Posted by: bazmewafa | 11/23/2019

ગઝલ અને છંદોબધ્ધતા…………શકીલ કાદરી

ગઝલ અને છંદોબધ્ધતા…………શકીલ કાદરી

ઝાર રાંદેરી લખે છે , “જેવી રીતે બંને પાંખો સમતોલ રાખી પક્ષી ઘણી જ સરસ રીતે ઊડી શકે છે , અને બંને પગ સપ્રમાણ ગતિવાળા હોય તો માણસ સરળ અને સુંદર રીતે ચાલી શકે છે , તેવી જ રીતે અક્ષરોની સપ્રમાણ અને તાલમય રચના વડે માણસની લાગણી અને બુદ્ધિ ઉપર જાદુઈ અસર થાય છે”

શેષનાગની ફેણ ઉપર પૃથ્વી છે , એવી પ્રાચીન ભારતીય માન્યતામાં સમતુલાનું મહત્ત્વ જ દર્શાવાયું છે . ટૂંકમાં , ઈશ્વરની સૃષ્ટિનો આધાર સમતુલા અને નિયત ગતિશીલતા એ બંને પર , નિર્ભર છે . ઇશ્વરે આ સૃષ્ટિનું સર્જન કર્યું છે, તેમ કવિ પણ તેની કાવ્યરચના પુરતો સૃષ્ટા છે , તેથી , તેના સર્જન-ગઝલમાં નિયત ગતિશિલતા, સમતુલા, સપ્રમાણતા અને તાલબદ્ધતા હોય એ સ્વાભાવિક જ છે. ગઝલમાં સપ્રમાણતા, નિયત ગતિશિલતા, લયબદ્ધતા અને સમતુલા સિદ્ધ થાય છે, છંદના કારણે – પિંગળના કારણે. ગઝલને છંદ સાથે અભિન્ન સંબંધ છે. છંદ વિનાની – અછાંદસ કવિતા લખી શકાય , પણ છંદ વિનાની, અછાંદસ ગઝલ, ગઝલ નામ ૧૪ સ્વીકારી શકે નહી. ગઝલ શબ્દરૂપ ધારણ કરતાં પહેલા લયરૂપે, દર્દરૂપે, અકળવેદનારૂપે ગઝલકારના મનમાં ઘૂંટાય છે, એ પછી જ તે શબ્દરૂપ ધારણ કરે છે. અમૃત ઘાયલે યોગ્ય જ લખ્યું છે-

“પૂછ મા! કયાં કયાં ખાસ પૂગી છે,

મોતી સમજીને રેત ચૂગી છે,

કૈક કીધાં ઊજાગરા ‘ઘાયલ’

આ ગઝલ માંડ ત્યારે ઊગી છે”

છંદ અને લયમાં શબ્દોને , વિચારોને ઝંકૃત કરવાનું ગજબનું સામર્થ્ય હોય છે. છંદ એ સંગીતનું પણ ઉપકરણ છે. ગઝલમાં સંગીતમયતા અને ગેયતા લાવવા માટે કોઇને કોઇ રૂપે છંદ નિયોજનની આવશ્યકતા રહે જ છે , એવી કવિ મિત્ર ડો . રશીદ મીરની માન્યતામાં તથ્ય રહેલું છે ખરું. છંદોબદ્ધ કવિતા મનને આનંદ આપે છે, મનને તે અવર્ણનીય અનુભવ કરાવે છે. સમાધિમાં લીન સાધકને જેવો આનંદ પ્રાપ્ત થાય, એવો અનુભવ છંદ ભાવકને કરાવે છે. સુંદરમે લખ્યું છે –

“છંદ

એટલે કે આનંદ આપવો

તૃપ્તિ કરવી

વાણીએ

છંદનો આધાર લઇને

કેટલું કેટલું સૌંદર્ય,

રસ,

આનંદ સર્જયાં છે !

માનવના આ

મહાસાથીને

આપણે

જેટલો વધુ સાથે રાખીશું.

વધુ સમજીશું,

વધુ અનુભવીશું,

માણીશું

તેટલી આપણી

આનંદની સમૃદ્ધિ

વધુ ને વધુ માતબર બનશે.

પિંગળ ગઝલરચના માટે અનિવાર્ય છે, એટલે જ ડૉ. રશીદ મીર હામિદ ઉલ્લાહ અફસરને એમ કહેતાં ટાંકે છે કે, “છંદોબદ્ધ કાવ્ય પ્રભાવશાળી હોય છે, અને પ્રભાવકતા શેઅરનો સર્વોત્તમ ગુણ છે . શેઅરને પોતાના સર્વોત્તમ ગુણથી વંચિત થવું એ શેરિયતથી વંચિત થવું છે, તેથી શેઅર માટે વજન અનિવાર્ય છે.” વિષણુપ્રસાદ ત્રિવેદી છંદના મહત્ત્વનો સ્વીકાર આ રીતે કરે છે, “જેની અર્થ ઉપર ઊર્મિના સ્વરૂપ ઉપર નિષ્ઠા નથી, તે કવિ નથી. જેને ભાષા વિષયક કે છંદ વિષયક આગ્રહ નથી, તે સાચો કળાકાર નથી , “ડો . હરિવલ્લભ ભાયાણી કહે છે , “કાવ્યના ઘટક તત્ત્વો સચેતન, જીવંત હોવા જોઈએ, છંદને ન માનનારો વર્ગ તેના દઢ બંધનોને કારણે છૂટકારો મેળવનારો ગણી શકાય.” છંદ વિનાની કવિતા ભાવકને આકર્ષી શકતી નથી. છંદોને કારણે કવિતામાં પ્રવાહિતા, લયાત્મકતા, સંગીતમયતા, ગેયતા અને સૌષ્ઠવ આવે છે. સરળ છંદોને

 કારણે જ કોઇ ગઝલ સહેલાઈથી યાદ રહી જાય છે. સૌથી મોટી વાત તો એ છે કે, છંદ ભાવકના મન પર એક પ્રભાવ પાડે છે. જ્યારે કવિના મનમાં છંદોબદ્ધ કાવ્ય સ્ફુરતું હોય છે, ત્યારે કવિના મનની સ્થિતિ, કવિતા રચનાપ્રક્રિયાની ક્ષણ વિશે ભણકારા કાવ્યમાં બ. ક. ઠાકોર કહ્યું છે, તેમ, મરીઝ પણ લખે છે :

 “કાયમ રહી જે જાય તો પયગમ્બરી મળે,

દિલમાં જે એક દર્દ કોઈ વાર હોય છે.”

છંદોબદ્ધ કાવ્ય એ તો પ્રેરણાનો વિષય છે. છતાં ડો . હરિવલ્લભ ભાયાણી નોંધે છે, “અમુક વર્ગ એકમોની નિયત કાલાન્તરવાળી ગોઠવણીથી થયેલું માપ તે છંદ.” કાંતિલાલ કાલાણી યોગ્ય રીતે જ કહે છે, “છંદ એ સ્વયં કાવ્ય નથી જ, છંદ તો કાવ્ય રચવા માટે લઘુ-ગુરુના જોડકાંનું કે માત્રાઓનું ગણિત આપે છે. છંદને લધુ-ગુરના જોડકાઓનું કે માત્રાઓનું ગણિત ગણવામાં આવ્યું છે, પણ, ગણિત જેવા પ્રયાસને તેમાં સ્થાન નથી તે અનાયાસે સિદ્ધ થાય છે.

 (‘ગઝલનું પિંગળશાસ્ત્ર’માંથી)

copied..Facebook page Shakeel Qadri


Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

શ્રેણીઓ