Posted by: bazmewafa | 01/12/2014

તમને બહુ ક્રોધ ચડે છે? (કેલિડોસ્કોપ) – મોહમ્મદ માંકડ

તમને બહુ ક્રોધ ચડે છે? (કેલિડોસ્કોપ) – મોહમ્મદ માંકડ

ક્રોધ કરવો જ નહીં, એ વાજબી હોય તોપણ નહીં. કારણ કે ક્રોધ એ બ્રેક વગરની ગાડી છે. એક વાર ઊપડયા પછી એની ગતિ ગુણાકારમાં વધે છે. ક્રોધનું નિવારણ બહુ જ મુશ્કેલ છે. છતાં એના તરફથી થતું વ્યાપક નુકસાન જોતાં દરેક વ્યક્તિએ એના ઉપર કાબૂ રાખવો જરૂરી છે

ક્યારેય ક્રોધ ન ચડતો હોય એવી વ્યક્તિ શોધવી મુશ્કેલ છે. હું એક એવા માણસને ઓળખું છું જેમને ક્યારેય ગુસ્સે થતા મેં જોયા નથી, પરંતુ મને ખબર ન હોય એવા કોઈ સમયે એ ગુસ્સે થતા પણ હોય. ક્રોધ લગભગ બધાને ચડે છે. દુર્વાસા જેવા ઋષિ પણ ક્રોધી હતા. માણસ ઋષિ હોય, મુનિ હોય, વિદ્વાન હોય, એકાંતવાસી હોય. છતાં ક્રોધથી બચવાનું એના માટે મુશ્કેલ હોય છે. પ્રાણીઓને પણ આપણે ખિજાઈ જતાં જોઈએ છીએ.

ક્રોધ એ આપણા જાનવરપણાનું લક્ષણ છે. પ્રકૃતિથી જ આપણામાં ક્રોધ રહેલો છે. દરેક વ્યક્તિને વત્તાઓછા પ્રમાણમાં ક્રોધ ચડે છે, પરંતુ બહુ ક્રોધી હોવું, અતિશય ક્રોધી હોવું એ જુદી જ વાત છે.

ક્રોધ આપણને બધાને ચડે છે. એટલે એ આપણા માટે અમુક હદ સુધી સ્વાભાવિક છે અને એને સહન કરવાની, જીરવવાની શક્તિ પણ કુદરતે આપણા શરીરને આપી છે, પરંતુ જો એ હદથી વધી જાય તો પરિણામ ખતરનાક આવે છે. ક્રોધથી મૃત્યુ થયાના પણ દાખલા છે.

ક્રોધ સિવાયની બીજી લાગણીઓ પણ શરીરને નુકસાન કરે છે, પરંતુ ક્રોધ એના કરનારને અને એની આસપાસના બીજાઓને, એમ બંને રીતે નુકસાન કરે છે. ક્રોધને વશ થઈને માણસ પોતાના પ્રિયજનને પણ મારી બેસે છે. (માબાપ જ્યારે પોતાનાં વહાલસોયાં બાળકોને મારે છે કે ભાઈ પોતાની બહેનને મારે છે ત્યારે એની પાછળ ક્રોધ જ કારણભૂત હોય છે.) એક માણસે ક્રોધમાં ને ક્રોધમાં પોતાના એકના એક પુત્રને એટલો માર્યો કે તે મરી ગયો! પાછળથી એ માણસે આપઘાત કર્યો.

એક હૃદયરોગના દર્દીને એના પાડોશીએ એટલો ગુસ્સે કર્યો કે એની સાથે ઝઘડો કરવા માટે દોડતાં એ પોતે જ પડી ગયો અને મૃત્યુ પામ્યો. ક્રોધના ચોપડે નોંધાયેલા આવા તો અનેક દાખલાઓ છે.

આમ હોવા છતાં, ક્રોધ બધાને ચડે છે. કારણ કે, ક્રોધને જીતવાનું મુશ્કેલ, અતિ મુશ્કેલ છે, દુષ્કર છે. ધર્મશાસ્ત્રોએ બીજી જે લાગણીઓનો ઉલ્લેખ કર્યો છે એને જીતવાનું મુશ્કેલ હોવા છતાં ક્રોધ જેટલું એ કામ મુશ્કેલ નથી. લોભને માણસ જીતી શકે છે, મદને જીતી શકે છે, કામને જીતી શકે છે. કારણ કે એમાં એને પોતાના અહમના પ્રવાહ સાથે તરવાનું હોય છે. માત્ર રૂપપલટો કરીને પોતાના અહમને અકબંધ રાખીને એ કામ એ કરી શકે છે. ક્રોધ જીતવો હોય તો એને સામા પૂરે તરવું પડે છે. એના અહમના પ્રવાહ સાથે રહીને ક્રોધને એ જીતી શકતો નથી.

લોભી માણસ દાનેશરી થઈને લોભને જીતી શકે છે. એમાં એને મુશ્કેલી તો બહુ જ પડે છે, પરંતુ દાનેશરી થવાથી એનો અહમ્ સંતોષાય છે. જે માણસ બધી વસ્તુઓનો મોહ છોડીને ત્યાગી બને છે એનો અહમ્ પણ સંતોષાય છે. કામવૃત્તિને તજી દેનાર પણ પોતાના અહમને સંતોષી શકે છે. અહંકાર અને મદ છોડીને નમ્રતાની મૂર્તિ તરીકે બહાર આવનાર વ્યક્તિ પણ અહમને સંતોષી શકે છે. આ બધી જ લાગણીઓ અને વૃત્તિઓને જીતનાર માણસ એના અહમના પ્રવાહ સાથે તરે છે. પોતાનું એક રૂપ છોડીને બીજું જે રૂપ એ ઓઢે છે એનાથી એના અહમને વધારે પોષણ મળે છે. પરંતુ ક્રોધ તજી દેનારને એવો કોઈ લાભ મળતો નથી. અમુક પરિસ્થિતિમાં ક્રોધ નહીં કરનાર માણસ માત્ર નમાલોદેખાય છે. એટલે ક્રોધ તજી દેવો એ સામા પૂરે તરવા જેવું કામ છે. પોતાના અહમના પ્રવાહનો સાથ એમાં માણસને મળતો નથી. ક્રોધ તજી દેનારને અહમનો સાથે છોડી દેવો પડે છે. એનો અહમ્ તો ઘવાય છે અને ઘણી વાર તો એ અહમ્ એટલો ખંડિત થાય છે કે માણસ તરીકે ટકી રહેવાનું પણ મુશ્કેલ બની જાય છે.

આમ હોવાથી જ ક્રોધ તજી દેવાનું દુષ્કર હોય છે. ક્રોધ માણસના અહમ્ સાથે ઓતપ્રોત થઈ ગયો હોય છે. કોઈક મહાવીર જ તેને સંપૂર્ણપણે જીતી શકે છે.

ક્રોધ જીતવો અને ક્રોધ મનમાં ને મનમાં દબાવી દેવો તે બંને જુદી બાબત છે. ક્રોધ કરવાથી શારીરિક, માનસિક અને સામાજિક ત્રણેય ક્ષેત્રે નુકસાન થાય છે. એ જ રીતે ક્રોધ દબાવવાથી પણ શરીર અને મનને નુકસાન થાય છે. ક્રોધ દબાવી રાખવાથી કેટલાંક બાહ્ય નુકસાનોથી બચી શકાય છે, પરંતુ શરીર અને મનને એથી ઘણું જ નુકસાન પહોંચે છે. મનમાં ને મનમાં દાબી રાખેલ ક્રોધ અનેક પ્રકારનું વિષ પ્રસરાવે છે. દાબી રાખેલ ક્રોધ દટાઈ જતો નથી કે નાશ પામતો નથી, તે બીજાં અનેક રૂપે ફૂટી નીકળે છે, ક્રોધને દાબી રાખવાથી માણસ એસિડિટી, લોહીનું ઊંચું દબાણ, હોજરીનાં ચાંદાં જેવા અનેક રોગોનો ભોગ બને છે. હૃદયના ધબકારા વધી જાય છે. છાતીમાં અને પેટમાં દુખાવાનો અનુભવ થાય છે. અનિદ્રા સતાવે છે. શરીર અને મનનું તંત્ર જાણે હચમચી જાય છે.

ક્રોધને દબાવી રાખવા કરતાં તો તેને વ્યક્ત કરવામાં વધુ સલામતી છે. ખરેખર તો ક્રોધનું શમન થવું જોઈએ. એક પ્રકારનું માનસિક સમાધાન અને શાંતિ પ્રાપ્ત થવાં જોઈએ. ગુસ્સે થનારને હંમેશાં એમ લાગે છે કે, ગુસ્સે થવા માટે એની પાસે વાજબી કારણો છે અને એ નછૂટકે ગુસ્સો કરી રહ્યો છે.

ઘણા માણસો પોતાના નોકરો ઉપર ગુસ્સે થાય છે એથી નોકરો એમને જોઈને ધ્રૂજે છે અને વધારે ભૂલો કરી બેસે છે. પરિણામે પેલાને વધારે ગુસ્સો ચડે છે. પોતાનાં બાળકો ઉપર ઘણા માણસો એટલો ગુસ્સો કરે છે કે બહારથી એ ઘરમાં આવતાં જ ઘરમાં સોપો પડી જાય છે. ઘણા માણસો કશુંક ખોવાઈ જાય તો ગુસ્સે થઈને થાળી, વાટકા, ખુરશી કે ચોપડી પછાડે છે. ઘણા માણસો હવામાન ઉપર ગુસ્સો કરે છે. ઘણા સરકારના કાયદાઓ ઉપર, સમાજની રૂઢિઓ ઉપર, વસ્તીવધારા ઉપર, ટ્રાફિક ઉપર અને ઘણા તો વિશ્વમાં બનતા બનાવો ઉપર ક્રોધ કરીને નકામું પોતાનું લોહી બાળ્યા કરે છે. એવો ક્રોધ કે ગુસ્સો કશું જ પરિણામ લાવી શકતો નથી, માત્ર એના કરનારને જ નુકસાન કરે છે.

ગુસ્સો કરનારને એમ લાગે છે કે, એથી પોતાનું મહત્ત્વ પોતે સાબિત કરી શકે છે, પરંતુ મોટાભાગના કિસ્સાઓમાં મહત્ત્વ ઘવાય અથવા તો કોઈ કામને કે પરિસ્થિતિને માણસ પહોંચી વળી શકે તેમ ન હોય ત્યારે જ તે ગુસ્સે થઈ જાય છે.

જીવનના અટપટા વ્યવહારોમાં ઘણી વાર થોડો ગુસ્સો કરવાની જરૂર પડે છે, ખાસ કરીને બાળકો સાથે કામ લેવાનું હોય ત્યારે.

એવી કોઈક જ વ્યક્તિ હશે જેણે પોતાનાં બાળકો ઉપર ગુસ્સો કર્યો ન હોય. એવી કોઈક જ માતા કે પિતા હશે જેમણે પોતાનાં બાળકોને ગુસ્સે થઈને ટાપલી પણ મારી ન હોય. પ્રાણીઓ પણ પોતાનાં બચ્ચાંઓ ઉપર ખિજાઈને તેમને શિક્ષણ આપે છે. બાળકો માટેનો માબાપનો ક્રોધ એ જીવન અને શિક્ષણનો જ એક ભાગ છે, પરંતુ એ ક્રોધ માત્ર અમુક ક્ષણો કે અમુક સમય પૂરતો જ હોય છે. એનાં મૂળ ઊંડાં નથી હોતાં અને એ બેમાંથી કોઈ પક્ષને ખાસ નુકસાન કરતો નથી. પરંતુ ક્રોધ જો વધી જાય તો એનાં પરિણામો ભયંકર આવે છે.

એટલે સારામાં સારો રસ્તો એ છે કે ક્રોધ કરવો જ નહીં, એ વાજબી હોય તોપણ નહીં. કારણ કે ક્રોધ એ બ્રેક વગરની ગાડી છે. એક વાર ઊપડયા પછી એની ગતિ ગુણાકારમાં વધે છે. ક્રોધનું નિવારણ બહુ જ મુશ્કેલ છે. છતાં એના તરફથી થતું વ્યાપક નુકસાન જોતાં દરેક વ્યક્તિએ એના ઉપર કાબૂ રાખવો જરૂરી છે. આપણા જેવી સામાન્ય વ્યક્તિઓએ ધ્યાન આપવા જેવી કેટલીક અગત્યની સૂચનાઓ આ પ્રમાણે છે.

ક્રોધ ચડે ત્યારે તરત જ એ પરિસ્થિતિ અને વાતાવરણથી દૂર ચાલ્યા જવું. એમ કરવાથી ક્રોધની વિનાશક અસરોથી બચી શકાય છે.

ક્રોધ ચડે ત્યારે મનમાં એ વખતે ચાલતા વિચારોને પકડી પાડવા અને એના ઉપર વિચાર કરવો કે, એ વિચારોનો અમલ કરવા માટે કે અભિવ્યક્ત કરવા માટે ક્રોધ સિવાયનો બીજો રસ્તો છે કે નહીં?

ક્રોધ ચડે ત્યારે ઘણા માણસો ઈશ્વરનું સ્મરણ કરે છે, ઘણા કોઈ જાપ કે શ્લોક બોલે છે, ઘણા કશુંક પઢવાનું શરૂ કરે છે, ઘણા સહેજ દૂર જઈને પાણી પી લે છે. આનાં પરિણામો ચોક્કસ સારાં આવે છે, કારણ કે, ક્રોધની ગાડી જ્યારે ઢાળ પરથી ગબડતી હોય ત્યારે કોઈ પણ રીતે એને અટકાવવાની જરૂર હોય છે. જો એને અટકાવવામાં આવે તો જ તે ખાઈમાં પડતી નથી, બને એટલા અવરોધોથી એની ગતિને ભાંગી નાખવી જોઈએ.

ક્રોધ પણ બીજી ટેવો જેવી એક ટેવ છે અને અને છોડી શકાય છે. બીજી સારી ટેવો પાડવાથી આપોઆપ જ એ ટેવ છૂટી જાય છે.

જે માણસને હસવાની ટેવ હોય છે એ જલદી ગુસ્સે થઈ શકતો નથી. કોઈ વાતની અભિવ્યક્તિ કરવાની જ હોય ત્યારે ગુસ્સાથી એ કરવાના બદલે હાસ્યથી કરવાની ટેવ પાડવી જોઈએ.

વિન્સ્ટન ચર્ચિલનું એક સુંદર વાક્ય છેઃ It is my belief, you cannot deal with the most serious things in the world, unless you understand the most amusing.

જિંદગીને બહુ ગંભીરતાથી લેવાના બદલે, એનો બધો બોજ પોતાના ઉપર ઉપાડવાના બદલે, થોડી રમૂજવૃત્તિ રાખવી સારી, કારણ કે જીવનની ગંભીરમાં ગંભીર બાબતોમાં પણ ક્યાંક રમૂજ છુપાયેલી હોય છે.

આપણે જ સાચા છીએ એવો દુરાગ્રહ ઓછો રાખવો. સાચા હોઈએ તોપણ બીજા આપણને એ રીતે જ સ્વીકારે એવો આગ્રહ ન રાખવો. આસપાસના માણસો પાસે બહુ અપેક્ષાઓ ન રાખવી, બાળકોને આપણા પોતાના વિચારોના બીબામાં ઢાળવાનો મિથ્યા પ્રયત્ન ન કરવો, દુનિયાને ધરમૂળથી પલટી નાખવાની મહત્ત્વાકાંક્ષા ન સેવવી, વ્યવહારમાં મિતાચારી થવું. કારણ કે દરેક બાબતનો અતિચાર ક્રોધ જન્માવે છે.

જે માણસ સહિષ્ણુ હોય, હસમુખો હોય, ગમ ખાવાની ટેવવાળો હોય, નમ્ર હોય, આનંદી હોય એને ક્રોધ ઓછો ચડે છે.

હાસ્ય અને ક્રોધ, રમૂજ અને ગુસ્સો એકસાથે રહી શકતાં નથી.

વિખ્યાત એક્ટર હેન્ડરસન માટે એમ કહેવાય છે કે તેને ભાગ્યે જ ક્રોધ ચડતો હતો. એક દિવસ ઓક્સફર્ડમાં એક ચર્ચામાં તે ભાગ લેતો હતો ત્યારે એક વિદ્યાર્થીએ ખિજાઈને તેના ચહેરા પર પોતાના ગ્લાસમાંથી શરાબ છાંટયો. હેન્ડરસને ખિસ્સામાંથી રૂમાલ કાઢયો અને પોતાના ચહેરો લૂછીને કહ્યું, “મિત્ર! આપણે જરા આડા રસ્તે ચાલ્યા ગયા, ચાલો ફરી ચર્ચાના મુદ્દા પર આવીએ!

(સૌજન્ય:સંદેશ)

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

શ્રેણીઓ

%d bloggers like this: