેવાઈ છે… જે ‘મસ્ત’ હબીબે પ્રકાશિત કરવાનું ટાળ્યું હોય અને રહેવા દીધી હોય એવી શક્યતાઓ છે. ‘મસ્ત’ હબીબનો મુશાયરા પ્રવૃત્તિના વિકાસમાં પણ મહત્ત્વનો ફાળો રહ્યો છે. મહા ગુજરાત ગઝલ મંડળના વર્ષો સુધી એ મંત્રી રહ્યાં હતાં. તે માત્ર ગઝલસર્જક અને ગઝલવિવેચક જ નહોતા પણ સારા અનુવાદક પણ હતાં. ઉર્દૂ ગઝલકારો એમાં પણ ડૉ. ઇકબાલનો એમણે ગાઢ અભ્યાસ કર્યો હતો…તેમ અરૂઝ ઉપર પણ પ્રભુત્વ ધરાવતાં હતાં.

ઉર્દૂના અભ્યાસનું પરિણામ એ આવ્યું હતું કે એ સમયના મોટાભાગના ગઝલકારો ગાડરિયા પ્રવાહમાં ભળી જઈને સર્જન કરતાં હતાં ત્યારે તે પોતાના શે’રોમાં જ નહીં નઝ્મોમાં પણ નાવીન્ય છલકાય એની ખાસ તકેદારી રાખતાં હતાં. રંગદર્શીતાને બદલે બ. ક. ઠાકોરની જેમ વિચારપ્રધાન્યને એ સર્જનમાં મહત્વ આપતાં. એમનું આ વલણ એમના વિવેચનમાં પણ પ્રગટ થતું હતું. એમનું સર્જન એમના સમકાલીન ગઝલકારોથી અલગ વિશેષ ભાત પાડનારું છે. રતિલાલ અનિલે જય નાયકની ઉપસ્થિતિમાં મને એ કહ્યું હતું કે “મુશાયરાઓ અને ગોષ્ઠીઓમાં મસ્ત હબીબની ઉપસ્થિતિથી વાતાવરણમાં ઉષ્મા આવી જતી એ ઉષ્મા ક્યારેક ચર્ચામાં નીવડેલ ગઝલકારોને દઝાડી પણ જતી હતી. રતિલાલ અનિલ, શૂન્ય પાલનપુરી અને અમૃત ઘાયલ જેવા ખમતીધર સર્જકો સાથે એમનો ક્યારેક ઉગ્ર વૈચારિક સંવાદ પણ થતો. આજ કારણ છે કે સત્યવકતા આ ગઝલકારનો જૂથબંધીએ ભોગ લીધો હતો અને એમનો ઉલ્લેખ કરવાનો ટાળવામાં આવતો રહ્યો… (આ પ્રકારના અનુભવમાંથી આ લખનાર શકીલ કાદરી પણ પસાર થયો છે જ. સાહિત્યક્ષેત્રે આ નવું નથી.) પણ સાહિત્યના ઈતિહાસમાં ક્યારેક તો સત્ય છાપરે ચડીને પોકારે છે… અને એની પ્રતીતિ ‘મસ્તી’ વાંચનારને થયાં વિના રહેતી નથી.

‘મસ્તી’ની પ્રથમ જ ગઝલમાં મસ્ત હબીબની ગઝલકાર તરીકેની મસ્તી મળે છે.. ગઝલકારને એ વાતનો આત્મસંતોષ છે કે એને જે ગમ્યું એ ગાયું છે…

“આત્મસંતોષ છે ‘હબીબ’ એનો

જે ગમ્યું તે ગઝલમાં ગાયું છે.”

અહીં ગઝલકાર તરીકેની બેફિકરાઈ જોવા મળે છે.

ગુજરાતમાં આધુનિકતાના પ્રવેશ પછી Aesthetics અને aesthetic sense ની ચર્ચા થવા લાગી. એ ખ્યાલ ઉદ્ભવ્યો કે સૌંદર્ય એ વસ્તુમાં નથી પણ જોનારની દ્રષ્ટિમાં હોય છે. કળા સુંદર કે અસુંદર હોતી નથી. પણ આ ખ્યાલ તો મસ્ત હબીબ પોતાના શે’રોમાં આ રીતે અભિવ્યક્ત કરી ચૂક્યા હતાં.

“આખરે રૂપ મારી દ્રષ્ટિનું,

જૈ સમષ્ટિ ઉપર છવાયું છે.”

“કોઈમાં કંઈક છે તો રમ્યતા મારી જ દ્રષ્ટિની,

નહીંતર કોઈપણ વસ્તુ ન સુંદર છે ન મોહક છે.”

આ દ્રષ્ટિકોણ વ્યક્તિએ વ્યક્તિએ બદલાય છે. આજે જે સત્ય હોય એનું ભવિષ્યમાં ખંડન પણ થાય એ વાત ગઝલકાર સમજે છે.

“કાલ એનું વળી થશે ખંડન,

આજ જે સત્ય અહિં મનાયું છે.”

મનુષ્ય એ સામાજિક પ્રાણી છે, અને એનો સમાજ કાંઈ દેવતાઓ, ઇશ્વરનો, અલ્લાહ, ફરિશ્તાઓ કે દેવદૂતોનો બનેલ નથી, માનવસમાજ છે. મનુષ્યને એ બધાં કરતાં સામાજિક દ્રષ્ટિએ સૌથી વધુ જરૂર હોય તો તે છે મનુષ્ય. ઇન્સાનને ઇસ્સાનનો પ્રેમ જોઈએ… હૂંફ જોઈએ, આધાર જોઈએ. સારોદમાં જન્મેલ અને ઉછરેલ ગઝલકાર સૌને બેઘડી વિચારતા કરી મૂકે એવો આ શે’ર વિચારપ્રધાન કવિતાનું લક્ષણ પ્રકટ નથી કરતો તો બીજું કયું લક્ષણ એમાં દેખાય છે…

“મને અલ્લાહને સોંપી જનારા એટલું સાંભળ,

હું એક્ ઈન્સાન છું ઈન્સાનની મારે જરૂરત છે.”

આવો ગઝલકાર જ મોહબ્બતનો મહિમા ગાઈ શકે…અને આ રીતે ગાય પણ છે…

“મહોબ્બત માનવીની, જેની દ્રષ્ટિમાં ઈબાદત હો,

જમાનાને હવે એવા જ માનવની જરૂરત છે.”

બબ્બે વિશ્વયુદ્ધ, ગરીબી, ભૂખમરો, અત્યાચારો, સામૂહિક હત્યાકાંડો અને અનેક બાળકોના બેહાલ જીવન એ બધું નિહાળીને વિચારશીલ માનવીને એ પ્રશ્ન તો થાય જ કે જો ઈશ્વર હોય તો, આ લોકોનો તે નથી? આ ચિંતનમાંથી જ નાસ્તિકતાનો જન્મ થાય એ સ્વાભાવિક છે. આધુનિક કવિતાનું તો એ એક લક્ષણ જ જાણે બની ગયું હતું. એ વિચારને મસ્ત હબીબ આ રીતે અભિવ્યક્ત કરે છે…

“કૈંકનાં વીતે છે જીવન એમ કંઈ,

કોઈ જાણે એમનો ઈશ્વર નથી.”

ડર ખુદાનો એમને કેવો પછી,

આ ખુદાઈ જેમના મન પર નથી.”

સદ્ અને અસદ્ વૃત્તિઓ જગતમાં પહેલાંથી ચાલી આવી છે. અસદ્ શક્તિઓને ઈશ્વરની પ્રતિસ્પર્ધી ગણવામાં આવે છે. ખરેખર ઈશ્વરમાં એવી કોઈ શક્તિઓ છે કે નહીં એની ગઝલકાર કસોટી કઈ રીતે કરે છે એ જુઓ..

“પામવા પરમાત્માની શક્તિઓ અહિયાં ‘હબીબ’,

જાણીબૂઝી મેં અહીં શૈતાનની ચર્ચા કરી.”

એક અન્ય શે’રમાં એ ઈશ્વરની વ્યવસ્થાને નિર્દયી વ્યવસ્થા ગણાવે છે. એ પણ બળી મળતાં પતંગા જોઈને!

“બળી મરતાં પતંગો જોઈ મનમાં થાય છે મારા,

પ્રયોજન કેવું નિર્દય, કેટલો નિર્દય પ્રયોજક છે.”

મસ્ત હબીબ એક રીતે જોઈએ તો ઇન્કિલાબી ગઝલકાર છે. પણ ક્રાંતિની વાત એમની ગઝલોમાં સૂત્રોચ્ચાર રૂપે નહીં, કળાના રંગે રંગાઈને પથરાય છે…

“એકના વિલાસ કારણે અહીં,

દુ:ખ સહે હજાર આમ ક્યાં સુધી?

કે તમે ‘હબીબ’ ઈન્કિલાબયય-

રાખશો વિચાર, આમ ક્યાં સુધી?”

આ ધરતી પર ખુદાનું અસ્તિત્વ જ ક્યાં હતું? આકાશી ખુદાને ધરતી પર ખેંચી લાવનાર તો મનુષ્ય જ છે. એટલે કે એક કલ્પનાથી એને સાકાર કરવાની સમજણનો વિકાસ તો માનવીએ જ કર્યો… આ બુદ્ધિગમ્ય વિચાર રજૂ કરી મસ્ત હબીબ એ પ્રશ્ન મૂકી આપે છે કે ઈશ્વરને-ખુદાને આકાશથી ધરતી પર લઈ આવનાર મનુષ્યને એની પડખેનો માણસ કેમ નથી સમજાતો? એક વ્યક્તિને સમજવાની સમજણનો વિકાસ માણસમાં થશે કે નહીં? આવી ચિંતા સંવેદનશીલ અને માનવીય અભિગમ ધરાવનાર ગઝલકારનો જ હોય બીજા કોઈ સર્જકનો નહીં… શે’ર જુઓ…

“લઈને આવ્યો ખુદાનેય આકાશ પરથી ધરાની ઉપર,

આદમીની સમજમાં છતાં આદમી આવશે કે નહીં?”

આ ગઝલકાર “લકીરનો ફકીર” નથી. સામાજિક પરિવર્તનની જેમ સાહિત્યમાં આવતાં નવા આંદોલનોનો સ્વીકાર કરનાર છે. યુગ પ્રમાણે દરેક ક્ષેત્રે આવતાં પરિવર્તનોને દુ:ખી થયાં વિના, લાગણીને હડસેલો મારી સહર્ષ વધાવવા જોઈએ. એ વાત એ શિક્ષક વિદ્યાર્થીને પ્રેમથી સમજાવે એ રીતે સમજાવે છે…

“મુજ વિચારોને જાણી અને તું ‘હબીબ’ લાગણીવશ ન થા,

છે જમાનો નવો તો નવી રોશની આવશે કે નહીં?”

અને આ શે’રમાં વિચારસૌંદર્ય અને અભિવ્યક્તિ રીતિ જુઓ…

“દુ:ખ એ જ છે કે કેમ ના નાવિક બની શક્યા?

દુ:ખ એ નથી કે કેમ આ તોફાન થાય છે.”

તોફાન-કુદરતી આફતમાં થતાં સેવાકાર્યોને એ ઉપકારક કે દયા રૂપે જોવાને બદલે ‘મનના સમાધાન’ રૂપે નિહાળે છે. એ સમાધાન શાનું હોઈ શકે એ કલ્પી શકાય એમ છે.

“સેવાનો કોઈ અર્થ નથી, મિત્ર તે છતાં,

એથી કંઈક મનનું સમાધાન થાય છે.”

અહીં” સેવાનો કોઈ અર્થ નથી”, એમાં ‘નિસ્વાર્થતા’નો સંકેત છે. ઉત્તમ ગઝલકાર સંકેતમાં ઘણો ઊંડો અર્થ ઘણી વખત પ્રકટ કરે છે.

ગ્રહો તો આકાશના હોય એ પરંપરાગત વિચાર છે, પણ ‘ધરાના ગ્રહ’ એમ કહેવામાં વિચાર નાવીન્ય છે. જ્યોતિષીઓ આકાશના ગ્રહોને નડતરરૂપ બતાવે પણ ગઝલકારને તો ધરતીના ગ્રહો નડતાં લાગે છે. આ “ધરતીના ગ્રહો”નું અર્થઘટન ભિન્ન ભિન્ન રીતે થઈ શકે. ઉત્તમ સર્જક અર્થઘટનની શક્યતાઓના દ્વાર એટલે ઊઘાડાં રાખે છે કે પત્રકારની જેમ એને એક જ અર્થનું પ્રત્યાયન કરવાનું નથી હોતું. એને જે અભિપ્રેત છે એ જ ભાવક સમજે એ એમ નથી ઈચ્છતો એ તો ભાવકની ચેતનાને વિસ્તરવાની તક આપે છે… આ સંદર્ભે આ શે’ર જુઓ…

“નભના નહીં પરંતું ધરાના કંઈક ગ્રહો,

નડતા રહ્યાં છે રાહુ ને કેતુ સમાન થૈ.”

મસ્ત હબીબની ગઝલોમાં તગઝ્ઝુલ પણ આવે છે તો પ્રણયની શિસ્ત અને સ્વસ્થતા સાથે…

“કંઈ ઔર રમ્ય લાગશે જીવન અને જગત,

જો તું કોઈનો દિલથી ઉપાસક બની જશે.

નો’તી ખબર કોઈની યુવાનીની સાથસાથ

વાતાવરણ પણ એટલું માદક બની જશે.”

ઉર્દૂ ભાષાની ગઝલોની દીર્ઘ પરંપરાથી વાકેફ ગઝલકાર હોય ધર્મના ઠેકેદારોની ઠેકડી ન ઉડાવે એ ઓછું અશક્ય છે. ગાલિબ, ઇકબાલ વગેરે ગઝલકારોએ ઉર્દૂમાં અને શૂન્ય, મરીઝ, અમૃત ઘાયલ આદિએ ગુજરાતીમાં આવી ઠેકડી ઉડાવી છે. ઓજસ પાલનપુરીએ પણ ઉર્દૂના શે’રમાં સરસ રીતે ઠેકઠી ઉડાવી છે…

“શૈખજી! આપ તો ફરિશ્તા હો

મુઝ કો સજદા કરો મૈં આદમ હૂઁ.”

કેટલાંક પંડિતો, મૌલવીઓ, સંતો-મહંતો હોય છે એવા દેખાતાં નથી, અને દેખાય છે એવાં હોતાં નથી. એ ધર્મના સિદ્ધાતોનું પાલન કરતાં હોવાનો બાહ્ય ઠઠારો પોતાનો પ્રભાવ પાથરવા કરે છે ધર્મનો નહીં.આ સંદર્ભે આ શે’ર જુઓ…

“સિદ્ધાતવાદી એટલા માટે થયાં છે’ શેખ’,

કંઈ પણ નથી, છતાંય પડે અન્ય પર પ્રભાવ.”

“હકીકત” અને “કલ્પના” પરસ્પર વિરોધી પરસ્પર વિરોધી હોય અને ના પણ હોય. ગઝલકાર પોતાની તર્કશક્તિનો ઉપયોગ કરી કાવ્યત્વ સિદ્ધ કરતો હોય છે. કલ્પનાશક્તિ કરતાં તર્કશક્તિ ભિન્ન બાબત છે અને એ તર્કશક્ત પણ ગઝલનું આભૂષણ છે. પોતાની તર્કશક્તિ મસ્ત હબીબ કઈ રીતે ઉપયોગમાં લે છે એ જુઓ…

“ન આવ્યાં તમે, ના વિરહ રાત વીતી

હજી મારી દુનિયા તો અંધારમય છે,

હજી જાગૃતિમાં હું જોઉં છું સ્વપ્નાં,

હકીકત હજી કલ્પનાનો વિષય છે.”

“ઘણાં દુનિયામાં રહીને સ્વર્ગના સ્વપ્નાંઓ સેવે છે,

અને હું આ જગતને સ્વર્ગ માની લઈને, આવ્યો છું.”

“હકીકતમાં દુ:ખોએ તો કરી છે પરવરિશ મારી,

વિનય તો જો કહું છું તોયે પાલનહાર હું તુજને”

મસ્ત હબીબનો સર્જક તરીકે આ પરિચય મેં માત્ર એમના “મસ્તી” સંગ્રહમાં મળતી ગઝલોને આધારે જ કરાવ્યો છે. પણ એમાં નઝ્મો પણ છે, મુકતકો પણ છે, નવી વ્યાખ્યાઓ પણ છે. કત્બા પણ છે… એ બધાની ચર્ચા માટે અલગ લેખ લખવો પડે. એ રચનાઓમાં સમકાલીનોની સાથે રહીને પણ કેવી અલગ ઓળખ ઊભી કરી શકાય એની મથામણ પ્રકટ થઈ છે. એમના “મસ્તી” સંગ્રહમાં ગઝલ અને નઝ્મ પ્રત્યેની નિષ્ઠા જોઈ શકાય છે. સમકાલીન ગઝલકારો કરતાં કંઈક અલગ કરી બતાવવાની ધગશ જોઈ શકાય છે અને એમાં એ સફળ પણ થાય છે. ગઝલકારોની વેદના કેવું કળારૂપ ધારણ કરી શકે એનુ પ્રતિબિંબ આ ગઝલોમાં છે. ક્યાંક જીવનમૂલ્યોના જતનની ચિંતા છે તો ક્યાંક તીવ્ર વ્યંગ. એમની ગતિ સર્વદિશાની છે અને દ્રષ્ટિ એકાંગી બની નથી. ખુમારી પણ અનેક શે’રોમાં વર્તાય છે. ક્યાંક કવિ હ્રદયની વ્યાકુળતા પણ છે.

ભાષાકીય દ્રષ્ટિએ જોઈએ તો એમનું શબ્દભંડોળ વિપુલ અને સમૃદ્ધ છે. એક તરફ એમણે તત્સમ્ અને તદ્ભવ શબ્દોનો વિનિયોગ ગઝલોમાં કર્યો છે તો બીજી તરફ એવા ઉર્દૂ, ફારસી શબ્દો પણ વણી લીધાં છે જેમનો અર્થ સમજવામાં કોઈ મુશ્કેલી આવે નહી.

મસ્ત હબીબ સારોદીની રચનાઓ નિશંક એ યુગના ગઝલકારોમાં એક અલગ ઓળખ ઊભી કરે છે… છતાં ક્યાંક ખૂબ ઓછા સ્થાનોએ છંદની અને ભાષાકીય નબળાઈઓ પણ છે, એનો ઈન્કાર થઈ શકે એમ નથી. એનું કારણ એ છે કે એમણે શાયરીની સાથે માનવપ્રેમને મહત્વ આપ્યું છે. એ કહે છે….

“ગઝલમાં મેં હંમેશા માનવીનો પ્રેમ ગાયો છે,

મને શાયર નહીં, આપો તમે પ્રેમીનું સંબોધન.”


Responses

  1. बहुत बढ़िया पोस्ट


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

શ્રેણીઓ

%d bloggers like this: