Posted by: bazmewafa | 07/02/2013

માહે જુન 2013ની તરહી ગઝલ——22 કવિ મિત્રો

માહે જુન 2013નો તરહી કલમી મુશાયરો

મિત્રો પાછલા પાંચ મહિનાથી ચાલી આવતી આપણી આ ગઝલ યાત્રા નો આ છઠ્ઠો મુકામ છે.

તરહી ગઝલની યાત્રાના છઠ્ઠાં મુકામમાં  ગઝલતો હું લખુંસમૂહના મિત્રોના સહકારથી શ્રી ચિરાગ ઝા ઝાઝીએ શ્રીરાજેંદ્ર ભાઈ શુકલની પંકતિ:લો કરું કોશિશ ને ફાવે તો કહુંનો આધાર લઈ આ દોર આગળ વધાર્યો હતો.

આ વખતે પણ 22 જેટલા કવિ મિત્રોએ ઉત્સાહ પૂર્વક ભાગ લઈ રમલ છંદની રંગતની સંગત માણી તમામ કવિ મિત્રોના આભાર સહિતબઝમેવફાઆનંદની લાગણી અનુભવે છે.

રદીફ : તો કહું (ગાલગા)

છંદ : ગાલગાગા ગાલગાગા ગાલગા

પંક્તિ: લો કરું કોશિશ ને ફાવે તો કહું – શ્રી રાજેન્દ્રભાઈ શુક્લ

 

ગઝલના બે શેર આ પ્રમાણે છે.

લો કરું કોશિશ ને ફાવે તો કહું,

શબ્દ જો એને સમાવે તો કહું!

હું કદી ઊંચા સ્વરે બોલું નહીં,

એકદમ નજદીક આવે તો કહું!

 

મિત્રો ગઝલનો સૌથી લોકપ્રિય છંદ – ૧૯ માત્રા સાથેનો આ રમલ છે. આપણી ભાષાની ઘણી સુંદર અને પ્રચલિત ગઝલો આ છંદમાં લખાયેલી છે.

 

 [1].

આવી, મનાવે તો કહું —-રોચક,અશોક વાવડીયા

 

એ જો મારી પાસ આવે તો કહું,

વાત આવીને ચલાવે તો કહું.

 

સાંભળી વાતો ? કહું લો કાનમાં,

શબ્દ સોબત જો નિભાવે તો કહું.

 

આમ તો થોડું કઠણ છે બોલવું,

લો કરું કોશિશ ને ફાવે તો કહું.

 

આજ એ નારાજ થઇને, છો ગયા,

ને હવે આવી, મનાવે તો કહું.

 

પીઠ પાછળ વાતમાં ભૈ શું વળે,

વાક્ય યુધ્ધમાં જો હરાવે તો કહું.

 

એક વિવાદી વેણ સૌને મારશે,

બોલી આગળ,જો ડરાવે તો કહું.

 

 

[2].

સામી મળશે, તો કહું~એજ તન્મય..!

 

ટેરવા તુજના, જો અડકે તો કહું

સાવ કોરા શ્વાસ લપસે, તો કહું

 

લો કરું કોશિષ ને ફાવે તો કહું;

ઝાળ સાગરમાં જો પ્રસરે તો કહું.

 

દેહમાંથી પ્રાણ જાણે નીકળ્યા

નેહ ભીના હાથ ફરકે, તો કહું

 

રાત આખી મૌનમાં કાઢી હવે

તું સવારે સામી મળશે, તો કહું

 

રોજની કેડી ભલા શું માંડશે?

આ તરફ અમથી, તું રઝળે તો કહું

 

સાંજની દેરીએ દીવડા હું ધરું;

લાગણી સાચી જો જડશે તો કહું.

 

હું ને તું તો સાવ નોખા ને અલગ

નાદ એકાકાર રણકે, તો કહું

 

એ કદી ઉગતો કે આથમતો નથી;

આ સમયને માન મળશે તો કહું.

 

કોણ કે છે જિંદગી નાટક હશે?

ટેક વિના કોક ભજવે, તો કહું.

 

 

[3].

સૂર પુરાવે ,તો કહું!હાર્દિક વોરા

 

લો કરું કોશિશ ને ફાવે , તો કહું,

શબ્દ સાથે સૂર પુરાવે ,તો કહું!

 

મોર મુગટ શિર ધારે , તો કહું ,

મોરલી મીઠી બજાવે,તો કહું !

 

નાથ તું છે ,તું હરિ છે શામળા ,

આ હૃદય દીપક જગાવે,તો કહું !

 

ભાગ્ય નો લખનાર છો ભૂલી ગયો,

માર્ગ નોખો તું બનાવે , તો કહું !

 

કર બધા હિસાબ તારા નાથ તું,

ને અમારું મૌન ફાવે, તો કહું !

 

કંટકો ની મધ્ય માં જો પાંગરી ,

જાત પણ ગુલાબ લાવે ,તો કહું !

 

 

[4]

સાથ આવે તો કહું-મહેન્દ્ર પોશિયા

 

લો કરું કોશીશ ને ફાવે તો કહું

ક્હેણ નું એ માન રાખે તો કહું .

 

એ મને ત્યાં આવતો રોકી શકે ,

યાદ ને ખાળી બતાવે તો કહું .

 

બાળનારા નો અહીં તોટો નથી ,

રાખ જો આકાર પામે તો કહું .

 

હું ઇજન જાણું છું એના રોગનું ,

સ્હેજ લાચારી વધારે તો કહું .

 

ગર્ભ મા પણ સ્ત્રી સલામત ક્યાં રહી ,

ત્યાં સમજ જો કામ આપે તો કહું .

 

 

આખરી અકરામમા ધોળું કફન,

છેક સ્વર્ગે સાથ આવે તો કહું .

 

[5].

જીવ લાવે તો કહું —-ચિરાગ ઝા ઝાઝી

 

લો કરું કોશિશ ને ફાવે તો કહું,

શબ્દ સાથે, મર્મ સાધે તો કહું,

 

કેટલા છે ભોંયરા મારા મહીં!,

કોઈ અંગત શોધી કાઢે તો કહું.

 

આ કવનમાં કલ્પનાઓ હોય છે,

ને હકીકત તોય માણે તો કહું.

 

જાત માટે મોક્ષ જેવું પામવા,

તું ગઝલના પાઠ રાખે તો કહું.

 

માંગવાની રીતમાં આવ્યો ફરક,

એ વચનમાં જીવ લાવે તો કહું.

 

[6]

મનાવે તો કહું —-.કૌશલ સુથાર

 

લો કરું કોશિશ ને ફાવે તો કહું,

સ્વપ્નમાં તું રોજ આવે તો કહું.

 

એ રિસાઈ ગૈ છે મારાથી જરા,

યાદ ને કોઈ મનાવે તો કહું.

 

હા,વિષય મારો એ રસનો છે પ્રિયે,

પ્રેમનું પ્રકરણ ચલાવે તો કહું.

 

આંખ અરમાનો સજાવી બેઠી છે,

એને તું દુલ્હન બનાવે તો કહું.

 

કંકુ,ચોખા,ગોળ-ધાણાં લઇને તું,

જો ગઝલ મારી વધાવે તો કહું.

 

હાથમાં મૂકે તું મ્હેંદી,ને એમાં

નામ કૌશલનું લખાવે તો કહું

 

[7].

હૈયે ઉતારે તો કહું,—જગદીશ

 

સાથ થોડો તું ય આપે તો કહું,

લો કરું કોશિશ ને ફાવે તો કહું,

 

ભોગવીતી જે વ્યથા તારા વિના,

એ વ્યથાને તું જ માપે તો કહું,

 

જે ચણી છે ભીંત તે સંશય તણી,

ભીંત એ તોડી પુકારે તો કહું,

 

વાત થોડી ખાનગી છે આપણી,

વાત ને હૈયે ઉતારે તો કહું,

 

હોઠને ખામોશ રાખો ના હવે,

સ્મિત ઉછીનું એક આપે તો કહું,

 

આ ઉદાસી ને જરા અળગી કરો,

ને પછી મલકી બતાવે તો કહું,

 

દર્દ મારું ખૂબ વસમું છે પ્રિયે,

દર્દનું ઓસડ જણાવે તો કહું.

 

[8]

જાત બાળે તો કહું—.નરેશ કે.ડૉડીયા

 

લો કરું કોશિશ ને ફાવે તો કહું

જો હ્રદયને ખાસ લાગે તો કહું

 

એક અણસારો મળે તો પીગળે

મીણ થઇને જાત બાળે તો કહું?

 

બોલવાનો ધારો પણ નડતો રહે

મૌનના આસ્વાદ ભાવે તો કહું?

 

વ્હાલના વિષયો હવે પડતા મુકો

હું કહું એ રીત પાળે તો કહું?

 

એક ધારો સાથ આપી ના શકું

તુંસમયને થાપ આપે તો કહું?

 

મોણ ચોપડવાની પણ હદ હોય છે

કોકદી કડવાશ લાવે તો કહું?

 

આવકારો જોઇશે વખતો-વખત

બારણેથી પાછા વાળે તો કહું

 

પાત્રતામાં શું અધૂરપ ભાળવી

જેવો છું એવો અપનાવે તો કહું?

 

[9]

જગ રડાવે તો કહું.—-.પ્રકાશ મકવાણા પ્રેમ

 

એટલી એ પાસ આવે તો કહું,

શ્વાસ માં શ્વાસો સમાવે તો કહું.

 

લો કરું કોશિશ ને ફાવે તો કહું,

હાસ્ય મારું જગ રડાવે તો કહું.

 

કાગ ડોળે રાહ જોતા ક્યાર ના,

હ્રદય નાં દ્વારો તપાસે તો કહું.

 

કૈ નથી તો કામના સૂરજ બધા,

રોશની દે ભર અમાસે તો કહું.

 

ભાર ભણતર નો મૂકી આવે કદી,

જ્ઞાન થી બુદ્ધિ સજાવે તો કહું.

 

મોર પીંછું આભ માં ઊડી ગયું,

ને તરત વરસાદ આવે તો કહું.

 

[10]

આંસુ વહાવે તો કહું—.સ્મિતા પાર્કર

 

લો કરું કોશિશ ને ફાવે તો કહું

સાદ એ આવી પુરાવે તો કહું

 

એકલા ઝૂર્યા કરી છે જિંદગી;

લાગણી સાચી જગાવે તો કહું

 

થાય છાંટા પ્રેમના વરસાદમાં ;

વ્હેમ ના વાદળ હટાવે તો કહું

 

આમ શું આ જિંદગી કોરી જશે ;

આંખ માં પાણી ભરાવે તો કહું

 

એમ અમથું શું કરે એ છમકલું ;

નીંદ મારી એ ઉડાવે તો કહું

 

હું ખુદા ને માનુ સાચો આજથી;

માં “બની આંસુ વહાવે તો કહું

 

 

[11]

હીર આવે તો કહું…...કેતન જી મેહતા.અખંડ

 

આંખમાં જો નીર આવે તો કહું,

હા, પ્રશ્ન ગંભીર આવે તો કહું.

 

હું કહું કે તું કહે જો એક છે,

જો હૃદય માં ધીર રાખે તો કહું.

 

મૌન તો ધરવું પડે છે આંખ ને,

તોડવા કોવીર આવે તો કહું.

 

સ્વાદ લીધા ને જમાનો છે થયો,

ચાખવા એ ખીર આપે તો કહું.

 

હું અખંડઆપું હૃદયને હાથમાં,

જો કને એ હીર આવે તો કહું.

 

[12].

હચમચાવે તો કહુ….નરેશ સોલંકી

 

લો કરું કોશિશ ને ફાવે તો કહું

અર્થમા ભરપુર આવે તો કહુ

 

હુ સતત અંધારમા ઢોળાવ છુ

કોઇ આવી ને હલાવે તો કહુ

 

તુ ખરેખર કોણ છે સાચુ કહે

આઇડી તારુ બતાવે તો કહુ

 

ક્યા સહેલુ મૌન મારુ તોડવુ

ભીતરેથી હચમચાવે તો કહુ

 

હુ સતત નડતો રહ્યો છુ મને

મારુ હોવુ તુ હટાવે તો કહુ

 

[13]

ગાડું ચાલે તો કહું….. મેહુલ એ. ભટ્ટ

 

લો, કરું કોશિશ ને ફાવે તો કહું,

ગઝલ થઇએમ માને તો કહું.

 

ક્યારની માનવતા થઇ ગઇ છે corrupt,

Virusને કોઈ નાથે તો કહું .

 

આદુ ખાઈ સત્યની પાછળ પડ્યા,

કાન એનો ભાર ઝાલે તો કહું.

 

संभवामिની છે મોંમાં chewing-gum,

શંખ જેવું કૈંક વાગે તો કહું.

 

એક પગલે જીવમાંથી શિવછું,

પણ રગશિયું ગાડું ચાલે તો કહું.

 

એ હશે મારા – તમારા – સૌમાં, પણ

મારા જેવો એ જો લાગે તો કહું.

 

નીકળે છે રોજ મેહુલજીતવા,

માંહ્યલો ક્યારેક ખાટે તો કહું.

 

 

[14].

સતાવે તો કહું—- –દક્ષેશ પ્રજાપતિ “દીપ

 

મેઘરાજા તું ના આવે તો કહું,

ખેડુતોને જો સતાવે તો કહું;

 

આમ ખોટા ઝાંપટા ગમતા નથી,

હેલ આ થોડી ભરાવે તો કહું;

 

ધોધ ને ઇતિહાસમાં ભણવું પછી,

લીલમડુ એવું રચાવે તો કહું;

 

મોરને બેચેન ના કર તુ હવે,

ઢેલડી સંગે નચાવે તો કહું;

 

આ અટકળે આંખ ખાલી થઇ નથી,

વારિ છલકાઈને બતાવે તો કહું;

 

દીપતેઓ સંગને ઊડતી છત્રી,

તે ઘડીયે જો મળાવે તો કહું.

[15]

વિશ્વાસ આવે તો કહું ……સપના વિજાપુરા

 

કાનમાં તું પાસ આવે તો કહું

પ્રેમ વાતો કૈંક આપે તો કહું

 

સાંભળીને ગાલ મારાં લાલ થયાં

ગાલમા ચૂબન તું આપે તો કહું

 

એક છાની વાત મનમાં આમળે

ભેદ દિલનાં છૂપા રાખે તો કહું

 

આપવું છે આજ ઈજન પ્રેમનું

જે વચન આપ્યું તે પાળે તો કહું

 

ના નિહાળો આંખમાં વ્હાલમ ક્દી

મૌન ભાષા જો તું જાણે તો કહું

 

તારૂ ગણગણવું મધૂ લાગે મને

કૈંક હું પણ કાન લાવે તો કહું

 

એક સપનું આંખંમાં ભીનું થયું

તું નથી, વિશ્વાસ આવે તો કહું

 

આમ કહું ને તેમ કહું “સપનાં” જુવે

તું સપનથી આવ સામે તો કહું

 

 

[16].

લણાવે તો કહું…કાંતિ વાછાણી

 

લો કરું કોશિશ ને ફાવે તો કહું,

આંખમાં આવી બતાવે તો કહું

 

આ દિશાઓ વેદના લૈ જાય છે,

એમ તું પણ કૈ હસાવે તો કહું.

 

જાત જેવી જાત માનવની બની,

નૂર તારું એ સજાવે તો કહું.

 

આ વિચારો પણ હવે એવા થયા,

એમ વાતોથી ફસાવે તો કહું

 

લાગણીના ખેતરો વાવ્યા ઘણાં,

આ ફસલ જેવું લણાવે તો કહું.

 

 

[17].

સૂર પુરાવે ,તો કહું!હાર્દિક વોરા

 

લો કરું કોશિશ ને ફાવે , તો કહું,

શબ્દ સાથે સૂર પુરાવે ,તો કહું!

 

મોર મુગટ શિર ધારે , તો કહું ,

મોરલી મીઠી બજાવે,તો કહું !

 

નાથ તું છે ,તું હરિ છે શામળા ,

આ હૃદય દીપક જગાવે,તો કહું !

 

ભાગ્ય નો લખનાર છો ભૂલી ગયો,

માર્ગ નોખો તું બનાવે , તો કહું !

 

કર બધા હિસાબ તારા નાથ તું,

ને અમારું મૌન ફાવે, તો કહું !

 

કંટકો ની મધ્ય માં જો પાંગરી ,

જાત પણ ગુલાબ લાવે ,તો કહું !

[18]

ચ્હેરો છુપાવે તો કહું …..’ભાવ ‘ ,,,,, ભાવિન ગોપાણી ….

 

વાદળો માં ચાંદ આવે તો કહું ,

ઝુલ્ફથી ચ્હેરો છુપાવે તો કહું .

 

રોશની આવે છે ક્યાં માફક મને ?

સૌ ચિરાગોને બુજાવે તો કહું .

 

છે કહેવાની ઘણી વાતો છતાં ,

સાથ જો શબ્દો નિભાવે તો કહું .

 

એ તરફ જ્યાં હાથ આ લાંબો કરું ,

આ તરફ કદમો ઉઠાવે તો કહું .

 

જિંદગી સહુ કોઈ જીવી જાય છે ,

મોતને જીવી બતાવે તો કહું .

 

શત્રુ ઓચિંતા પધારી જાય ને ,

આંગણે તોરણ સજાવે તો કહું .

 

આંખમાં દરિયો વસાવી પણ શકાય ,

અશ્રુ આંખોમાં વસાવે તો કહું ….

 

 

[19]

માથું ન મારે તો કહું…. સ્પર્શ – મોહસીન મીર

 

પ્રશ્ન થોડી વાર ઠારે તો કહું,

મધ્યમાં માથું ન મારે તો કહું


જીવતુ પંખી ભલે અનમોલ પણ,

કોઇ જો વીમો ઉતારે તો કહું

 

આગ કાગળને કરે છે નષ્ટ જેમ,

તુ અહમને એમ મારે તો કહું

 

ટોપલુ ઉચકી ઠસોઠસ સ્મીતનુ,

વહેંચવા નીકળે બજારે તો કહું

 

ખીલતા ફૂલોના ચાહક તો મળે,

પાનખરને કોઇ પૂકારે તો કહું

 

શેરવાની પહેરીને આવી વ્યથા,

જિંદગી પણ આવકારે તો કહું

 

આયનો શાને કશું બોલે નહિ,

દંભનો મેકઅપ ઉતારે તો કહું

 

પોતપોતાનામાં જીવતો માનવી

એકબીજાનુ વિચારે તો કહું

 

 

[20].

મુજમાં ઢાળે તો કહું….રાજેશ ઉપાધ્યાય

 

ગર્વ તારો જો ઉતારે તો કહું

સ્થાન મારું તું બતાવે તો કહું

 

વાત છાની જો તું રાખે તો કહું

વાત મારી આજ માને તો કહું

 

સ્વપ્ન માં આવી સતાવે તું સદા

આવ જાતે જો સવારે તો કહું

 

સાદ પાડી હું કદી બોલું નહિ

બેસ આવી તુંપડાલે તો કહું

 

થા અજાણી સાવ તો માનું કદી ?

જાત તારી મુજમાં ઢાળે તો કહું

 

વાટ તારી જોઈ છે યુગો સુધી

ને અચાનક તું પધારે તો કહું

 

હું કશું તારી કને માંગું નહિ

આપવા બે કર પસારે તો કહું

 

મૌન મારૂ બોલશે સઘળું છતાં

લો કરું કોશિશ ને ફાવે તો કહું

 

 

[21].

મનાવે, તો કહુંયોગેન્દુ જોષી

 

કુત્તે પર સસ્સા જો આવે, તો કહું;

ગાંવ જબ રાજા બસાવે, તો કહું.

 

યાદ ઉનકો આતી હોગી, હૈ યકીન;

પણ અકડ છોડી મનાવે, તો કહું.

 

[22]

આંખમાં ભીનાશ આવે તો કહું—મુહમ્મદઅલી વફા

 

વેદનાની ચીસ આવે તો કહું,

કેફિયત આજ સમજાવે તો કહું.

 

ઝાંઝવાનાં સંબંધ  પર શું વદું?

પ્રેમનાં કૈં પૂર લાવે તો કહું.

 

દિલ તણા જે આયને અંકિત થઈ,

ભૂંસવામાં કો દિ ફાવે તો કહું.

 

ચાલ છેડું હું હવે મલ્હાર પણ,

આંખમાં ભીનાશ આવે તો કહું.

 

લાગણીના હોઠ ઉઘડે ને વફા,

મૌનના તારો કંપાવે તો કહું.

 

Advertisements

Responses

  1. wahhh બધી ગઝલ રસમય બની આભાર


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

શ્રેણીઓ

%d bloggers like this: