Posted by: bazmewafa | 02/06/2009

જનાબ આસિમ સાહેબ રાંદેરીની રચનાઓનો ગુલ દસ્તો-વફા

asimcaricaturenirmish

આંખોમાં  લીલા

ને હાથોમાં  દિલ

 

ચાલોને  આસિમ

છે એજ  મંઝિલ

  જ.આસિમ રાંદેરી સાહેબનું સુંદર કેરીકેચર સત્વરે બનાવી બઝમે વફાને અર્પણ કરવા બદલ બઝમ શ્રી નિર્મેષ ઠાકરનો હાર્દિક આભાર માને છે.). 

 

અમે તો નિહાળી બધે બધ  આ લીલા

સમયમાં,હ્રદયમાં ,નયનના આ મયમાં

 

જમાનો અમારી  હસદ કરતો રેશે

ગયાં ક્યાં  છુપાઈ ધરાના પ્રલયમાં

 

  મિત્રની કબર  __ આસિમ રાંદેરી

મારા એક મિત્રની ગમગીન ને ઉજ્જડ આ કબર

એનાં દુ:ખ દર્દનો બદલો છે આ એકાંત  નથી

રંજ દુનિયાનાં અને પ્રેમનાં દુ:ખ ઝીલીને

એવો સુતો છે જાણે કંઇ કલ્પાંત નથી!

 

મારી લીલા એ હતો પ્રેમનો નિષ્ફળ અવતાર

મારા જીવનાની બરાબર હતું એનું જીવન

એની રાતોમાં હતી એજ તો બેચેનીઓ

એની આંખોમાં હતું એજ મુકદ્દરનું રુદન!

 

કલ્પનામાં જ સદા રૂપનાં દર્શન કીધાં

બાહુમાં લઇ કદી કોઇને ભેટી ન શક્યો

કોઇની યાદમાં હરરોજ તરસતો જ રહ્યો

એના અરમાનનો દીવો કદી પેટી ન શક્યો!

  

જેમ તું મારી છે ,એવી એની હતી સલમા

એની પાંસેય હતું લાગણી વશ એક હૃદય

એની ઈચ્છાને પરંતુ કો સહારો ન મળ્યો

મારા જેવો હતો એનોય પ્રતિકૂળ સમય!

  

એ બિચારની કોઇ આશા ફૂલી કે ફળી

જિંદગી એની વહી કંઇક મુસીબત સાથે

મારી લીલા! મને સમજણ નથી પડતી એની

કેમ દુનિયાને અદાવત છે મહોબ્બત સાથે!

  

મારાં આંસુઓ અટૂલા ન રહે ઓલીલા

અંજલિ આપીએ,આ મિત્રને બન્ને સાથે

તારી વેણીનાં આ ફૂલોને કબરની ઉપર

તું ચઢાવી દે તારા સુકોમળ હાથે!

 

પરદા ઉઠાવી જા !_આસિમ રાંદેરી

વચ્ચે થી પ્રેમ _રૂપના પરદા ઉઠાવી જા.
દિલ એક છે નજરને પણ એક જ બનાવી જા.

દિલને તું દરદ , દર્દને તું દિલ બનાવી જા.
બિંદુમાં સિંધુ, સિંધુ માં બિંદુ સમાવી જા.

તું રૂપ છે, હું પ્રેમ છું,તું જીવ હું શરીર,
હું શું બતાવું ?તુજ જગતને બતાવી જા.

હા,હા, જીવનનું દર્દ રુદનમય છે છતાં,
મહેફિલ છે ચાર દિનની હસીને હસાવી જા.

મળશે એક અન્ય ધામ પણ ભક્તિ _નમાજ નું,
મંદિર ને મસ્જિદની તું હદને વટાવી જા.

જેને તું સુખ કહે છે એ દુ:ખનોજ અંત છે,
સુખ જોઇએ તો દુ:ખ મહીં જીવન વિતાવી જા.

સુખ્_દુ:ખનો જન્મ ખેલ છે એક કલ્પના તણો,
સુખ શોધમાંજીવનને ન દુ:ખમય બનાવી જા.

દુનિયા તજી દે તું,તને દુનિયા મળી જશે,
દુનિયા જો લુંટવી છે તો દુનિયા લુંટાવી જા.

મળતો નથી એ તો પછી ખુદને ખોઇ દે,
તું એની શોધનો નવો રસ્તો બતાવી જા.

એ જો મળી જશે તો જીવનની મઝા જશે,
આસિમતું એની શોધમાં જીવન વિતાવી જા.

 

 

 

 

 

 

કિંતુ મારી લીલા ક્યાં છે—આસિમ રાંદેરી.

 

 

 

એ જ બગીચો,એ જ છે માલી,

એ જ ઉષા ને સંધ્યાની લાલી,

કૈફ છલોછલ પુષ્પની પ્યાલી,

કોયલ બુલબુલ ડાલી ડાલી,

સઘળી વસ્તુ ત્યાંની ત્યાં છે,

કિંતુ મારી લીલા ક્યાં છે.

 

એ જ બહારો બાગની અંદર,

પ્રેમનાં જાદું રૂપનાં મંતર,

એ જ પતંગા દીપના ઉપર,

એ જ કમળ છે, એ જ મધુકર,

સઘળી વસ્તુ ત્યાંની ત્યાં છે,

કિંતુ મારી લીલા ક્યાં છે.

 

એ જ ફુવારો ને ફુલવારી,

રંગબેરંગી પ્યારી પ્યારી,

મખમલ સમ આભાસ પ્રથારી,

જે પર દિલની દુનિયા વારી,

સઘળી વસ્તુ ત્યાંની ત્યાં છે,

કિંતુ મારી લીલા ક્યાં છે.

 

એ જ હજી છે ચૂઈ ચમેલી,

આગિયાઓની જ્યોત જડેલી,

આંબાડાળે જુઓ પેલી,

એ જ ચકોરી ચંદા ઘેલી,

સઘળી વસ્તુ ત્યાંની ત્યાં છે,

કિંતુ મારી લીલા ક્યાં છે.

 

ચાંદ સિતારા એ જ ગગનમાં,

મસ્તી એની એ જ પવનમાં,

તાપી પણ છે એ જ વહનમાં,

એ જ ઉમંગો મારા મનમાં,

સઘળી વસ્તુ ત્યાંની ત્યાં છે,

કિંતુ મારી લીલા ક્યાં છે.

 

વડ પર બંને નામ હજી છે,

થડ પર કોતરકામ હજી છે,

બે મનનો સુખધામ હજી છે,

સામે મારુ ગામ હજી છે,

સઘળી વસ્તુ ત્યાંની ત્યાં છે,

કિંતુ મારી લીલા ક્યાં છે.

 

એ જ છે રોનક તાપી તટ પર,

એ જ છે સામે લીલા ખેતર,

વર્ષાની ઝરમરમાં મનહર,

દૂર જ સંતા મસ્જીદ મન્દર,

સઘળી વસ્તુ ત્યાંની ત્યાં છે,

કિંતુ મારી લીલા ક્યાં છે.

 

આસીમ આજે રાણી બાગે,

ઊર્મિને કાંઠે ઠેસ ન વાગે,

મસ્ત પવનમાં પુષ્પ પરાગે,

કેમ મને વૈરાગ ન જાગે?

સઘળી વસ્તુ ત્યાંની ત્યાં છે,

કિંતુ મારી લીલા ક્યાં છે.

 

 

 

 

 

 

કંકોતરી_આસિમ રાંદેરી

(નઝમપ્રકાર:મુસદ્દસ)

 

મારી એ કલ્પના હતી વીસરી મને
કિન્તુ એ માત્ર ભ્રમ હતો થૈ ખાતરી મને.
ભૂલી વફાની રીત ન ભૂલી જરી મને
લ્યો એનાં લગ્નની મળી કંકોતરી મને.
                       સુંદર ન કેમ હોય કે સુંદર પ્રસંગ છે
                     કંકોતરીમાં રૂપ છે શોભા છે રંગ છે.
કાગળનો એનો રંગ છે ખીલતા ગુલાબ સમ
જાણે ગુલાબી એના વદનના જવાબ સમ
રંગીનીઓ છે એમાં ઘણી ફૂલછાબ સમ
જાણે કે પ્રેમકાવ્યોની કોઈ કિતાબ સમ.
                   જાણું છું એના અક્ષરો વર્ષોના સાથથી
                      શિરનામું મારૂં કીધું છે ખુદ એના હાથથી.
છે એને ખાતરી કે હું આવું નહીં કદી
મારી ઉપર સભાને હસાવું નહીં કદી
દીધેલ કોલ યાદ અપાવું નહીં કદી
મુજ હાજરીથી એને લજાવું નહીં કદી
                                 દુઃખ છે હજાર તો ય હજી એ જ ટેક છે
                            કંકોતરી નથી આ અમસ્તો વિવેક છે.
કંકોતરીથી એટલું પુરવાર થાય છે
નિષ્ફળ બને છે પ્રેમ તો વેવાર થાય છે
જયારે ઉઘાડી રીતે ન કંઈ પ્યાર થાય છે
 ત્યારે પ્રસંગ જોઈ સદાચાર થાય છે.
                                   ગંભીર છે આ વાત કોઈ મશ્કરી નથી
                                        તકદીરનું લખાણ છે કંકોતરી નથી.
કાગળનો એક કટકો છે જોવામાં એમ તો
ભરપૂર છે એ પ્રેમની ભાષામાં એમ તો
સુંદર સળંગ રમ્ય છે શોભામાં એમ તો
છે ફૂલસમ એ હલકો લિફાફામાં એમ તો
                                 કોમળ વદનમાં એના ભલે છે હજાર રૂપ
                                મારા જીવન ઉપર તો બરાબર છે ભારરૂપ.
એને ભલેને પ્રેમથી જોયા નહીં કરૂં
વાચન કરીને દિલ મહીં ચીરા નહીં કરૂં
સંયમમાં હું રહીશ બળાપા નહીં કરૂં
આવેશમાં એ ફૂલના કટકા નહીં કરૂં.
                                  આ આખરી ઈજન છે હ્ય્દયની સલામ દઉં
                                            લીલાના પ્રેમપત્રોમાં એને મુકામ દઉં.
આસિમ  હવે એ વાત ગઈ રંગ પણ ગયો
તાપી તટે થતો જે હતો સંગ પણ ગયો
આંખોની છેડછાડ ગઈ વ્યંગ પણ ગયો
મેળાપની એ રીત ગઈ ઢંગ પણ ગયો.
                                       હું દિલની લાગણીથી હજી પણ સતેજ છું
                                      એ પારકી બની જશે હું એનો એ જ છું.

 

જુઓ લીલા કોલેજમાં જઇ રહી છે – આસિમ રાંદેરી

જીવનને આંગણે તારી જુદાઇમાં લીલા
દિવસ કે રાત હોય બન્ને ઉદાસ આવે છે
ને વરસો વિત્યાં છતાં પણ કિનારે તાપીના
હજીય શ્વાસની તારા સુવાસ આવે છે.

જુવાની મહોબ્બતના દમ લઇ રહી છે
મને દિલની ધડકન ખબર દઇ રહી છે
પ્રણય રૂપ ના રંગ જોવાને માટે
બધાની નજર એ તરફ થઇ રહી છે
જુઓ લીલા કોલેજમાં જઇ રહી છે

કમલ જેવાં કરમાં એ પુસ્તક ઉઠાવી
પ્રણય ઉર્મીઓ મનની મનમાં સમાવી
મનોભાવ મુખ પર ન દેખાય તેથી
અદાથી જરા ડોક નીચી નમાવી
મને અવનવી પ્રેરણા દઇ રહી છે
જુઓ લીલા કોલેજમાં જઇ રહી છે

છે લાલી માં જે લચકતી લલીતા
ગતી એવી જાણે સરકતી સરીતા
કલાથી વિભુષીત કલાકાર માટે
કવિતા જ સુંદર બનીને કવિતા
પ્રભુની પ્રભા ની ઝલક દઇ રહી છે
જુઓ લીલા કોલેજમાં જઇ રહી છે

ન સુરમો, ન કાજલ, ન પાવડર ન લાલી
છતાંય એની રંગત છે સૌ માં નિરાલી
બધી ફેશનેબલ સખીઓ ની વચ્ચે
છે સાદાઇ માં એની જાહોજલાલી
શું ખાદીની સાડી મજા દઇ રહી છે
જુઓ લીલા કોલેજમાં જઇ રહી છે

સરળથી ય સરળ છે એની સરળતા
નથી શબ્દ સમજાવવા કોઇ મળતા
લખું તોય લખતાં ન કાંઇ લખાયે
શમી જાય છે ભાવ હૈયે ઉછળતાં
અજબ મારા મનની દશા થઇ રહી છે
જુઓ લીલા કોલેજમાં જઇ રહી છે

ભલા કોણ જાણે કે કોને રિઝવવા
અને કોના દિલની કળીને ખિલવવા
એ દરરોજ બે-ચાર સખીઓની સાથે
એ જાયે છે ભણવા કે ઉઠાં ભણવવા
ન સમજાય તેવી કલા થઇ રહી છે
જુઓ લીલા કોલેજમાં જઇ રહી છે

કોઇ કહે છે જાય છે ચિત્રો ચિતરવા
કહે છે કોઇ જ્ઞાન ભંડાર ભરવા
કોઇ કેમ સમજે આ બાબતને આસીમ
અધુરાં પ્રણય પાઠ ને પુર્ણ કરવા

એ દરરોજ ભણતરનાં સમ લઇ રહી છે
જુઓ લીલા કોલેજમાં જઇ રહી છે

 

ઈશારો તો નથી?

 

એક ભ્રમણા છે હકીકતમાં સહારો તો નથી,

જેને સમજો છો કિનારો એ કિનારો તો નથી.

 

એક પણ ફૂલમાં અણસાર તમારો તો નથી,

ભાસ કેવળ છે બહારોનો બહારો તો નથી.

 

એ ખજાનો છે ગગન કેરો, અમારો તો નથી,

એક પણ એમાં મુકદ્દરનો સિતારો તો નથી.

 

કેમ અચરજથી જગત તાકી રહ્યું મારું વદન ?

સ્હેજ જુઓ, કોઈ પડછાયો તમારો તો નથી.

 

માત્ર મિત્રોનું નહીં, દુનિયામાં દરદ છે દિલમાં,

કોઈનો મારી મહોબ્બત પર ઈજારો તો નથી.

 

દિલના અંધકારમાં, આ ચાંદની ક્યાંથી ખીલી !

ચંદ્રમુખ ! એ મહીં કંઈ હાથ તમારો તો નથી ?

 

મુજને મઝધારે ઓ મોજાંઓ ફરી લઈ ચાલો,

મારો હેતુ, મારી મંઝિલ, આ કિનારો તો નથી.

 

મુજને દુનિયાય હવે તારો દિવાનો કે છે,

એમાં સંમત, તારી આંખોનો ઇશારો તો નથી ?

 

હુંય માનું છું નથી, ક્યાંય એ દુનિયામાં નથી,

પણ વિચારો તો બધે છે, ન વિચારો તો નથી ?

 

પ્રેમના પત્ર, હરીફોના તમે વાંચો ભલે,

એમાં જોજો મારી ગઝલોનો ઉતારો તો નથી !

 

લાખ આકર્ષણો મુંબઈમાં ભલે હો, આસિમ’!

મારી લીલા, મારી તાપીનો કિનારો તો નથી !

 

આ વર્ષાની ઝરમર

 

આ વર્ષાની ઝરમર, આ મોસમ દુલારી,

ન પૂછો અમે કેવી રીતે ગુજારી ?

મદીલી મદીલી એ આંખો તમારી,

કરી યાદ હરપળ વિસારી વિસારી !

 

તમારા સ્મરણમાં નથી લાભ, કાંઈ,

એ માન્યું બધુ થઈ જશે બેકરારી;

પરંતુ તમે ખુદ મને એ બતાવો,

કરું યાદ કોને હું તમને વિસારી ?

 

પ્રણયની રમતમાં હ્રદય ખોઈ દીધું,

છતાં એ જ બાકી છે હિમ્મત અમારી;

હવે દાવમાં પ્રાણ મૂકી દીધો છે,

કે હારે તો બમણું રમે જુગારી.

 

મધુરા ખયાલો, રૂપાળા તરંગો,

ભુલાવે છે જીવનના દુ:ખમય પ્રસંગો;

તમે એને સુખના વિચારો ન માનો,

હું વાંચું છું કિસ્મતના લેખો સુધારી.

 

દયા મારી ઉપર એ લાવે ન લાવે,

તને શું થયું છે એ આવે ન આવે;

નિરાશા, પ્રણયનું છે અપમાન હે દિલ !

તું કર રાત દિન એમની ઈન્તેજારી.

 

અહીં ચુપકીદીમાં જ ડહાપણ છે, સહચર !

ભલે પ્રેમ ને રૂપ ઝઘડે પરસ્પર;

જો સાચું કહું તો મહોબતની બાજી,

એ બેમાંથી કોઈએ જીતી ન હારી !

 

સુરાલયમાં વીતી કે મસ્જિદમાં વીતી,

હિસાબ એનો દુનિયાને શા કાજ દઈએ ?

અમારી હતી જિંદગાની અમારી,

ગુજારી અમે તે ગમે ત્યાં ગુજારી.

 

સુમનના સદનનો છે નકશો નજરમાં,

હવે આંખ ક્યાંથી ઊઠે અન્ય ઉપર ?

મુબારક હો તમને ઓ દુનિયાના લોકો !

આ મંદિર તમારું, આ મસ્જિદ તમારી.

 

પ્રણય-પંથકના ભેદ એ કેમ જાણે,

ને એ રૂપ-દર્શનની શી મોજ માણે ?

નજર જે ઉઠાવે બચાવી બચાવી,

કદમ જે ઉપાડે વિચારી વિચારી !

 

ન તે રાગ છે, ના અનુરાગ આજે,

ન તે બાગ છે, ના ત્યાં લીલા બિરાજે;

હવે એક આસિમ પ્રણય-ગીત કાજે,

રહી ગઈ છે તૂટેલ દિલની સિતારી

*****

પ્રણયના પાઠ હું ભૂલ્યો છું જ્યાંથી
ચહું છું પુનઃ કરી લઉં યાદ ત્યાંથી
છતાં મારા જીવનનું આજ આસિમ
વરસ બાવીસમું તે લાવું ક્યાંથી ?.

ગંગામાં નથી  હોતી.

પ્રશંસામાં  નથી  હોતી   કે નીંદામાં  નથી હોતી,
મજા જે હોય છે ચુપમાં, તે ચર્ચામાં નથી  હોતી.

મજા ક્યારેક એવી હોય છે જે એક નામાં પણ,
અનુભવ છે કે  એવી  સેંકડો હામાં નથી હોતી.

અરે!આ તો ચમન છે,પણ યદિ વેરાન જંગલ હો,
કહો જ્યાં જયાં તમે હો છો મજા શામાં નથી  હોતી.

ગઝલ એવીએ વાંચી છે અમે લીલાની આંખમાં,
અલૌકિક-રંગમય જે  કોઈ   ભાષામાં નથી   હોતી.

અનુભવ એ ય આસિમમેં   કરી જોયો જીવનમાં,
જે   ઊર્મિ  હોય છે તાપીમાં, ગંગામાં નથી  હોતી.

મોતી લૂંટાવશું
 
કરશો તમે સિતમ અમે આંસુ વહાવશું
પથ્થરતણાં જવાબમાં મોતી લૂંટાવશું
 
આવો, અમે કશામાં કમી કૈં ન લાવશું
મોતીની શી વિસાત છે ? જીવન લૂટાવશું
 
ગુણ નમ્રતાનો છે, તે ભલા ક્યાં છુપાવશું ?
એ માનશે નહીં,તો અમે મન મનાવશું
 
અમને અમારા મૃત્યુનું કૈં દુઃખ નથી, છતાં
દુઃખ એ જરુર છે કે તને યાદ આવશુ !
 
અમને ભલે. તમારી છબી પણ નહિ મળે
ગઝલો તમારા જેટલી સુંદર બનાવશું
 
આ જિંન્દગી તો એક ઘડી થોભતી નથી
કોને ખબર કે ક્યારે તને યાદ આવશું ?
 
આસિમકરો ન આમ શિકાયત નસીબની
રુઠી જશે તો બીજો ખુદા ક્યાંથી લાવશું

 

કટકે ક્ટકે

 

રૂપ સિતમથી લેશ ન અટકે

પ્રેમ ભલેને માથું પટકે

 

 

આપ જ મારું દ્રષ્ટિ બિંદુ

હોય ભ્રમર તે જ્યાં ત્યાં ભટકે

 

 

પ્રેમ નગરના ન્યાય નિરાળા

નિર્દોષો પણ ફાંસી લટકે

 

 

બચપણ યૌવન વૃધ્ધવસ્થામાં

જીવન પણ છે કટકે કટકે

 

 

રૂપના ફંદા ડગલે ડગલે

દિલ પંખેરું ક્યાંથી છ્ટકે

 

 

પાપ નહીં હું પ્રેમ કરું છું

ના મારો ફિટકારને ફટકે

 

 

એ જ મુસાફિર જગમાં સાચો

જેની પાછળ મંઝિલ ભટકે

 

 

દીપ પતંગને કોઇ ન રોક્ર

પ્રીત અમારી સૌને ખટકે

 

નજરોના આવેશને રોકો

તૂટી જશે દિલ એક ઝટકે

 

 

ઊંઘ અમારી વેરણ થઈ છે

નેણ અભાગી ક્યાંથી મટકે

 

 

એ ઝૂલ્ફોનો એનો જાદું

એક એક લટમાં સો દિલ લટકે

 

 

એક એક શએરમાં કહેતો રહ્યો છું

પ્રેમ કહાણી કટકે કટકે

 

 

પ્રેમનો મહિમા ગાતા રહેવું

જ્યાં આસિમ શ્વાસ ન અટકે

(મુંબઈ 27-5-53)

 

 

 

 

 

 

 

 

 

 

 

મુલાકાત – ૧૦૪ વર્ષીય ગઝલકાર આસિમ રાંદેરી કહે છે ક લીલા-કાવ્યો એ મારા જીવનની મહામૂલી મૂડી છેભલા !

 કોણ જ અને કોના દિલની કળીને ખીલવવા ?
રે ! દરરોજ બે-ચાર સખીઓની સાથે એ જાય છે ભણવા કે ઊઠાં ભણાવવા
?
ન સમજાય તેવી કલા થઇ રહી છે.

જુઓ, લીલા કોલેજમાં જઇ રહી છે.
આ ગઝલ દરેક સાંભળી જ હશે કેમ ખરું ને ! પરંતુ આવી અદ્ભૂત ગઝલની રચના કરનાર છે આસિમ રાંદેરી પેરાલીસીસના એટેક બાદ આસિમભાઈ પથારીવશ છે. હાલમાં તેઓ ૧૦૪ વર્ષની વયે પણ કાવ્ય, ગઝલ અને ગીતોની વાતો કરે છે.
વ્હીલચેર પર સફેદ પાયજામો અને ઝભ્ભો પહેરીને કુરાનની આયાતો વાંચે છે. આવી શારિરીક પરિસ્થિતિમાં આવ્યા બાદ પણ તેઓ હિંમત હાર્યા વગર આજે પણ ૧૦૪ વર્ષની જૈફ વયે એટલા જ તાજગી સભર લાગે છે.

૧૫ ઓગસ્ટ ૧૯૦૪માં સુચી નજીકના નાનકડાં રાંદેર ગામમાં સુબેદાર કુટુંબમાં આસિમ રાદેરીનો જન્મ થયો હતો. સાત-આઠ દાયકા પૂર્વે આસિમ સાહેબે જ્યારે કાવ્યો લખવાની શરૃઆત કરી હતી ત્યારે ગામ, સુરત અને તાપી નદી ઘણું જ અલગ હતું. આસિમએ તેમનું તખલ્લુસ નામ છે. પણ એમનું મૂળ નામ મહેમુદમીયા છે. શરૃઆતમાં તેમણે ઉર્દુ ગઝલ લખી હતી. ઇ.સ. ૧૯૨૫માં તેમણે પ્રથમ ગુજરાતી ગઝલ લખી હતી.

તેમણે લીલાનામના એક પાત્ર પર અસંખ્ય કૃતિઓ રચી છે. જેમાં ત્રણ ગઝલ સંગ્રહ, ‘લીલાં‘, ‘શણગારઅને તાપી તીરેપ્રસિધ્ધ થયા છે. જો કે લીલાનાં કાવ્યો એટલા બધા લોકપ્રિય બન્યા કે લીલાની ત્રીજી આવૃત્તિ પણ બહાર પાડવામાં આવી છે.

જો કે આસિમભાઈને લીલાકાવ્યો, ઘણાં જ લખ્યા છે તેમને લીલાં કોણ છે છે ? તે પ્રશ્ન પૂછતા હસીને જવાબ આપે છે કે લીલા તે મારી કલ્પના મૂર્તિ છે. આવો પ્રશ્ન મારાં દેશ-પરદેશમાં વસતાં મિત્રો પૂછે છે. આ વાત પરથી એક રસપ્રદ કિસ્સો યાદ કરતા વધુમાં તેઓ કહે છે કે એક જૈન યુગલ છેક મુંબઇથી આવીને મને પૂછ્યું હતું કે શું લીલા જીવંત છે. જેનો જવાબ નાઆપતાં તે યુગલ મારી સામે ઘણાં જ આશ્ચર્યથી જોઈ રહ્યું હતું. સાચે જ લીલા કાવ્યો તો મારા જીવનની મહામૂલી મૂડી છે. જ્યારે મુશાયરામાં મારો ક્રમ આવતાં જ શ્રોતાઓ લીલા…લીલા… અચૂકથી કહે છે. તેમણે ઇ.સ. ૧૯૫૨માં કરાચીમાં યોજાયેલા ભારત-પાક., ગુજરાતી મુશાયરા ૧૯૫૬માં કોલંબો, ૧૯૬૧ ઇસ્ટ આફ્રિકા, મોરેશિયસ, ગુજરાતી ઉર્દુ શાયરીનાં મુશાયરા કર્યા હતા. આ ઉપરાંત અમેરિકામાં પણ અસંખ્ય મુશાયરામાં ભાગ લઇને અનેક લોકોની દાદ મેળવી હતી. ગુજરાતી ગઝલના ક્ષેત્ર પ્રદાન બદલ આસિમ રાંદેરીને બે વર્ષ અગાઉ વલીગુજરાતી ગઝલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. તેમની કંકોતરીની ગઝલ પણ પૂછતાં તેઓ ચિંતિત થઇને કહે છે કે ચોટ ખાધી છે અને પછી દિલની ચોટની વાતને લગતી ગઝલ સંભળાવે છે.

મોહબ્બત ના જીવનની
વીતી ના પૂછો
મળી જ્યારે પણ ચોટ
ખાધી છે દિલ પર
જ્યારે આસિમ સાહેબે ૧૦૦ વર્ષ પૂરા કર્યા હતા ત્યારે સુરત ખાતે સન્માન પત્ર આપવા માટે મુશાયરો યોજવામાં આવ્યો હતો. આ મુશાયરો દરમિયાન તેમણે ઘણી જ ગઝલો પણ ગાઈ હતી. તેમનો દીકરો ઝહીર પણ ખૂબ જ પ્રેમાળ છે. તે પિતાજીની સેવા માટે અમેરિકાથી આવ્યો છે તે કહે છે કે અત્યારનો સમય ખૂબ જ બદલાઈ ગયો છે. કહે છે કે એક એવો જમાનો હતો કે જ્યારે માણસ ખાવાનાં સમયે રાહ જોતાં હતા કે કોઈક મહેમાન આવે તો સારું જેની સાથે બેસીને આનંદથી જમીએ. પણ હવે એવો જમાનો આવી ગયો છે કે માણસ વિચારે છે કે ઘરમાં બેઠેલાં મહેમાન જાય તો સારું જેથી જમવા બેસી શકાય.આ બાબત ઘણી જ વિચારવા જેવી છે.

વી રીતે પોતાની ગઝલ દ્વારા પોતાની વાત રજૂ કરે છે. જો કે ૧૦૪ વર્ષની વયે પણ ગઝલની તાજગી, સ્મૃતિ, શ્રુતિ અને વાણીની સ્પષ્ટતા જોવા મળે છે. તેઓ પોતાનાં સ્વાસ્થ્ય અંગે કહે છે કે હંમેશા ખુશ જ રહેવાનું… આનંદમાં રહેવાનું. હંમેશા આનંદમાં રહો તો તબિયત સારી જ રહે. ક્યારેય દુઃખનાં વિચારો નહીં કરવાના.

 (ગુજરાત સમાચાર પ્લસ    Friday, 29 August 2008)


પ્રતિભાવો

  1. સરસ અંજલી

  2. Wafasaheb, Asim sahebni vidaai..temni Juo lila and kankotri Manhar udhas na kanthe saambhali..teo 104 varsh jivya ane haji jivshe temni gazal…atma to sashvat chhe..badhu joi shake chhe…immortal

  3. Rajendra Trivedi, M.D. Says:
    February 7, 2009 at 7:49 pm

    લીલા આસિમની આ દુનીયામાઁ પુરી થઈ માનશો નહી!

    આસિમ તો અસિમ શ્રધા સાથે ખુદા પાસે છે – જન્નતનશીન.

    રાજેન્દ્ર ત્રિવેદી

  4. અસીમ છે ‘આસીમ’ની ‘લીલા’!
    ગઝલની અસીમ સીમા છે લીલા !


Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

શ્રેણીઓ