Posted by: bazmewafa | 05/13/2014

જનાબ સાબિર અલી ‘સાબિર’ની કેટલીક રચનાઓ……મુહમ્મદ અલી વફા

આપણી અસ્મિતા..સાબિર અલી’સાબિર’

હું ગુજરાતી ગઝલના આત્માને ભાષાના વાડામાં છૂંદી નાંખવાનું કહું છું,એમ રખે કોઇ માની લ્યે. એના આત્માંના તેજ તો આપણે આખીય માનવતા ઉપર ઢાળવા છે.ઋંતુ દેહની રચના જ્યાં સુધી ગુજરાતની માટીથી એને એના શૃંગારો ગુજરાતની ધાતુથી નહિ ઘડીએ ત્યાં સુધી આપણી આ ગઝલોને આપણે આપણી પ્રિય ગુજરાતણો બનાવી શકવાના નથી.અને જ્યાં આપણે એન પૂરે પૂરી ગુજરાતણો નહિ બનાવીએં ત્યાં સુધી તે આપણી વચ્ચે પારકા જેવી દેખાયા કરશે.ગઝલને આપણી સંસ્કૃતિ ,આપણું વાતવરણ આપણું ધ્યેય,અપણી કથાઓ આપણી કહેતીઓ,આપણી ઋતુઓ અને આપણું વાતાવરણ ઇત્યાદિમાં ઉતારવા પડશે.આપણાં જીવન સત્યો અને તત્વોનું પાન જેમ જેમ ,એ જીરવતી જાય તેમ તેમ કરાવતાં રહેવાની અગત્ય વિચારવા જેવી છે.એના ગુજરાતી ઘડતર માટે અને ગુજરાતી ઉપમાઓ અને અલંકારોથી વિભૂષિત કરતા રહેવાનું છે.ગુજરાતી પ્રણય પ્રણાલિકાની કેડી દ્વારા એ કંડિકાઓ ખેડાય તો એમાં આપણને વધુ રસ પડશે એ વાત ચોક્કસ છે.

નજરનું રણ મજનુની દીવાનગીમાંથી માપ્યાં કરતાં અને ફરહાદનું માથું –ઇરાની બેલચા(તીકમ)થી ફોદવા કરતાં કે પછી નરગીસની આંખે અને શોસનની જીભે બોલતા અને જોતાં આપણે જરા ખબરદાર રહેવાની જરૂરત છે.આપણી રહેણી કહેણીમાંથી કંડરાયેલી પ્રણય કથાઓ અને આપણી આસપાસ વાસ કરી પ્રફુલ્લ રહેતીપ્રકૃતિની નવ મલ્લિકાઓ દ્વારા સર્જાતી માળાઓમાં કયાંક ખાસ જરૂર ઉભી થાય તો જ આપને આપણી વાડી બહારનું એકાદ પુષ્પ ગુંથી લઈએં. મારો ઉદ્દેશ કાફિયાઅઓ અને ઉદાહરણમાં વપરાતા વધુ પડતા શબ્દો તરફ આવી રીતે સાવચેત કરવા પૂરતો છે.બાકી આપણે આપણાં અભ્યાસને અને જ્ઞાન્ને ખૂબજ વિકસાવીએ,પરંતુ રજૂઆતનો સમય આવે ત્યારે તેને એવી રીતે રજૂ કરીએ કે તેના પારકા પણાં પર આપણાં પરું દીપી ઉઠે.વિચારોના,વક્તૃત્વના,કથનના ઇત્યાદિના સંપર્કમાં ક્યાંક પોતેજ લોપાઈ ન જઈએ તેટલું ધ્યાન રાખવાની આવશ્યકતા છે.

સૌંદર્યના તજજ્ઞોનું તાત્વિક કથન હતું.
જીવન હતું કવનમાં કે જીવન કવન હતું.
’સાબિર’જીવન ભિંસાયુ મહોબ્બતની ભીંસમા,
કિંતુ સનમની યાદમા હસતું વદન હતું.
‘સાબિર’ વટવા.

ઘડતર ન થઈ શક્યું,

ચાહ્યું હતું જીવનનું તે ઘડતર ન થઈ શક્યું,
એક રણ હતું, તે રણમાં સરોવર ન થઈ શક્યું.
હરદમ ગુલાબો છાબભરી વહેંચતો રહ્યો,
માળીથી તાજું પુષ્પોનું અત્તર ન થઈ શક્યું.
દિલને હજારો વાર દબાવ્યું, છતાં જુઓ;
આ મીણ એનું એ જ છે, પથ્થર ન થઈ શક્યું.
ખંડેર દેખી આશાનાં કૈંક કાફલા રડ્યા,
તૂટેલ આ મિનારનું ચણતર ન થઈ શક્યું.
હરણાંની પ્યાસ રણમાં સદાની છીપી ગઈ;
શું ઝાંઝવાંથી, કાર્ય મનોહર ન થઈ શકયું.
પૂછી મને મનસ્વી વલણની કથા? સુણો!
‘મેં ેજે ચણ્યું તે આપથી અકસર ન થઈ શક્યું.’
‘સાબિર’ નજર ઝુકાવીને ચાલો કદમ કદમ;
આ માર્ગમાં પડેલ કો’ પગભર ન થઈ શક્યું.

રોકાઈ જાવ!….- સાબિર વટવા.

ચંદ્ર ઝાંખો થાય છે, ‘રોકાઈ જાવ’!
હમણાં વા’ણું વાય છે, રોકાઈ જાવ!
એક ઘડીભર રાતની છે શી વિશાત?
વર્ષો વીતી જાય છે, રોકાઈ જાવ!
અપશુકન છે રોકવામાં, શું કરું?
મારું દિલ ગભરાય છે, રોકાઈ જાવ!
ચીબરી બોલી રહી છે આંગણે,
વનમાં ધુવડ ગાય છે, રોકાઈ જાવ!
વાટમારુ છે નિરાશા માર્ગમાં-
કાફલા લૂંટાય છે, રોકાઈ જાવ!
હોઠ પર તો છે ‘ખુદા હાફિઝ!’ છતાં,
દિલમાં કૈં કૈં થાય છે, રોકાઈ જાવ!
આજ સાબિર વારે વારે શું કહું?
હોઠે આવી જાય છે, રોકાઈ જાવ!

રમવી પડી છે… ‘સાબિર’ વટવા

લલાટરેખાઓને ઘસવી પડી છે,
ઘણી વેળાઓને હસવી પડી છે.
ચકાસી છે ઘણી ધીરજ ધરીને,
અનેક આશાઓને કસવી પડી છે.
ઘણી ઘટનાઓ જીરવી છે અચાનક
કો અણગમતી રમત રમવી પડી છે.
હજારો વાર પીધા છે એ ઘૂંટડા,
મુહબ્બત અમને તો કડવી પડી છે.
ગમી છે તો ગણો આભાર, ‘સાબિર’,
કથા સદભાગ્યની રડવી પડી છે.
ઝાંઝવાઓની યુક્તિ -’સાબિર’ વટવા
પ્રાણતરસ્યા રણની ચીસો સાંભળી,
ઝાંઝવાઓએ એ અજબ યુક્તિ કરી:
એક તરફ છિપાઈ ગઈ રણની તૃષા
જળ-વલખતા મૃગને પણ મુક્તિ મળી.

કંકુવરણી….‘સાબિર’ વટવા

*
સંધ્યા ! શું સૂરજને પરણી ?
કાયા છે કાં કંકુવરણી ?

સૂની રાત્રે યાદ તમારી;
વનમાં જાણે મ્હેકી અરણી !

પાષાણોનાં અંતર દ્રવતાં;
ફૂટી ચાલી કોમળ ઝરણી.

આશા ! આશા શું છે કહીં દઉં ?
ફંદામાં તરફડતી હરણી.

ઘૂંઘટ રાખે રાત ને દિવસ;
કેવી હશે એ લજ્જાવરણી !

ઉચ્ચ ગગન પર રણક્યાં ઝાંઝર;
નાચી ઊઠી આખી ધરણી.

‘સાબિર’ જેની આણ સ્વીકારે,
કોણ હશે એ જાદુગરણી ?
*
રૂપ થયું છે દ્દષ્ટિ આગળ;
પાછળ પાછળ હોય ન મૃગજળ.

એ આવ્યાની આશા જાગી;
દ્વાર ઉપર જ્યાં ખખડી સાંકળ.

દિન પણ નમતું મૂકી ચાલ્યો;
કાળી કાળી રાતો આગળ.

સ્વસ્થ રહ્યાનો દંભ ન ધારો;
હું જ રહ્યો શું આકળ વિકળ.

પાગલ સમજી પાસે આવ્યાં;
સાવ થઈ ગઈ ખોટી અટકળ.

વાટ જોઉં છું પીવા માટે;
પાછાં આવે ક્યારે વાદળ ?!

ઘોર તિમિરમાં ચાલો ‘સાબિર’!
પડછાયો ના આવે પાછળ.

UjjvalNisasa

Lagavi Tamacha

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: