Posted by: bazmewafa | 02/20/2016

‘ગ્રૂપ ફોટોની ત્યારે જ મજા છે જ્યારે આમાંથી એકાદ ન હોય!….ચંદ્ર્કાંત બક્ષી

‘ગ્રૂપ ફોટોની ત્યારે જ મજા છે જ્યારે આમાંથી એકાદ ન હોય!….ચંદ્ર્કાંત બક્ષી

 

1963ની વિલેપાર્લેની ગુજરાતી સાહિત્ય પરિષદનો એક ગ્રૂપ ફોટો પડી રહ્યો હતો. ગ્રૂપ ફોટો પડી ગયા પછી મારાથી મારી પ્રકૃતિ પ્રમાણે બોલાઈ ગયું: ‘ગ્રૂપ ફોટોની ત્યારે જ મજા છે જ્યારે આમાંથી એકાદ ન હોય! વિચાર્યા વિનાની આવી બ્લૅક-હ્યુમર આજથી 37 વર્ષ પહેલાં, જ્યારે મારી ઉંમર 31 વર્ષની હતી, મને ફાવતી હતી. આજે 2000ના વર્ષમાં જોઉં છું તો એ ગ્રૂપ ફોટો જીવંત થઈ ગયો છે કારણ કે એમાંથી ઘણાં ચહેરાઓ અદ્રશ્ય થઈ ગયા છે. એ ફોટામાં મોહમ્મદ માંકડ છે, ઘનશ્યામ દેસાઈ છે, શિવજી આશર છે, મધુ રાય છે, હું છું… અને જે નથી એ નામો: ડૉ. જયંત ખત્રી, હીરાલાલ ફોફલિઆ, સરોજ પાઠક, સારંગ બારોટ, જયંતીલાલ મહેતા, કાન્તિભાઈ પૂજારા…! માંકડ ગાંધીનગરામાં અને ઘનશ્યામ મુંબઈમાં અસ્વસ્થ રહે છે, મધુ રાય અમેરિકામાં અસ્થિર છે, આશર અમદાવાદમાં સ્થિર છે. ઈતના બરસા ટૂટ કે બાદલ, ભીગ ચલા મયખાના ભી…! પણ મયખાના ખાલી થઈ ગયું છે. હું પણ સાહિત્યકારોથી વધારે દૂર, સાહિત્યથી વધારે નજીક એવી સ્થિતિમાં છું. 69મ વર્ષના કિનારે ઊભો છું ત્યારે આ ઝાંખો ફોટો કીમતી બની રહ્યો છે.

ડૉ. જયંત ખત્રી સાથે કેવી રીતે પરિચય થયો એ આજે યાદ નથી. કદાચ શિવજી આશર દ્વારા, પછી હીરાલાલ ફોફલિઆ દ્વારા… પણ અમે પત્રવ્યવહાર શરૂ કર્યો. અમને બન્નેને ખબર પડી કે અમે બન્ને માર્ક્સિસ્ટ હતા, વામપક્ષી હતા, મૂર્તિભંજકો હતા. એમની વાર્તાઓ વાંચી. એ મારું સાહિત્ય વાંચતા ગયા. અમારો પત્રવ્યવહાર બહુ લાંબો અને અંગ્રેજીમાં થતો હતો, પાનાંઓ ભરી ભરીની લખવાનું થતું હતું. ડાયાલેક્ટિક્સથી સુરેશ જોષીના એકેન્દ્રિય સાહિત્યિક દંભને ફટકારવા સુધીની ચર્ચાઓ રહેતી. એમની એક વાર્તા વિષે મને યાદ છે અમારી ‘ઈડીપસ-કૉમ્પ્લેક્ષ’ અને ‘ઈલેક્ટ્રા-કૉમ્પ્લેક્ષ’ વિષે મતાંતર થયું હતું. ‘ટાઈમ્સ’માં અદીબની સાહિત્યિક કૉલમ આવતી હતી. ડૉ. ખત્રી અદીબના આશિક હતા. એ જમાનામાં એમને એક કૉન્ફરન્સમાં જાપાન જવાનું આમંત્રણ આવ્યું હતું, ત્યારે કલકત્તામાં અમારી મુલાકાતોનો યોગ ઊભો થયો હતો. પછી એ ગયા નહીં અથવા જઈ શક્યા નહીં. આ પત્રો મારી પાસે રહ્યા નથી. ઘુમક્કડ જિંદગી, શહેરો બદલતા રહેવાનો સ્વભાવ. પત્રો ક્યાં ગયા ખબર નથી. મારું સંતાન જન્મ્યું, પુત્રી આવી ત્યારે ડૉ. જયંત ખત્રીએ લખેલું વાક્ય મને ખરેખર ગમ્યું હતું. ‘પ્રથમ સંતાનના જન્મ સાથે જ એક પિતાનો જન્મ થઈ જાય છે!’

અમે પત્રોની દુનિયાના માણસો હતા, અને એ દિવસોમાં મારી સર્જનાત્મક ઊર્જા 200 ટકા હતી. એકાએક મળવાનો એક મૌકો આવી ગયો. મુંબઈના ઉપનગર વિલેપાર્લેમાં ગુજરાતી સાહિત્ય પરિષદનું અધિવેશન હતું, અને વર્ષ 1963નું હતું. 1961માં કલકત્તાના ભવાનીપુરમાં ગુજરાતી સાહિત્ય પરિષદનું અધિવેશન મારા ઘર પાસે જ હતું, અને હું ગયો હતો અને નિરાશ થઈ ગયો હતો. મેં અને ડૉ. ખત્રીએ નક્કી કર્યું કે સાહિત્ય પરિષદને બહાને બન્નેએ મુંબઈ આવવું, અને મળવું. હું કલકત્તાથી આવ્યો, એ કચ્છથી આવ્યા, અમે લગભગ એક સપ્તાહ સાથે રહ્યા. એ અમારી પહેલી અને છેલ્લી મુલાકાત હતી.

પરિષદના ઉતારાથી શિવજી આશરના ફ્લૅટ સુધી મહેફિલો જામતી રહી. મોહમ્મદ માંકડના ગળામાં ચાંદું પડ્યું હતું. ખત્રી ડૉક્ટર હતા, માટુંગામાં એમના એક ડૉક્ટરમિત્રને બતાવવા માંકડને આગ્રહ કરીને લઈ ગયા. હીરાલાલ ફોફલિઆ સાઈગલના અવાજમાં ગાવાના શોખીન કરતાં આગ્રહી વિશેષ હતાં. આંખો બંધ કરીને, છેલ્લી લાઈન ગંભીર અવાજે ધીરે ધીરે ગાઈ રહ્યા એટલે ડૉ. ખત્રીએ અત્યંત શાંત સ્વરે કહ્યું, હીરાભાઈ ! હવે બીજી બાજુ! અને એ 1960ના દશકના આરંભનાં વર્ષો ગ્રામોફોન રેકર્ડોનાં હતાં…

ડૉ. ખત્રી સાથે કલાકો ગપ્પાં, ગોષ્ઠિ, જોક, મસ્તી થતી રહી. બકુલેશની વાતો થઈ. કચ્છ વિષે વાતો થવી લાઝમી હતી. ડૉ. ખત્રી વચ્ચે વચ્ચે મેડિકલ જગતની એકાદ નોન-વેજ જોક પણ સહજતાથી કરી શકતા અને કાફકાના ‘કાસલ’ કે સાર્ત્રના ‘નોશીઆ’ વિષે ચર્ચામાં સંગીન ભાગ પણ લઈ શકતા.

મુંબઈ પાછળ રહી ગયું, ફરીથી બે વિરુદ્ધ દિશાઓ, કચ્છની અને કલકત્તાની. કલકત્તા જઈને હું મારી પ્રવૃત્તિઓમાં અને વ્યવસાયમાં વ્યસ્ત થતો ગયો. પત્રવ્યવહાર અને અમારો બૌદ્ધિક ચર્ચાવ્યવહાર પૂર્વવત ચાલુ હતો. મારું લેખન તીવ્રગતિ ચાલી રહ્યું હતું. એ દિવસોમાં કદાચ ‘એક અને એક’ લખાઈ રહી હતી. આ કૃતિ મારી ‘આકાર’ પછીની અને ‘પૅરૅલિસિસ’ પહેલાંની કૃતિ છે અને એક દિવસ આશરનો પત્ર આવ્યો: પ્રિય બક્ષી ! અને… એ પત્રમાં સમાચાર હતા કે જયંત ખત્રીને કૅન્સર થયું છે…

મારી એ ઉંમર પ્રગલ્ભ સમજદારીની ઉંમર ન હતી, અને તદ્દન ના-સમજીની ઉંમર પણ ન હતી. કૅન્સર શબ્દ જ ભયાવહ હતો અને એ 1960ના મધ્યદશકમાં વધારે ભયાવહ લાગતો હતો. જયંત ખત્રી મુમૂર્ષાના માણસ ન હતા. એ જિજીવિષાના માણસ હતા અને છતાં પણ એ કૅન્સર હતું, અને પ્રકાર પ્રકારના કુવિચારો આવી જાય એ સ્વાભાવિક હતું. મેં વિષાદી મૂડમાં લખ્યું હતું, તબિયત વિષે ચિંતા વ્યક્ત કરી, વ્યાવહારિક નહીં, હાર્દિક અને ખત્રીનો પત્ર આવ્યો : સર્જક છું. લખ્યું છે. અને જીવ્યો છું. એટલે હવે નો રિગ્રેટ્સ, ફરગેટ ઈટ !

થોડા દિવસો પછી સમાચાર મળ્યા : ડૉ. જયંત ખત્રીનો દેહાંત થઈ ગયો છે. બસ, તમામ શુદ. વાર્તાનો અંત. ઉપસંહાર. જાને ક્યા હૈ મૌત, ક્યા હૈ ઝિંદગી/ ચલતે ચલતે કૈસે થમ જાતી હૈ તસવીરે તમામ…! ખત્રી દોસ્ત હતા. આલા દોસ્ત. અવ્વલ દર્જાના દોસ્ત. ગ્રૂપ ફોટાને અર્થ આપે એવો દોસ્ત…

1970ના દશકના આરંભનાં વર્ષોમાં કચ્છ-માંડવી જવાનું થયું. ડૉ. જયંત ખત્રીને ઘેર જવાનું થયું, થોડો વિષાદયોગ થઈ જાય એવી આબોહવા હતી. એ 1940-50નાં વર્ષોમાં, ગુજરાતી સાહિત્યના તત્કાલીન ખડ્ડુસો અને પ્રતિષ્ઠાવાદી ઝાપટિયાઓની દુનિયામાં આ માણસ, સામા પ્રવાહે, કેવી આધુનિક અને ક્રાન્તિકારક વાર્તાઓ લખી ગયો હતો, આ માંડવીના ઘરમાંથી…? સાહિત્યપુરુષ જયંત ખત્રી. દર્દનો રંગ બ્લ્યુ છે એવો પુરુષ, કાળા નિમકની વાસ આવતી હોય એવો પુરુષ, જન્મકુંડળી ફાડીને બહાર નીકળી ગયેલો પુરુષ, ઈમાનનો એતબાર કરી શકાય એવો પુરુષ. એ કચ્છનો લેખક હતો…

(ટેલિસ્કોપ થ્રૂ ધ લૅન્સ ઑફ ચંદ્રકાંત બક્ષી)

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

શ્રેણીઓ

%d bloggers like this: