Posted by: bazmewafa | 10/03/2013

નરકવાડો…..જય ગજ્જર

નરકવાડો…..જય ગજ્જર

નિર્મળા નંદુ શેઠને બંગલે આવી ત્યારે રાજુ બહાર પરસાળમાં હિંચકા પર બેઠો બેઠો કોઈ સિનેમાનું ગીત લલકારતાં ઝૂલતો હતો.

જરાક હસીને એ રાજુની બાજુમાં હિંચકે બેસી ગઈ. રાજુ એની સામે જોઈ મલકાયો. એની સાથે વાતો કરવાનું એને ગમતું.

રાજુ  નંદુ શેઠનો ડ્રાઈવર હતો. નિર્મળા શેઠની કામવાળી હતી. નિરુને પાસે બેસેલી જોઈ એનો હરખ એકદમ વધી ગયો.

છેલ્લે છેલ્લે એ એને નિરુ કહીને બોલાવતો.

કેમ આજ મોડું થયું, નિરુ?” સહેજ નજીક ખસી પૂછયું.

શોભનાબેન, જવાને ટાણે કંઈનું કંઈ કામ કાઢી રોકી લે છે. કયારેક તો મને કહી દેવાનું મન થઈ જાય છે. વધારાના કામના પૈસા આપવાના છો?”

મોટાંઓ સાથે જીભાજોડી ના કરાય!” રાજુએ શિખામણ આપી.

એ બહેન મને નોકરની જેમ ગણે છે! કદી હસીને સારાનરસાના સમાચારે નથી પૂછતાં.”

નોકર છીએ તો નોકર જેમ જ ગણે ને! આપણે કંઈ મોટા શેઠ શેઠાણી નથી. ગરીબ છીએ તો ગરીબ બનીને જ  જીવવું પડે!”

નંદુ શેઠની જ વાત કરો ને! આપણા સાહેબમાં કયાં કદી તોછડાઈ જોવા મળે છે!”

એ તો મોટા દિલના છે. રોજ આપણને બે ટંક ખાવાનું પણ હોંશે હોંશે આપે છે. એવા દરિયાવદિલ બધાં ઓછાં હોય છે?”

રાજુના શબ્દો એને ગમ્યા એવા પ્રતિભાવ જોતાં રાજુએ હસીને એને બરડે ધબ્બો માર્યો. નિરુને એ ગમ્યું. એનાથી બોલાઈ ગયું, “રાજુભાઈ., તમે પણ કેવા માયાળુ સ્વભાવના છો! તમારી સાથે બે ઘડી વાતો કરવાનું ગમે છે એટલે તો તમારી પાસે દોડી આવવાનું મન થાય છે!”

મને પણ તારી સાથે વાતો કરવી ગમે છે. શેઠ રોજ બપોરે આરામ કરે છે એટલે આ હિંચકે બેસી છાપું વાંચું છું. તું નવરી પડે તો આવતી રહેજે.”

નિરુ આવતી રહી. આત્મીયતા બંધાતી ગઈ. રાજુને નિરુમાં રસ પડવા લાગ્યો. ધીરે ધીરે કજિયાખોર પત્નીની સરખામણી નિરુ સાથે કરતો થઈ ગયો.

કેવી પ્રેમાળ નિરુ છે… બોલે છે તો કેવી મીઠાશ ટપકે છે!  હલકા વરણની છે પણ બહુ દેખાવડી છે. કોઈને ય ગમી જાય એવી છે! મારી મધુ કરતાં તો ઘણી બધી રીતે સારી છે -દેખાવે અને સ્વભાવે પણ. મારી મધુએ કદી મારી પાસે બેસી મીઠી મીઠી વાતો કરી છે! વાતવાતમાં ઝઘડા સિવાય કયાં કંઈ સૂઝે છે એને! હાળી, ગુસ્સે પણ બહુ થાય છે! કયારેક બે તમાચા ચોડી દેવાનું મન થાય છે! પણ ગમ ખાઈ જાઉં છું.”

પછી તો વાતવાતમાં રાજુ નિરુને મધુ સાથે સરખાવતો થઈ જાય છે. મન નિરુ તરફ ઢળે છે. કયારેક બાહુમાં ઝકડી લેવાનું મન થાય છે. એમાંય શેઠ જયારે જૂની રેકોર્ડ મૂકે ત્યારે તો આંતરમન ડોલી ઊઠે.

રામને મંદિર ઝાલર બાજે ઘંટના ઘોર સૂણાય,

શેઠની મેડીએ થાળી વાજું, નૌતમ ગાણાં ગવાય!”

આ શબ્દો રાજુ એકલો પડે ત્યારે ખાસ લલકારે. નિરુને ઘરમાં જુએ ત્યારે તો એ મોટેથી ગાય.

કચરાપોતાં કરતી નિરુને પણ એ સાંભળવાનું  ગમતું. મનોમન મલકાતી.

ધીરે ધીરે બે વચ્ચે મનમેળ વધતો ગયો.

એક દિવસ હિંચકે ઝૂલતા રાજુ્એ નિરુને પૂછી નાખ્યું, “હેં નિરુ, તારે આંગણે નૌતમ ગાણાં કયારે ગવાશે?”

તમેય રાજુભાઈ શું આમ મજાક કરો છો!”

શું ખોટું કહું છું… તારે આંગણે જલદી નૌતમ ગાણાં ગવાય એવું તું નથી ઈચ્છતી?”

નથી ઈચ્છતી એમ તો કેમ કહું? પણ નસીબ આડેથી પાંદડું ખસે તો ને!”

હવે તારે બહુ રાહ નહિ જોવી પડે…”

કેમ તમે કંઈ ભવિષ્ય જાણો છો? લો જુઓ તો જરા મારો હાથ!” અને નિરુએ રાજુના હાથમાં એનો હાથ મૂકી દીધો.

રાજુ ઘેલો બની હથેળીની રેખાઓ સામે નજર સ્થિર કરી એની આંગળીઓ રમાડતો રહ્યો…

મધુ સામેના ઘેર રસોઈ કરવા જતી. સામેના ઘરના રસોડાની  બારીમાંથી રસોઈ કરતી મધુની નજર એકાએક બારી બહાર દોડી ગઈ. પતિના હાથમાં નિરુનો હાથ જોઈ મધુ એકદમ છંછેડાઇ ગઈ અને વિફરી.

સડસડાટ રસોડામાંથી ઘર બહાર નીકળી સામેના બંગલે હિંચકે બેઠેલ રાજુ પાસે દોડી આવી એનો હાથપકડી તાડૂકી, “અહીં નોકરી કરવા આવે છે કે આવા નાટક કરવા? હવે ખબર પડી કે આજકાલ તારા ચેનચાળા કેમ વધી ગયા છે… ચાલ ઊભો થા. નથી કરવી આવી નોકરી… ” અને પૂંઠ ફેરવી નિરુને ધમકાવી, “છોડી, તું ય આજકાલ  બહુ  ખીલી  લાગે  છે.  મારા  ધણીમાં  શું  જોઈ  ગઈ છે! રાંડ લોકોનાં ઘર ભાંગવા નીકળી  છે!”

સામે મહાકાળીનું રૂપ જોઈ રાજુ પળ ભર તો ડઘાઈ ગયો. નિરુ એક શબ્દ પણ બોલ્યા વિના ભાગવા લાગી.

ઊભી રહે, નિરુ… કયાં જાય છે? આ નરકવાડામાંથી કાયમ માટે છૂટવા હું તારી સાથે આવું છું.”

નિરુ પાછળ ચાલ્યા જતા પતિને જોઈ મધુના પગ જમીન સાથે જડાઈ ગયા- જાણે પૂતળું!

(સૌજન્ય: શરદ તારું ગુલાબ)

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

શ્રેણીઓ

%d bloggers like this: