Posted by: bazmewafa | 02/26/2021

અમે આંદોલનજીવી…..પ્રકાશ ન. શાહ

અમે આંદોલનજીવી…..પ્રકાશ ન. શાહ

14-02-2021

મરોડમાસ્તરી તો કોઈ એમની કને શીખે : મારો ઈશારો અલબત્ત વડાપ્રધાન મોદીએ અટકવાનું નામ નહીં લેતા કિસાન આંદોલન સંદર્ભે થોડા દિવસ પર ‘આંદોલનજીવી’ એ સંજ્ઞા થકી જે સ્પિન કીધો તે ભણી છે.

સાવ સાદું, તરત જ સમજાઈ રહેતું જો કોઈ એક વાનું હોય તો તે એ છે કે વરસેક પરનું કથિત નાગરિકતા સુધાર કાનૂન સામેનું આંદોલન અને હાલનું કિસાન આંદોલન એ બંનેએ ૨૦૧૪ની મોદી ફતેહ અને ૨૦૧૯ની એથીયે મોટી મોદી ફતેહ સામે અને છતાં સંકેલાવાનું નામ નહીં લેતાં, એથી પોતાને અન્‌આશ્વસ્ત અનુભવતા સત્તા-પ્રતિષ્ઠાને આ બે આંદોલનોને હસી કાઢવા કે ઉતારી પાડવા આવી સંજ્ઞા રમતી મૂકી છે. જોવાનું એ છે કે વિપક્ષ વર્તમાન સત્તાપક્ષ સામે ખાસ કશી ગજાસંપત વિનાનો વરતાય છે એ જો એક વાસ્તવિકતા છે તો એવી જ એક વાસ્તવિકતા એ પણ છે કે બેઉ આંદોલનોએ ખાસું ગજું કાઢી બતાવ્યું છે. એમાં પણ કિસાન આંદોલન તો ૨૬મી જાન્યુઆરીની બપોર પછી એકદમ જ કેમ જાણે કુંડાળામાં પગ પડી ગયો હોય એમ ઓછું ને પાછું પડી સંકેલાઉં સંકેલાઉં હતું તે પુરાણપ્રશસ્ત દેવહુમા (પોતાની રાખમાંથી ફરી ઊભા થતા) પંખીની પેઠે પ્રભાવક વરતાઈ રહ્યું છે. વિરાટરૂપ દર્શન તે જનતંત્રના સંદર્ભમાં શું, એનો જાણે કે જવાબ જડવામાં છે.

સ્વતંત્ર ભારતે જેપી આંદોલન મારફતે જનવિરાટના સાક્ષાત્કારવત્ ‌એક અનુભવ આ પૂર્વે ચોક્કસ કરેલો છે અને ઇતિહાસમાં ગાંધીઘટના જેવું કશું પૂર્વે થયું હશે કે કેમ એવા સવાલનો કંઈક જવાબ પણ પ્રજાસત્તાકની પહેલી પચીસી ઉતરતે જોયેલો ય છે.

૨૦૧૯ પછીનાં જે બે આંદોલનો આપણે જોઈ રહ્યાં છીએ તે જેપી આંદોલનની સરખામણીએ વિરલ અને વિશિષ્ટ છે. એક તો એમાં કોઈ એવી પ્રતિભા નથી જેને તમે જેપી સદૃશ કહી શકો. જરા દૂરાકૃષ્ટ લાગે પણ વિનોબા નવા સમયમાં પરંપરાગત નેતૃત્વને બદલે ગણસેવકત્વની જે જિકર કરતા એવું કાંક તત્ત્વ અહીં અનુભવાય છે.

નવનિર્માણ આંદોલને, રાજકીય પક્ષ જ્યારે જનતાનું ઓજાર મટી નકરા ઈલેક્શન એન્જિનમાં  ફેરવાઈ જાય ત્યારે શું થાય એનો સાક્ષાત્કારક પરચો પ્રજાને કરાવ્યો. ગુજરાત વિધાનસભામાં આજની તારીખ લગીનો અભૂતપૂર્વ બેઠકજુમલો હાંસલ કરતે છતે સત્તા અને જનતા વચ્ચે કઇ હદે અલગાવ હોઈ શકે તે નવનિર્માણ આંદોલનના ઘટનાક્રમે બતાવી આપ્યું હતું. જયપ્રકાશે પોતાની અસાધારણ જીવનસાધનાના ઉજાસમાં એમાંથી તારવેલ તત્ત્વ એ હતું કે સ્થાપિત સંસ્થાઓ, સ્થાપિત પક્ષો અને સ્થાપિત પ્રથાઓની બહારથી જ્યારે લોકશક્તિ પરિચાલિત થાય છે ત્યારે યથાસ્થિતિનાં બળો પર પરિવર્તનનાં બળો સરસાઈ મેળવે છે. એક પા સઘળો રાજસૂય માહોલ તો બીજી પા પ્રજાસૂય પ્રભામંડળ, એવું પરિણામકારક ચિત્ર જેપી આંદોલને સ્વરાજની પહેલી પચીસી ઉતરતે આપણી સામે મૂકી આપ્યું હતું.

જનવિરાટના સાક્ષાત્કારવત્ ‌તો જેપી જેવી પ્રતિભાના પ્રભામંડળવત્ ‌એ અનુભવ દેખીતો ટૂંકજીવી નીવડ્યો હશે; અને ભા.જ.પ.ના પૂર્વ અવતાર જનસંઘને તેમ ચાલુ રાજનીતિમાં પાછા પડેલા બીજા ખેલંદાઓને એણે પ્રતિષ્ઠા આપી હશે; પણ એણે પ્રથા બહારનાં પરિબળો વાટે પરિવર્તનની એક કાલીઘેલી પણ પ્રજાસૂય ધખના અંકે જરૂર કરી આપી.

અહીં ૧૯૭૪-૧૯૭૯ના એ ગાળાની વિગતે ચર્ચા કરવાનો ખયાલ નથી. માત્ર, જેપી આંદોલન અને વર્તમાન આંદોલન બેઉને સાથે મૂકી આપી એમની વચ્ચેના ભેદમાં રહેલી નવશક્યતાઓને સમજવાનો ખયાલ જરૂર છે. જેપી આંદોલનમાં જેમ નવી રાજનીતિના સંકેતો હતા- અને હતા જ – તેમ એક પ્રકારે પથસંસ્કરણ નીયે પ્રક્રિયા એ હતી. ઈંદિરા ગાંધીના એકાધિકારવાદનો વિરોધ પોતાને સ્થાને બરાબર હતો, બરકરાર હતો. પણ સ્વરાજનો જે વિમર્શ સ્વાતંત્ર્યસંગ્રામ દરમિયાન ઉભર્યો, ગાંધીનહેરુપટેલની સ્વરાજત્રિપુટીના શાસનમાં જેનો સ્વીકાર પડેલો હતો અને ભગતસિંહ-સુભાષ સરખી સ્વાતંત્ર્યપૂર્વ ધારાઓ તેમ જેપી-લોહિયા-કૃપાલાણીના સ્વરાજ પછીનાં કૉંગ્રેસબાહ્ય સંચલનો, સર્વમાં જે વાનાં સર્વસામાન્ય પડેલાં હતાં તે દેશના બિનસંપ્રદાયિક-સર્વધર્મસમભાવી સ્વરૂપના અને આર્થિક – સામાજિક ન્યાયનાં હતાં. ઈંદિરા ગાંધીએ એક તબક્કે આ એકંદર વિમર્શને ખોરવ્યો-ખોટકાવ્યો તે સંદર્ભમાં પ્રજાસૂય પ્રતિકાર વાટે પથસંસ્કરણ(કોર્સ કરેક્શન)ની જેપી ચેષ્ટા હતી.  સ્વરાજની લડતમાં રાષ્ટ્રનો ખયાલ કોઈ અમૂર્ત વિભાવના કે સંપ્રદાયવાદથી ઉફરાટે વિકસ્યો અને ‘પોલિટિક્સ એઝ પીપલ મેટર’ એ અભિગમનાં બીજ નખાયાં તેની જ તરજ પરનો તાનવિસ્તાર સમાજવાદ અને સર્વોદયની ધારાઓના એકત્રીકરણથી સંભવ્યો હતો. પરમહંસદેવની સર્વધર્મસાધના અને એમની ગાદીએ આવેલ વિવેકાનંદની દરિદ્રનારાયણની સંકલ્પનાએ દેશના ગાંધી-રાજકારણમાં સંપ્રદાયમુક્ત તેમ માનવ્યમંડિત રાષ્ટ્રના ખયાલને ઉપસાવ્યો. નહેરુપટેલનું શાસન હો કે લોહિયા-કૃપાલાણીનો પ્રતિપક્ષ અગર જેપીની લોકનીતિ એમાં આ વિમર્શની વ્યાપક સ્વીકૃતિ છાયાભેદે, ઝોકફેરે હતી તે હતી. ઇંદિરાઈ સામેની (તત્ત્વતઃ જો કે ‘પોલિટિક્સ ઍઝ પીપલ મૅટર’ માટેની) જેપીની લડાઈ આ સંદર્ભમાં પથસંસ્કરણ માટેની સવિશેષ હતી.

૨૦૧૪-૨૦૧૯માં રાષ્ટ્રીય સ્તરે જેની વિધિવત પ્રતિષ્ઠાનો સત્તામંડિત ખયાલ આપણી સામે આવ્યો તે સાવરકર અને ઉત્તર ઝીણાની ફ્રિક્‌વન્સી સાથે ગળથૂથીગત સંબંધ ધરાવતો હતો અને છે. એની સામેના આંદોલને પથસંસ્કરણ માત્રે નહીં અટકતાં લોકને સ્થાને ‘રાષ્ટ્ર’ ભણીના નવા વિમર્શનો જે વિચારજગન મંડાયો છે એના વિકલ્પે સ્વરાજધારાના અગ્રચરણનો વિમર્શ ઘૂંટવાનો છે. શાહીનબાગ છેડેથી દિલ્હીના અલગ અલગ સીમાડે ખડી થયેલ રાવટીઓ ‘રાષ્ટ્ર’ સરકારની હાટડીઓ સામેના જનવિકલ્પના ઝંડાબરદાર શી છે.

courtesy :Satish Acharya cartoon ; 09 February 2021

એમાં કોઈ જેપી-લોહિયા-કૃપાલાણી દેખીતા હાજર ન હોય પણ એમની હાજરી અને સામેલગીરી ‘ઑક્યુપાય વૉલસ્ટ્રીટ’ની સ્વૈચ્છિક ગિશ્ત છાવણીઓ પરના પેલા ગાંધીકાર્ટૂન શી રૂબરૂ છે કે ‘એ જો હોત તો અહીં જ હોત.’ જેમને કારણે ભારત સહિત વિશ્વમાનવતા સમસ્તની આ નવપ્રસ્થાનયાત્રા સંભવી છે તે મંડળીને બીજો કોઈ વિકલ્પ ન જણાય તો લોકાયની તરીકે જરૂર ઓળખાવી શકીએ. સ્થાપિત વાદો અને તેની આસપાસનાં સરકારસંધાનો(જેમ કે એક કાળનાં રશિયા / અમેરિકા)માં ગંઠાયા વિના નવી ને ન્યાયી દુનિયા માટેની લોકકેન્દ્રી જદ્દોજહદને વરેલી આ જમાત છે. નવરચનાના સિપાહીઓ વચ્ચે અરુણ વૈતાલિક શી તો વૈતાલિકો વચ્ચે સિપાહી શી બૌદ્ધિક કર્મશીલો કે કર્મશીલ બૌદ્ધિકોની આ મંડળી છે. પોતે જે કેડરમાંથી આવી ચાવીરૂપ સંગઠનાત્મક શૈલીએ આંદોલનમાં પડ્યા (અને લાભ્યા) એના કરતાં આ જે એક ન્યારી મંડળી ઊભરી રહી છે એને માટે કદરબૂજની ઈન્દ્રિય હાલના સત્તા-પ્રતિષ્ઠાન કને જણાતી નથી. માત્ર, એની હાંસી કરી શકાય એ પ્રકારે ગ્રંથિમોક્ષની ચેષ્ટા એમની કને હોય તો હોય. ‘આંદોલનજીવી’ સંજ્ઞા એમાંથી આવેલી છે.

ઇંદિરા ગાંધીને સઘળે સી.આાઈ.એ.નાં દર્શન થતાં હતાં ત્યારે એકવાર પિલુ મોદી એમના શ્વાનરત્નને ‘હું સી.આઈ.એ. એજન્ટ છું’ એવો ગલપટ્ટો પહેરાવી સહેલગાહે નીકળ્યા હતા. પણ અબી હાલની મરોડમાસ્તરીની પૂંઠે રહેલી માનસિકતા એટલી સહેલાઈથી હસી કાઢી શકાય એમ નથી. નવા વિમર્શની ફાટતી પ્હો ભીતભ્રાન્ત દિલોદિમાગની પહોંચ બહાર છે તે છે. સત્તા-પ્રતિષ્ઠાન ‘રાજનીતિ નહીં પણ રાષ્ટ્રનીતિ’ પ્રકારની તર્કાતર્કી કરે છે. જેવી કહેશે, ભલાભાઈ, પ્રશ્ન રાજનીતિથી લોકનીતિનો છે … એલિમેન્ટરી, માય ડિયર વૉટ્‌સન!

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ફેબ્રુઆરી 2021; પૃ. 01-02


Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

શ્રેણીઓ