Posted by: bazmewafa | 01/02/2019

મંટોની નજરે ‘મંટો’……સઆદત હસન મંટો—-અનુવાદ : શકીલ કાદરી

મંટોની નજરે ‘મંટો’……સઆદત હસન મંટો—-અનુવાદ : શકીલ કાદરી

મંટો વિશે આજ સુધી ઘણું લખાઈ અને કહેવાઈ ચુક્યું છે. પરંતું સમર્થનમાં ઓછું અને વિરોધમાં વધું… એ લખાણો જો દૃષ્ટિ સમક્ષ રાખવામાં આવે તો કોઈપણ બુદ્ધિશાળી મંટો વિશે સાચું મંતવ્ય સ્થાપિત જ ન કરી શકે. હું આ લેખ લખવા બેઠો છું અને મને સમજાઈ રહ્યું છે કે મંટો વિશે પોતાના વિચાર વ્યકત કરવા એ કેવું મુશ્કેલી ભર્યું કામ છે, પણ એક દૃષ્ટિએ સરળ પણ છે, એ કારણે કે મંટોની નિકટતાનો લાભ મને મળતો રહ્યો છે. અને જો સાચું પૂછો તો મંટોનો હું (એની સાથે જ જન્મેલો) ‘પડછાયો’ છું.

અત્યાર સુધી એ વ્યકિત માટે જે કાંઈ લખાયું છે એ બાબતે મને કોઈ વાંધો નથી. પણ એટલું તો હું સમજું જ છું કે એ લેખોમાં જે કાંઈ પ્રસ્તુત કરાયું છે તે વાસ્તવિકતાથી ખૂબ છેટું છે. કેટલાંક એને શૈતાન કહે છે. કેટલાંક ટાલિયો ફરિશ્તો… જરાક થંભી જાવ… જોઈ તો લઉં એ અક્કરમી અહીં ક્યાંક સાંભળી તો નથી રહ્યોને? ના… ના…બધું બરાબર છે. મને યાદ આવી ગયું… આ સમયે તો શરાબ ઢીંચતો હોય છે. એને સાંજુકના છ વાગ્યા પછી કડવું શરબત પીવાની ટેવ છે.

અમે સાથે જ જન્મ્યા છીએ અને હું માનું છું કે મરીશુ પણ સાથે. પણ…. એવું ય બને કે સઆદત હસન મરી જાય અને મંટો…. મરે જ નહીં! આ શક્યતા મને હંમેશા ખૂબ દુ:ખી કરે છે, તે એટલાં માટે કે મેં એની સાથે દોસ્તી નભાવવામાં કોઈ કસર બાકી નથી રાખી. જો એ જીવતો રહે અને હું મરી જાઉં તો એવું લાગશે કે ઈંડાંનું કોચલું તો સલામત છે પણ એની અંદરની સફેદાઈ અને ગર્ભની પીળાશ અદૃશ્ય થઈ ગઈ. હું લાંબી પ્રસ્તાવના બાંધવા ઈચ્છતો નથી તમને હવે સ્પષ્ટ કહી દઉં છું કે મંટો જેવો વન ટુ માણસ છે મેં મારા જીવનમાં ક્યારેય જોયો નથી. એને જો ભેગો રાખવામાં આવે તો ત્રણ બની જાય. ચતુર્મુખીની બાબતે એની પાસે વિશેષ માહિતી નથી પણ હું જાણું છું કે એની ત્રિમૂર્તિ બની નથી…આ પ્રતીકો એવાં છે જે ફક્ત પ્રતિભાશાળી શ્રોતાને જ સમજાય. આમ, તો મંટોને હું એ જન્મ્યો એ ક્ષણેથી જ ઓળખું છું. અમે બંને ભેગાં એક જ સમયે ૧૧ મે ઈ.સ. ૧૯૧૨ માં જન્મ્યાં. પણ એણે સતત એવો પ્રયાસ કર્યો કે પોતાને કાચબો બનાવીને રાખે…. જે એક વખત પોતાનું માથું અને ડોક અંદર સંતાડી લે તો તમે શોધવાના લાખ પ્રયત્નો કરો પણ એને શોધી જ ન શકો. પરંતું હું ય એની સાથે જ તો જન્મ્યો છું. મેં એની દરેક હિલચાલને ઓળખી લીધી છે.

લો હવે તમને હું બતાવી રહ્યો છું કે જાતિનો વૈશાખનંદન એવો એ વાર્તાકાર કઈ રીતે બની ગયો ? વિવેચકો ખૂબ લાંબાલચક લેખો લખે છે. પોતાની સર્વજ્ઞતાનું પ્રમાણ આપે છે. શોપનહાર, ફ્રોઈડ, હૅગલ, નિત્શે, માર્કસના સંદર્ભો આપે છે પરંતું વાસ્તવિકતાથી છેટાં રહે છે. મંટોની વાર્તાકળા પરસ્પર વિરોધી એવા બે તત્વોનું કારણ છે. એના પિતા…, ખુદા એમને માફ કરે…, અત્યંત નિષ્ઠૂર હતાં, અને એની મા અત્યંત કોમળહ્રદયી. આ બે પડ વચ્ચે દળાઈને કેવા સ્વરૂપે ઘઉંનો દાણો બહાર આવ્યો હશે એની કલ્પના તમે કરી શકો છો.

હવે હું એના શાળાજીવનનું દર્શન કરાવું. ખૂબ કુશાગ્રબુદ્ધિ ધરાવતો અને અને અત્યંત તોફાની છોકરો હતો એ. એની ઊંચાઈ એ સમયે વધુમાં વધુ સાડા ત્રણ ફૂટ હશે. એના પિતાનું એ છેલ્લું સંતાન. મા-બાપનો પ્રેમ તો એને પ્રાપ્ત હતો પણ એના ત્રણ મોટા ભાઈ જે વયમાં એનાથી ખૂબ મોટાં હતા અને વિલાયતમાં ભણતાં હતાં એમને મળવાનો એને ક્યારેય અવસર જ નહતો મળ્યો….કારણ એ જ કે તેઓ અપર માના દીકરા હતાં. એ ઈચ્છતો કે તેઓ એને મળે… એની સાથે મોટાભાઈઓ જેવો વ્યવહાર કરે… આ વર્તન એને એવા સમયે અનુભવવા મળ્યું જ્યારે સાહિત્યવિશ્વે તેનો બહુ મોટા ગજાના વાર્તાકાર તરીકે સ્વીકાર કરી લીધો હતો…. ખેર…. હવે એની વાર્તાકળા વિશે સાંભળો…. એ એક નંબરનું ‘ફ્રોડ’ છે. પહેલી વાર્તા એણે ‘તમાશા’ શીર્ષકથી લખી. જે ‘જલિયાનવાલા બાગ’ના રક્તરંજિત બનાવ સંદર્ભે હતી. એ એણે પોતાના નામે પ્રકાશિત નહોતી કરી. આજ કારણ છે કે એ પોલીસના સંકજાથી બચી ગયો. એ પછી એના ચંચળ સ્વભાવમાં એક લહેરખીએ જન્મ લીધો કે એ વધુ અભ્યાસ કરે. અહીં એનું વર્ણન રસિકતાથી રિક્ત નહીં બને… કારણ એણે એન્ટ્રન્સની પરીક્ષા બે વખત નપાસ થઈ પાસ કરી…એ પણ થર્ડ ક્લાસમાં…. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે એ ઉર્દૂના પેપરમાં નપાસ થયો હતો. હવે લોકો કહે છે કે એ ઉર્દૂનો મહાન સાહિત્યકાર છે અને એ સાંભળીને હું અટ્ટહાસ્ય વેરું છું….કારણ ઉર્દૂ હજીયે એને ક્યાં આવડે છે? એ શબ્દોની પાછળ એ રીતે દોડે છે જાણે જાળ લઈને શિકારી પંતગિયાઓની પાછળ ! એ એની જાળમાં સપડાતા નથી. આજ કારણ છે કે એના સર્જનમાં રૂપાળાં શબ્દોની ખોટ છે. એ લઠ્ઠ માણસ છે પણ જેટલી લાઠીઓ એની ગર્દન પર પડી છે એણે સહર્ષ સહન કરી છે. એની દંડાબાજી એક સામાન્ય મુહાવરા પ્રમાણે જાટ લોકોની દંડાબાજી નથી એ બિન્નૌટ અને પટ્ટાબાજી છે. એ એક એવો માણસ છે જે સરળ અને સીધા માર્ગે નથી ચાલતો પણ સાંકળા રસ્તાઓ પર ચાલે છે…. લોકો એમ સમજે છે કે હવે પડશે… પણ એ અક્કરમી ક્યારેય પડ્યો જ નથી…. કદાચ પડી જાય, ઊંધા મોંઢે…. કે પાછો ઊભો જ ના થઈ શકે…. પરંતુ હું જાણું છું કે મૃત્યુ વેળા એ લોકોને કહેશે કે હું એટલા માટે પડ્યો હતો કે પડી જવાની હતાશાનો અંત આવે.

હું આ પહેલાં કહી ચુક્યો છું કે મંટો અવ્વલ દરજ્જાનું ફ્રોડ છે. એનું વધુ એક પ્રમાણ એ છે કે એ મોટાભાગે કહ્યા કરે છે કે એ વાર્તા વિશે વિચારતો નથી વાર્તા સ્વયં એનું સ્મરણ કરે છે. આ પણ એક ફ્રોડ જ છે. જો કે હું વાકેફ છું કે જ્યારે એને વાર્તા લખવાની હોય છે ત્યારે એની એ જ દશા હોય છે જેવી ઈંડું મૂકતી વખતે એક મરઘીની. પણ એ ઈંડું સંતાઈને નથી મૂકતો. બધાં જોઈ શકે એ રીતે આપે છે. એના મિત્રો બેઠાં હોય છે… એની ત્રણ બાળકીઓ ધમાલ મચાવી રહી હોય છે….. અને…. એ પોતાની ખુરશી પર ઊભડક બેઠો બેઠો ઈંડાં મૂક્યા જ કરે છે. એની પત્ની એનાથી ત્રસ્ત છે. એ એને મોટા ભાગે કહેતી જ રહે છે કે તમે વાર્તાઓ લખવાનું બંધ કરી કોઈક દુકાન ખોલી નાંખો… પણ મંટોના મગજમાં જે દુકાન ખુલ્લી છે એમાં ધૂળધોયાની દુકાનના સામાનથી અનેક ગણો વધુ સામાન ભર્યો છે. એટલે એ વિચારે છે કે હું કોઈક સ્ટોર ખોલી નાંખું તો એવું ના થાય કે એ એ સ્ટોર કૉલ્ડસ્ટોરેજ એટલે કે શીતઘર બની જાય….જ્યાં તેના સઘળાં વિચાર અને ચિંતન ઠિગરાઈ જાય. હું આ લેખ લખી રહ્યો છું અને મને એ ભય પજવી રહ્યો છે કે મંટો ક્યાંક મારાથી નારાજ થઈ જશે. એની કોઈ પણ બાબત હું સહન કરી લઉં પણ એના રિસામણાં સહન થતાં નથી. એ રિસાય તે સ્થિતિમાં એ શૈતાન બની જાય છે. પણ…. થોડીક જ ક્ષણો માટે. અને એ થોડીક ક્ષણો એટલે અલ્લાહની પનાહ!

વાર્તા લખવામાં એ નખરાં જરૂર કરે છે… પણ હું બધું જાણું છું…. કારણ..?.. હું એની સાથે જ જન્મેલો એનો પડછાયો-એનો હમઝાદ છું. એ ફ્રોડ કરી રહ્યો છે. એણે એક વેળા લખ્યું હતું. કે એના ખિસ્સામાં ઢગલેઢગલાં વાર્તાઓ પડી હોય છે. વાસ્તવમાં એથી ઉલટું છે. જ્યારે એને વાર્તા લખવી હોય ત્યારે એ રાત્રે વિચાર કરશે… એને કાંઈ સમજાશે જ નહીં….સવારે પાંચ વાગે જાગી જશે અને છાપામાંથી કોઈક વાર્તાનો રસ ચૂસવાનો વિચાર કરશે…. પણ એમાં સફળ નહીં થાય. પછી એ બાથરૂમમાં જશે, ત્યાં પોતાના ભમી ગયેલા માથાને શાંત કરવાનો પ્રયાસ કરશે કે જેથી એ વિચાર કરવા યોગ્ય બની શકે. છતાં સફળતા મળશે નહીં. એટલે અકળાઈને પોતાની પત્ની સાથે નક્કામો જ ઝગડો શરૂ કરશે…. તો પણ સફળ નહીં થાય એટલે પાન લેવા ઘરની બહાર ચાલ્યો જશે…! પાન એના ટેબલ પર પડ્યું હશે છતાં વાર્તાનો વિષય તો એના મગજને સૂઝશે જ નહીં. અંતે….વેર વાળવાની વૃત્તિથી એ પેન અથવા પેન્સિલ હાથમાં લઈ….. ૭૯૬ લખી જે પહેલો ફકરો એના મનમાં સ્ફૂરશે એનાથી વાર્તાનો આરંભ કરી દેશે…. બાબુ ગોપીનાથ, ટોબા ટેકસિંહ, હતક, મમી, મવઝ્ઝિલ આ બધી વાર્તાઓનું સર્જન એણે આવી ફ્રોડપદ્ધતિથી જ કર્યું છે.

આશ્ચર્યની વાત એ છે કે લોકો એને મહાનાસ્તિક અને અસભ્ય માણસ સમજે છે અને મારી માન્યતા પણ એ જ છે કે એનો સમાવેશ કૈંક અંશે એ જ શ્રેણીમાં થાય છે. એટલા માટે કે ખૂબ ઊંડા વિષયોને એ ઘણી વખત કલમની અણીએ ઊંચકી એવા શબ્દો પોતાના સર્જનમાં વણી લે છે કે જેની સામે વિરોધની શક્યતાઓ પણ હોઈ શકે છે. પરંતું હું જાણું છું કે જ્યારે પણ એણે કાંઈક લખવાનું શરૂ કર્યું ત્યારે…. સૌથી પહેલાં કાગળના કપાળે ૭૮૬ જરૂર લખ્યું. જેનો અર્થ છે બિસ્મિલ્લાહ… અલ્લાહના નામથી પ્રારંભ….. અને આ માણસ જે હંમેશા ખુદાનો ઇન્કાર કરનાર દેખાય છે, એ કાગળ પર મોમિન બની જાય છે… તે આ કાગળિયો મંટો છે, જેને તમે કાગળની બદામની જેમ ફક્ત આંગળિયોથી જ તોડી શકો. નહીંતર એ લોખંડી હથોડાઓથી તૂટી જાય એવો માનવી નથી.

હવે હું મંટોના વ્યક્તિત્વ તરફ આવું છું… અને એના થોડાંક ઇલકાબો જાહેર જાહેર કરી દઉં છું. એ ચોર છે… જુઠ્ઠો છે… દગાખોર છે… અને…….મજમુઅગીર છે. એણે પત્નીના ભોળપણનો લાભ ઉઠાવી કેટકેટલાંય સો રૂપિયા ગપચાવી લીધાં છે. એક પા આઠસો રૂપિયા લાવીને આપ્યાં અને ચોરદ્રષ્ટિથી જોતો રહ્યો કે એણે એ ક્યાં મુક્યાં છે…. અને એમાંથી એક લીલી નોટ ગાયબ… એ બિચારીને પોતાને થયેલા આ નુકસાનની ખબર પડે એટલે નોકરને દમદાટી આપવાનું શરૂ…આમ તો મંટોની બાબતમાં એ જગજાહેર છે કે એ સત્યવકતા છે પણ હું આ વાત સાથે સંમત નથી. એ એક નંબરનો જુઠડો છે. એના જુઠ્ઠાણાઓ શરૂ શરૂમાં ઘરમાં ચાલી જતાં હતાં. તે એટલા માટે કે એ જુઠ્ઠાણાઓને મંટોનો ખાસ સ્પર્શ થતો હતો. પરંતું પાછળથી એની પત્ની સમજી ગઈ કે આજ દિન સુધી કેટલીક ખાસ વાતો વિશે તેને જે કાંઈ કહેવાતું હતું એ જુઠ્ઠાણાઓ હતાં. મંટો પરિસ્થિતિ પ્રમાણે જુઠ્ઠં બોલે છે. પરંતું તકલીફ એ છે કે હવે તેના ઘરના સભ્યોને એ વાતની પ્રતીતિ થવા લાગી છે કે એની પ્રત્યેક વાત બનાવટી છે. એક એવા તલ જેવી જે કોઈક સ્ત્રીએ કાજળથી પોતાના ગાલ ઉપર બનાવી રાખ્યું હોય છે. એ અભણ છે… એ રીતે કે એણે માર્કસનો અભ્યાસ કર્યો નથી. ફ્રૉઇડનું કોઈ પુસ્તક એની નજર સામેથી પસાર નથી થયું. હૅગલના તો માત્ર નામથી પરિચિત છે. હેવલોક અૅલિસનું તો માત્ર નામ જ સાંભળ્યું છે…છતાં મજાની વાત એ છે કે એ લોકો… ‘એ લોકો’થી મારું તાત્પર્ય એ છે કે, વિવેચકો, એમ કહે છે કે તે અન્ય ચિંતકોથી પ્રભાવિત છે. જ્યાં સુધી હું ઓળખું છું, મંટો ક્યારેય બીજી કોઈ વ્યક્તિથી પ્રભાવિત થતો જ નથી. એ માને છે કે બધાં સમજાવનારા ઉલ્લૂ છે. દુનિયાને સમજાવવી જોઈએ નહીં સમજવી જોઈએ. નિજને સમજાવી-સમજાવી એ એવી સમજણ બની ગયો છે જે બુદ્ધિ અને વિવેકથી પર છે. કોઈક વેળા એ એવી મોં-માથા વિનાની વાતો કરે છે કે મને હસવું આવે છે. હું તમને પૂર્ણ વિશ્વાસ સાથે કહી શકું છું કે મંટો… જેની સામે અશ્લીલતા સંદર્ભે કેટલાયે મુકદ્દમાઓ ચાલ્યાં છે અત્યંત પાક માણસ છે. પરંતું હું એ કહ્યા વિના રહી નથી શકતો કે એ એક એવું પગ-લુછણિયું છે જે પોતાને જ ઝાટકતો-ઝૂટકતો રહે છે.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

શ્રેણીઓ

%d bloggers like this: