Posted by: bazmewafa | 08/29/2020

અનુવાદ કરવો એ પણ એક કળા છે……..શકીલ કાદરી

અનુવાદ કરવો એ પણ એક કળા છે……..શકીલ કાદરી

અનુવાદ કરવો એ પણ એક કળા છે. એ કળા હોવાથી જ અનુવાદકની કસોટી પણ એમાં થતી હોય છે. ગઝલકાર જ નહીં, કોઇપણ સાહિત્ય સ્વરૂપમાં કાર્યરત સર્જકે એ જે ભાષામાં સર્જન કરતો હોય એ ઉપરાંત પણ ઓછામાં ઓછી એક ભાષા પર પ્રભુત્વ તો મેળવવું જ જોઈએ. માતૃભાષામાં સર્જન કરવાની સાથે જે તે સ્વરૂપમાં સીમાચિહ્ન ગણાતાં સર્જકોની કૃતિઓનું પણ ભાવન કરવું જોઈએ. એમ અન્ય ભાષાના ઉત્તમ સર્જકોને પણ વાંચવા જોઈએ….અને વારંવાર વાંચવા જોઈએ. વાંચવાની સાથે એમણે પ્રયોજેલ શબ્દો પર આંખો ઠરે એ રીતે એ કૃતિને નિહાળવી પણ જોઈએ જેથી જો એકનો એક શબ્દ પુનરાવર્તિત થતો હોય તો એ પુનરાવર્તનમાંથી સૌંદર્ય પ્રકટે છે કે કેમ? એનો ખ્યાલ આવી શકે. જો એ કૃતિનો અનુવાદ કરવાની ઇચ્છા હોય ત્યારે તો વારંવાર એ કૃતિમાંથી પસાર થવું જોઈએ. શબ્દોના વિનિયોગ પાછળની ભાવનાને અને સર્જકના કથનના હાર્દને પામવાનો પ્રયાસ કરવો જોઈએ. એ પછી પામી લીધાંની મનને દ્રઢ અનુભૂતિ થાય પછી અનુવાદ કરવો જોઈએ. કાવ્યનો અનુવાદ અને એમાં પણ ગઝલનો અનુવાદ કરવાનું કાર્ય અતિ કપરું છે. જો મૂળ કૃતિ અને અનુવાદ જેમાં કરાય છે એ ભાષા ઉપર પકડ હોય તો તમે અનુવાદ કરવા માટે સજ્જ છો… ગઝલનો અનુવાદ મૂળ કૃતિના છંદમાં કઈ રીતે કરી શકાય એનો નમુનો જુઓ. મૂળ ગઝલ ગઝલમર્મજ્ઞ અને ઉમદા ગઝલકાર શૂન્ય પાલનપુરીની છે અને અનુવાદ અઝીઝ કાદરીનો.

… શૂન્ય પાલનપુરી

આવ્યો છે જમાનો ફૂલોનો, આવી છે જવાની ફૂલોની.

કળીઓને કહી દો સંભળાવે, રંગીન કહાની ફૂલોની.

સૌંદર્યની ચાહતના પરદે, સૌંદર્યની લૂંટો ચાલે છે,

ફૂલે તો બિચારાં શું ફૂલે! દુશ્મન છે જવાની ફૂલોની.

અધિકાર હશે કૈં કાંટાનો, એની તો રહીના લેશ ખબર,

ચીરાઈ ગયો પાલવ જ્યારે, છેડી મેં જવાની ફૂલોની.

ઉપવનને લૂંટાવી દેવાનો આરોપ છે કોના જોબન પર?

કાંટાની અદાલત બેઠી કાં લેવાને જુબાની ફૂલોની?

ઝુરંતો પરિમલ ભટકે છે કાં વહેલી સવારે ઉપવનમાં?

વ્યાકુળ છે કોના દર્શનની એ રડતી જવાની ફૂલોની?

બે પળ આ જીવનની રંગત છે, બે પળ આ ચમનની શોભા છે,

સંભળાય છે નિશદિન કળીઓને આ બોધ કહાની ફૂલોની.

તું ‘શૂન્ય’ કવિને શું જાણે? એ કેવો રૂપનો પાગલ છે?

રાખે છે હ્રદય પર કોરીને રંગીન નિશાની ફૂલોની.

आया है ज़माना फूलों का, लाया है जवानी फूलों की।

 कलियों के लबों पर जारी है, रंगीन कहानी फूलों की।

परदे में मुहब्बत के देखो अब हुस्न को लूटा जाता है,

फूले तो भला कैसे फूलें दुश्मन है जवानी फूलों की।

काँटों का भी कुछ हक़ है आख़िर, इतनी भी नहीं थी मुझ को ख़बर,

दामन को यक़ायक़ चीर गई बेबाक़ जवानी फूलों की।

गुलशन में सहर के वक़्त हवा मग़मूम है किस की फ़ुर्कत में,

रंजूर है आख़िर किस के लिये शादाब जवानी फूलों की।

पल दो पल ज़िस्त की रंगत है पल दो पल हुस्न है गुलशन का

 कहती है सबा अब रोज़ अक़्सर दिलसोज़ कहानी फूलों की।

तुम ‘शून्य’ को आख़िर क्या जानो है रंग का, रूप का दीवाना

 लाया है अज़ल से सीने में वो सिर्फ़ निशानी फूलों की।

 अनुवाद: … अज़ीज़ क़ादरी

શૂન્યની ગઝલનો આ અનુવાદ મૂળ ગઝલ જે છંદમાં છે એ જ છંદમાં કરાયો છે. ગઝલના અનુવાદમાં સૌથી મોટી સમસ્યા કાફિયાની જાળવણી સતાવે એમાંથી અનુવાદકે પોતાની રીતે માર્ગ શોધવો જોઈએ.


Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

શ્રેણીઓ