Posted by: bazmewafa | 02/10/2010

સૂફી પરંપરા અનુપ્રાણિત ગુજરાતી સંત સાહિત્ય—પ્રોફ.મહેબૂબ દેસાઈ(સાહિત્ય અકાદમી, મુંબઈ દ્વારા સોમનાથ (પ્રભાસ -પાટણ) મુકામે ૩૦,૩૧ -૧-૨૦૧૦ના રોજ આયોજિત રાષ્ટ્રીય પરિસંવાદ ” ગુજરાતી સંત સાહિત્ય: મૂળ અને કુળ”માં “સૂફી પરંપરા અનુપ્રાણિત ગુજરાતી સંત સાહિત્ય” વિષયક શોધપત્ર રજુ કરતા પ્રોફે. મહેબૂબ દેસાઈ.બીજી તસ્વીરમાં ડાબેથી ડો. બળવંત જાની,ડો. દલપત પઢીયાર, ડો.ત્રિવેદી , ડો મહેબૂબ દેસાઈ અને ડો.રોહિત અમ્બદાડીયા દ્રષ્ટિમાન થાય છે.)

સૂફી પરંપરા અનુપ્રાણિત ગુજરાતી સંત સાહિત્ય—પ્રોફ.મહેબૂબ દેસાઈ

૧. સૂફીવાદનો ઉદભવ :

સૂફીવાદના ઉદભવના પાયામાં ઇસ્લામનો માનવતાવાદી દ્રષ્ટિકોણ દટાયેલો પડ્યો છે.તેની સાક્ષી પુરતી સમજ એન્સાઈક્લોપિડિયા બ્રિટાનિકામાં આપવામાં આવી છે.તેમાં સૂફીવાદ અંગે લખ્યું છે,”એક આધ્યત્મિક ઇસ્લામિક પંથ અને ઉપાસના પદ્ધતિ, જેમાં ખુદા અંગે પ્રત્યક્ષ અને વ્યક્તિકગત અનુભવોના માધ્યમ દ્વારા અલોકિક પ્રેમ અને જ્ઞાનનું સત્ય જાણવાનો પ્રયાસ થાય છે.”ઇસ્લામના આ આધ્યાત્મિકવાદને અરબી ભાષામાં “તસવ્વુફ” અને ફારસીમાં “સૂફી” કહે છે. “તસવ્વુફ” એટલે ઉનનું વસ્ત્ર પહેરનાર. “સૂફી” શબ્દનો અર્થ પણ “સૂફ” એટલે ઉન પરથી આવ્યો છે. સૂફી સંતો મોટે ભાગે ઉનનું વસ્ત્ર કે ચોગો પહેરતા હતા.એ પરથી તેમની વિચારધારાને સૂફીવાદ કહેવાનો આરંભ થયો હશે,એમ મોટે ભાગે માનવામાં આવે છે. પણ માત્ર પોષકને કોઈ વિચારધારાની ઓળખ ગણાવી, તેનું નામાભિધાન કે અર્થઘટન કરવું યોગ્ય નથી.
સૂફી શબ્દની ઉત્પત્તિ અંગે સૂફી સંતોના જીવન પ્રસંગોને અસરકારક શૈલીમાં આલેખતા ફારસી ગ્રન્થ “તઝકીર્તુલ ઓલિયા”ની પ્રસ્તાવનામાં લખ્યું છે,“ ‘સૂફ’ ફારસી ભાષાનો શબ્દ છે. ફારસીમાં હકીમ અને દાનીશ્વરોને ફિલસૂફ કહેવામાં આવે છે. ફિલ એટલે મુહીબ અર્થાત મહોબ્બત કરનાર. અને સૂફ એટલે દાનીશ-હિકમતથી મહોબ્બત કરનાર. એ અર્થમાં એકાગ્ર ચિત્તે ખુદાની મહોબ્બત કરનાર એટલે સૂફી.”

એજ રીતે “સૂફી”માટે અરબીમાં “તસવ્વુફ” શબ્દ વપરાયો છે. અલ્લામાં ઈબ્ન મલ્દુન તેનો અર્થ સ્પષ્ટ કરતા લખે છે,

“ ‘તસવ્વુફ’ એટલે ઈબાદત (ભક્તિ)માં પાબંદ (એકાગ્ર) રહેવું. દુનિયાના સુખચેનથી,ધનદોલતથી મુક્ત થઈ માત્ર ખુદાની એકાગ્રચિત્તે ઈબાદત કરવી.”

“સૂફ” અને “તસવ્વુફ” શબ્દના ઉપરોક્ત અર્થઘટનો સૂફીના આધ્યાત્મિક પાસાને ઉજાગર કરે છે. ઊનનું વસ્ત્ર ધારણ કરનાર સૂફી, એવું શાબ્દિક અર્થઘટન ભલે સૌ સ્વીકારતા હોય, પણ તે સૂફી સંતોના સાચા કાર્યોને વ્યક્ત કરતું નથી.સૂફી શબ્દના આધ્યાત્મિક અર્થઘટન સુધી સીમિત ન રહેતા,સૂફી પરંપરાના મૂળ સુધી પહોંચવું જરૂરી છે.

ઇસ્લામનો ઈતિહાસ તપાસતા સૂફી પરંપરાના મૂળ ઇસ્લામની સૌથી જાણીતી અને જૂની મસ્જિત-એ-નબવી સુધી દટાયેલા જોવા મળે છે. ઇસ્લામના અંતિમ પયગમ્બર હઝરત મહંમદ સાહેબે મદીનામાં પોતાના હાથે ઇસ્લામની બીજી “મસ્જિત-એ-નબવી”નું સર્જન કર્યું હતું. એ મસ્જિતના એક ખૂણામાં એક છતનો ચબુતરો તેમણે બનાવ્યો હતો. આ ચબુતરો એવા લોકો માટે હતો જેવો ઘરબાર વગરના દરવેશો કે ફકીરો હતા.આવા ફકીરો ત્યાં એકઠા થતા અને ઈલ્મ અને ઇસ્લામના સિદ્ધાંતોની છણાવટ કરતા.આ ચબુતરાને ઇસ્લામી ઇતિહાસમાં ” સુફ્ફ્હ ખંડ ” કહેવામાં આવે છે. આ ” સુફ્ફ્હ ખંડ ” અંગે સીરતે સરકારે મદીના (મહંમદ સાહેબનું જીવન ચરિત્ર )માં કહ્યું છે,

” કેટલાક મુસલમાન બનનાર અગાઉથી ઘરબાર વગરના હતા.કેટલાક બહારથી
આવીને ઇસ્લામ સ્વીકારીયા બાદ,
ઈલમ-એ-દિન શીખવા મદીનામાં રોકાય ગયા હતા.તેઓના ઉતારા માટે કોઈ
જગ્યા ન હતી. આવા ફકીરો ,દરવેશો માટે આ ચબુતરો નેમત (આશીર્વાદ)રૂપ હતો.1

૨. ભારતના સૂફી સંતો અને તેમનો પ્રભાવ

ભારતમાં સૂફી વિચારનો પ્રચાર મુઘલકાળ (૧૫૨૬-૧૭૦૭) દરમ્યાન થયાનું મનાય છે. જો કે તુર્ક-અફઘાન શાશનકાળ (૧૨૦૬-૧૫૨૬)માં પણ સૂફી વિચારધારાને મોકળું મેદાન મળ્યું હતું. પ્રસિદ્ધ સૂફી સંત મીર અબ્દુલ વહીદ મીલ્ગ્રામીએ “હકીકી હિન્દ”નામક સૂફી ગ્રન્થ ઈ.સ. ૧૫૨૬મા લખ્યો હતો. આ પછી સૂફી માન્યતાઓ ,વિચારો અને વ્યવહારોનો ઉત્તરોત્તર વિકાસ થતો ગયો. આ જ અરસામાં સૂફીવાદની “વહ્દ – અલ – વજૂદ” વિચારધારા ભારતમાં પ્રસરી. વહ્દ-અલ વજૂદ એટલે જીવની એકતા. આ વિચારનો મુખ્ય ઉદેશ જીવ કે આત્માની એકતા હતો. દરેક શરીર એક આત્માનું નિવાસ છે. અને આત્મ નાશ પામતો નથી. આત્મા એજ ખુદાનું ઘર છે. આ વિચારધારા સામે સૂફીવાદની નકશબંદી શાખાએ “વહ્દ-અલ-શૂહુદ” અર્થાત “વિચારની એકતા”ને પ્રાધાન્ય આપ્યું. આત્મા ખુદા છે. પણ તેના વિચાર -આચાર અને ગતી મહત્વના છે. આ વિચારને સૂફી સંત સરેહિન્દ શેખ અહેમદ (૧૫૬૪-૧૬૨૪)એ ભારતમાં પ્રસરાવ્યો. તેમણે લખેલ ગ્રંથો “રિસાલે તહલીલીયા” અને “રિસાલે ફી ઈત્હાત અલ નબુવ્વ્ત”એ સૂફી વિચાને સ્પષ્ટ અને અસરકારક રીતે રજુ કર્યો.
૧૮મી સદીમાં દિલ્હીના સૂફી સંત શાહવલી અલ્લાહે આ બંને સૂફી વિચારધારાઓ વચ્ચે સમજુતી સાધવાનો પ્રયાસ કર્યો. તેમણે કુરાન-એ-શરીફનો મુઘલ ભારતની રાજભાષા ફારસીમાં અનુવાદ કર્યો. આ જ અરસામાં મીર દર્દ જેવા ઉર્દુ શાયરોએ “ઈશ્ક-એ-મિજાજી” (માનવ પ્રેમ)ના સ્થાને “ઈશ્ક-એ-ઇલાહી”ને કેન્દ્રમાં રાખી શાયરીઓની રચના કરી, સૂફીવાદને પ્રજા સુધી પહોંચાડયો.
ઈ.સ.૧૧૮૮મા મુલતાન શહેર નજીક કોઠાવાલ ગામમાં જન્મેલ સૂફી સંત ફરીદે ભારતમાં સૂફી પરંપરામાં નોંધ પાત્ર ફાળો આપ્યો. બાબા ફરીદના ઉપદેશાત્મક કથનોમાં જીવનની સરળ ફિલસુફી સમાયેલી હતી.તેમના ગ્રન્થ “સીઅરુલ ઓલિયા”એ યુગમાં લોકોને ઘેલું લગાડ્યું હતું. તેમના સૂફી વિચારો સરળ અને જીવન મુલ્યોને સાકાર કરતા હતા. જેમકે,

“શરીરની માંગો પુરી ના કરો. કારણકે તેનું મો બહુ મોટું છે.”

“મૃત્યુને ક્યારેય, ક્યાય ન ભૂલશો”

બાબા ફરીદના આવા સરળ વિચારોએ એ યુગના સાહિત્ય પર ઘાટી અસર કરી હતી. શીખ ધર્મના ધર્મગ્રન્થ “ગુરુગ્રન્થ સાહિબ”માં બાબા ફરીદની વાણી પાંચમાં ગુરુ અર્જુનદેવે અક્ષરશઃ મૂકી. “ગુરુગ્રન્થ સાહિબ”માં ફરીદ વાણીના ૧૨૨ શ્લોકો અને ચાર પદો સમાવિષ્ટ થયા છે. ગુરુ નાનક (ઈ.સ.૧૪૬૯-૧૫૩૯) અને બાબા ફરીદ(ઈ.સ. ૧૧૮૮-૧૨૮૦)વચ્ચે બે ત્રણ શતાબ્દીનું અંતર હોવા છતાં ગુરુ નાનકે “ગુરુગ્રન્થ સાહિબ”માં મુકાયેલ ફરીદવાણી ના એક પણ શબ્દમાં ફેરફાર નથી કર્યો. એ જ બાબત ઇસ્લામ અને સૂફી સંતોના યુગોના પ્રભાવને વ્યક્ત કરે છે.
ફરીદ બાબાના શિષ્ય નીઝામુદ્દીન ઓલિયાએ પણ એ પછી સૂફી પરંપરાને ભારતમાં જીવંત રાખવામાં નોંધપાત્ર પ્રદાન આપ્યું હતું.એ પછીતો સૂફી સંતોની મોટી હારમાળા ભારતના જનજીવન પર પ્રસરી ગઈ હતી. સંત જોજન (૧૫૦૪),કુત્બન (૧૪૯૪), મલિક મોહંમદ જાયસી (૧૪૬૪-૧૫૪૨),ઉસ્માન (૧૬૧૪),રહીમ(૧૬૨૭),નુર મહંમદ (૧૭૪૫) અબ્દુલ કુન્દુસ ગંગોહી (૧૪૫૬-૧૫૩૭), સૂફી સંત નાઝીર (મૃ. ૧૮૨૧), સંત સચલ (૧૭૩૯-૧૮૨૭) અબ્દુલ લતીફ શાહ (૧૬૮૯-૧૭૫૨), બુલ્લેશાહ (૧૬૮૦-૧૭૫૭) જેવા સંતો સૂફીવાદના પાયાના પથ્થર બની રહ્યા 2.
કબીર (૧૫૧૮),દાદુ દયાલ (૧૫૭૭), યારી સાહેબ (૧૫૫૬) અને દરિયા સાહેબ (૧૫૭૭)જેવા સૂફીઓને આઝાદ સૂફીઓ કહેવામાં આવે છે. આ સંતો ઇસ્લામ કે સૂફીવાદના કોઈ સંપ્રદાય સાથે જોડાયા ન હતા. છતાં તેમના સાહિત્યમાં સૂફી પરંપરાના ધબકારા મહેસૂસ થાય છે. કબીર લખે છે,

“પ્રેમભાવ એક ચાહિયે ,ભેશ અનેક બનાય
ચાહે ઘરમે બસ કરે ,ચાહે બન કો જાય “3.

એજ લયમાં યારી સાહેબ કહે છે,

“બિન બંદગી ઇસ આલમ મૈ,
ખાના તુઝે હરામ હૈ રે
બંદા કરે સાઈ બંદગી
ખિદમત મૈ આઠો જામ હૈ રે ”

આમ ભારતના સાંસ્કૃતિક અને સાહિત્યક માહોલમાં સૂફી વિચારધારા સુગંધની જેમ પ્રસરતી ગઈ હતી.

3. ગુજરાતના સૂફી સંતો અને તેમનું ગુજરાતી સંત સાહિત્યમાં પ્રદાન

3.૧. ભાષા સમૃદ્ધિ

ભારતના મધ્યકાલિન મુસ્લિમ શાસકોના પાંચસો વર્ષના શાસન (૧૨૦૬-૧૫૨૬)દરમિયાન ગુજરાતના સુલતાનોએ પણ સૂફી સંતોને રાજ્યાશ્રય આપ્યો હતો. આ સંતોના જીવન કવનનો અભ્યાસ કરતા તેમની કેટલીક વિશિષ્ટતાઓ જાણવા મળે છે. જેમ કે ,

૧. તેઓનું જીવન સાદગી પૂર્ણ હતું.
૨. તેઓ શુદ્ધ ચરિત્રના માલિક હતા.
૩. તેમના વિચાર અને આચારમાં ભેદ ન હતો.
૪. સામાજિક-ધાર્મિક ભેદભાવથી પર હતા.
૫. હંમેશા ઈબાદત (ભક્તિ)માં લીન રહેતા.
૬. નિ:સ્વાર્થી અને પરોપકારી હતા.
૭. દરેક ધર્મ અને સંપ્રદાયને માન આપતા.

તેના સારા વિચારોને સ્વીકારતા 4.

સૂફી સંતોના આ લક્ષણોએ ગુજરાતના સંત સાહિત્યના સર્જન અને પ્રસારમાં માં મહત્વનો ભાગ ભજવ્યો છે. હિંદુ-મુસ્લિમ બન્નેના સંત સાહિત્યમાં તેની સ્પષ્ટ અસર જોવા મળે છે. એ યુગમાં ગુજરાતના મુખ્ય સૂફી સંતોમાં શેખ ખત્તું ગંજબક્ષ (૧૩૩૭-૧૪૪૫), સૈયદ બુરાહુદ્દીન અબુ મુહમ્મદ બુખારી ઉર્ફ કુતુબેઆલમ (મૃ.૧૪૫૨), શેખ મહમુદ ઈરજી (મૃ.૧૪૫૮), સૈયદ મુહંમદ શાહેઆલમ (૧૪૧૫-૧૪૭૭), સૈયદ અહેમદ શાહ જહાન શાહ (મૃ.૧૫૯૪), શેખ જમાંલીદ્દીન અત્તા મોહંમદ (મૃ.૧૫૭૮),પીર મોહંમદ શાહ, હઝરત ઉસ્માન અને હઝરત મહેમુદ શાહ બુખારીનો સમાવેશ કરી શકાય. જયારે અર્વાચીન યુગમાં પણ સૂફી સંતોના પ્રભાવનો સિલસિલો યથાવત રહ્યો છે. એ સંતોમાં દાસ સત્તાર શાહ ચિસ્તી , હઝરત અશરફખાન અને હઝરત બદરુદ્દીન જેવા સંતોનો સમાવેશ કરી શકાય.
આ તમામ સૂફી સંતો પોતાની સાથે સાદગી ,ભક્તિમય જીવન કે ઉદાર ધાર્મિક વિચારો માત્ર નહોતા લાવ્યા. પણ ગઝલ, રૂબાઈ, નાત અને કવ્વાલી જેવી લેખન શૈલી પણ લાવ્યા હતા. પરિણામે છેક ૧૫મી સદીથી ગુજરાતી સંત સાહિત્યનું કલેવર બદલવા લાગ્યું હતું. અરબી-ફારસી સાહિત્યના પરિચયને કારણે વ્યવહારની ભાષામાં સેંકડો અરબી-ફારસી શબ્દોનો પ્રવેશ થયો હતો. સમય જતાં એ શબ્દો ગુજરાતી ભાષાના પોતીકા શબ્દો બની ગયા.આવા રોજબરોજના વ્યવહારમાં વપરાતા અનેક શબ્દો મધ્યકાલિન અભિલેખો,ખતપત્રો અને અર્વાચીન ગદ્ય-પદ્ય ગુજરાતી સંત સાહિત્યમાં આજે પણ જોવા મળે છે.5. ગુજરાતના
જાણીતા ભક્તિ સાહિત્યના રચયતા અખો, નરસિંહ મહેતા, મીરાંબાઈ, દયારામ, પ્રીતમદાસ વગેરેની ભક્તિ રચનાઓ અરબી-ફારસી શબ્દોથી શણગારેલી જોવા મળે છે. ગુજરાતી સાહિત્યનો ચોટદાર વ્યંગકાર અખો ગુજરાતના સલ્તનત યુગમાં જ થઈ ગયો. તેની રચનાઓમાં ફારસી શબ્દોનો અસરકારક ઉપયોગ થયેલો જોવા મળે છે.

“ગેબી’ નિપજ થઈ પિડ તણી,
ત્યારે તું ત્યાં નોતો ધણી ”

ફારસી ભાષાના ગેબ (ન દેખાય એવી વસ્તુ) શબ્દપરથી ગુજરાતીમાં રૂઢ થયેલો ગેબી શબ્દ આપણી અભિવ્યક્તિમાં પોતીકો બની ગયો છે. લોક સાહિત્યના પ્રખર સંશોધક ઝવેરચંદ મેઘાણી પણ યુગવંદના (પૃ ૩૯)માં લખે છે,

“ગેબી, હિમ, અગાધ ઊંડાણ
ત્યાં યે આજે આગ લાગી છે
ધૂંવાધાર તોપ દાગી છે.”

એ જ રીતે મીરાંબાઈ (૧૪૫૦-૧૫૪૭) લખે છે,

“વિષનો પ્યાલો રાણે મોકલ્યો રે,
દે જો મીરાંને હાથ
અમૃત બની મીરાં પી ગયા
જેને સહાય શ્રીવિશ્વની નાથ”

પ્યાલા’ શબ્દનું મૂળ ફારસીમાં છે. જેના પરથી ગુજરાતીમાં પ્યાલી,પ્યાલો કે પવાલું શબ્દ આવ્યો છે.6 મધ્યયુગના પ્રસિદ્ધ ભક્તિ સાહિત્યના સર્જક પ્રીતમદાસ (સંવત ૧૭૮૦-૧૮૫૪) ના કાવ્યોમાં પ્રભુપ્રેમની પરાકાષ્ટા જોવા મળે છે.

“જીભલડી રે તું હરી ગુણ ગાતા,
આવડું આળસ ક્યાંથી રે”
“હરીનો મારગ છે શુરા નો
નહીં કાયરનું કામ જોને ”

જેવા ભક્તિ ગીતોના સર્જક કવિ પ્રીતમે પણ પોતાના કાવ્યમાં ફારસી શબ્દોને સ્થાન આપ્યું છે

“તીરે ઉભો જુવે ‘તમાશો’
તે કોડી નવ પામે જોને”

અહીં વપરાએલ શબ્દ “તમાશો” (ખેલ-ફજેતી-જોણું) ફારસી-ઉર્દુ ભાષાની દેન છે. આપણી બહું જાણીતી કહેવતમાં “તમાશો” શબ્દ એવી રીતે ગોઠવાય ગયો છે,જાણે તે આપણો જ ન હોઈ. 7.
“તમાશાને તેડું ન હોઈ”
એમ જયારે આપણે બોલીએ છીએ ત્યારે તેના મૂળ છેક મધ્યકાલિન ગુજરાતમાં પડ્યા છે તેની આપણને કલ્પના સુધ્ધાં નથી હોતી.

ટૂંકમાં, ઇસ્લામના સૂફી સંતોએ ગુજરાતી સંત સાહિત્યને એક નવો શબ્દ ભંડોળ આપ્યો હતો. આજે પણ એ શબ્દો આપણા સાહિત્યના અવિભાજ્ય અંગ બની ગયા છે.

3.૨ સાહિત્ય લેખન પર સૂફી વિચારધારાનો પ્રભાવ

ઇસ્લામના સૂફી સંતોના આગમનથી ગુજરાતી સાહિત્યનો શબ્દભંડોળ તો સમૃદ્ધ થયો, પણ તેની સાથે સાહિત્યની લેખન શૈલી ઉપર પણ મોટી અસર થઈ. મધ્યકાલિન ગુજરાતમાં ગુજરાતી સાહિત્ય મોટે ભાગે માનવ પ્રેમને કેન્દ્રમાં રાખી રચ્યું હતું. જેને સાહિત્યની ભાષામાં “ઈશ્ક-એ-મિજાજી” કહે છે. જેમાં માનવપ્રેમ, શૃંગાર અને કુદરતી સોંદર્ય કેન્દ્રમાં હોઈ છે.પણ સૂફી સંતોના આગમન અને વૈચારિક સમાગમ પછી માનવ પ્રેમના સ્થાને ઈશ્વર-ખુદાના પ્રેમને કેન્દ્રમાં રાખી ગુજરાતી સંત સાહિત્ય રચવા લાગ્યું.જેને “ઈશ્ક-એ-ઇલાહી” કે “ઈશ્ક-એ-અકીકી” કહે છે. વ્યંગકાર અખો પણ એના પ્રભાવથી મુક્ત નથી રહી શક્યો.

“અખા! ખુદ કો મત મારે
મારા ખુદી મિલે ખુદા ”

મીરાંના ભક્તિ પદોમાં પણ સૂફી પરંપરાના લક્ષણો દેખાય છે. સૂફી સાહિત્ય પ્રકૃતિ વર્ણનથી પર છે. મીરાંના પદોમા પણ પ્રકૃતિ વર્ણનનો સંપૂર્ણ અભાવ છે. વળી, સૂફી પરંપરામાં ખુદાની ઈબાદત કેન્દ્રમાં હોઈ છે. મીરાં પણ માત્ર કૃષ્ણ ભક્તિમાં રત હતા. સૂફીઓ જેમ ખુદાના “જીક્ર”માટે ગીત -સંગીતને માધ્યમ બનાવે છે. તેમ જ મીરાં પણ ગીત સંગીત દ્વારા કૃષ્ણની ભક્તિમાં પોતાનું તન-મન ઓગળી નાખે છે. મધ્યયુગના ગુજરાતી સંતોમાં મીરાં અગ્ર છે. તેના પદો અને ભક્તિની પદ્ધતિ સૂફી વિચારધારાની નજીક લાગે છે. સંભવ છે મીરાંની કૃષ્ણ ભક્તિમાં ક્યાંક મધ્યયુગની બહુ પ્રચલિત ઇસ્લામની સૂફી ઈબાદત પદ્ધતિ અને તેના સાહિત્યની છાંટ હોઈ?
અલબત્ત ખુદા-ઈશ્વરના પ્રેમને કેન્દ્રમાં રાખી રચાયેલ ગદ્ય અને પદ્ય સાહિત્ય મધ્ય યુગમાં તૂરત લોકભોગ્ય બન્યું ન હતું. પણ જેમ જેમ સૂફી સંતો પ્રજામાં પ્રસરતા ગયા,તેમ તેમ સૂફી વિચારધારા ગુજરાતી ભાષામાં વિસ્તરતી ગઈ. આ પ્રક્રિયા સમય માંગીલે તેવી હતી.કારણકે સૂફી સંતોની “માદરે જબાન” અર્થાત માતૃભાષા ફારસી કે અરબી હતી.આમ છતાં સૂફી વિચારધારાના પ્રચાર-પ્રસાર અર્થે સૂફી સંતો ગુજરાતી ભાષા શીખ્યા. અને “ઇશ્ક-એ-ઇલાહી”ના વિચારને ગુજરાતી ભાષામાં લોકભોગ્ય બનાવ્યો. ઈસુની દસમી સદીથી સૂફી પરંપરાના વિવિધ સિલસિલઓં ગુજરાતમાં પ્રસરવા લાગ્યા હતા. જેમાં મુખ્યત્વે ચિશ્તીયા અને કદારીયા સિલસિલા ગુજરાતમાં જોવા મળે છે. ચિશ્તીયા સિલસિલાના સૂફી સંત પીર કાયમદ્દીન (૧૬૯૦-૧૭૬૮)અને તેના શિષ્યોનો ગુજરાતના સંત સાહિત્યના સર્જનમાં ઘાટો ફાળો છે. પીર કાયમદ્દીન ચિશ્તીએ બે ગ્રંથો લખ્યા છે. “નૂર-એ-રોશન” અને “દિલ-એ-રોશન”. આ ગ્રંથો ઉર્દુ-હિન્દી-ગુજરાતી મિશ્ર ભાષામાં લખાયા છે. વેદાંત અને કુરાનના વિચારોનો તુલનાત્મક અભ્યાસ આ ગ્રંથોના કેન્દ્રમાં છે. ઈ.સ.૧૭૦૦મા લખાયેલ આ ગ્રંથોનો અનુવાદ ૧૭૫૫- ૫૬મા તેમના શિષ્ય ભગત સુલેમાન મહંમદએ કર્યો હતો.તેની એક રચના માણવા જેવી છે.

“ચરણે સતગુરુને રમિયે, ઝીણા થઈ મુરશ્દને નમિયે
ત્યારેતો અલખ ધણીને નમિયે
સુરતા સુનમાંહીં લાગી, વાંસળી અગમમાં વાગી,
ખુમારી પ્રેમ તણી જાગી”

ગુજરાતી સંત સાહિત્યમાં રચતા પદોમાં શબ્દો સાથે સૂફી વિચારની પણ આગવી શૈલી વિકસતી ચાલી.સૂફી સંતોના શિષ્યો કે મુરીદોએ ગુજરાતના ગામડે ગામડે ભજન , ગીતો , અને રુબાયો દ્વારા ગુજરાતી સંત સાહિત્યને સમૃદ્ધિ બક્ષી. એક માત્ર ચિસ્તીયા પરંપરાના સંત કાયમદ્દીનની જ વાત કરીયેતો તેમના શિષ્યો ગુજરાતના દરેક પ્રદેશમાં પ્રસરી ગયા હતા.ભરૂચ જીલ્લાના જંબુસર તાલુકાના સરોદ ગામના વતની સુલેમાન ભગત (ઈ.સ.૧૬૯૯) અને જીવણ મસ્તાન (ઈ.સ.૧૭૦૦)ની રચનાઓ ગામે ગામ ગવાતી હતી.જીવણ મસ્તાન લખે છે,

“ઇશ્વરતો છે સોનો સરખો રે, એને નથી કોઈ ભેદ
રોકી શકે એને નહી કોઈ જોઈ લો ચારે વેદ
ખોળિયાને ભુલાવે રે ઉભું થયું એવું ભાન છે
સજનો ક્સાઈ, સુપચ ભંગી, રોહીતદાસ ચમાર
એવા લોકો મોટા ગણાય , એ ભક્તિનો સાર”

એજ રીતે વડોદરા જીલ્લાના કરજણ તાલુકાના પાછીયાપુરા ગામના રહેવાસી અને પાટીદાર જ્ઞાતિના રતનબા (ઈ.સ.૧૭૦૦)અભણ હોવા છતાં તેમના ભજનોએ એ યુગમાં લોકોને ઘેલું લગાડ્યું હતું.

“પ્યાલો મેં તો પીધો રે કાયમદ્દીન પીરનો રેજી
પીતાં હું તો થઈ ગય ગુલતાન
લહેર મને આવે રે અંતરથી ઉછળી રે જી
ટળ્યા મારા દેહી તણાં અભિમાન ”

ગામડે ગામડે પ્રસરેલ આવા સૂફી સંતોની મોટી હારમાળા મધ્યયુગમાં જોવા મળે છે. ઉમરબાવા (૧૮મી સદી પૂર્વે), સુલેમાન ભગત, પુજાબાવા, નબીમીયા,અભરામબાવા જેવા અનેક સૂફી સંતોએ ગુજરાતી સંત સાહિત્યને લોક કાંઠે રમતું કર્યું હતું. 8.
અર્વાચીન યુગમાં પણ સંત સાહિત્યની આ પરંપરા અવિરત પણે ચાલુ રહી હતી.તેનું ઉત્તમ દ્રષ્ટાંત દાસ સત્તાર શાહ ચિસ્તી( ૧૮૯૨-૧૯૬૨) છે. નાંદોદમાં જન્મેલા સત્તાર શાહ ચિસ્તીના ગીતો, ભજનો અને દ્રષ્ટાંત કથાઓ ગુજરાત સૌરાષ્ટ્રના તળ પ્રદેશોમાં આજે પણ ભક્તિ ભાવથી ગવાય છે. અફઘાનિસ્તાનના વતની હોવા છતાં ગુજરાતમાં આવી વસેલા અને જાત મહેનતથી ગુજરાતી શીખેલા સત્તાર શાહ હિંદુઓમાં દાસ સત્તાર શાહ તરીકે ઓળખાતા.જયારે મુસ્લિમોમાં સત્તાર શાહ ચિસ્તી તરીખે પ્રસિદ્ધ હતા.સૂફી સંપ્રદાયની ચિસ્તીયા પરંપરાના હિમાયતી સત્તાર શાહના કોમી એકતાને વાચા આપતા ભજનો આજે પણ લોક જીભે રમે છે.

“કોઈ બ્રાહ્મણ કોઈ વાણીયો
કોઈ સૈયદ કોઈ શેખ
જ્ઞાન કરીને જોઈ લો
ભાઈ આત્મ સૌના એક ”

સૂફી પરંપરા મુજબ ગુરુના શરણ વગર જ્ઞાન શક્ય નથી. એટલે સત્તાર શાહ પોતાના ગુરુ અનવર મિયાંને ઈ.સ.૧૯૧૨મા બાવીસ વર્ષની વયે વડોદરામાં મળ્યા. ત્યારે અનવર મિયાએ પોતાના હાથમાંના પ્યાલામાંથી કંઈક પીધું અને પછી તે સત્તારને પીવા કહ્યું. સત્તાર શાહ તે પી ગયા.પીધા પછી ખુદાના રંગમાં રંગાઈ ને તેઓ ગાઈ ઉઠ્યા,

“એવી પ્યાલી પીધી મેં તો
મારા સદગુરુના હાથે રે
પીતા મારે પ્રીત બંધાણી
મારા પ્રીતમજી સંગાથે ”9

સત્તાર શાહના ગુરુ અનવર મિયા પણ રહસ્યવાદી સૂફી રચનાઓમાં માહિર હતા. તેમના ભક્તિ ગીતો પણ લોકો હોંશે હોંશે ગાતા.

“વ્હાલા પ્રેમ કટારી રે
મને શીદ મારી રે
લાગી લાગી છે હૈડાંની માંહ
ઘાયલ થઈ નારી રે ”

હિંદુ સૂફી સંત દિન દરવેશ કુંડલીયા પાલનપુર રાજ્યના એક ગામના નિવાસી હતા.૧૮મી સદીના મધ્યભાગમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સેનામાં સીપાય હતા.જાતે લુહાર પણ ખમીરવંતા.એક યુધ્ધમાં હાથ કપાય ગયો.તેથી નોકરી છોડી દીધી. સૂફી ફકીરો , ઓલીયાઓના સંગમાં રહેવા લાગ્યા. અને પાક્કા સૂફી બની ગયા. ગુજરાતમાં તેઓ દરવેશના નામે જાણીતા થયા.તેમણે પણ પોતાની ભક્તિ રચનાઓમાં હિંદુ-મુસ્લિમ એક્યને પ્રાધાન્ય આપ્યું છે.

“કુણ જ્યાદા કુણ કમ
કભી કરના નહી કજિયા
એક ભક્ત હો રામ
દુજા રહેમાન સો રજિયા ”

તેમણે ગુજરાતીમાં ” દિન પ્રકાશ ” અને “ભજન ભડાકા ” નામે બે પુસ્તકો લખ્યા હતા.જો કે આજે તે ઉપલબ્ધ નથી.પણ તેમની રચનાઓ આજે પણ ઉત્તર ગુજરાતના ગામડાઓમાં લોક જીભે જીવંત છે.10
એક અન્ય સૂફી સંત ગુજરાત અને ગુજરાત બહાર પ્રસિદ્ધ હતા. અશરફ ખાન (૧૮૮૦-૧૯૬૦).તેઓ નાટક અને ફિલ્મોના જાણીતા કલાકાર હતા. છતાં કાદવમાં કમળની જેમ તેઓ એ લપસણી દુનિયામાં રહ્યા.તેમના શિષ્યો તેમનો પડ્યો બોલ ઝીલતા.તેમના બે ગ્રંથો “અબ્રે ફયાઝ ” અને ” શમ્મ-એ-હિદાયત ” એ મુલ્યનિષ્ઠ ગુજરાતી સાહિત્યમાં નોંધપાત્ર ઉમેરણ કર્યું છે. તેમના તેમના શમ્મ-એ-હિદાયત ગ્રન્થનું ૧૯૭૪મા પ્રથમવાર પ્રકાશન થયું હતું.તેના કેટલાક સુવિચારો ગુજરાતી સાહિત્યમાં આજે પણ વિચારોની અભિવ્યક્તિનું ઉમદા માધ્યમ બને તેવા છે.

“ત્રાજવું તેના કાર્યમાં સોના અને શીશામાં ભેદ નથી કરતું.”

“ઇમાનનો દુશ્મન અસત્ય છે.
બુદ્ધિનો દુશ્મન ક્રોધ છે.
ઈજ્જતનો દુશ્મન ભીખ છે.
દોલતનો દુશ્મન બેઈમાની છે.”

મોંતથી ડરનાર કાયર છે “11.

૩.3. ભવાઈ સાહિત્ય પર સૂફી પરંપરાનો પ્રભાવ

ભવાઈ એ ગુજરાતની એવી નાટ્ય પરંપરા છે જે માત્ર પાઠ્યપ્રધાન નથી, પણ નૃત્ય, ગીત અને વાદ્ય પ્રધાન પણ છે. ભવાઈ એ અંબામાના ચાચરમાં થતું ભાવન છે. શક્તિની ઉપાસનાનો એક પ્રકાર છે. સામાન્ય રીતે ભવાઈ ગામના દેવસ્થાનના ચોગાન કે ચોરામાં રમાય છે. ભવાઈમાં માત્ર ધાર્મિક કે પોરાણિક કથા જ રજુ થતી નથી,પણ તત્કાલીન સમયના સામાજિક, ધાર્મિક, આર્થિક અને રાજકીય પ્રવાહોનું નિરૂપણ પણ થાય છે. મધ્યકાલિન યુગમાં સૂફી સંતોએ પોતાના વિચારોના પ્રસાર-પ્રચાર માટે ગુજરાતના ગામડાઓ ખુંદયા હતા. પરિણામે સૂફી વિચારો ગામડાની સંસ્કૃતિ અને સભ્યતા સુધી પહોંચ્યા હતા. ૧૩મી અને ૧૪મી સદી દરમિયાન રચાયેલા ભવાઈ વેશોમાં સૂફી પરંપરાનો ચોખ્ખો પ્રભાવ જોવા મળે છે. સાહિત્યના સન્દર્ભમાં જોઈએ તો “રેખતો” અને “ગઝલ”આ બન્ને સ્વરૂપો ફારસી ભાષાની ગુજરાતી સંત સાહિત્યને દેન છે. ગઝલ શબ્દથી તો આપણે પરિચિત છીએ. પણ રેખતો શબ્દનો પરિચય જરૂરી છે. રેખતો એટલે ગદ્યની એવી ભાષા જેમાં હિન્દી-ગુજરાતી-અરબી-ફારસીના શબ્દો, વિશેષણો અને પ્રતીકોનું મિશ્રણ હોઈ.તેને આધુનિક ઉર્દુનું પ્રારંભિક રૂપ પણ કહેવામાં આવે છે.12 ભવાઈના પદોમાં આ બન્ને સ્વરૂપો જોવા મળે છે. જેમકે “ઝંડા ઝૂલણ ” ના વેશમાં રેખતાનું એક ઉદાહરણ છે.

“નૈન તમરે તીર હૈ મોએ લગે કલેજે બીચ
કંકરી મેં કિયા હોત હૈ સુંદર કાએકુ ખીજ”

એજ રીતે ઝંડા ઝૂલણ વેશમાં જ એક ગઝલ છે.

“ભલાજી ભેદ પૂછા ખુબ અબ તું સબદ સુન મહેબૂબ
જો હૈ દીનકા તું દોસ્ત,મનમેં રાખીએ ન રોસ્ત”

“સબકા એક હૈ અલ્લાહ, ભલા મન હોયગા ભલા
જ્ઞાની સોઈ રહે ગંભીર, આડું અમર પીર કાફિર
જિનસે જીકર ન કીજે,દવા દરવેશ કી લીજે
ઓમ સબદ પૈચાન આદો, અગમકી ઓલખાન ”

આ ગઝલ માત્ર એક સાહિત્ય સ્વરૂપ તરીકે જ નહી, પણ ફીલસુફીની દ્રષ્ટીએ પણ મહત્વની છે. ક્રોધ વિનાનું મન, સાફ હ્રદય , જ્ઞાનનું મહત્વ ,ઈશ્વર-અલ્લાહ એક અને સૌથી મહત્વની બાબત અલ્લાહ અને ઓમને સાચા અર્થમાં ઓળખવાની વાત – આ તમામ બાબતો સૂફી પરંપરાનો જ આવિર્ભાવ છે.
અલ્લાહ જ જગતનો તારણહાર છે. મનુષ્યએ પોતાના “હું પદ” ને ઓગળી નાખી અલ્લાહ-ઈશ્વેરમાં લીન થઈ જવું જોયે. ઝંડા ઝૂલણમાં આ જ વિચારને વાચા આપતો એક દુહો છે.

“બંદા કહેતા મૈ કરું, કરનહાર કિરતાર
તેરા કહા સો ના હોવે, હોસી હોવાનહાર”13

ગુજરાતની ભવાઈ સંસ્કૃતિ અને સાહિત્ય પર સૂફી વિચારોના પ્રભાવની સાક્ષી પૂરતા આ દુહાઓ આજે પણ ઝંડા ઝૂલણના વેશમાં ગામે ગામ ગવાય છે, ભજવાય છે.

3.૪ ગુજરાતીમાં અનુવાદિત સૂફી સંત સાહિત્ય

છેક ૧૫મી સદીથી સૂફી સાહિત્યની મહેક ગુજરાતી ભાષામાં પ્રસરેલી છે. મધ્યકાલિન ગુજરાતમાં આરંભના કાળમાં સૂફી સાહિત્ય ફારસી ભાષામાં રચાયું હતું. એ પછી ધીમે ધીમે ફારસી-ગુજરાતી મિશ્રિત ભાષામાં લખવા લાગ્યું. એવું સાહિત્ય આમ ગુજરાતી પ્રજાને સમજવું મુશ્કેલ પડતું. પરિણામે તેના અનુવાદ કરવાનો સિલસિલો શરુ થયો. તેનું ઉત્તમ દ્રષ્ટાંત ગુજરાતના મોટા ગજાના સૂફી સંત પીર મોહંમદ શાહ (જન્મ ૧૬૮૮) છે. તેમણે અનેક સૂફી ગ્રંથો લખ્યા હતા.આજે પણ તેમના હસ્તલિખિત ગ્રંથોની કેટલીક પ્રતો પીર મોહંમદ શાહ ગ્રન્થાલય, અમદાવાદમાં ઉપલબ્ધ છે. તેમનો એક ગ્રન્થ “ઈશ્કુલ્લાહ” મધ્યયુગમાં કાફી લોકપ્રિય થયો હતો. ઉર્દુ-ગુજરીમાં લખાયેલો આ ગ્રન્થ છેલ્લા પાંચસો વર્ષોથી ગુજરાતમાં બોલાતી ઉર્દુ-ગુજરાતી મિશ્ર ભાષા પર આધરિત છે. ઉર્દુ-ગુજરાતી મિશ્ર ભાષાનો સંશોધનાત્મક અભ્યાસ કરવા ઈચ્છતા સંશોધકને તે આધારભૂત માહિતી પૂરી પાડે છે. ઈશ્કુલ્લાહનો શુદ્ધ અનુવાદ હઝરત પીર મોહંમદ શાહ ગ્રન્થાલય અને સંશોધન કેન્દ્ર, અમદાવાદ દ્વારા પ્રકાશિત થયો છે.”ઈશ્કુલ્લાહ”એટલે ખુદા કે ઈશ્વર પ્રત્યનો પ્રેમ.ખુદાનો પ્રેમ પ્રાપ્ત કરવા ખુદામા એકાકાર થવું પડે. એ માટેના માર્ગો “ઈશ્કુલ્લાહ”માં આપવામાં આવ્યા છે.
ગ્રન્થના સાતમાં સબક (ઉપદેશ)માં પીર મોહંમદ શાહ લખે છે,
“સાતમાં સબકનો બોધ સ્વચ્છ દ્રષ્ટિ છે. સ્વચ્છ દ્રષ્ટિ માટે જરૂરી છે. રુહા (આત્મા)ની શુદ્ધિ અને ખુદી (અહંકાર)નો ત્યાગ.માનવી આરસી સમાન છે.જો આરસી સાફ અને સ્વચ્છ હશે તો આપણો ચહેરો તેમાં સાફ દેખાશે. તેવી રીતે આપણું દિલ સાફ હશે તો તેમાં આપણે ખુદાને જોઈ શકીશું. ખુદી (અહંકાર) ત્યજવાથી ખુદાની પ્રાપ્તિ થાય છે.”
આવા ફારસી ગ્રંથોનો ખજાનો આજે પણ પીર મોહંમદ શાહ ગ્રંથાલયમાં સચવાયેલો પડ્યો છે. તેમાંના કેટલાક ગ્રંથો “મિરાતે અહેમદી” , મિરાતે સિક્ન્દરી” અને “તારીખ-એ-ઓલિયા-એ-ગુજરાત” નો અનુવાદ શ્રી રત્નમનીરાવ જોટે, મોલાના સૈયદ અબુ ઝફર નદવી અને ડો.છોટુભાઈ નાયક જેવા વિદ્વાનોએ કર્યો છે.

૪ તારતમ્ય :

ગુજરાતમાં સૂફી સંતોના આગમને કારણે સૂફી વિચારધારા ગુજરાતના સમાજ જીવનની રગે રગ માં પ્રસરી ગઈ હતી. ધર્મ, સમાજ અને સાહિત્ય તેમાં મુખ્ય હતા.સૂફી સંતો અને સાહિત્ય ગુજરાતની પ્રજામાં એવા સમાય ગયા હતા કે સૂફી સંતોની મઝારો પર ગવાતા ભક્તિ ગીતો કે કવ્વાલીમાં હિંદુ મુસ્લિમ ભેદો ઓગળી જતા.ભારતમાં ખ્વાજા ગરીબ નવાઝની દરગાહ પર આવા દ્રશ્યો આજે પણ સામાન્ય છે. ગુજરાતમાં એવી દરગાહોની કમી નથી.સરખેજના શાહ-એ-આલમ સાહેબ, ભડીયાદના મહેમુદ શાહ બુખારી, ગોંડલના મુસાબાવા, આમરણના દાવલ શાહ પીર અને પીરાણાના નૂર સ્તગરની મઝાર પર આજે પણ એક બાજુ કવ્વાલીની રમઝટ બોલે છે તો બીજી બાજુ ભજનોની રંગત જામે છે. આવી સદભાવના જ સૂફી સંતો અને સાહિત્યની સાચી ઓળખ છે અને જ્યાં સુધી સંતોનું સત્વશીલ સાહિત્ય જીવંત રહેશે ત્યાં સુધી જીવંત રહેશે તેમાં બે મત નથી – આમીન.
———————————————————-

Foot Note:

1. હથુરાની, મોં .અહેમદ મોહંમદ, સીરતે સરકારે મદીના,ભાગ-૧ ,નુરાની કુતુબખાના,છાપી ,બનાસકાંઠા, પૃ.૫૫૯-૫૬૦
2. દેસાઈ, ડો.મહેબૂબ, સૂફીજન તો તેને રે કહીએ, પ્ર.ગુર્જર ગ્રન્થરત્ન કાર્યાલય, અમદાવાદ, ૨૦૦૭. પૃ.૧૬
3. દલાલ,સુરેશ (સંપાદક), કહત કબીર , ઈમેજ પબ્લીકેશન,મુંબઈ-અમદાવાદ,૨૦૦૫,પૃ.૧૨
4. પાઠક, જગજીવન કાલિદાસ, મુસ્લિમ મહાત્માઓ, પ્ર. સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય, અમદાવાદ, ૧૯૪૦, પુસ્ક્તમાં આપેલા સૂફી સંતોના જીવન ચરિત્રોના અભ્યાસનું તારણ
5. આચાર્ય, ડો..નવીનચન્દ્ર, ગુજરાતનો સાંસ્કૃતિક ઈતિહાસ,અમદાવાદ,૧૯૮૪ પૃ.૮૪
6. નાયક, ડો.. છોટુભાઈ રણછોડભાઈ, ફારસી શબ્દનો સાર્થ વ્યુત્પતી કોશ, ભાગ-૩, ગુજરાત વિશ્વ વિદ્યાલય, અમદાવાદ ૧૯૮૦,પૃ. ૫૬
7. એજન, પૃ ૧૦૨
8. મહેતા મકરંદ અને અન્ય (સંપાદકો), મધ્યકાલિન ગુજરાતમાં ભક્તિ અને સૂફી આંદોલન, દર્શક ઈતિહાસ નિધિ, અમદાવાદ, ૨૦૦૮, પૃ. ૪૮ થી ૫૪
9. મહેતા,ગંગાદાસ પ્રાગજી, સૂફી કાવ્ય પ્રસાદી,પ્ર.કુસુમ પ્રકાશન,અમદાવાદ,૧૯૯૯,પૃ.૧૦૨.
10. એજન, પૃ. ૧૦૬
11. વધુ વિગતો માટે જુવો શમ્મ-એ-હિદાયત, પ્ર. ગંજે સોહદા કબ્રસ્તાન, દાણી લીમડા, અમદાવાદ, ૨૦૦૩.
12. નાયક, ડો.. છોટુભાઈ રણછોડભાઈ, ફારસી શબ્દનો સાર્થ વ્યુત્પતી કોશ, ભાગ- ૪, ગુજરાત વિશ્વ વિદ્યાલય,અમદાવાદ ૧૯૮૦, પૃ. ૩૪
13. નીલકંઠ, મહીપતરામ રૂપરામ, ભવાઈ સંગ્રહ, પૃ.૬૪
14. ઈશ્કુલ્લાહ, (તરજુમા સાથે),પ્ર. હઝરત પીર મોહંમદ શાહ ગ્રન્થાલય અને સંશોધન,
કેન્દ્ર, અમદાવાદ,૨૦૦૬, પૃ.૫૩.

 (courtesy: http://www.mehboobdesai.blogspot.com)

For AUthentic Historical,Educational and literay article please click the following blogs of DR.Pro.Mehboob Desai

www.mehboobdesai.blogspot.com

http://mehboobudesai.wordpress.com/


Responses

 1. Very good may Allah reward you. Our new generation must know our history and see things as they are without any color.
  Hope this will join forces and communality will disappear in GUJARAT in articular and in Indian sub continent in general.
  Mohamed Mehta
  Canada

 2. Dear Mohamed Mahta,
  Thanks
  Mehboob Desai

 3. hu jya pan male apne ane moraribapune vanchu chhu.
  ALLAH tamo banne ne vadhu ne vadhu loko sudhi pahochade
  . . __sultan malek

 4. Bahut achchhi mahiti chhe.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

શ્રેણીઓ

%d bloggers like this: