Posted by: bazmewafa | 04/27/2008

અમારુ મસ્તક અમોને નમે છે____શયદા

નઝમ :  મોહમ્મદઅલી વફા

 અરબી,ફારસીમાંથી ઉર્દૂનાં ચમનમાં ઉતરેલા છંદોને આપણે ગુજરાતી ના બાગમાં વસાવી ગુજરાતી સાહિત્યને બાગ બાગ કરી દીધું છે. અરબી છંદોમાં લખાતી કવિતાની 150 વર્ષો જેટલી યાત્રામાં, ગુજરાતી એ ગઝલને ખૂબ પ્રેમ ભાવે રમાડી છે. 

મુકતક,કતઅ,રૂબાઈની ઝૂલ્ફો પણ સંવારી લીધી છે,

પરંતુ અપણે ત્યાં સંસ્કૃત છંદો જેવો વધુ અનુરૂપ નઝમ,કાવ્ય પ્રકાર ઘણો ઓછો ખેડાયો છે.

આઝાદ નઝમ અથવા અછાંદસની પણ છેડ છાડ સારા પ્રમાણમાં થઇ છે.

છંદોબધ્ધ નઝમો ની બાંધણી વિષે બઝમે વફામાં ચર્ચા થઇ ચુકી છે.

આ છંદોબધ્ધ નઝમ પ્રકાર બિલકુલ ખેડાયો એવું નથી. ગઝલ સમ્રાટ શ્રી શયદાથી લઇ શ્રી બેકાર,આસિમ રાંદેરી,સૈફ પાલનપુરી,નિસાર અહમદ શેખ(શેખ ચલ્લી),સીરતી,રતિલાલ અનિલ,અંજુમ વાલોડી,મસ્તહબીબ સારોદી,રૂસ્વા મઝલૂમી,શૂન્ય પાલનપુરી વિ. ઘણા ગુર્જરગિરાના શાયર વૃંદે નઝમો લખી છે,અને સુંદર નઝમો લખી છે,

નઝમ એ ભાવના સાતત્ય વાળો કાવ્ય પ્રકાર હોઇ ,એના વિષયની માવજત વિષય લક્ષિતા માંગી લે છે. ગઝલની જેમ એમાં દરેક શેરે વિષયાંતર થતું નથી. પરંપરાગત સોનેટની જેમ વિષયને અંત સુધી વળગી રહી,અનુકંપા,ચમત્કૃતિ,મનોવેદના,સૃષ્ટિ સૌંદર્ય,પ્રશસ્તિ,ઇનકિલાબ કે શૌર્યની ભાવના,યુધ્ધ ગીતો, ના,હમ્દ,કસીદા,મરર્સિયા,તાઝિયત વિ.ઘણા વિષયો નઝમમાં આવરી લેવાય છે.મસ્નવી કાવ્ય પ્રકાર પણ ખેડાયલો લાગતો નથી. મસ્નવીએપીક મહાકાવ્ય માટે ઘણો ઉપયોગી છે.ફારસીમાં મસ્નવી એ રૂમ(મૌલાન જલાલુદ્દીન રૂમી ની મસ્નવી ઘણી પ્રખ્યાત છે).

ઉર્દૂમાં અલ્લામા હાલીએ મુસદ્દ્સ નો ઉપયોગ કરી ,આખો કાવ્યગ્રંથ મુસદ્દસે હાલી લખ્યો છે.

નઝમ ને સમજવા માટે શ્રી મસ્ત હબીબ સારોદી ના આ શબ્દોજ પર્યાપ્તત છે. નઝમનું ક્ષેત્ર વિશાળ ખર્રું પણ એના કડક બંધનો જેવાકે :_ વિચાર સાતત્ય ,પ્લોટની સંપૂણતા અને રજૂઆતની વિશિષ્ટા ના કારણે આ પ્રકાર પણ શ્રમ દાયક થઈ પડયો,એના પ્રતિ દુર્લક્ષ થતું રહ્યું.અને એની પ્રગતિ રૂંફધાઈ ગઈ.
નઝમને ભાવના સાતત્ય વાળું કાવ્ય પણ કહેવામાં આવે છે. ગઝ્લ માં દરેક શેર સંપૂર્ણ રીતે સ્વવતંત્ર છે. અને સ્વતંત્ર અર્થ છયાનો થાળ લઈને આવે છે.અને આખી ગઝલ એકજ બહેર (વજનમાં) સમાન રદીફ અને કાફિયાહ માં કહેવાય છે. નઝમ માં પણ આ બંધારણતો રહેવાનું. પરંતુ નઝમ કાર મુખમ્મસ(પંચ પદી) કે મુસદ્દસ (ષટ પદી)પ્રયોજી
,આખી નઝમ એકજ વજન માં રહે છે. પંચ પદી કે ષટપદી પ્રમાણે એના બંધારણમા રદીફ,કાફિયાનો સંદર્ભ બદલાયા કરે છે. પણ ફરી પંચ પદી કે ષટપદીમાં પ્રથમ બંધકના રદીફ કાફિયાની સમાંનતા વાળો શેર કમશ: પુનરાવર્તન કરેછે.ઉદાહરણ માટે જુઓ પુસ્તક_ગઝલ શીખવી છે? પુષ્ઠનં.36,37.

 

 

 

 

થોડી છંદબધ્ધ નઝમો પ્રસ્તુત છે.

 

 અમારુ મસ્તક અમોને નમે છે____શયદા(નઝમ પ્રકાર: મુસદ્દસ)

 

અમારા વિષે વિશ્વ આખું રમે છે.

     અમારુંજ મસ્તક અમોને નમે છે.

 

વિષમ રાત્રિઓને વિષમ શી સવારો.

વિષમ વિશ્વ આખું વિષમ પથ અમારો.

અને આવરણનો ન આરો કિનારો,

સમજ ફેરનાં છે બધા એ વિચારો.

      અમારા વિષે વિશ્વ આખું રમે છે.

       અમારુંજ મસ્તક અમોને નમે છે.

 

અમે શૂન્યમાંથી જ  સૃષ્ટિ રચાવી.

હતા પથ્થરો એની મૂર્તિ બનાવી

પછી ચેતના એ વિષે જગમગાવી

પરંતુ સમજમાં હવે વાત આવી.

       અમારા વિષે વિશ્વ આખું રમે છે.

        અમારુંજ મસ્તક અમોને નમે છે.

 

ચમક વીજળીની અને મેઘ ગર્જન

અને આમ્ર વનમાં મયૂરોના નર્તન

અણુએ અણુમાં વિસર્જન કે સર્જન

થયાં એ બધામાં અમારા જ દર્શન.

         અમારા વિષે વિશ્વ આખું રમે છે.

           અમારુંજ મસ્તક અમોને નમે છે.

 

સમય જયાં નથી ત્યાં સમય છે અમારો,

કહો અસ્ત ત્યાં પણ ઊદય છે અમારો

પરમપદ અમારું પ્રલય છે અમારો

નથી ગર્વ આ તો વિનય છે અમારો        

         અમારા વિષે વિશ્વ આખું રમે છે.

           અમારુંજ મસ્તક અમોને નમે છે.

 

અમે સૂરમાં,નૃત્યમાં, તાલ સમમાં

અમે શમ કે દમમાં, અમે યમ નિયમમાં

અમારોજ છે વાસ મૃત્યુ_જનમમાં

ભ્રમણ છે અમારું અગમમાં નિગમમાં

          અમારા વિષે વિશ્વ આખું રમે છે.

           અમારુંજ મસ્તક અમોને નમે છે.

 

મહા સિંધુના જળ,અતળ ને તળાતળ

અતિ ધખ ધખે જ્યાં અનળ ને મહાનળ

નથી જાણતું કોઇ  પણ જે  અકળ કળ

અરે એ મહીં છે અમારૂં પરિબળ

           અમારા વિષે વિશ્વ આખું રમે છે.

            અમારુંજ મસ્તક અમોને નમે છે.

 

અનલ આભ અવની, પવન કે શું પાણી

સહુ  શક્તિઓ  છે   અમોમાં સમાણી

ચરાચર અગોચર કે સારંગ પાણી

નથી કોઇ શક્તિ અમોથી અજાણી

            અમારા વિષે વિશ્વ આખું રમે છે.

             અમારુંજ મસ્તક અમોને નમે છે.

 

વિદેહી છતાં યે  અમો દેહ ધારી

વિકારી કહો કે કહો નિર્વિકારી

પુરુષ વેશમાં પણ અમે અર્ધ નારી

નથી જાણતું કોઇ લીલા અમારી

          અમારા વિષે વિશ્વ આખું રમે છે.

           અમારુંજ મસ્તક અમોને નમે છે.

 

શિવોહમ્ શિવોહમ્ રટણ ઠીક છે,પણ

વિમળ આંખડીનાં ઝરણ ઠીક છે,પણ

ઉલેચ્યા સહુ આવરણ ઠીક છે,પણ

હરિ ૐ અશરણ શરણ ઠીક છે,પણ

         અમારા વિષે વિશ્વ આખું રમે છે.

           અમારુંજ મસ્તક અમોને નમે છે.

 

અમે જો નથી તો હરિનામ શું છે?

હરે કૃષ્ણ શુ છે ? હરે રામ શું છે?

અતલ યોગ કે કામ નિષ્કામ શું છે?

અમારા વિનાનું પરમ ધામ શું છે ?

        અમારા વિષે વિશ્વ આખું રમે છે.

          અમારુંજ મસ્તક અમોને નમે છે.

 

અમે દેવ દેવી, અમે દેવ દર્શન,

અમે પાઠ પૂજા, અમે પૂષ્પ ચંદન,

અમે વેદ વાણી અમે કાવ્ય કિર્તન

અમે જો નથી તો,નથી કોઇ સર્જન,

        અમારા વિષે વિશ્વ આખું રમે છે.

           અમારુંજ મસ્તક અમોને નમે છે.

 

 


પ્રતિભાવો

  1. sundar mahiti

    thanks….

  2. અમારુય મસ્તક તમોને નમે છે


Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

શ્રેણીઓ