Posted by: bazmewafa | 04/17/2020

ફક્ત પાનખર સુધી……બરકત વિરાણી’બેફામ’

ફક્ત પાનખર સુધી……બરકત વિરાણી’બેફામ’

.

સપના રૂપેય આપ ન આવો નજર સુધી;

ઊડી ગઈ છે નીંદ હવે તો સહર સુધી.

.

મારા હ્રદયને પગ તળે કચડો નહીં તમે,

કે ત્યાંના માર્ગ જાય છે ઈશ્વરના ઘર સુધી.

.

શ્રદ્ધાની હો સુવાસ, પ્રતિક્ષાનો રંગ હો,

એવાં ફૂલો ખીલે છે ફક્ત પાનખર સુધી.

.

આંખોમાં આવતાં જ એ વરસાદ થઈ ગયાં,

આશાનાં ઝાંઝવાં જે રહ્યા’તાં નજર સુધી.

.

મૈત્રીનાં વર્તુળોમાં જનારાની ખેર હો,

નીકળી નહીં એ નાવ જે પહોંચી ભંવર સુધી.

.

ઉપકાર મુજ ઉપર છે જુદાઈની આગનો,

એક તેજ સાંપડ્યું છે તિમિરમાં સહર સુધી.

.

મંજિલ અમારી ખાકમાં મળતી ગઈ સદા,

ઊઠતા રહ્યા ગુબાર અવિરત સફર સુધી.

.

‘બેફામ’ તોયે કેટલું થાકી જવું પડ્યું ?

નહિ તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી

 


Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

શ્રેણીઓ