Posted by: bazmewafa | 08/04/2013

તને મળવા નહીં આવું(માહે જુલાઈ 2013નો તરહી કલમી મુશાયરો)…… 19 કવિ મિત્રો.

સલામ! રમઝાન મુબારક,ઇદ મુબારક—મુહમ્મદઅલી વફા

તરહી કલમી મુશાયેરાની હાર માળામાં માહે જુલાઈ 2013ની તરહી ફૂલ દાનીમાં આપના સુશોભિત ગઝલ પૂષ્પો માટે આભાર અને આનંદની લાગણી અનુભવું છું.’ગઝલ તો હું લખું’ના કવિ મિત્રોએ જે આનંદ વિભોર સાથ અને સહકારઆપ્યો છે એનાથી’બઝમેવફા’પરિવાર કૃતજ્ઞતા અનુભવે છે.
અશા છે કી આપણાં આગળના તરહી ગઝલ પ્રવસમાં આવોજ સહકાર મળી રહેશે,
આપણી રચનાઓ છંદ બધ્ધ રહે અને સાર્થ જોડણીની પરંપરાને વળગી રહે એ બધી આપણી અંગત અને નૈતિક, જવાદારી છે.આટલી બધી ગઝલોની જોડણી કે છંદ ચકાસવું એ જરા કઠિન કાર્ય છે..
પ્રિય મિત્ર ભાઈ શ્રી ચિરાગ ઝા ‘ઝાઝી’એ પરિશ્રમ લઈ આ યોજનાને જે રીત  સફળ બનાવી રહ્યા છે-તે બદલ’બઝમેવફા’એમનું આભારી છે.
આ માસનો તરહી મિસરો:’તને મળવા નહીં આવું’જનાબ ખલીલ ધનતેજવી સાહેબની એક પ્રિયગઝલનો હતો.
છંદ=હજઝ 16 અક્ષરી,28 માત્રા
બંધારણ:
લગાગાગા લગાગાગા લગાગાગા લગાગાગા

[1].

આકાશ ઓઢીને , તને મળવા નહિ આવું !…….હાર્દિક વોરા

હું દર્પણ ત્યાંજ છોડી ને ,તને મળવા નહિ આવું ,

કે દર્પણ માંથી દોડીને ,તને મળવા નહિ આવું !

 

ભલે હો ચાંદની રાતો સનમ તારા બિછાના માં ,

ગઝલ જામી એ છોડીને , તને મળવા નહિ આવું!

 

નથી આગળ થી જાણી વાંચવા લેખો શું કિશ્મત ના,

આ રૂડી આજ ફોડીને , તને મળવા નહિ આવું !

 

અસલ માં તું જ છે જો ભાગ્ય માં તો તું જ આવી જા ,

નવા કોમાર્ગ જોડીને , તને મળવા નહિ આવું !

 

છું અલગારી હું માનવ ને રહું વિચાર ના ઘર માં,

હું આ વિચાર તોડીને , તને મળવા નહિ આવું !

 

ગયું લાગી છે મન મારું ,અહી દુનિયા મજાની છે,

હવે આકાશ ઓઢીને , તને મળવા નહિ આવું !

 

[2].

અરીસો સાવ ફોડીને, તને મળવા નહીં આવું…..રોચક,અશોક વાવડીયા

 

તું બોલાવે તો દોડીને તને મળવા નહીં આવું,

રિવાજો આમ મોડીને તને મળવા નહીં આવું.

 

રહેશે નિત્ય પડછાયો અચળ મારી ય સંગાથે,

છે નાતો ગાઢ,તોડીને તને મળવા નહીં આવું.

 

હકીકતનું કરે વર્ણન,ઘણો દિલનો નિખાલસ છે,

અરીસો સાવ ફોડીને, તને મળવા નહીં આવું.

 

મઢી શમણે હતી એ યાદ,ફાવી ગઇ મજાની રાત,

નશીલી રાત, છોડીને તને મળવા નહીં આવું.

 

કહે “રોચક”,મળીશું આમ ચોરી-ચૂપકે કાયમ ?

જુઓ બે હાથ જોડીને તને મળવા નહીં આવું.

 

[3].

સમુંદર સાત દોડીને , તને મળવા નહીં આવું;… –દક્ષેશ પ્રજાપતિ “દીપ”

 

 

પલાણી પ્રિય ઘોડીને , તને મળવા નહીં આવું ,

પડી બસઆજ મોડીને , તને મળવા નહીં આવું ;

 

કલર રાતો બહું ગમતો ખરીદ્યો , તે છતાં કેછે ,

ચુનર કાણી તે ઓઢીને , તને મળવા નહીં આવું ;

 

લિલામીમાં ખરીદાતી મહોબત તે વિચારે પણ ,

વિચારો બે જ કોડીને , તને મળવા નહીં આવું ;

 

શરમના જુઠ ને ઉત્તર બહું મોડો જણાવ્યો હા ,

હ્રદય તૂટ્યું તે જોડીને , તને મળવા નહીં આવું ;

 

તું મેનતથી પિઝા ચટપટ બનાવે, ભાવતા છે પણ ,

કઢી-કંસાર છોડીને , તને મળવા નહીં આવું ;

 

વિમાનો ક્યાં ઉડે વૈકુંઠ ? રસ્તો દૂર લાગે છે,

સમુંદર સાત દોડીને , તને મળવા નહીં આવું;

 

ખુદા બેઠક કરી , નેતા તો ચુંટ્યો “દીપ”ને કાઢી,

આ લાંબી ઊંઘ પોઢીને , તને મળવા નહીં આવું .


[4].

કસમ મારી હું તોડીને, તને મળવા નહિ આવું….~એજ તન્મય..!

 

હું મારો વટ આ તોડીને, તને મળવા નહિ આવું;

મરદ છું, લાજ ઓઢીને, તને મળવા નહિ આવું.

 

ભલેને આ જગત ગણતું રહે પાગલ મને અમથું;

હું સમજણ એ વળોટીને, તને મળવા નહિ આવું.

 

ફરીથી ઢોંગ તું કરશે, હવે અણસાર છે મોઘમ;

નયન મીચી હું દોડીને, તને મળવા નહિ આવું.

 

જનમ દેનાર જનનીનો ઘણો, ઉપકાર છે ગાંડી;

એ મા નો રોષ વ્હોરીને, તને મળવા નહિ આવું.

 

હજી તો જાતને પુરવાર કરવી સ્હેજ છે બાકી;

અધૂરા કામ છોડીને, તને મળવા નહિ આવું.

 

પ્રણય બાકી નથી તો પણ હવે આમંત્રણો શાના?

કસમ મારી હું તોડીને, તને મળવા નહિ આવું.

 

હજી તો માંડ બેઠું છે હ્રદય, તારા એ જ્ખ્મોથી;

હ્રદય મસળી મરોડીને, તને મળવા નહિ આવું.

 

એ પાનું ફેરવી લેજે જ્યાં મારી વારતા આવે;

હું એ ખુમારી છોડીને, તને મળવા નહિ આવું.

 

 [5]

શરમ કે લાજ છોડીને તને મળવા નહીં આવું !હેમા મહેતા –

 

.અધૂરાં કામ છોડીને તને મળવા નહીં આવું,

તું ઝંખે એમ દોડીને તને મળવા નહીં આવું !

 

ખરું છે એ જ કહું છું વાયદા ખોટા નહીં આપું ,

હું મ્હોરાં કંઈક ચોડીને તને મળવા નહિ આવું !

 

રહું છું હું ય તારી જેમ આ દુનિયા મહી તેથી ,

બધાં સંબંધ તોડીને તને મળવા નહીં આવું !

 

મલાજો પાળવો પડશે જગતના લોકનો મારે,

શરમ કે લાજ છોડીને તને મળવા નહીં આવું !

 

મિલન થાતાં જ `હેમા`નું હૃદય પરવશ બની જાશે ,

કહું છું હાથ જોડીને તને મળવા નહિ આવું !

 

 

[6].

આ ગાગર એમ ફોડીને તને મળવા નહિ આવું…..સ્મિતા પાર્કર

 

હવે બે હાથ જોડી ને તને મળવા નહી આવું

કરે તું સાદ દોડી ને તને મળવા નહી આવું

 

મને આવી અચાનક હેડકી ઝાઝી હવે શાને

એ મીઠી યાદ છોડીને તને મળવા નહી આવું

 

નયનમાં રાખશું કાયમ અમે તો લાગણી તારી

કદી શમણું એ તોડી ને તને મળવા નહી આવું

 

હતી એવી ખરી તરસી છતાંયે નામ પનિહારી

આ ગાગર એમ ફોડીને તને મળવા નહિ આવું

 

સજાવ્યા જેમને આંખો મહી સાગર બનાવી ને

સમંદર એમ ઢોળી ને તને મળવા નહી આવું

 

હતી એ આરઝૂ મળશું અમે સૂરજ ને સથવારે

કદીયે રાત ઓઢી ને તને મળવા નહી આવું

 

મિલનની આટલી રાખો નહી ખ્વાહિસ તમે જોજો

કબર માંહે હું પોઢી ને તને મળવા નહી આવું

[7].

ખુદાનો હાથ છોડીને તને મળવા નહિ આવુ……સ્પર્શ – મોહસીન મીર

 

સ્વમાની છુ હું દોડીને તને મળવા નહિ આવુ,

હમેંશા હાથ જોડીને તને મળવા નહિ આવુ

 

કે તારા નામનો સિક્કો ભલે ચાલે બજારોમાં,

હું મારા દામ તોડીને તને મળવા નહિ આવુ

 

તુ જ્યારે હોય ના ત્યારે એ તારી ખોટ પૂરે છે,

અધૂરા જામ છોડીને તને મળવા નહિ આવુ

 

ખીલા પરથી ઉતારીને છબી ઇશુની, હું પાછી

મૂકી ખૂલ્લી હથોડીને તને મળવા નહિ આવુ

 

પલાયન થઇ રહ્યા છે જે પ્રયાસોના પરિસરથી,

એ પરપોટાઓ ફોડીને તને મળવા નહિ આવુ

 

યુગો લગ રાહ જોઇ છે કિનારાની ગવાહીમાં,

હલેસા માર હોડીને તને મળવા નહિ આવુ

 

વસી છે જ્યાં તું એ કોમળ હ્રદય જેણે દિધુ છે તે,

ખુદાનો હાથ છોડીને તને મળવા નહિ આવુ

 

[8].

હવે કારણ સજાવીને, તને મળવા નહીં આવું. ………ચિરાગ ઝા ઝાઝી

 

બધાને હું જણાવીને, તને મળવા નહીં આવું.

કશું અંગત છુપાવીને, તને મળવા નહીં આવું,

 

ભલે મોડું થતું!, ખોટી ઉતાવળ હું નથી કરતો,

આ અણઘડ મન મનાવીને, તને મળવા નહીં આવું.

 

અલગ મારી હશે વાતો, અલગ મારું કહેવાનું,

અવાજોને દબાવીને, તને મળવા નહીં આવું.

 

સરકતી ક્ષણ ઉપર મારું આ નકશીકામ છે મસ્જિદ,

ક્ષણો એકે ગુમાવીને, તને મળવા નહીં આવું.

 

સદા કારણ વગર મળતો હતો ઝાઝી, ખબર છે ને?!

હવે કારણ સજાવીને, તને મળવા નહીં આવું.

[9].

હું એકે ડાઘ પાડીને તને મળવા નહીં આવું….. .મેહુલ‘,

(૧) હે ઈશ્વર…

 

ગળે ઇચ્છાઓ બાંધીને તને મળવા નહીં આવું,

કશુયે મનમાં દાબીને તને મળવા નહીં આવું.

 

તૂટેલો તો તૂટેલો પણ હું તો રાખીશ માથાં પર,

બગલમાં હુંછુપાવીને તને મળવા નહીં આવું.

 

કથામાં રસ પડે છે, પણ બધું સાચું નથી ગણતો,

કોઈની બીક રાખીને તને મળવા નહીં આવું.

 

ભલે થોડીક તો થોડીક, પણ મારી જ શ્રદ્ધા છે,

વધારી કે ઘટાડીને તને મળવા નહીં આવું.

 

મળ્યું એવું જ દિલ ચોખ્ખું રહે તો આવશે મેહુલ‘,

હું એકે ડાઘ પાડીને તને મળવા નહીં આવું .

 

(૨)

હું તારા ઘેર દોડીને તને મળવા નહીં આવું…..મેહુલ એ. ભટ્ટ, ૧૭.૭.૧૩

અરે વ્હાલી…

 

હું મોઢે મ્હોરું પ્હેરીને તને મળવા નહીં આવું,

કે આંખે પાટા વીંટીને તને મળવા નહીં આવું.

 

અસર છો થાય તારા જાદુમંતરની હૃદયને,પણ

ગળે માદળિયું બાંધીને તને મળવા નહીં આવું.

 

નશો તો આમ પણ થઇ જાય છે તારી નજર પડતા,

નશાકારક કશું પીને તને મળવા નહીં આવું.

 

અધૂરી, લય વગરની પણ હશે મારી જ ગઝલો બસ,

ગઝલ બીજાની વાંચીને તને મળવા નહીં આવું.

 

હૃદયમાં પ્હોંચવાનો માર્ગ હો તો આવશે મેહુલ‘,

હું તારા ઘેર દોડીને તને મળવા નહીં આવું.

 

 

[10].

જુના ઘરને વખોડીને તને મળવા નહીં આવું,…. – અશોક જાની આનંદ

 

નવી પગદંડી ખોળીને તને મળવા નહીં આવું,

જુની એ રાહ છોડીને તને મળવા નહીં આવું.

 

પુરાણી ફ્રેમમાં તસવીર તારી મેં મઢાવીતી,

હવે એ ફ્રેમ તોડીને તને મળવા નહીં આવું.

 

જે સાચું હોય તે કહી દઉં છું મારી ટેવ જુની છે,

શબદમાં ખાંડ ઘોળીને તને મળવા નહીં આવું.

 

ઘણાએ વેશ કાઢ્યા છે જીવનમાં ને ઘણા બાકી,

ભલેને રાત થોડીને તને મળવા નહીં આવું.

 

કદી ચહેરા ઉપર મ્હોરું મને ફાવ્યું ના ફાવે છે,

પછી ફરિયાદ ઓઢીને તને મળવા નહીં આવું.

 

અહીં ચારે તરફ અવસાદના દરિયાઓ ઘૂઘવે છે,

તુટેલી નાવ જોડીને તને મળવા નહીં આવું.

 

તમારે ત્યાં ઊંચી મહેલાતના આનંદછો વરસે,

જુના ઘરને વખોડીને તને મળવા નહીં આવું,

 

 

[11].

અભરખાં સાવ છોડીને.. તને મળવા નહીં આવું ~~~ કુમાર જિનેશ શાહ

 

 

અભરખાં સાવ છોડીને.. તને મળવા નહીં આવું.

કે હું સન્યાસ ઓઢીને.. તને મળવા નહીં આવું !

 

કદી વાદળ બની વરસીશ ધીમી ધારથી તુજ પર

હવાની જેમ દોડીને.. તને મળવા નહીં આવું !

 

કમળની પાંદડીમાં બંધ છું તો શું થયું ભમરી !

આ સ્નેહલ કેદ તોડીને.. તને મળવા નહીં આવું.

 

અહીં તું કેદ છે ઘરમાં ને હું મંદિરમાં બાંધી છું..

હું આ મૂરતને ફોડીને.. તને મળવા નહીં આવું.

 

બધાં વાઘાં ઉતારીને.. તને હું પામવા ચાહું..

કંઠી-તાવીજ ખોડીને.. તને મળવા નહીં આવું.

 

હુંબંને બાજુઓ ખુલ્લા કરીને ભેટવા દોડું..

બે પગ ને હાથ જોડીને તને મળવા નહીં આવું.

 

[12].

ધરા મારી હું છોડીને તને મળવા નહી આવું…..સપના વિજાપુરા

 

ગુનાનો ટોપ ઓઢીને તને મળવા નહીં આવું

ચહેરો શ્યામ ઘોળીને તને મળવા નહી આવું

 

ખુદા જન્નત અહીં તું મોકલી દે ખાસ મારે કાજ

ધરા મારી હું છોડીને તને મળવા નહી આવું

 

હજારો દુઃખ છે મહોબતથી વધારે આ જગતમાં ભાઈ

એ તારે કાજ છોડીને તને મળવા નહીં આવું

 

કરી દે નામ મારે તું હ્રદય તારું નહીંતર હું

કહું છુ હાથ જોડીને તને મળવા નહી આવું

 

મુલાકાતય કદી સપનાંમહી જો થાય તો બસ થાય

સુખી સંસાર છોડીને તને મળવા નહી આવું

 [13]

હવે હું પ્રેમ માં દોડી, તને મળવા નહી આવું…..કેતન જી મેહતા.અખંડરાજકોટ.

 હવે હું પ્રેમ માં દોડી, તને મળવા નહી આવું,

સબંધો કાંચ ના ફોડી, તને મળવા નહી આવું.

 

ઉમંગો ઓગળી જાશે વદન પર મીણ ની માફક,

હવે હું રાહ ને મોડી, તને મળવા નહી આવું.

 

સમંદર પ્રેમનો ઊંડો, તરી આવું અશંભવ છે,

ડુબી છે યાદ ની હોડી, તને મળવા નહી આવું.

 

પરીવારે મળી ઓળખ ન ત્યાગું એ અચાનક હું,

સબંધો હેત ના છોડી, તને મળવા નહી આવું.

 

ન માની હાર જીવનમાં સરળ પડકાર સૌ લાગ્યા,

હવે હું હાથ ને જોડી, તને મળવા નહી આવું.

 

વ્યથા બસ એજ જાણે છે, ગુમાવ્યા અંગ છે જેણે,

ધરીને હાથ માં ઘોડી, તને મળવા નહી આવું.

 

અખંડખંડિત થયા છે એજ આઘાતો સહી આજે,

અરજ મારી સુણો થોડી, તને મળવા નહી આવું.

 

[14].

અરીસો મનનો ફોડીને તને મળવા નહી આવું……જૈમિન ઠક્કર “પથિક”

 

નવા રસ્તાય દોરીને તને મળવા નહી આવું,

જગતની રાહ છોડીને તને મળવા નહી આવું.

 

શરમ લિબાસ મારો ક્યાં, અને હું બેશરમ પણ ક્યાં?

શરમની સાલ ઓઢીને તને મળવા નહી આવું.

 

બધી યાદોને દિલના કોઇ ખૂણે સાચવી છે આજ,

હ્યદયના દ્વાર ખોલીને તને મળવા નહી આવું.

 

સ્વમાની છું સ્વભાવે એટલે થોડું વિચારી લે,

બધાની જેમ દોડીને તને મળવા નહી આવું.

 

જીવનના શ્વાસ સાથે તો સદા ચાલે રમત મારી,

અધૂરો દાવ છોડીને તને મળવા નહી આવું.

 

ગમે તેવો પથિકલાગે, મને ક્યાં કોઇ વાંધો છે,

અરીસો મનનો ફોડીને તને મળવા નહી આવું.

 

[15].

 બળદ ગાડું હું જોડીને તને મળવા નહિ આવું….બેદાર લાજપુરી(લેસ્ટર-યુ.કે.)

 

પથારી મારી છોડી ને તને મળવા નહિ આવું

બરફમાં શાલ ઓઢીને તને મળવા નહિ આવું

 

બસો માઇલ છેટું ઘર છે તારું ગામથી મારા

બળદ ગાડું હું જોડીને તને મળવા નહિ આવું

 

શુકન કે અપશુકનમાં ને નહિ માનુ મુહૂર્તોમાં

શ્રીફળ હું રસ્તે ફોડીને તને મળવા નહિ આવું

 

થશે ઇચ્છા જો મારી તો જ મળવા હું તને આવિશ

ઇશારે તારા દોડીને તને મળવા નહિ આવું

 

તને આવડતું હો તરતા તરી આપાર આવીજા

હલેસા મારી હોડીને તને મળવા નહિ આવું

 

ગલીમાં આપણી વાતો બધા જાણી ગયા તો પણ

બહાનુ બીજુ શોધીને તને મળવા નહિ આવું

 

મને તુ કરગરી આજે ભલે તેડે તુ મળવાને

હુ રોજો મારો તોડીને તને મળવા નહિ આવું

 

મળે ફૂરસદ તો શાયદ હું,તને મળવા વિચારિશ પણ

હુ મારો job(કામ)છોડીને તને મળવા નહિ આવું

 

શપથ “બેદાર”લીધા સત્ય કહેવાના હવે તેથી

ઘરેથી જુઠ્ઠુ બોલીને તને મળવા નહિ આવું

 

[16].

 સમયનો સાથ છોડીને તને મળવા નહીં આવું ……જગદીશ.પ્રજાપતિ

 

ચહેરે દંભ ઓઢીને તને મળવા નહીં આવું,

મહોરું એમ ચોડીને તને મળવા નહીં આવું,

રમત માની અમારી લાગણી સાથે તમે રમ્યા,

હવે હું એમ દોડીને તને મળવા નહીં આવું,

જખમની ભેટ આ દિલને મળી છે આપ પાસેથી,

કહું છું હાથ જોડીને તને મળવા નહીં આવું,

સમય બનશે હવે ઉપચાર મારા દર્દનો એવો,

સમયનો સાથ છોડીને તને મળવા નહીં આવું,

હવે ટેવાઇ જાજે જીવતા મારા વગર સાથી,

કબરની ભીંત તોડીને તને મળવા નહીં આવું.

 

[17].

હું દિલ મારું ત્યાં છોડીને તને મળવા નહીં આવું…- કૌશલ સુથાર

 

હુંધબકારો ત્યાં મૂકીને તને મળવા નહીં આવું,

હું દિલ મારું ત્યાં છોડીને તનેમળવા નહીં આવું.

હા, િવધવા થૈ ગઈ છે સ્વપ્ન તૂટ્યાં બાદ આ આંખો,

એને બેહાલછોડીને તને મળવા નહીં આવું.

ચરણ મારા હવે થાકી ગયા છે ખૂબ ચાલીને,

પવનનીજેમ દોડીને તને મળવા નહીં આવું.

નનામીમારી નીકળશે તમારા ઘરનાં દ્વારેથી,

કબરમાં હું તો પોઢીને તને મળવા નહીંઆવું.

હું તો આ િજંદગી આખી તને ચાહીશ કૌશલ‘,

પણ કસમ એની હું તોડીને તનેમળવા નહીં આવું.

[18]

કદી કંટક અહીં છોડી તને મળવા નહીં આવું ….મુહમ્મદઅલી વફા

 

ખુદીની ભીંત હું તોડી તને મળવા નહીં આવું,

હું મારી રીત ને છોડી તને મળવા નહીં આવું.

 

તમારી પાંસ તો ભટકી રહ્યા છે સાપનાં ટોળાં,

ખુશામતનાં ગુલો જોડી તને મળવા નહીં આવું.

 

અમે મળશું તમોને પણ ફકત ઇખલાસ થી મળશું,

ઉસૂલોનાં કળશ ફોડી તને મળવા નહીં આવું.

 

અમે વાકિફ અહીં છીએં,જળ અને ઝાંઝવાઓ થી,

ચળકતા રેત કણ દેખી તને મળવા નહીં આવું.

 

નથી છોડી અમે શકતા ચમનમાં સાથ કંટકનો,

કદી કંટક અહીં છોડી તને મળવા નહીં આવું.

 

અને દેખાય છે રળિયામણા સૌ દૂરના ડુંગર,

અમારું ઘર કદી તોડી તને મળવા નહીં આવું.

 

કદી આવીશ છાતીમાં લઈ પોલાદ ની હિમ્મત,

દયાની ચાદરો વિંટી તને મળવા નહીં આવું.

 

વફાજો ચાલતા આવો તમે, હું દોડતો આવીશ,

અહમના ઝેરને ઘોળી તને મળવા નહીં આવું.

[19]

બુધ ની સાંજ છોડી ને તને મળવા નહિ આવું ——રાજેશ ઉપાધ્યાય

 

પરમ નું ધામ છોડી ને તને મળવા નહિ આવું,
હું મારા રામ છોડી ને તનેમળવા નહિ આવું.

હશે તારા નગર માં સુખ સાહ્યબી છલકતી પણ,
હું મારુંગામ છોડી ને તને મળવા નહિ આવું.

મળીશુંઆપણેસાજનછડેચોકેમહાલીસું,
કે માથે રાત ઓઢી ને તને મળવા નહિ આવું.

સભા નો આ સમય સંજીવની મારી છે એ દોસ્ત,
કે બુધ ની સાંજ છોડી ને તને મળવા નહિ આવું.

(

(બુધ ની સાંજ =બુધ સભા રાજકોટ )

 

Advertisements

Responses

  1. વાહ મસ્ત મસ્ત મસ્ત બધી ગઝલ!!!આભાર,,


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

શ્રેણીઓ

%d bloggers like this: