Posted by: bazmewafa | 10/03/2011

સાહિત્યકાર પ્રો.પ્રિયકાન્ત પરીખનું વડોદરામાં નિધન –કૌશિક અમીન

સાહિત્યકાર પ્રો.પ્રિયકાન્ત પરીખનું વડોદરામાં નિધન કૌશિક અમીન
 (સોમવાર 3ઓકટો.2011)

ગુજરાતી સાહિત્યજગતના ઊંચા ગજાના નવલકથાકાર અને સાહિત્યકાર પ્રા.પ્રિયકાન્ત પરીખનો વડોદરા ખાતે રવિવારે બપોરે દોઢ વાગ્યાના સુમારે દેહવિલય થયો હતો તેમની ઉમર ૭૪ વર્ષની હતી.
પ્રો. પરીખ છેલ્લા એક સપ્તાહથી હોસ્પિટલમાં દાખલ હતા
ગુજરાતી સાહિત્યને એકસો જેટલા શબ્દગ્રંથો અર્પણ કરનાર અને સાચા અર્થમાં કલમને ખોળે માથું મૂકનાર કલમકસબી પ્રા.પ્રિયકાન્તભાઇ પરીખે રવિવારે બપોરે તેમના નાના પુત્ર હિમાંશુભાઇના ઘેર અંતિમ શ્વાસ લીધો હતો.
મૂળ રાજપીપળાના પ્રિયકાન્તભાઇ પરીખ પોતાના વાચકોની નાડ પારખી શકયા હતા. તેથી જ તેમણે અંદાજે ૫૦ જેટલી નવલકથાઓ અને અસંખ્ય નવલિકાઓના સંગ્રહો સહિતનાં અન્ય ૫૦ પુસ્તકો સાહિત્યજગતને ભેટ આપ્યાં હતાં.
સાહિત્યમાં તેમનું નામ એટલું માનથી લેવાતું હતું કે તેમની હસ્તક્ષેપ અને આથમતો સુરજ નવલકથાઓ તથા પ્રિયકાન્તની પસંદગીની નવલિકાઓ એ ત્રણ પુસ્તકોનું સંયુક્ત વિમોચન રાજ્યના મુખ્યમંત્રીએ લેખકનાં નિવાસસ્થાને જઇને કર્યું હતું. કારણ કે તે સમયે તેમની તબિયત નાદુરસ્ત હતી.
સાહિત્યમાં તેમણે પીએચડીની પદવી પ્રાપ્ત કરી હતી.અમદાવાદની નવગુજરાત કોલેજમાં તેમણે અધ્યાપક તરીકેની કામગીરી પણ બજાવી હતી.જો કે તે નોકરીમાંથી વહેલા નિવૃત્ત થઈ તેમણે પુર્ણકાલિન સાહિત્યસર્જક તરીકેની ભૂમિકા ભજવવાનો નિર્ધાર કર્યો હતો.
માત્ર સોળ વર્ષની કિશોરવયથી સાહિત્યસર્જન કરવાનું કાર્ય તેમણે શરૃ કર્યું હતુ, જે આજીવન ચાલુ રહ્યું હતું. સાહિત્યક્ષેત્રે ચાલતી ખેંચાખેંચી અને રાજકારણના આટાપાટાથી તેઓ સંપૂર્ણ અલિપ્ત હતા. તેથી તેઓ અજાતશત્રુ હતા.તેમનો સરળ અને પ્રેમાળ સ્વભાવ તથા તેમનું બાળસહજ નિર્દોષ હાસ્ય સામી વ્યક્તિને મિત્ર બની જવા ફરજ પાડતું હતું.
તેઓ અત્રે છેલ્લા એક સપ્તાહથી બિમાર હતા અને વડોદરાની ખાનગી હોસ્પિટલમાં દાખલ હતા.તેમને શરીરમાં કફ ખૂબ વધી ગયો હતો. તેમના અવસાનના સમાચાર સાહિત્યજગતમાં વાયુવેગે પ્રસરી જતાં સ્થાનિક સાહિત્યકારો એકત્ર થઈ ગયા હતા અને તેમની સ્મશાનયાત્રામાં જોડાયા હતા.
તેમના અગ્નિદાહ પ્રસંગે સ્થાનિક સાહિત્યકારોએ તેમને અંગત અંજલિ આપી પોતપોતાના સંસ્મરણો વાગોળી તેમને અંજલી આપી હતી.
અત્રે એ ઉલ્લેખનીય ચે કે સ્વ. પ્રિયકાન્તભાઈનો નાતો ગુજરાત સમાચાર સાથે છેક સુધી અતૂટ રહ્યો હતો. તેમની છેલ્લી નવલકથા હસ્તક્ષેપ ગુજરાત સમાચારની રવિવારની પૂર્તિમાં નિયમિત પ્રસિધ્ધ થતી હતી.

તેમના અવસાનથી ગુજરાતી સાહિત્યને ન પૂરાય તેવી ખોટ અનુભવવી પડશે.
સ્વ. પ્રિયકાન્તભાઈ તેમની પાછળ તેમના પત્ની રસજ્ઞાાબેન તથા બે પુત્રો ડૉ. કંદર્પભાઈ અને હિમાંશુભાઈ તથા તેમના પરિવારને વિલાપ કરતા મૂકી ગયા છે.

Kaushik Amin
Chairman, Gujarat Foundation Inc. USA.
201-936-4927
kaushikamin@hotmail.com


Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

શ્રેણીઓ