Posted by: bazmewafa | 03/19/2018

ઇસ્લામ અને જળ સંરક્ષણ–ડૉ. મહેબૂબ દેસાઈ

ઇસ્લામ અને જળ સંરક્ષણ–ડૉ. મહેબૂબ દેસાઈ

૨૨ માર્ચ સમગ્ર વિશ્વમા, વિશ્વ જળ દિન તરીકે ઉજવાય છે. એ નિમિત્તે આજે ઇસ્લામ ધર્મમા પાણીના મહત્વ અને સ્થાન વિષે થોડી વાત કરવી છે. ઇસ્લામનો જન્મ અરબસ્તાનના રણ પ્રદેશમાં થયો છે. જ્યાં પાણીની હંમેશા અછત રહી છે. અને એટલે જ ઇસ્લામના અનુયાયીઓ છેક પ્રાચીન સમયથી પાણીની બચત કરવા ટેવાયેલા છે. ઇસ્લામના પવિત્ર ગ્રંથ કુરાને શરીફમાં ૬૩ વાર પાણી શબ્દનો ઉપયોગ થયો છે. અને તે પણ તેના મહત્વ અને ઉપયોગીતાના સંદર્ભમા. કુરાને શરીફમાં પાણીને જીવન નિર્વાહ માટેના મહત્વના અંગ તરીકે ખુદાએ આપેલ નેમત અર્થાત ભેટ ગણવામાં આવેલા છે. કુરાને શરીફમાં કહ્યું છે,

“અલ્લાહે આપેલ નેમતોનો બગાડ ન કરો. એવું કરનાર શૈતાનનો ભાઈ છે. અલ્લાહને બગાડ કરનાર માનવી પસંદ નથી.”

અરબી ભાષામાં પાણીને “મા” કહે છે. એ પણ ઘણું સુચિતાર્થ છે. કુરાને શરીફની સૂરે બકરહની ૭મી રુકુઅમા કહ્યું છે,

“યાદ કરો, જયારે મૂસાએ પોતાની કોમ માટે પાણીની પ્રાર્થના કરી, ત્યારે અમે કહ્યું કે ફલાણા ખડક ઉપર લાઠી મારો, આથી તેમાંથી બાર ઝરણા ફૂટી નીકળ્યા. અને દરેક કબીલાએ એ જાણી લીધું કે કઈ જગ્યા તેને પાણી લેવા માટેની છે. અલ્લાહે આપેલ રોઝી ખાઓ-પીવો અને ધરતી ઉપટ બગાડ ફેલાવતા ન ફરો.”

આમ કુરાને શરીફની આરંભની સૂરમાં પાણીના વપરાશ અને તેનો બગાડ ન કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. કુરાને શરીફમાં પાણીનો ઉલ્લેખ દરિયો, નદી, ઝરણા અને વરસાદના સંદર્ભમા જોવા મળે છે. જેમાં પાણીના સદ્પયોગ કરવા અને તેનો બગાડ ન કરવાની વારંવાર હિદાયત આપવામાં આવી છે.કુરાને શરીફમાં કહ્યું છે,

“અમે પાણી દ્વારા દરેક જીવનપયોગી વસ્તુઓનું સર્જન કર્યું છે.”

પાણી એ માનવી માટે જીવાદોરી છે. તેનો બગાડ કે દુર ઉપયોગ ગુનાહ છે. મહંમદ સાહેબ (સ.અ.વ)એ તો ત્યાં સુધી કહ્યું છે,

“નદી કિનારે રહેતા હો છતાં, પાણીનો બગાડ ન કરો.”

મહંમદ સાહેબે એક અન્ય હદીસમાં પણ કહ્યું છે,

“મુસ્લિમોને ત્રણ વસ્તુમાં સરખો હિસ્સો આપવામાં આવ્યો છે, ઘાસ, પાણી અને અગ્નિ”

આ ત્રણે વસ્તુઓનો વિવેકપૂર્ણ ઉપયોગ માનવજાતિના અસ્તિત્વના પાયામાં છે. જેથી તેનો સભાનપણે ઉપયોગ કરવાની પણ ખાસ હિદાયત ઇસ્લામમાં આપવામાં આવી છે. કુરાને શરીફમાં કહ્યું છે,

“અમે આકાશમાંથી પાણી વરસાવ્યું છે, અને તેના દ્વારા પૃથ્વી પર જીવન પાંગર્યું છે.”

હઝરત મહમદ પયગંબર પણ પાણીની અહેમિયત અને તેનો બગાડ ન કરવાનો ખાસ આગ્રહ રાખતા હતા. તેઓએ ફરમાવ્યું છે,

“હે આદમના સંતાનો ખાઓ પીઓ પણ તેનો બગાડ ન કરો. બગાડ કરનારને અલ્લાહ ચાહતો નથી.”

ઇસ્લામમાં પાણી નું દાન એ ઉત્તમ દાન ગણાય છે. કુરાને શરીફમા આ અંગે કહ્યું છે,

“ભૂખ્યાને ભોજન આપવું અને તરસ્યાને પાણી આપવું એ ઉત્તમ દાન કે સવાબ (પુણ્ય) છે.”

હઝરત ઈમામ હુસેન (ર.અ.) ની કરબલાના મૈદાનમાં શહાદતના માનમાં મહોરમમા ઇસ્લામના અનુયાયીઓ ઠેર ઠેર માર્ગો પર પાણીની સબીલો અર્થાત પરબો ઉભી કરે છે. અને જાણીતા અજાણ્યા, હિંદુ મુસ્લિમ સૌને પાણી પીવડાવે છે. એ સમયે પણ પાણીનો બગાડ ન થાય તેની દરેક સાચો મુસ્લિમ તકેદારી રાખે છે.

ઇસ્લામમાં પાંચ વકતની નમાઝ ફરજીયાત છે. નમાઝ પહેલા વઝુ કરવામા આવે છે. વઝુ એટલે નમાઝ પૂર્વે હાથ-પગ, મોઢું ધોઈ શારીરિક રીતે પવિત્ર થવાની ક્રિયા. વઝુ કરવા માટે પાણીનો ઉપયોગ થાય છે. વઝુ સમયે પણ પાણીની બચત અને તેના સદુપયોગ પર ઇસ્લામમાં ભાર મૂકવામાં આવ્યો છે. વઝુ માટે હાથ ઉપરથી નીચે અર્થાત હથેળીથી કોણી સુધી પાણી લઇ જવામાં આવે છે. જેથી પાણીની બચત થઈ શકે અને કોણીએથી નીચે ઉતરતું પાણી પણ પુનઃ ઇસ્તમાલ થઈ શકે. વળી, જયારે વઝુ માટે પાણીની અછત હોય અથવા પાણી ઉપલબ્ધ ન હોય ત્યારે વઝુ કરવા માટે પાણીના સ્થાને પવિત્ર માટીનો ઉપયોગ કરવાનો પણ ઇસ્લામમાં આદેશ છે. જેને ઇસ્લામમાં “તય્યમુમ” કહે છે.

અને છેલ્લે મારે વાત કરાવી છે “આબે ઝમઝમ” ની. હિંદુ ધર્મમાં જે સ્થાન ગંગાજળનું છે તે સ્થાન ઇસ્લામમાં ‘આબે ઝમઝમ’નું છે. ઈ.સ.પૂર્વે લગભગ ૨૦૦૦ની સાલમાં અસ્તિત્વમાં આવેલા ઝમઝમના કૂવાનો ઈતિહાસ પણ જાણવા જેવો છે. હજરત ઇબ્રાહીમ (અ.સ.) ખુદાના આદેશ મુજબ પોતાની પત્ની હજરત હાજરા અને પુત્ર હજરત ઇસ્માઇલ (અ.સ.)ને ઉજજડ વેરાન રણપ્રદેશ ‘તિહામહ’માં મૂકી, મન મક્કમ કરી ચાલ્યા જાય છે. એ ઉજજડ વેરાન રણપ્રદેશમાં પોતાના પુત્ર અને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા હજરત હાજરા સફા અને મરવહ નામની ટેકરીઓ પર સાત ચક્કર મારે છે. પણ ઉજજડ પ્રદેશમાં દૂર દૂર સુધી માનવજાત કે પાણીનો એક છાંટો પણ જૉવા મળતો નથી. અંતે થાકીને હજરત હાજરા સાતમા ચક્કર પછી મરવહ પહાડી પર ઉભા રહે છે, ત્યારે એકાએક તેમને કંઇ અવાજ સંભળાય છે. એ અવાજની શોધમાં તેઓ આસપાસ દૂર સુધી નજર ફેરવે છે અને પોતાના નવજાત પુત્ર હજરત ઇસ્માઇલ પાસે એક માનવી ઉભેલો તેમને દેખાય છે. દોડતા હજરત હાજરા પોતાના પુત્ર પાસે આવે છે. બાળક પાસે ખુદાના ફરિશ્તા જિબ્રાઇલને જોઇને તેઓ શાંતિ અનુભવે છે.

હજરત જિબ્રાઇલે ઉજજડ રણપ્રદેશમાં અન્ન અને જળ શોધવામાં બેબાકળા બનેલા હજરત હાજરા સામે એક નજર કરે છે. પછી ચહેરા પર સ્મિત પ્રસરાવી, પોતાના પગની એડી જમીન પર મારે છે અને ત્યાંથી એક ઝરણું ફૂટી નીકળ્યું છે. આ એ જ ઝરણું જેને આપણે ‘આબે ઝમઝમ’ કહીએ છીએ. આજે પણ આબે ઝમઝમનું પાણી સ્થાનિક અને વિશ્વમાંથી હજ માટે આવતા યાત્રાળુઓને અવિરત મળે છે. તેની પાછળનું મુખ્ય કારણ સાઉદી અરેબિયા સરકારનું ઉત્તમ વોટર મેનેજમેન્ટ છે. ઝમઝમના પાણીનો જરા પણ દુર ઉપયોગ ન થાય અને સૌને તે ઉપલબ્ધ થાય તેનું કુનેહ પૂર્વક આયોજન કરવામા આવ્યું છે. જળ સંરક્ષણ માટે ચિંતિત આપણે સૌએ એકવાર તો તેમના વોટર મેનેજમેન્ટનો જરૂર અભ્યાસ કરવો જોઈએ.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

શ્રેણીઓ

%d bloggers like this: