Posted by: bazmewafa | 08/21/2014

(વિવેચકને) પત્ર – 1 ……ચંદ્રકાન્ત બક્ષી

(વિવેચકને) પત્ર – 1 ……ચંદ્રકાન્ત બક્ષી

પ્રિય,

‘ગ્રંથ’નું વિવેચન, મારી નવલકથાઓનું, વાંચ્યું; આભાર. તમારું ગદ્ય ઘણું ગુણકારી છે, ઊકળતા ગરમ પાણી જેવું. વાંચી રહ્યો એટલે બધું જ વરાળની જેમ ઊડી ગયું. કચરો પણ રહ્યો નહિ. ન એક પણ અવતરણ, સુઝન લેંગર પણ નહિ? તો પછી તમે કઈ જાતના ગુજરાતી વિવેચક?

તોય ‘આકાર’ તમારે ગમાડવી પડી. ઉલ્લેખ સિવાય કંઈ લખવા જેવું લાગ્યું નહિ? કયો ગુનો કર્યો તમે – જાણકારની ચૂપ કે બેવકૂફની દાદ? કે બન્ને, અડધાં અડધાં?

ગળીથી ‘કલાકાર’ લખેલા અખાડામાં તમે મારે માટે જરાય જગ્યા રાખી નથી ! પાછળ પન્નાલાલ અને આગળ શિવકુમાર ! સરસ. વચ્ચે મને મૂકીને તમે બન્નેને એક સાથે જ માન રાખીને ખુશ કરી નાખવા માંગો છો? ખેર, બીજાઓની થતી ખુશામત સહન કરવા જેટલો ત્યાગ મેં હવે કેળવી લીધો છે.

એક વાત પૂછું? કૂતરાને જેટલી વાર ધુઓ એટલે વાર એના શરીરમાંથી ગંધ આવ્યા કરે એમ તમારા બધાના વિવેચનમાંથી પ્રોફેસરી બૂ કેમ આવ્યા કરે છે?

હું એક વાત મારી રીતે સમજું છું. સર્જનાત્મક (creative) urge એ process of feeling છે, process of thinking નથી. જીવતી વસ્તુ છાતીમાંથી આવવી જોઈએ, માથાના ‘pigeon hole’ માંથી નહિ. અનુભવ માત્ર મગજથી ન થાય, પાંચેય ઈન્દ્રિયો સજાગ જોઈએ. સર્વપ્રથમ, શરીર, પ્રામાણિકતા, involvement; પછી નજરબંધી, કરામતો, સફાઈ સૂઝન લેંગર, નખરાં, ભોળાભાઈ પટેલ, બધા જ. તો કલાની પવિત્રતા સચવાય. સમજાવવા ન બેસવું પડે, અને સમજ્યા વિના લાંબા પેરેગ્રાફો ઉદ્ધૃત કરવા ન પડે.

સિદ્ધાંતો Sciences માટે બરાબર છે, Humanitiesના મૂલ્યાંકનમાં ધાર્મિક જડતાથી વાપરવા નહિ બેસી જવું જોઈએ. ટ્યુબવેલ સિદ્ધાંત તોડે ત્યારે ન ચાલે, પહાડી સ્ત્રોત સિદ્ધાંત તોડે ત્યારે વહેવા માંડે. સર્જનાત્મક કલા એ ટ્યુબવેલનું પાણી નથી – આવું મારું માનવું છે.

ગુજરાતી વિવેચન એક ટ્રેજિક માસ્તરી રમત થઈને રહી ગયું છે, 45 મિનિટના પીરિયડ જેવું એકવિધ અને નિરસ. તમે બધા, પ્રોફેસર-વિવેચકો, ઊંધું ટેલિસ્કોપ રાખીને સાહિત્યની પરીક્ષા કરી રહ્યા છો. તમે અન્યાય થયેલા બાળકના આંસુની ‘સ્પેસિફિક ગ્રેવિટી’ માપવા માંગો છો, રેસીપી બુકમાં માની રોટલીની મીઠાશ શોધી રહ્યા છો, ઔરતની છાતીના દૂધના બજારભાવ કાઢી રહ્યા છો, મશીનોથી કરોળિયાનાં જાળાં ગૂંથવાની કોશિશ કરો છો. આ ‘ટ્રેજીકોમેડી’ ગુજરાતના જવાન વિદ્વાનોની છે, એવું મને લાગ્યા કરે છે.

કલાકારે પ્રામાણિક થવું પડશે અને વિવેચકે એ પ્રામાણિકતાને સમજતાં શીખવું પડશે. જે સાહિત્યમાં કલાકારની છાતીના વાળ બનાવટી હશે ત્યાં નાન્યેતર લેખકો પેદા થવાના, નપુંસકલિંગ ભક્ત વિવેચકો ફૂટી નીકળવાના, મિસ્ત્રીનો અને શિલ્પીનો ફર્ક અદ્રશ્ય થઈ જવાનો. વ્યાકરણના રેસા ચૂંથનારાઓએ શોધવું પડશે કે કલા કઈ ખાકે-ઝમીન ફાડીને પ્રકટે છે. લખાયેલું દરેક ગદ્ય એ વાર્તા કે નવલ નથી, એ દરેક કવિ/વિવેચકે સમજી લેવું પડશે – કવિકુલગુરુ સુરેશ જોષીની હ્રસ્વ-દીર્ઘની જોડણીના ધુમાડામાં ખોવાઈ ગયેલા શ્રીકાન્ત શાહ સુધી બધાએ. એક્ઝીસ્ટન્શીએલીઝમ એ લાયબ્રેરીની ગૂંગળામણ નથી, સડકોનો શ્વાસ છે.

તમારા જેવા માણસને તમારો પોતાનો અભિપ્રાય આપવા માટે કોઈ શ્રી શાહનો ટેકો લેવો પડે છે? સાહિત્યના મેદાનમાં ચણી ખાતા દરેક ‘વિવેચિકન’ પર ધ્યાન આપવાની જરૂર નહિ, અને ખાબોચિયામાં પોતાની બદસૂરતી જોઈને પ્યારમાં પડી જનારા નારસીસસોની ખોટ છે આપણે ત્યાં? હતી, કોઈ દિવસ?

અંતે, થોડી દિલ્લગી. ઓસ્કાર વાઈલ્ડ (એલ્બી કે ડ્યુરેનમાટ કે પીન્ટર જેવું આધુનિક નામ લખતો નથી માટે ક્ષમા કરશો) વાંચતો હતો; એક પાત્ર પૂછે છે, પ્રાચીન ગ્રીસમાં કલા આટલાં બધાં સ્વરૂપોમાં પ્રકટીને ચરમસીમાએ પહોંચી ગઈ અને અઢી હજાર વર્ષ સુધી એનો મુકાબલો થઈ શક્યો નથી, એનું કારણ શું? બીજો ઠંડકથી ઉત્તર આપે છે, સીધી વાત છે, એ સમયે કલાના વિવેચકો ન હતા એટલે…

તમારી તબિયત સારી હશે, હું મજામાં છું.

સપ્રેમ,
ચંદ્રકાન્ત બક્ષી
(કેસૂડાં – 1966-67)

(પુસ્તક: આભંગ)
સૌજન્ય:

http://bakshinama.blogspot.ca/search/label/%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AB%87%E0%AA%9A%E0%AA%A8

વર્તમાન કથાસાહિત્યને મૂલવવામાં વિવેચન નિષ્ફળ ગયું છે?–ચન્દ્રકાન્ત બક્ષી

(સૌજન્ય:આભંગ પૃ.152થી 156)

 


Responses

 1. ચંદ્રકાન્ત લાવારસ છે. એની હડફેટમાં આ કયા વિવેચક (?) ચડી ગયા હશે ? ગુજરાતીમાં આમાંના જ કેટલાકે ભાષા–સાહિત્ય પર કબજો જમાવી રાખ્યો હતો.ગુજ. ભાષાને સંસ્કુતની ઢબે આજ સુધી બાંધી રાખનારાંઓએ વિદ્યાર્થીઓને તો ખાસ નુકસાન કર્યું જ છે. ગુજરાતી વિષય વિદ્યાર્થીાોનો અણમાનીતો બનીને જ રહ્યો.

  ચંદ્રકાન્તભાઈ આ બધાં પરિબળોની સામે લડનારા લેખક હતા. તમારા બ્લૉગ પર સુરેશ જોશીનો પરિચય કરાવો. આધુનિક વિવેચનમાં એમનું પ્રદાન વંદનીય છે.

  ધન્યવાદ સાથે –

 2. ઘણો આભાર..શ્રી જુગલ કિશોર ભાઈ.’ગ્રંથ’એ પુસ્તકોની સમીક્ષાનું સામયિક હતું.તંત્રી હતા શાયદ ભોળાભાઈ પટેલ.એ બંધ થયું ભોળાભાઈ એ આ રીતે દુ:ખ વ્યકત કરેલું:ઝઝૂમતાં સામયિકો આખરે બંધ થાય ત્યારે તેના તંત્રી-સંપાદકો કે બીજા વિદ્વાનોની જુદી જુદી પ્રતિક્રિયા જોવા મળતી હતી. પુસ્તકોની સમીક્ષાનું સામયિક ‘ગ્રંથ’ બંધ થયું એ વિશે ભોળાભાઇ પટેલે લખ્યું હતું, ‘ગ્રંથની જ્યારે સૌથી વધારે જરૂર છે ત્યારે ગ્રંથ હવે બંધ થાય છે…‘ગ્રંથ’ તો બંધ થાય છે, ગુજરાતના સારસ્વત સમાજની ઉદાસીનતાભરી વૃત્તિથી. ગુજરાતમાં કેટલી કોલેજો છે, કેટલી શાળાઓ- ઉચ્ચ માઘ્યમિક શાળાઓ છે, કેટલાં જાહેર ગ્રંથાલયો છે…ગુજરાતી શીખવતા અઘ્યાપકોની સંખ્યા પણ હજારે પહોંચવા થાય. આ સૌ પણ ઉત્તરદાયી છે. ગ્

 3. મારે ત્યાં આ સામયિકના જૂના અંકો ઘણા છે. એના તંત્રી યશવંત દોશી હતા. સામયિક બંધ થવા માટેનાં ફક્ત એક વ્યક્તિના આપેલાં કારણો પૂરતાં ન પણ હોય !

  તમારા આ પ્રતિભાવથી પ્રેરાઈને મેં એક જૂના ગ્રંથ સામયિકની નોંધ હાથવગી કરી લીધી છે. હું એને નેટગુર્જરી પર તમારા સંદર્ભ સાથે મૂકી રહ્યો છું…..ખૂબ આભાર સાથે, – જુ.

 4. […]         ૨) બઝમેવફા નામક જાણીતા બ્લૉગ (https://bazmewafa.wordpress.com/2014/08/21/vivechan-c-baxi/) ઉપર ચંદ્રકાન્ત બક્ષીના પ્રગટ થયેલા […]

 5. શ્રીમાન jugalkishor (on 08/21/2014 /at 8:09 PM)ની વાતમાં સો ટચના સોના જેવુ અને જેટલું સાચ ના કાચ શું “વજૂદ “છે!

  “ઇંદીરા ગાંધી માટે ,એવૂ કહેવાયું હતું ,કે, દસઃ મોરારજી ભાઇ જેવા ૭૦+ અનુભવી
  રાજકારણીઓ ભેગા કરીએ તોય ” ઇંદીરા ગાંધી ” જેવી હસ્તિ બનાવવી મુશ્કેલ !”
  એજ રીતે ચંદ્રકાંત બક્શી જેવી અ‍ણીદાર કલમ.,ધારદાર સચોટ ભાશા,ઊર્દૂનો તડકો,
  વિવિધતા સભર રેફ્રંસિસ ,ચીલો ચાંતરી જૂથવાદના કાયલ ચીકણા ચોપડિયા પ્રોફેસરોની વાડાબંદીના વિરોધમાં સામી છાતીએ એકલપંડે લડનાર “શખ્સિયત (= બક્શી)પેદા થશે કે કેમ?” આ પડકારરુપ હિમાલયન મહાપ્રશ્ન છે જ !સામે પૂરે તરના એકલવીર વજ્રની છાતી વાળા ઇંસાન હતા .ડો..સુરેશ દલાલ જેવા પંકાયેલા ગુજરાતી સાહિત્યના વેલ એક્સેપ્ટેડ ધુરંધર કવિ,સાહિત્યકાર,વિવેચક સામે પણ એમણે ઘણા વખત સુધી “ટફ ફાઇટ” આપી હતી .એ બેઉ એક મંચ પર ભાગ્યેજ જોવા મળતા હતા.[ આજના ફિલ્મ જગત ના ‘સલ મા ન ન’, ‘ શાહરુખ ‘ના જેવા દોસ્તી-દુશ્મનીના સંબંધો હતા ]

  કલા અંગે ” સહજતા ” જેવું પ્રમાણરુપ અને વિદ્વતા સભર સાહિત્ય માત્ર “શ્રી ગુણવંત શાહ ” જેવા આપી શકે !
  “એ સમયે કલાના વિવેચકો ન હતા એટલે…” આ વાક્ય શું તત્કાલીન “વિવેચકોની એક જમાત સામેનો સખત વાંધો”નું ધ્યોતક નથી?

  “ગ્રંથ” અને તેનાં શુધ્ધ ઉદેશ્યો-સમાહિત સાહિત્યિક કંટેંટ્સ એક દ્રુશ્ટિપૂર્ણ, સત્વશીલ તત્વોને માટે પૂરા માન-આદર સહિત ,તંત્રી શ્રી ભોળાભાઈ પટેલ ના જતનપૂર્વકના પ્રયાસો,બળાપો -દુ:ખ એને સ્થાને સહીજ .

  “કલાકારે પ્રામાણિક થવું પડશે અને વિવેચકે એ પ્રામાણિકતાને સમજતાં શીખવું પડશે. ”
  આ બક્શીજીની ” પૂરતું રેકગ્નીશન ન મળવાની” ફરિયાદ જ નથી શું?
  મૂળ વાત તો, “લોચન-મન નો ઝઘડો” ની જેમ ” હેડ એન્ડ હાર્ટ” કે ” લાઇકિંગ એંડ લવિંગ”
  ના દ્રુશ્ટી ભેદનો જ ને?

 6. ઘણો આભાર.આપની વાત વજનદાર છે.અત્યંત ગમી.

 7. […]         ૨) બઝમેવફા નામક જાણીતા બ્લૉગ (https://bazmewafa.wordpress.com/2014/08/21/vivechan-c-baxi/) ઉપર ચંદ્રકાન્ત બક્ષીના પ્રગટ થયેલા […]


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

શ્રેણીઓ

%d bloggers like this: