Posted by: bazmewafa | 07/23/2015

ઝેરના કટોરા….જય ગજ્જર

ઝેરના કટોરા….જય ગજ્જર

“ઘરમાં પેઠો નથી ને પીવાનું શરૂ નથી કર્યું… કયારે તારી આ લત છૂટશે?” સીમાએ પતિ વિમલ પર ઊભરો કાઢ્યો.
“આ લત નથી. પીવામાં જ જિંદગીની સાચી મજા છે. ખાખરની ખિસકોલી સાકરના સ્વાદમાં શું સમજે..” રમનો પેગ બનાવતાં એ બોલ્યો.
“તારી એ મજા એક દિ તારો જીવ લેશે… તારો નહિ તો જરા અમારો વિચાર કર.”
“હુ કેર્સ..” બબડતો પેગ લઈ ટીવી સામે સોફા પર બેઠો.
સીમા વાદવિવાદમાં ઉતર્યા વિના કિચનમાં ચાલી ગઈ. પત્ની અને માબાપ સાત સાત વર્ષ કહી કહીને થાકી ગયાં પણ કદી કોઈના શબ્દોની અસર થતી નહોતી. ઉધ્ધત બની એમને બેફામ જવાબ આપતો. ગુસ્સે થતો અને ઘર છોડીને બહાર નીકળી જતો. છેક મોડી રાતે પીને લથડતો લથડતો ઘેર આવતો. બેડમાં પડતો ને આંખો મીંચાઈ જતી.
પત્ની સીમા પડખાં ફેરવતી આંસુ સારતી. પતિનો ન કોઈ પ્રેમ રહ્યો હતો, ન પથારીનું સુખ રહ્યું હતું. જિંદગીથી ત્રાસી ગઈ હતી, હારી ગઈ હતી. કયારેક જિંદગીનો અંત લાવવાની ઝંખના પ્રબળ બનતી. વિમલની મમ્મી અવારનવાર એને હિંમત આપતી, “તારે માટે નહિ તો તારાં બે પ્રેમાળ બાળકો માટે તારે જીવવાનું છે. તારે એમને મા અને બાપ બંનેનો પ્રેમ આપવાનો છે. સીમા, નસીબમાં જે લખ્યું હોય તે કોઈ મિથ્યા કરી શકતું નથી. લાગે છે કે તું કે હું એને સુધારી શકવાનાં નથી. એમ માનીને જીવ કે એ તારી દુનિયામાં નથી. દુનિયામાં કેટલી બધી વિધવા સ્ત્રીઓ કેવું હાડમારીભર્યું જીવન જીવે છે!”
વિધવા શબ્દ એને વિહ્વળ બનાવી દેતો. છતે પતિએ એ વિધવાનું જ જીવન જીવી રહી હતી. ન કોઈ આનંદ રહ્યો હતો. ન કોઈ રસ રહ્યો હતો. ન કોઈ સાથે હસીને વાત કરી શકતી. એક મા સિવાય ન કોઈ પાસે હૈયું ખોલી શકતી.
સાત વર્ષ પહેલાં વિમલે પીવાની શરૂઆત કરી હતી એક શોખ ખાતર, મજા ખાતર. પણ એ શોખ, એ મજાએ એનો પીછો ન છોડ્યો. એ દારૂની લતે ચઢી ગયો, એટલું જ નહિ સાથે સાથે ઈર્ષાની ટોચે પહોંચી ગયો. સીમાને કોઈ પુરુષ સાથે વાત કરતી જુએ તો એ વિફરતો. ન કહેવાનાં વેણ કહેતો અને પત્નીને ઢોર માર મારતો. સીમા મનોમન ગુસ્સે થતી અને પાસે પડેલા ધોકેણાથી એને ટીપી નાખવાનું મન થતું. પણ મન કાબૂમાં રાખી ચૂપચાપ બધું સહી લેતી. પોતે વિમલની પત્ની છે, પત્નીથી પતિ સામે આંખ પણ ઊંચી ન કરાય એ શાસ્ત્ર વાક્યનું ભાન થતાં હૈયું પીગળી જતું.
સમયના વહેણ સાથે નરમ બની બધું સહી દિવસો પસાર કરતી. એમ કરતાં સાત વર્ષનાં વહાણાં વાઈ ગયાં. ન પતિ સુધર્યો, ન પરિસ્થિતિ સુધરી. બલકે દિવસે દિવસે કથળતી ગઈ.
મન ભાંગી પડતાં, એક વાર પતિ સામે બે હાથ જોડી કરગરી આજીજી કરી, “મારે ખાતર નહિ તો આ તમારા દીકરાઓ માટે પીવાનું છોડી હેવાનમાંથી માણસ બનો..જરા સીધી લાઈન પર આવો.”
“શી ખાતરી એ મારા દીકરા છે? તારા ચેનચાળા અને લક્ષણોથી હું અજાણ નથી. કેટલા બધા પુરુષ મિત્રો તારું ઉપરારું લે છે! એ બધા તારી પાછળ લટ્ટુ છે!”
પીધેલી હાલતમાં બેફામ એ બોલે જતો હતો.
સીમા મનોમન ઉશ્કેરાઈ ગઈ. બેફામ શબ્દોનો બેફામ જવાબ આપવો હતો પણ એની જીભ સીવાઈ ગઈ. પતિની જગ્યાએ બીજું કોઈ આ શબ્દ બોલ્યું હોત તો એની જીભ કાપી નાખી હોત. બેડરૂમપર દોડી જઈ એ હૈયાફાટ રડી. કેરોસીન છાંટી બધાનો અંત લાવવા તૈયાર થઈ ત્યાં માએ ઉપર આવી એને માથે હાથ ફેરવી પાછી કુમળાં બાળકોની યાદ અપાવી. નમાયાં બાળકોની યાતનાની વાત કરી. એ સાંભળી મન મક્કમ કરી કદી આપઘાત ન કરવાનો નિર્ણય કર્યો. એ પછી પતિને સન્માર્ગે વાળવા બહુ પ્રયત્નો કરતી રહી. પણ પથ્થર પર પાણી! દિવસે દિવસે એની લત વધતી ગઈ.
“આવો પતિ હોય તોયે શું અને ન હોય તોયે શું?” એમ વિચારી દૂધમાં વિષ ઘોળી એને શાંતિથી સૂવાડી દેવાનું ઘણી વાર મન થતું. પણ એ કુવિચાર અમલમાં ન મૂકી શકતી.
છેવટે એ હારી ગઈ. મન મક્કમ કરી એવો નિર્ણય લઈ બેઠી. દૂધમાં વિષ ઘોળી પતિ પાસે આવી.
ફાટેલા ડોળા સામે જોઈ એ હસીને બોલી, “શરીર કેવું કરી નાખ્યું છે! લો, આજ મારા હાથનું આ દૂધ પી મને ધન્ય કરો. એક વાર મારી સામે જોઈ હસીને મને કહો ‘આઈ લવ યુ.’ અને ઈશ્વરને ખાતર આ લત છોડી દો…”
વિમલ ખડખડાટ હસ્યો. સીમાનો હાથ પકડી ત્રાડ પાડી બોલ્યો, “એમ તને મારાથી છૂટકારો નથી મળવાનો. રાંડ, તારે મારો કાંકરો કાઢી નાખવો છે? મને કાયમ માટે સૂવાડી દેવો છે?”
એના હાથમાંથી દૂધનો ગ્લાસ લઈ ફગાવી દીધો અને એક પે્ગ લઈ બેડરૂમમાં ગયો.
સીમા હેબતાઈ ગઈ. પતિના અણધાર્યા શબ્દોથી એ ડઘાઈ ગઈ.
‘પતિને પોતાના એ પગલાની કેવી રીતે ખબર પડી હશે?’ એ કંઈ કલ્પી ન શકી.
કદાચ ન કરવાનું કરી બેસશે એમ વિચારી એનું મન બીજે માર્ગે વાળવા નાના દીકરા પપુને બાપુની પાસે મોકલ્યો.
બંને બાળકો બાપુની પરિસ્થિતિ જાણતા હતા. પિતાની ખોટી લતથી એ કયારેક શરમાઈ જતા. પણ જાણતા હતા કે બાપ એમનું સાંભળવાનો નહોતો અને થપ્પડ મારી દેશે એ બીકે એની પાસે જતાં કે કંઈ કહેતાં ડરતા. કયારેક નાનો પપુ ડેડી સાથે બેસી સારી વાતો કરતો. મમ્મીની મનોદશા અને બાપની અવદશાથી બંને હેબતાઈ ગયાં હતાં. આજનો તમાશો જોઈ નાના પપુને હિંમત આવી. વ્હિસ્કી પીવાની તૈયારી કરતા પિતાની પાસે બેડ પર બેસી એમના બે હાથ પોતાના હામાં લઈ પંપાળતાં પપુએ પૂછી નાખ્યું, “હેં ડેડી, પીવામાં બહુ મજા પડે છે? એક ઘૂંટડો મને તો ચખાડો…”
વિમલ ડોળા ફાડી દીકરા સામે જોઈ રહ્યો. દશ વર્ષના પપુને શો જવાબ આપવો એ સૂઝ્યું નહિ. ઘડીભર તો પોતે જરાક શરમાઈ ગયો. દીકરા સામે જાણે ભોંઠો પડી ગયો. એને ધમકાવીને કાઢી મૂકવાનું મન થયું.
પપુના શબ્દોથી ઉશ્કેરાયેલા વિમલે ડોળા ફાડી એની સામે જોઈ એક થપ્પડ મારીને કહ્યું, “આ તો ઝેર છે ઝેર, દીકરા કદી ન પીવાય..ઝેરનાં તે કંઈ પારખાં હોય..”
“તો તમે કેમ પીઓ છો?”
“તું મારી સામે બોલે છે? નાને મોઢે… આજકાલ તું બહુ ફાટી ગયો છે…”
વિમલ શું બોલી રહ્યો હતો એનું એને ભાન નહોતું. ભાન ગુમાવી ચક્કર ખાઈને જમીન પર ઢળી પડ્યો.
પપુએ માને બૂમ પાડી. સીમા દોડી આવી. પતિની ફાટી ગયેલી આંખો સામે જોઈ ગભરાઈ ગઈ.
૯૧૧ પર ફોન કરી એમ્બ્યુલન્સ બોલાવી હોસ્પિટલમાં એમરજન્સીમાં એને દાખલ કર્યો.
તાત્કાલિક બધા ટેસ્ટ થયા. ડૉકટરોએ નિદાન કર્યું.
“એનું લીવર ખલાસ થઈ ગયું છે. બહુ જીવવાની હવે આશા નથી. સિવાય કે લિવર ટ્રાન્સપ્લાન્ટ કરીએ…”
સીમાએ પતિ સામે દયાદ્ભ નજરે જોયું.
“હવે તો દર્દ બિલકુલ સહન થતું નથી. મોત આવે તો સારું.” બોલતાં વિમલની આંખો આંસુથી ઊભરાઈ ગઈ.
સીમાને કહેવાનું મન તો થઈ ગયું, “તમે એજ લાગના છો. તમે તમારી લતમાંથી છૂટશો અને અમે બધી યાતનાઓમાંથી છૂટીશું.”
પણ આખરે સ્ત્રીનું હૈયું હતું. એણે એક હરફે ન ઉચ્ચાર્યો.
પાસે ઊભેલો પપુ આંસુ લૂછતાં બોલ્યો, “ડેડી, ઝેરના કટોરા ન પીધા હોત તો આ દિવસ જોવાનો વારો ન આવત.”
વિમલે પપુની સામે જોયું. એના જ શબ્દો એ બોલ્યો હતો. એમાં કોઈ કટાક્ષ નહોતો. નાનો પપુ એને હોંશિયાર લાગ્યો. એના શબ્દોમાં એક દીકરાના બાપ માટેના પ્રેમની વ્યથા હતી. દીકરાની આંખમાં આંસુ જોઈ વિમલની આંખો ઝડપથી દીકરાની વ્યથા પારખી ગઈ.
એક પડકાર આજ એની સામે હતો એનો વિચાર પહેલ વહેલાં મનોભૂમિ પર ઝબક્યો.
“સાચી વાત છે, બેટા. ઝેરના કટોરાની વાત મારે ગળે ન ઊતરી. પણ લાગે છે કે બહુ થયું. આજ હું નક્કી કરું છું કે આ ઝેરના કટોરાની વાત મારા જેવા લોકોને ગળે ઊતારવા હું જીવીશ.. મન મક્કમ કરીને હું જીવીશ… તમને બંનેને ડૉકટર બનાવીને ઝંપીશ….”
હિંમત કરી એ કોટમાં બેઠો થયો. પથારીને તિલાંજલી આપી ઊભો થયો. સીમાને લાગ્યું કે પતિ પાગલ બની રહ્યો છે. પાગલ પતિના પાગલ શબ્દો માનવા સીમા તૈયાર નહોતી.
ઘરડાં માબાપ પણ શું થઈ રહ્યું છે એ માનવા તૈયાર નહોતાં.
સીમા પતિની પાસે જઈ એના બે હાથ પકડી આંખોમાં આંખો મિલાવી તાકી રહી.
“ડેડી, તમે ભાનમાં છો?” સામે ઊભેલા પપુએ પૂછ્યું.
“હા બેટા, હું પૂરા ભાનમાં છું. હું બહુ લાંબું જીવવાનો છું. તમારે હવે ચિંતા કરવાની જરૂર નથી. તમને અને તારી મમ્મીને સુખને ટોડલે બેસાડીને જ મરીશ…સીમા, મને માફ કરજે હું દિશા ભૂલ્યો હતો.. એક પતિની, એક પિતાની ફરજ ભૂલ્યો હતો… તમને બધાંને બહુ દુઃખ આપ્યું છે…હજુ કંઈ મોડું નથી થયું.. ચાલો જાગ્યા ત્યાંથી સવાર… ડૉકટરને કહો કે ટ્રાન્સપ્લાન્ટના ઓપરેશનની તૈયારી કરે.”
વિમલની આંખોમાં પરિવર્તનની ચમક હતી. સીમા અને બાળકોમાં નવા જીવનની આશાનાં શુભ ચિહ્ન હતાં.
ભાંગી પડેલાં ઘરડાં માબાપે કોઈ માડીનો ચમત્કાર માની મનોમન અંબામાની બાધા રાખી.

(સૌજન્ય:શરદ તારું ગુલાબ પૃ.37)

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

શ્રેણીઓ

%d bloggers like this: