Posted by: bazmewafa | 03/03/2019

હાઉ ઇઝ જોશ મલીહાબાદી!,,,,,,,ગુજરાત સમાચાર .3 માર્ચ.19

હાઉ ઇઝ જોશ મલીહાબાદી!,,,,,,,ગુજરાત સમાચાર .3 માર્ચ.19

હાઉ ઇઝ જોશ મલીહાબાદી!

જેમને પાકિસ્તાન અને ભારત બંને સરકારે નાગરિક સન્માન આપ્યું હોય તેવા એક માત્ર કવિ

નહેરુને આપેલું વચન તોડી પાકિસ્તાન જતા રહેલા

જોશે ભાષાકીય ભૂલ કાઢતા ગુસ્સે ભરાયેલા અયૂબ ખાને તેની સીમેન્ટ એજન્સી કેન્સલ કરી નાખેલી

ઉર્દૂના કેટલાક આધુનિક શાયરોએ શાયરીમાં જેટલું યોગદાન આપ્યું છે એટલું જ ભારતની આઝાદીમાં પણ આપ્યું છે. ચૂપકે-ચૂપકે રાત દિન આંસુ બહાના યાદ હૈ જેવી અદ્ભુત ગઝલ દ્વારા લોકપ્રિય બનેલા ગઝલકાર હસરત મોહાનીએ ઇન્કલાબ ઝિંદાબાદનો નારો પણ આપણને આપ્યો. પોતાના મેગેઝિનમાં અંગ્રેજો વિરુદ્ધ નિર્ભિકપણે લખતા.

પ્રેસ જપ્ત થઈ જતો, જેલવાસ ભોગવતા, બહાર આવીને ફરી સામયિક શરૂ કરતા, ફરી અંગ્રેજો વિરુદ્ધ લખતા, ફરી પ્રેસ જપ્ત થતો, ફરી જેલમાં જતા. આ ચક્કી સતત ચાલ્યા કરતી. દેશ આઝાદ થયો ત્યારે બંધારણ સભાના સદસ્ય બનેલા. એવી જ રીતે જોશ મલીહાબાદી. શાયર-એ-ઇન્કલાબે લખેલી નઝમો ગાતા-ગાતા યુવાનો અંગ્રેજો સામે હસતા મુખે ધરપકડ વહોરતા.

જોશનો જન્મ પાંચમી ડિસેમ્બર ૧૮૯૮ના રોજ ઉત્તર પ્રદેશના મલીહાબાદમાં થયો હતો.

કામ હૈ મેરા તગય્યૂર (પરિવર્તન), નામ હૈ મેરા શબાબ (યુવાની),

મેરા નારા, ઇન્કલાબ-ઓ-ઇન્કલાબ-ઓ-ઇન્કલાબ

જોશ એટલે એક લાખ શેરોનો શાયર. ઉર્દૂ ભાષાનો જાયો. તેમની કલમમાં ભાષાએ માળો બાંધ્યો, વિસામો ખાધો, નવા કલેવર ધારણ કર્યા એમ પણ કહી શકાય. સાચી ઉર્દૂ લખવાના અને સાચા ઉચ્ચારણો કરવાના તેઓ હઠાગ્રહી હતા. પાગલપણાની હદ સુધીનો હઠાગ્રહ તેમને ભારે પણ પડી ગયેલો. કેવી રીતે એની વાત આગળ.

શબ્બીર હસન ખાનની જોશ મલીહાબાદી બનવાની યાત્રા ખૂબ રોમાંચક છે. જેવી રીતે ગાલિબ વિશે કહેવાય છે કે તેઓ શાયર તરીકે પ્રસિદ્ધ ન થયા હોત તો પત્ર લેખક તરીકે થાત. એમ જ જોશ વિશે કહેવાય છે કે તેમણે શાયરીમાં કાઠું ન કાઢ્યું હોત તો લેખક તરીકે કાઢત. ઇકબાલ, ફૈઝ, કૈફી, સાહિર, જાફરી, મઝાજ, ફિરાક જેવા ટોચના આધુનિક ઉર્દૂ કવિઓમાં તેમનું નામ અગ્ર ક્રમે મૂકવું પડે. જોશ ખાનદાની રઈસ હતા.

પૈસા આવતા નહોતા. વરસતા હતા. બાળપણ જમીનદારીની જાહોજલાલીમાં વીત્યું. પછી તો એવોય વખત આવ્યો કે ફક્કડ ગિરધારી થઈ ગયા, પણ તેમની શાયરીમાંથી ક્યારેય જમીનદારોનો દમામ ગયો નહીં. આત્મકથા યાદો કી બરાતમાં તેમણે લખ્યું છે, કોઈ સમકાલીન મારી સાથે અદબથી પેશ ન આવે તો હું તેની ચામડી ઊતરડી લેતો.

જેની સાથે ઝઘડતા તેમને પ્રેમ પણ એટલો જ કરતા. ને કોઈની મદદ કરવામાં તો ઘર-બાર લુંટાવી દેતા. નવ વર્ષની ઉંમરે શેર કહેવાનું શરૂ કરી દીધું હતું. પિતા ઉર્દૂના પહોંચેલા શાયર હતા, પણ દીકરાને આટલી નાની ઉંમરે મુશાયરાના રવાડે ચડાવવા માગતા નહોતા. પિતા-પુત્ર બેયને એકમેક માટે ખૂબ પ્રેમ હતો.

એક મુશાયરામાં બાપ-દીકરા બંનેએ શિરકત કરી. થયું એવું કે પિતા કરતા પુત્રને વધારે દાદ મળી. તેમને ગમ્યું નહીં, પણ સમજી ગયા કે દીકરો ઉર્દૂ કવિતામાં આફતાબ બનીને ઝળહળશે. યુવાન વયે તેઓ ખૂબ સુંદર દેખાતા હતા. પઠાણનું લોહી પૂર્ણપણે ખીલ્યું હતું. અચાનક પિતાનું અવસાન થઈ જતા કોલેજનો અભ્યાસ અધૂરો રહી ગયો. ત્યાં સુધીમાં તેમણે ફારસી, ઉર્દૂ અને અંગ્રેજીમાં પર્યાપ્ત જ્ઞાાન હાંસલ કરી લીધું હતું.

તેમની શાયરી પર ઉમર ખય્યામ, હાફિઝ અને નિત્શેની અસર જોઈ શકાય છે. નિત્શે સત્તાના કેન્દ્રીકરણમાં માનતા હતા, ઈશ્વરના અસ્તિત્ત્વને નકારતા હતા, અહમને ખૂબ મહત્ત્વ આપતા અને સ્ત્રીને પુરુષોની સેવા માટેનું સાધન ગણતા. એ વાત શરમજનક છે કે જોશ પણ આ વિચારધારાને એન્ડોર્સ કરતા હતા.

૧૯૪૪માં મનમૌજી ફિલ્મમાં તેમણે એક શૃંગારિક ગીત લખેલું.

મેરે જુબના(યુવાની) કા દેખો ઉભાર પાપી

જૈસે નદ્દી કી મૌજ, જેસે તુર્કો કી ફૌજ,

જૈસે સુલગે સે બમ, જેસે બાલક ઉધમ,

જેસે ગેંદવા ખીલે, જૈસે લટ્ટુ હિલે

સે ગદ્દાર અનાર, મેરે જુબના કા દેખો ઉભાર

ત્યારે આ ગીત અશ્લીલમાં ખપેલું અને તેમની ચોમેર ટીકા થઈ. આ લયને ધ્યાનમાં રાખીને ચાર દાયકા પછી જાવેદ સાહેબે લખ્યું,

એક લડકી કો દેખા તો ઐસા લગા

જૈસે ખીલતા ગુલાબ, જૈસે શાઇર કા ખ્વાબ…

સરદાર જાફરી લખે છે, જોશની શાઇરી ક્રાંતિકારી કમ અને રોમેન્ટિક અધિક હતી. જોશ એક રોમેન્ટિક શાયર છે. તેમની ક્રાંતિની સંભાવના પણ સો ટકા રોમાન્સ પર ઊભેલી છે. જોશની શાયરી ક્રાંતિકારી નથી, પણ તેણે ક્રાંતિનો માર્ગ રચવાનું કામ કર્યું છે. લાખો નૌજવાનોને એ મારગ પર ચાલવા માટે પ્રેરિત કર્યા છે.

સમય બદલાયો. જમીનદારી જતી રહી. તેઓ લખે છે, હું ગમ-એ-રોઝગારની શોધમાં હતો ત્યારે એક રાતે મને મોહમ્મદ પયગંબરના દર્શન થયા. તેમણે મને હૈદરાબાદના નિઝામની સેવામાં હાજર થવા ફરમાન કર્યું.

હુનરમંદ જોશને નિઝામે તુરંત નોકરીમાં રાખી લીધા. થોડા મહિના ગયા કે જોશે રાજ્યનો વહિવટ જોઈ નિઝામની વિરુદ્ધ એક નઝમ લખી કાઢી. આ વાત નિઝામ પાસે પહોંચી. તેમણે માફી માગવા કહ્યું. જોશે જોશમાં આવીને ઇનકાર કરી દીધો.

એક વખત તેઓ સપરિવાર અજમેર શરીફની યાત્રા પર ગયા. ત્યાં પહોંચીને કહ્યું, ખ્વાજા સાહેબ બોલાવશે ત્યારે જ હું દરગાહ પર જઈશ. પરિવારજનોએ ખૂબ સમજાવ્યા, પણ ન માન્યા તે ન માન્યા. બીજે દિવસે સવારે ઊઠીને કહે, કાલે રાતે મને ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તી સપનાંમાં આવ્યા હતા. આ એ જ જોશ હતા જે નિત્શેના વિચારોમાં માનતા હતા.

હમણા આપણે સમાચાર વાંચ્યા કે કેવી રીતે ફિલ્મ સેલિબ્રિટીઓ પૈસા લઈને રાજકીય પક્ષોની તરફેણમાં ટ્વીટ કરે છે. અંગ્રેજ ગવર્નરે જોશને દર અઠવાડિયે હિટલર અને મુસોલિની પર નઝમ લખીને ઓલ ઇંડિયા રેડિયો પર સંભળાવવાની ઓફર મૂકી. મહિને રૂા.૮૦૦નું મહેનતાણું નક્કી કર્યું.

એ જમાનાના ૮૦૦ એટલે? આજના આઠ લાખથી પણ વધારે થાય. પણ જોશે ઇનકાર કરી દીધો. તેમનું માનવું હતું કે હિટલર અને મુસોલિનીનો વિરોધ કરીશ તો અંગ્રેજો મજબૂત થશે અને અંગ્રેજો મજબૂત થશે તો આઝાદીની લડત લડી રહેલી કૉન્ગ્રેસ નબળી પડશે.

જોશ અને નહેરુ એકબીજાના ગાઢ મિત્રો હતા. હાલતા ને ચાલતા તેઓ દિલ્હીની યુનાઇટેડ કૉફીમાં બેસીને ગપાટા મારતા. નહેરુ તેમનો મુશાયરો ક્યારેય મિસ ન કરતા. જોકે જોશ નહેરુની ટીકા કરતા પણ ક્યારેય ખચકાતા નહીં. તેઓ ઉર્દૂ શબ્દોના સ્પષ્ટ ઉચ્ચારણના ભારે આગ્રહી હતા. એકવાર તેમણે પાકિસ્તાનના આમિર અયૂબ ખાનને ખોટી ઉર્દૂ બોલવા બદલ ટોક્યા. અયૂબ ખાનને ખોટું લાગી ગયું. તેઓ જોશ મલિહાબાદીને સીમેન્ટની એજન્સી આપવાના હતા તે કેન્સલ કરી નાખી.

હા જી, આઝાદી પછી તેઓ પાકિસ્તાન જતા રહ્યા હતા. એક-બે વર્ષ પછી નહીં. ૧૦ વર્ષ બાદ. જોશને  ભારત પ્રત્યે અનહદ પ્રેમ હતો, પણ તેઓ ક્યારેય હોશમાં નિર્ણય લેતા નહોતા. દેશ આઝાદ થયો તે પછી તેમનો પરિવાર તેમના પર પાકિસ્તાન જતા રહેવાનું પ્રેશર કરવા લાગ્યો. નહેરુ આ વાત જાણતા હતા. તેમણે જોશને ભારતમાં ટકાવી રાખવા સરકારના સાહિત્ય સામયિક આજકલના સંપાદક બનાવી દીધા. તેમનો પરિવાર તોય ન માન્યો અને પાકિસ્તાન જતો રહ્યો.

પાક સરકારના ગુપ્તચરો જોશને મળવા આવતા અને પાકિસ્તાન આવી જવા આગ્રહ કરતા. તેમના મનમાં એવું ઠસાવવામાં આવ્યું કે  હિંદુસ્તાનમાં મુસ્લિમો અને ઉર્દૂનું કોઈ ભવિષ્ય નથી. જોશને ઉર્દૂની ભારે ચિંતા હતી. ભારતમાં ત્યારે ઉર્દૂના સ્થાને હિંદી પર વધારે ભાર મૂકવાની રાજકીય મુવમેન્ટ શરૂ થઈ હોવાથી તેઓ ચિંતિત હતા કે ઉર્દૂ નહીં સચવાય. દરમિયાન જવાહરલાલ નહેરુનો એક માણસ તેમને મળવા આવ્યો. કહે કાલે સવારે આઠ વાગ્યે તમારે પ્રાઇમ મિનિસ્ટરને મળવાનું છે.

સવારે તેઓ નહેરુને મળવા ગયા તો નહેરુએ સીધું પૂછ્યું, તમે પાકિસ્તાન જઈ રહ્યા છો?

તમને કેવીરીતે ખબર પડી? જોશે સામું પૂછ્યું.

મને કેવીરીતે ખબર પડી? હું ભારતનો વડા પ્રધાન છું.

તેઓ અવાક થઈ ગયા. થોડી વાર પછી કહ્યું, મને જવા દો. હું પરિવારજનોને મળીને તથા મુશાયરો વાંચીને પાછો આવી જઈશ.

ને જોશ છેહ દઈ ગયા. પાકિસ્તાનમાં રોકાઈ ગયા. ત્યાં તેમને જાત-જાતના પ્રલોભન આપવામાં આવ્યા હતા, પરંતુ કશું અપાયું નહીં.

સિમેન્ટની એજન્સી અયૂબ ખાને કેન્સલ કરી નાખી હતી. બાદમાં સરકારી નોકરી આપી. તેઓ વારંવાર હિંદુસ્તાન મુશાયરા વાંચવા જતા હતા. વળી નહેરુના મિત્ર હતા. આથી અયૂબ ખાનની સાથોસાથ આખા પાકિસ્તાનના પેટમાં તેલ રેડાતું હતું. પાકિસ્તાની અખબારો તેમને ભારતીય એજન્ટ કહેવા લાગ્યા. એક મુશાયરો વાંચવા તેઓ ઇંડિયા આવેલા અને અહીંના અખબારને ઇન્ટરવ્યૂ આપ્યો. પાકિસ્તાના સત્તાધીશો ભડકી ગયા. તેમની સરકારી નોકરી છીનવી લેવાઈ અને વિદેશ અવર-જવર પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો.

જોશના અંતિમ વર્ષો અત્યંત સંઘર્ષ અને ગુમનામીમાં વીત્યા. પાકિસ્તાને તેમને પાકિસ્તાન બોલાવ્યા અને ઠેકાણે કરી દીધા. તેઓ એક માત્ર એવા કવિ છે જેમને ભારત અને પાકિસ્તાન બંનેએ નાગરિક સન્માન આપ્યું હોય. ભારતે તેમને જીવતા જીવ પદ્મ ભુષણ આપીને સન્માનિત કરેલા. પાકિસ્તાને મરણોપરાંત હિલાલે ઇમ્તિયાઝ પુરસ્કાર આપ્યો. તેમના બે શેર સાથે વાતને વિરામ આપીએ.

વાઝ આયા મેં તો ઐસે મઝહબી તાઉન સે,

ભાઈઓ કા હાથ તર હો ભાઈઓ કે ખૂન સે.

યે માના દોનો હી ધોખે હે, રિંદી હો કિ દરવેશી,

મગર યે દેખના હૈ કૌન સા રંગીન ધોખા હૈ.

(Courtesy:Gujarat Samachar 3 March19)

 


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

શ્રેણીઓ

%d bloggers like this: