Posted by: bazmewafa | 04/07/2014

પ્રેટી ગર્લ…..જય ગજ્જર

પ્રેટી ગર્લ…..જય ગજ્જર

“બહેન, આ ડ્રેસ તમને બહુ સારો લાગે છે. આ મારો મનપસંદ કલર છે.” રસોઈણ રમાએ આભાને કહ્યું.
આભાએ આંખ આડા કાન કર્યા. રમા સાથે ચર્ચા કરવી એને ગમતી નહોતી. એ ઘરની નોકરાણી હતી. શેઠાણી નહિ. પણ છેલ્લા કેટલાક સમયથી એ ઘરની માલકણ હોય એમ વર્તતી હતી.
એની આંખોના ઉલાળા પણ વધી ગયા હતા. કપડાં પણ ફેશનેબલ પહેરવા લાગી હતી. પતિપત્નીની ચર્ચા સાંભળવા કાન સાબદા કરતી.
એક દિવસ વિવેકબાબુએ આભાને કહેલું, “વાહ, આભા. યુ લુક પ્રેટી ઇન ધીસ ડ્રેસ!”
આભા મલકાઈને વિવેકબાબુની પાસે બેસી ગઈ હતી અને રમાના રસ વિષે કાનમાં કંઈક કહેલું.
રમાએ આભાની પ્રસંશાના શબ્દો સાંભળેલા, પણ એમણે કાનમાં શું કહેલું એની કલ્પના કરી શકી નહોતી.
બીજે દિવસે આભા જેવો જ ડ્રેસ પહેરીને એ આવી.
આભા અને રમા સાંભળે એમ વિવેકબાબુ મોટેથી બોલ્યા, “કાગડો કોયલ બનવા પ્રયાસ કરે પણ કોયલનો કંઠ ઓછો લાવી શકે!”
આભા ખડખડાટ હસેલી. પતિનો કહેવાનો મર્મ એ પામી ગઈ હતી. રમા પણ સાહેબના કટાક્ષનો અર્થ સમજી જતાં મનોમન ગુસ્સે ભરાઈ. વિવેકબાબુના શબ્દો એને નહોતા ગમ્યા. એને કલ્પનાય નહોતી કે સાહેબ આમ ઊતારી પાડશે. મોઢું ચડાવી જલદી જલદી રસોઈ કરી ચાલી ગઈ હતી.
બીજે દિવસે સાહેબ સાંભળે એમ બહેનને પૂછ્યું, “આજ સાહેબને ભાવતું રીંગણનું શાક બનાવું?”
“કેમ સાહેબને ખુશ કરવા છે?” ફરી એક ફટકો વાગ્યો.
રમા ચૂપ થઈ ગઈ. જો કે બહેન સામે દલીલ કરવાનું મન થયું.
“તમે જ કહેતાં હતાં કે સાહેબને રીંગણનું શાક બહુ ભાવે છે. એમાં મેં ખોટું શું કહ્યું?”
હોઠ પર આવેલા એ શબ્દો બહાર ન આવી શકયા. એ ગમ ખાઈ ગઈ.
બહેને વાતને જુદો જ વળાંક આપ્યો, “આજ સાહેબ ઘેર જમવાના નથી.”
“તો કયાં જમવાના છે?” પૂછવાનું મન થયું, પણ પૂછી ન શકી.
પળે પળે પાછી પડતી હતી એનું એને ભાન થયું. પોતે બહેન અને સાહેબને ઓળખવામાં થાપ ખાતી હતી એવું લાગ્યું. આમ તો મેટ્રિક પાસ હતી. એક વર્ષ કોલેજ પણ કરી હતી. પવનના પ્રેમમાં પણ પડી હતી. પુરુષને કેમ વશ કરવો એના દાવ પણ ખેલ્યા હતા. પણ પવનને પોતાની પાછળ પાગલ બનાવવામાં નિષ્ફળ નીવડી હતી. એની સાથે પ્રેમનો ડોળ કરી.રાધિકા સાથે પરણી ગયો હતો. એ દિવસે એને પવન પર જ નહિ, પુરુષજાત પર ખૂબ ખીજ ચડી હતી. પછી તો શિવશંકર પુરાણીએ ગોતી કાઢેલા પાસેના ગામના લાભશંકર સાથે મનેકમને એ પરણી ગઈ હતી.
લાભશંકર બાપદાદાનું ગોરપણું જાળવી ક્રિયાકાંડ અને પૂજાપાઠ કરતા. એક પછી એક બેનો વધારો થતાં મોંઘવારી નડી. રમાએ રોજે રોજ આંખ સામે રમતા રહેતા પતિની ઝંઝટમાંથી છૂટવા અને આવકનું સાધન ઊભું કરવા કામ શોધી કાઢ્યું. બેચાર ઘેર રસોઈ કરવા જવા લાગી. બહાર નીકળવાનું મળતાં રમાનું મન મલકી ઊઠ્યું -તન ડોલી ઊઠ્યું.
રસોડામાંથી કયારેક મેડી પરના સંવાદો કાન પર પડતા ત્યારે તો યુવાની ઉછાળા મારતી. જૂનો પ્રેમ અને પ્રેમલીલા યાદ આવી જતાં. આમે જયાં જયાં રસોઈ કરવા જતી એ બધાં ઘેર હજુ ખીલતી જુવાની હતી.
ડૉકટર કામેશ અને ડૉ. પ્રિયા ત્રણચાર વર્ષ પહેલાં જ પરણ્યાં હતાં. શેઠ ચંપકલાલ અને કમળાબહેન આધેડ વયનાં હતાં. પણ બહુ રંગીલાં હતાં. વિવેકબાબુ યુવાન પ્રોફેસર હતા. એમણે આભા સાથે પ્રેમલગ્ન કર્યા હતાં. બધે જ યૌવનને ખીલતું રાખે એવી જોડી હતી. એટલે બધે જ રંગીલી વાતો થતી તે રમાને કાને પડતાં મન કાબૂમાં ન રહેતાં ડોલી ઉઠતું.
એ બધાને ઘેર કયારેક ચકમક ઝરતાં. જો કે એ પછી જે રીસામણાંમનામણાં થતાં એ રમાની છૂપી આંખો અનાયાસે પણ જોઈ જતી. ઘેર જઈ એનો પ્રયોગ કરવા પ્રેરાતી. પણ ભકિતના રંગે રંગાયેલા પતિને ભજનોમાં બહુ રસ રહેતો અને ભજનો ગાતાં ગાતાં એમની આંખો મીંચાઈ જતી. એ સાથે જ રમાની આંખોના ઉલાળા અટકી જતા. ડહોળાયેલું મન ડાફેળો મારતું કોકની મેડીની બેડમાં પહોંચી જતું.
“બસ છોડો હવે, નીચે રમા આવી લાગે છે!”
“નીચે આવી છે ને… અહીં તો હું અને તું બે જ છીએ ને…”
રમાના કાન સરવા થતા. એકવાર તો દાળમાં મીઠું નાખવું જ ભૂલી ગઈ હતી.
આભાએ એને ધમકાવી કાઢી હતી.
“કેમ, આજ મગજ કયાં ગયું હતું?”
એ કંઈ જવાબ આપે એ પહેલાં સાહેબે બચાવ કરેલો, “ભૂલ થઈ જાય. હજુ તો છોકરમત છે ને!”
સાહેબ વહારે આવેલા એ એને ગમેલું. બસ ત્યારથી રંગીલા સાહેબ એને ગમવા લાગેલા. એમનામાં એને રસ પડવા લાગેલો. એમને ખુશ કરવા અને ખુશ જોવા એના ચેનચાળા વધતા જતા હતા.
ચબરાક આભાની એ જાણ બહાર નહોતું. પણ પોતાના પતિમાં એને બહુ વિશ્વાસ હતો. કયારેક મજાક કરતા પણ દિલના ચોખ્ખા હતા. એ સચ્ચાઈનો રણકો રમાની સમજમાં આવે એમ નહોતું. ઊંડે ઊંડે એને હતું કે કો’ક દિવસ એ સાહેબને પીગળાવી શકશે.
એ વિચારતી. ‘પુરુષજાત બધી સરખી.’ ડૉકટર કામેશ યાદ આવી જતા.
ડૉકટર કામેશનું દવાખાનું એમના ઘરમાં જ હતું. એમની ચેક અપ કેબિન પાસે જ કિચન હતું.
એ દિવસના શબ્દો હજુ ભૂલી નથી.
“વાહ, કેવાં સરસ બે સસલાં સોહી રહ્યાં છે!”
“તમેય તે શું સાહેબ આમ…”
“કેમ ખોટું કહું છું?”
આગળના શબ્દો સાંભળવા મન લલચાયું.
“સાહેબ, ગલીપચી થાય છે…”
“નથી ગમતું?”
“એવું નહિ… પણ…”
અને પછી શબ્દો નહોતા.. હલનચલનના માત્ર પડઘા હતા. રમાની કલ્પનાએ એના મનમાં આંધી જન્માવી.
દોડી જઈને કહેવાનું મન થયેલું, “તમે તો શું સાહેબ, ડૉકટર થઈને…”
એને પણ ગલીપચી થયેલી. પણ નાને મોઢે એવું ડહાપણ ના ડોળાય એટલી તો ગતાગમ હતી.
‘લાભશંકર ખરેખર ભોળા હશે કે એ પણ કયારેક કયાંક એકલતાનો લાભ લેતા હશે?’
એ આખી રાત ઊંઘ ન આવી. વારંવાર મન અને તન ડૉકટરની કેબિનમાં દોડી જતું. બીજે દિવસે રસોઈ કરવા ગઈ ત્યારે ડૉકટર એની સામે જોઈ હસેલા. એને એ ગમેલું. એ પણ હસી હતી.
‘કેવો ફૂટડો યુવાન છે…! પ્રોફેસર સાહેબ પણ કેવા રંગીલા છે…..! ચંપકલાલ શેઠ પણ આ ઉમરે બહુ ખીલે છે… એક મારો લાભશંકર જ ‘કોલ્ડ’ લાગે છે.
એવું નથી એ કોલ્ડ હોત તો બે ગલુડિયાં કયાંથી આવ્યાં હોત?
એ તો રમત રમતાંરમતાં પરિણામ આવી ગયું હશે!
જે રમતમાં મજા ન હોય, આનંદ ન હોય, ખુશી ન હોય… એવી રમતે શા કામની?
બે દિવસ પહેલાં પ્રોફેસર સાહેબને બંગલે કચરાંપોતાં કરવાવાળી લીના નહોતી આવી. આભાબહેને કહેલું, “આજ જરા અમારી બેડરૂમ સાફ કરી દઈશ?”
રમાને એ ગમેલું. ટેબલ લેમ્પ નીચે પડેલા ‘કામસૂત્ર’ પર નજર પડતાં આગળ પાછળ કોઈ નથી એની ખાતરી કરી પાનાં ફેરવ્યાં હતાં. જાતજાતનાં આસનો જોઈ છક થઈ ગઈ હતી.
બસ ત્યારથી વિચારોનું વૃંદાવન ઘેરાયેલું હતું. મનોભૂમિ પર રાધાકૃષ્ણની રાસલીલા ખેલાઈ રહી હતી. ઘણાબધા વિચારો ફરી ફરીને આવતા હતા.
હસતી હસતી પ્રોફેસર સાહેબને બંગલે આવી. બેલ માર્યો. સાહેબે આવી દરવાજો ખોલ્યો. સીધી કિચનમાં ગઈ. અંદરથી દરવાજો બંધ કરી કિચન પાસે આવી વિવેકબાબુએ કહ્યું, “આજે થેપલાં બનાવજે. આભા એના પિયર ગઈ છે. રાત્રે મોડી આવવાની છે. રસોઈ થઈ જાય પછી જતી વખતે બૂમ પાડજે. હું બારણું બંધ કરી જઈશ…”
રમાનું મન હરખી ઊઠ્યું. જલદી જલદી રસોઈ બનાવવા લાગી. રસોઈમાં ચિત્ત ચોટતું નહોતું. મનસાગર હેલે ચઢ્યું હતું. રંગીલાં દીવાસપનાં જોવા લાગી…
“આજ તો બસ… સાહેબ સાથેની તક…” એ ઘેલી બની. જાણે પૂરી પાગલ બની.
રસોઈ પૂરી થતાં એણે બૂમ ન પાડી. સીધી દાદરો ચઢી બેડરૂમ પાસે જઈને ઊભી રહી ગઈ. બારણે ટકોરા મારવા હાથ ઊંચો કર્યો. હાથ ધ્રૂજવા લાગ્યા. મન પરનો કાબૂ ગુમાવી બેઠી.
“હમણાં સાહેબ મને બેડમાં ખેંચી લેશે..” મીઠાં સપનાં સેવવા લાગી.
એકાએક બારણું ખૂલ્યું.
“રસોઈ પતી ગઈ રમા?” કોઈએ જાણે તંદ્રામાંથી જગાડી.
“હા સાહેબ. એ કહેવા જ આવી છું…”
“હું ઘરમાં એકલો જ છું એ જાણવા છતાં તું ઉપર આવી?”
“હા સાહેબ, કેમ તમારી તે કંઈ વળી બીક લાગતી હશે? તમે તો ભગવાનનું માણસ છો. આભાબહેન તમને કેટલો બધો પ્રેમ કરે છે!”
“હા, પ્રેટી ગર્લ, આભા તારાં રોજ વખાણ કરે છે. તારા જેવી બાઈ અમને ન મળે!”
રમા શરમાઈ ગઈ. મનના તરંગો શમી ગયા.
“હું જાઉં છું, સાાહેબ,” કહી પૂંઠ ફેરવી એના ઘર તરફ દોટ મૂકી..

(સૌજન્ય:શરદ,તારું ગુલાબ  પ્ર.23)

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

શ્રેણીઓ

%d bloggers like this: