Posted by: bazmewafa | 08/05/2020

સાહિત્યમાં લુચ્ચાઈ નહીં, સચ્ચાઈનું મહત્ત્વ હોવું જોઈએ……શકીલ કાદરી

 

સાહિત્યમાં લુચ્ચાઈ નહીં, સચ્ચાઈનું મહત્ત્વ હોવું જોઈએ……શકીલ કાદરી


સાહિત્યમાં જે કાંઈ ઘટનાઓ બને છે એનો સંબંધ માત્ર કળા સાથે જ કાંઈ હોતો નથી. સામાજિક અને આર્થિક સંબંધો પણ એને અસર કરે છે… વિવિધ ભાષાઓમાં જે કળાના જે સામયિકો પ્રકટ થતાં હોય છે. એમનો ગાઢ સંબંધ વિદેશના ડોલર સાથે હોય છે. એટલે સામયિકોમાં ડોલરિયા કવિઓ, શાયરો, સાહિત્યકારો છવાયેલાં હોય છે. ઉર્દૂના સામયિકો આજે તમે જુઓ તો આ વાતનો તરત જ ખ્યાલ આવે. આની પાછળનું આજે કારણ એ છે કે સામયિક ચલાવવું ખર્ચાળ પ્રવૃત્તિ બની છે અને લવાજમો ઉપર કાંઈ કોઈ સામયિક ચલાવી શકાય નહીં… એટલે વિદેશમાંના સાહિત્યકારોથી કેટલાંક સામયિકો ટકી જાય છે… એમને ત્યાંના સાહિત્યકારોની તસ્વીર કે એમની થોડીક કૃતિઓ પ્રકાશિત કરવા સીવાય કાંઈ ગુમાવવાનું હોતું નથી. આ પ્રવૃત્તિથી ગઝલનું ક્ષેત્ર પણ અલિપ્ત નથી. મેં જ્યારે ગઝલવિવેચન શરૂ કર્યું ત્યારે આદિલ મન્સૂરી જેવા ગઝલકારો બીજા ગઝલ સામયિકોમાં છવાયેલાં રહેતાં તેમ અન્ય વિદેશી ગઝલકારોની તસ્વીરો પણ છવાયેલી રહેતી. જલન માતરી, રાજેન્દ્ર શુક્લ, ચિનુ મોદી, મુસાફિર પાલનપુરી આદિએ મારાં કાર્યની નોંધ અવશ્ય લીધી હતી આદિલ સાહેબ એમાંથી બાકાત હતાં… ભલું થાય હેમંત ધોરડાનું કે એમણે ‘તાણાવાણાં’ લખ્યું… એમાં આદિલ મન્સૂરી, ચિનુ મોદી, શોભિત દેસાઈ આદિની ગઝલો વિશે ઉગ્ર ટીકા કરી… એમની કેટલીક દલીલોમાં વજૂદ હતું પણ કેટલીક દલીલોમાં વજૂદ નહતું. આ ઘટનાથી આદિલ મન્સૂરી ઘવાયાં… એમણે પોતાની ગઝલોનો બચાવ કરી શકે એ માટે એમનો રથ ખેંચનારા અશ્વ અને પાલખી ઊંચકનાર કહાર કવિઓએ છૂટાં મૂક્યાં. આદિલ મન્સૂરીથી લાભ લેનારા અમદાવાદ-વડોદરા અને અન્ય શહેરોના ગઝલવિવેચકોના ઘરે આ અશ્વો અને કહારો ફરી વળ્યાં… પણ આદિલ મન્સૂરીની સર્જકતા સામે હેમંત ધોરડાએ ઊભાં કરેલ મુદ્દાઓ સામે પ્રતિવાદ કરવાની તમામે પોતાની અક્ષમતા બતાવી…. અને એ પછી એક દિવસ બે બિનનિવાસી ભારતીય બે અને એક ભારતના એમ ત્રણ ગઝલકારો મારે ઘરે આવ્યાં અને મેં ઉપર કહી એ વાત કરી તાણાવાણાંની કૉપી આપી… આદિલ મન્સૂરીના જે સંગ્રહ મારી પાસે નહતાં તે પણ આપ્યાં… મેં આદિલની ગઝલોનો અને હેમંત ઘોરડાએ ઊભાં કરેલ મુદ્દાઓનો જવાબ આપવા એક પુસ્તક લખી આપવાનું વચન આપ્યું… એ જ રાતે આદિલ સાહેબનો ફોન મારા પર આવ્યો અને સતત બેથી ત્રણ મહિના સુધી લગભગ દરરોજ ફોન પર વાત થતી. એમાં કેટલીક વાતો તો અહીં લખી શકાય એવી નથી… ભારતના કેટલાંક ગઝલકારો ત્યાં જાય એટલે કોઈ મુસાફો કરી એટલે કે હાથ મેળવી હથેળી પર ડોલર મૂકે એટલે મુઠ્ઠીવાળી કઈ રીતે એ ગઝલકાર ખીસ્સામાં સેરવી દે એ વાત કરી શાયરોના સ્વમાનનો મુદ્દો પણ ઊભો કર્યો… મને ત્યાં બોલાવવાની પણ વાત કરી પણ મેં સ્પષ્ટ કહ્યું કે “ત્યાં આવવાની મારી ઈચ્છા નથી. ત્યાંના એક સાહિત્યકારનું નામ પણ એમણે લીધું હતું. અને કહ્યું હતું કે એ તમે કહેતાં હોવ તો એ તમને હું કહું એટલે ટીકીટ મોકલી આપશે…” એ જ સમયે વડોદરાના એક બિનમુસ્લિમ યુવા ગઝલકાર ત્યાં હતાં. એ આદિલ સાહેબને મળવા માંગતાં હતાં એટલે આદિલ સાહેબે મને પૂછ્યું કે… ફલાણાં ગઝલકારનો ફોન હતો.. મને અહીં મળવા માંગે છે… શું કરું હા પાડું… મળવા જેવો માણસ છે?” મેં હકારાત્મક જવાબ આપ્યો અને કહ્યું કે “મારાથી થોડાં અતડાં રહે છે પણ તમને મળે એમાં વાંધો નથી. હેમંત ધોરડાના મિત્ર છે.” પછી એ ભાઈ મળ્યાં કે નહીં મેં પૂછ્યું નહીં. પણ “તાણાવાણાં” નિમિત્તે અમારી મિત્રતા બીજા કોઈપણ ગઝલકાર કરતાં ગાઢ બની. જયંત પરમારના પુસ્તકના વિમોચન વખતે તે બિસ્મિલ્લાહ આપા (એમના પત્ની), જયંત પરમાર, સાદિક નૂર અને ઇન્ડિયન એક્સપ્રેસના એક પત્રકાર સાથે વડોદરા પણ આવ્યાં. એ દરમિયાન મારા લખાણ માટે ઉપયોગી હોય એવી સામગ્રી એ એમના ભાઈ અબદુલ્લાહ સાથે અને ક્યારેક ભત્રીજા તાહા સાથે મોકલતાં રહ્યાં… એમણે મોકલેલ એક મહત્ત્વના સુવિનિયરની તસ્વીર મેં અહીં મૂકી છે. સાથે આદિલના નાના ભાઈ સિરાજ, સૌથી મોટા બેન ઝુબેદા, બહેન સફિયા સિરાજ, જાફર, અબ્દુલાહ (તાહાના પિતા) અને ઇકબાલ, હમીદા, ખુરશીદા અને કુરેશાની તસ્વીરો પણ મેઈલમાં મોકલી હતી. ટૂંકમાં એટલું જ કે સાહિત્યમાં પણ તમે બીજાને કેટલાં ઉપયોગી બનો છો એની ઉપર પણ ઘણું બધું નિર્ભર હોય છે… તાણાવાણાને કારણે આદિલ સાહેબની ગઝલ ખરડાતી બચી અને મારાં એક પુસ્તકનું ટોરેન્ટોમાં વિમોચન થયું એ આ પ્રસંગની ઉપલબ્ધિ… થોડાંક મહિનાઓની આ મિત્રતા મારા માટે એમનો લાંબા ગાળાથી લાભ લેનારાઓ અને અણીના સમયે બચાવ માટે નહીં આવનારાઓ કરતાં અદકેરી છે.

(Courtesy: Shakeel Kadri Face book wall)


Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

શ્રેણીઓ