Posted by: bazmewafa | 06/02/2020

કોમી રમખાણોનાં ૧૬ વર્ષ : ઉમ્મિદોં કે નિશાં બાકી હૈં….જે.એસ. બંદુકવાલા

કોમી રમખાણોનાં ૧૬ વર્ષ : ઉમ્મિદોં કે નિશાં બાકી હૈં….જે.એસ. બંદુકવાલા

05-04-2018

૨૭ ફેબ્રુઆરી, ૨૦૦૨નો એ દુર્ભાગ્યૂર્ણ દિવસ આજે પણ મને ડરાવી જાય છે …

હું વડોદરા યુનિવર્સિટીની મારી ફિઝિક્સ લૅબમાં હતો. અચાનક એક પટાવાળો દોડતો આવ્યો અને મને સમાચાર આપ્યા. અયોધ્યાથી કારસેવકોને લઈને આવી રહેલી એક ટ્રેન પર ગોધરામાં હુમલો થયો છે અને આ હુમલામાં કેટલાક કારસેવકોને જીવતાં સળગાવવામાં આવ્યાં છે. વિશ્વ હિંદુ પરિષદ દ્વારા મૃત્યુ પામેલા કારસેવકોની બીજા દિવસે વિશાળ શબયાત્રા કાઢવાનો કાર્યક્રમ ઘડવામાં આવ્યો હતો અને તે માટે તમામ મૃતદેહો અમદાવાદ લઈ જવાના હતા.

આ સાંભળતાવેંત ડરના ઓથારે મને જકડી લીધો. જુલૂસના ઉન્માદની કલ્પના માત્રથી હું ધ્રૂજી ઊઠ્યો. ઉન્માદમાં ટોળાં દ્વારા મુસ્લિમોની હત્યા અને તેમની સંપત્તિને જે નુકસાન થવાનું હતું, એનાથી મુસ્લિમ સમુદાયને એટલો મોટો ધક્કો લાગશે કે કદાચ તેઓ ભવિષ્યમાં ફરી ઊભા ન પણ થઈ શકે. કોમી હિંસાની આશંકા મારા મનને ઘેરી વળી હતી.

અલબત્ત, આ આશંકા કંઈ એમ જ નહોતી. દેશનાં તમામ રાજ્યોમાં ગુજરાત સૌથી વધુ ભગવાકરણનો ભોગ બન્યું હતું. અહિંસાના સૌથી મોટા હિમાયતી ગાંધીની જન્મભૂમિ રહેલું ગુજરાત વિ.હિ.પ., આર.એસ.એસ. અને ભા.જ.પ.નો ગઢ બની ચૂક્યું છે, એ સૌથી મોટી વિટંબણા છે.

વર્ષ ૧૯૭૨માં અમેરિકામાં અભ્યાસ પૂર્ણ કરીને હું વડોદરા યુનિવસિર્ટીમાં જોડાયો. મારા મનમાં આ શહેર એટલે સાંપ્રદાયિક દૃષ્ટિએ વિભાજિત શહેર એવી કંઈક છબિ હતી. હિંદુ-મુસ્લિમ વચ્ચે થતાં નાનાં છમકલાં પણ શહેરની શાંતિને ડહોળવાનું કામ કરતાં હતાં.

પોલીસ પણ કાયદો-વ્યવસ્થા જાળવવામાં ભેદભાવ રાખતી હતી. આ જ કારણે હું ઍક્ટિવિઝમ અને વિરોધના માર્ગે વળ્યો, પરિણામે મારે અનેક વાર જેલમાં પણ જવું પડ્યું. એટલું જ નહીં, અન્યાયનો વિરોધ કરવાના કારણે મારા ઘર પર પણ ટોળાંએ કેટલીક વખત હુમલા કર્યા છે. આવી હિંસા મારી પત્ની માટે અસહ્ય થઈ પડતી. હિંસાના ઓથારે તેને ડિપ્રેશનનો શિકાર બનાવી દીધી હતી અને અંતે ૨૦૦૧માં તે અવસાન પામી.

અમારાં સગાં-સંબંધી કોઈ પણ વડોદરા અથવા તો ગુજરાતમાં ક્યાં ય નથી રહેતાં, મારો એક માત્ર દીકરો અમેરિકામાં હતો. મારી સાથે મારી ૨૩ વર્ષની દીકરી, જેના તે કાળે જ એક ગુજરાતી હિંદુ યુવક સાથે લગ્ન થવાનાં હતાં.

મારા સિદ્ધાંતોને અનુસરીને મેં હંમેશાં બહુસંખ્યક વિસ્તારોમાં રહેવાનું પસંદ કર્યું છે. હું આજે પણ એ દૃઢપણે માનું છું કે ખરી રાષ્ટ્રીય એકતા ત્યારે જ આવી શકે, જ્યારે તમામ જાતિ અને ધર્મના લોકો એક જ લત્તા, મહોલ્લા, સોસાયટીમાં સાથે રહે, પરંતુ આપણા દેશની કમનસીબી છે કે લોકો પોતાની જાતિ અને ધર્મ અનુસાર અલગ-અલગ વિસ્તારોમાં રહેતાં આવ્યાં છે.

નેલ્સન મંડેલા અને માર્ટિન લ્યુથર કિંગ મારા હીરો છે. આ બંને દૃઢપણે માનતા હતા કે, શ્વેત અને અશ્વત સાથે રહી શકે, જમી શકે છે અને કામ પણ કરી શકે છે. જો કે તેઓએ તેમની આ દૃઢ માન્યતાની મસમોટી કિંમત ચૂકવવી પડી છે. આનો બીજો અર્થ એ છે કે જ્યારે કોમી રમખાણ થશે, ત્યારે હું પણ મારા સિદ્ધાંત – સર્વ ધર્મ સાથે વસવાટ-ને કારણે સરળતાથી ટોળાનું નિશાન બની શકું છું.

અને એ દિવસે થયું પણ એવું જ. ગોધરામાં જ્યારે ટ્રેન સળગાવી દેવામાં આવી, ત્યારે મારા પાડોશીઓએ મને તરછોડી દીધો. હુલ્લડખોરોનું ટોળું ગૅસનાં સિલિન્ડર લઈને મારા ઘર પર ધસી આવ્યું અને તેમણે સિલિન્ડર સળગાવ્યું. અને અમારા આનંદની અનેક યાદોનું સાક્ષી રહેલું મારું ઘર માત્ર પંદર જ મિનિટમાં નેસ્તાનાબૂદ થઈ ગયું. આ ભયાવહ દુર્ઘટનામાં આશ્વાસન લેવા જેવી વાત એટલી જ હતી કે, મને અને મારી દીકરીને મારવાનો પ્રયાસ થયો હોવા છતાં અમે બચી શક્યાં હતાં. એ દિવસે મેં મારું બધું જ ખોઈ નાંખ્યું.

ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના સિતારા તે સમયે બુલંદીઓ પર હતા. ૨૦૦૨નાં કોમી રમખાણો ભારતની સત્તા પર બિરાજવાના તેમના અભિયાનનું પ્રથમ ડગ હતું. મારી સૌથી મોટી ચિંતા એ હતી કે શું ગાંધીયુગનો અંત થઈ ચૂક્યો છે? શું ગુજરાતના હિંદુઓ આ જ રાજ્યના સૌથી મહાન વ્યક્તિના વિચારોનો આમ જ ત્યાગ કરી દેશે?

હવે મને લાગી રહ્યું કે મારા ડર, મારી શંકાઓ ખોટાં ઠર્યાં છે. એ જ રાતે મારા એક વરિષ્ઠ સહકર્મી, જે થોડા જ સમય બાદ કુલપતિ બનનાર હતા, તેઓ આવી સ્થિતિમાં પણ આગળ આવ્યા અને મારી દીકરીને અમારા એ અર્ધબળેલાં ઘરે લઈ ગયા, જેથી અમે તેમાંથી અમારાં પાસપોર્ટ અને અન્ય મહત્ત્વના દસ્તાવેજ મેળવી શકીએ. તેઓ અડધી રાત્રે ખૂબ જ તનાવપૂર્ણ વિસ્તારમાં ગયા હતા. આ ખૂબ જોખમી હતું, તેમ છતાં તેઓ આ મુશ્કેલ સ્થિતિમાં અમારી મદદ કરવા માગતા હતા.

બીજા દિવસે અમે જ્યાં આશરો લીધો હતો, તે જગ્યા વિશે ટી.વી. ઍન્કર બરખા દત્તને માહિતી મળી. ત્યાં તે મારી દીકરી અને મારો ઇન્ટરવ્યૂ લેવાં આવ્યાં. મારી દીકરીએ ખૂબ ટૂંકા ગાળામાં તેની મા અને ઘર ગુમાવ્યાં હતાં. ઇન્ટરવ્યૂ દરમિયાન તે રડી પડી. આ રેકૉર્ડિંગ દરમિયાન બરખા પોતે પણ રડી પડી અને ઇન્ટરવ્યૂનું રેકૉર્ડિંગ બંદ કરવું પડ્યું.

એક મુસ્લિમ છોકરીની સ્થિતિ પર એક રાષ્ટ્રીય સ્તરની જાણીતી હસ્તીનું આ રીતે રડવું, એ એ વાતનો પુરાવો હતો કે મોદી અને તેમના ભગવા સમર્થકોની પહોંચની પાર પણ એક ભારત અસ્તિત્વ ધરાવે છે.

ગુજરાતના તનાવથી બચવા માટે અમે મુંબઈ ચાલ્યાં ગયાં. તે પછીના દિવસે મુંબઈમાં સાંજે મને સામાજિક કાર્યકરોથી ભરાયેલાં એક હૉલમાં બોલવા માટે આમંત્રિત કરવામાં આવ્યો. હું તેમાંથી મોટા ભાગના લોકોને ઓળખતો નહોતો. અહીં એ કહેવું જરૂરી નથી કે એ તમામનો મારા પ્રત્યેનો દૃષ્ટિકોણ સહાનુભૂતિભર્યો હતો.

થોડા સમય બાદ અમે મારા દીકરા પાસે અમેરિકા જતાં રહ્યાં. ત્યાં સૌપ્રથમ મારા એક આઈ.એ.એસ. અધિકારી મિત્રની વિધવા પત્ની પોતાની દીકરી સાથે અમને મળવા આવી. તેઓ મારા દીકરાના ઘરથી અંદાજે પાંચસો કિલોમીટર દૂર રહેતાં હતાં. તેમને અમારી ચિંતા હતી. સંયોગની વાત છે કે તેઓ બિહારના ભૂમિહાર (બ્રાહ્મણ) હતાં.

ઘણા દિવસો સુધી ભારતીય-અમેરિકી અમારી ખબરઅંતર પૂછવા માટે ફોન કરતાં હતાં. આ ખબરઅંતર પૂછનારાઓમાં રાજમોહન ગાંધી, સેમ પિત્રોડા, નોબેલ સન્માનિત વેંકટરામન ‘વેંકી’ રામકૃષ્ણનના પિતા પ્રોફેસર રામકૃષ્ણન સામેલ હતા. રામકૃષ્ણને થોડા વખત બાદ મને વિમાનની રિટર્નટિકિટ મોકલી હતી, જેથી લગભગ હું ૩,૦૦૦ કિલોમીટરનું અંતર કાપીને તેમના ઘરે જઈને તેમની સાથે થોડો સમય રહી શકું.

વડોદરા પાછા ફર્યા બાદ, જાણીતા ગાંધીવાદી ઝીણાભાઈ દરજી યુનિવર્સિટીના નવા ફ્લૅટ પર મને મળવા આવ્યા. મને જોઈને તેઓ ધ્રૂસકે ચડ્યા. હું આ વાતનો ઉલ્લેખ એ માટે જ કરી રહ્યો છું કે દેશ અને વિદેશમાં કેટલાક પ્રતિભાશાળી ભારતીયોએ કટ્ટરવાદીઓ દ્વારા મારા ઘર સળગાવાના કૃત્યને કેવી રીતે જોયું હતું.

આ બધી ઘટનાઓની મારા પર ખૂબ ઊંડી અસર પડી. મારો ગાંધી અને હિંદુ મિત્રો પર વિશ્વાસ સ્થપાયો હતો. હવે મારે મારા દુઃખ અને નુકસાનથી ઉપર ઊઠીને જોવાનું હતું. મારે મારા સમાજ અને ગુજરાતના હિંદુઓ સાથે ફરી એક થવાના માર્ગનું નિર્માણ કરવાનું હતું. આપણે ગાંધીથી નેહરુ, ટાગોરથી સુભાષચંદ્ર બોઝ, ગોપાલકૃષ્ણ ગોખલેથી સી.રાજગોપાલચારી જેવા મહાપુરુષોનાં સ્વપ્નોને નફરત અને કટ્ટરતા સામે તૂટવા નહીં દઈએ.

ફરી બંધાતી આશા

કોમી રમખાણો દરમિયાન મુસ્લિમસમાજે જે મુશ્કેલીનો સામનો કર્યો, તે પડકારભરી હતી. અંદાજે બે હજાર મુસલમાન માર્યા ગયા. ઘણી મહિલાઓનો બળાત્કાર થયો. ઘણાં બાળકો તેમની આંખો સામે જ અનાથ થયાં. સંપત્તિનું નુકસાન કરોડોમાં હતું, પરંતુ સૌથી મોટી મુશ્કેલી હતી કે હજારો લોકોએ પોતાનું વસાવેલું ઘર છોડીને અન્ય જગ્યાએ જવું પડ્યું. આનાં પરિણામે નોકરીઓ, વેપાર અને બાળકોના અભ્યાસનું પણ મોટું નુકસાન થયું.

આવા સમયે પણ પોલીસ એવા યુવાનોને હેરાન કરતી હતી, જે પોતે જ રમખાણોથી પીડિત હતા. સ્થિતિ વધુ ખરાબ ત્યારે થઈ જ્યારે અમારામાંથી કેટલાક સામાજિક કાર્યકરોઓએ પોતાનો લાભ જોઈને ભા.જ.પ. તરફી થવા માંડ્યા. જો કે, અત્યારની સ્થિતિ જોતાં એવું લાગે છે કે આ ચમત્કાર છે કે આપણે આ ખરાબ સમયથી બહાર આવી ચૂક્યા છે.

આનો શ્રેય તે હિંદુઓને જાય છે, જે મુસ્લિમોની મદદ કરવા આગળ આવ્યા. ગાંધીવાદી, સમાજવાદી અને માનવાધિકાર કાર્યકર્તા સક્રિય થયા. તે તમામ ભલા લોકોનાં નામ લખવાનું શક્ય નથી, પરંતુ તેમ છતાં હું કહેવા ઇચ્છું કે વડોદરામાં કિરીટ ભટ્ટ અને જગદીશ શાહ, મુકુલ સિન્હા, ઇન્દુકુમાર જાની, પ્રકાશ ન. શાહ અને ગગન શેઠીએ ખૂબ જ સાર્થક કામ કર્યું.

બાળકો અભ્યાસ ન છોડે તે માટે શિષ્યવૃત્તિ આપવાનું શરૂ કરવામાં આવ્યું. શરણાર્થીઓને વસાવવા માટે ઇસ્લામિક રિલીફ કમિટીએ ઘણી નિવાસી કૉલોની નિર્માણ કરી. કલોલની એક કમિટીએ નજીકના વિસ્તારના ડેરોલના પીડિતોને મદદ કરી હતી. આ વિસ્તારમાં પૂરા ગુજરાતભરમાંથી સૌથી વધુ હત્યા થઈ હતી, અને જ્યાં સુધી મારી જાણકારી છે, આ ગુના માટે કોઈને પણ દોષિત ઠેરવવામાં આવ્યા નથી.

નસીબજોગે ગગન શેઠીએ ત્યાં એક શાળા શરૂ કરી છે. કલોલના વિદ્યાર્થીઓમાં ત્રણ અનાથ છોકરીઓ પણ હતી, જેમ શાળા અને બોર્ડની પરીક્ષાઓમાં ખૂબ જ સારું પરિણામ લાવી. વડોદરાની જિદની ઇલ્મા ટ્રસ્ટે તેમની અભ્યાસની જવાબદારી ઉઠાવી. આજે નજીકના જ એક ફાર્મ- પ્લાન્ટમાં તે કૅમિસ્ટ અને માઇક્રોબાયોલૉજિસ્ટના પદે કામ કરી રહી છે.

સોળ વર્ષનો સમય વીત્યા બાદ એટલું કહી શકાય કે ૨૦૦૨માં આ સમુદાયને પૂર્ણપણે ખતમ કરી દેવાનો ડર ખોટો સાબિત થયો છે. જો શિક્ષણની ગુણવત્તા, આર્થિક સ્થિતિ અને મહિલાઓના ઉત્થાનની વાત કરીએ, તો મુસ્લિમ પહેલાં કરતાં સારી સ્થિતિમાં છે.

દર વર્ષે બૉર્ડ- યુનિવર્સિટીની પરીક્ષાઓનાં પરિણામ આવે છે, ત્યારે મુસ્લિમ છોકરા-છોકરીઓનાં નામો સારાં પ્રમાણમાં જોવા મળે છે. પોતાની બૅચમાં અવ્વલ આવનારી મુસ્લિમ છોકરીઓની તસવીર અખબારોમાં દૃશ્યમાન થવી બિલકુલ સામાન્ય થઈ ચૂક્યું છે.

આ વર્ષે જ એક સૈયદ છોકરીએ બોર્ડની પરીક્ષાઓમાં ગુજરાત રાજ્યમાં ટોપ કર્યું છે. એક અન્ય છોકરી ચાર પ્રયાસ બાદ નીટ મેડિકલ ઍક્‌ઝામ ઉત્તીર્ણ કરી છે. આ પહેલાં ન તેણે હાર માની, ન તેનાં માતા-પિતાએ. વડોદરામાં તાઈવાડા નામના એક નાનકડો વિસ્તાર છે, જ્યાં સૌથી વધુ ચાર્ટ્‌ર્ડ એકાઉન્ટન્ટ છે.

તેમ છતાં આપણે બોર્ડની પરીક્ષામાં નપાસ થતાં વધી રહેલા દરથી પરેશાન છે. જ્યાં મધ્ય-ઉચ્ચવર્ગનાં બાળકો શિક્ષણમાં સારું કરી રહ્યાં છે, નિમ્નવર્ગના મુસ્લિમો પર ભારણ વધ્યું છે. ગુજરાતના શિક્ષણક્ષેત્રમાં પૈસાની બોલબાલા છે અને ગરીબવર્ગ તેનાથી તાલમેલ બેસાડી શકતો નથી. તેમની સંખ્યા એટલી બધી છે કે સમુદાય પોતે પણ આ પડકારનો સામનો કરી શકતો નથી. ઇંશાઅલ્લાહ, આનો જલદીથી કોઈ ઉકેલ નીકળશે.

અમે કેટલાક ગરીબ વિસ્તારોમાં ‘રીડિંગરૂમ્સ’ શરૂ કર્યા છે, જ્યાં છોકરા-છોકરીઓ અભ્યાસ માટે આવે તે અર્થે અમે પ્રોત્સાહન આપી રહ્યાં છે, કારણ કે તેમનાં નાનાં ઘરોમાં ઓછા પ્રકાશ અને બહારના અવાજથી અભ્યાસ કરવાનું મુશ્કેલ બને છે.

૨૦૦૨ની ઘટનાનું એક સકારાત્મક પરિણામ એ પણ આવ્યું કે હવે મુસ્લિમ સમાજનો એલિટવર્ગ સમાજને આગળ લાવવા માટે વિચાર કરવા લાગ્યો છે. વડોદરામાં રવિવારની સવારે અવારનવાર મેડિકલ કૅમ્પ યોજાય છે. સૌથી સારા મેડિકલ વિશેષજ્ઞ અહીંયાં વિનામૂલ્યે ઇલાજ અને દવાઓ આપે છે. આવું અન્ય શહેરોમાં પણ થવું જોઈએ.

અંતે, રાજનીતિની વાત કરીએ તો મુસ્લિમ સંભવતઃ ત્યાં અસ્તિત્વમાં જ નથી. ગત ત્રણ દાયકાથી ગુજરાતનો કોઈ મુસ્લિમ ચૂંટાઈને લોકસભામાં આવ્યો નથી. અમારી વસતી દસ ટકા છે, તેમ છતાં વિધાનસભામાં ૧૮૦માંથી માત્ર ત્રણ મુસ્લિમ છે. મોદી મુસ્લિમોને રાજનીતિમાંથી મિટાવી દેવામાં સફળ રહ્યા છે.

પરંતુ શું તેનાથી ખરેખર કોઈ ફરક પડે છે? હું એની અપેક્ષા પોતાની તાકતથી વધુ સારું શિક્ષણ, આર્થિક રીતે સદ્ધરતા અને મહિલાઓના ઉત્થાનમાં લગાવવા પર ધ્યાન આપીશ. આખરે આ તો રીત હતી, જે અમેરિકામાં યહૂદીઓએ સ્વીકારી હતી.


Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

શ્રેણીઓ