Posted by: bazmewafa | 04/29/2013

કોણ માનશે?—રદીફ પર એપ્રીલ 2013 ના તરહી કલમી મુશાયારા માટે 13 કવિ મિત્રોની ગઝલો.

માહે એપ્રીલ 2013નો તરહી કલમી મુશાયરો.
રદીફ:કોણ માનશે? પર વિવિધ કાફિયા છંદ સાથેની ગઝલો.
1]

આયખું આપજે, કોણ માનશે?~ નારાયણ પટેલ

દાનમાં આયખું આપજે, કોણ માનશે?
રોજ માનવ ધરમ પાળજે, કોણ માનશે?

પ્રેમમાં એક પાગલ બની, રાખ પ્રેમને,
કાળજું પ્રેમમાં કાપજે, કોણ માનશે?

કેટલાં છે ?વરસ કાપવાના જગત મહી,
જીવથી સાદગી રાખજે, કોણ માનશે?

મોહ, માયા, વળી લાલચે કેટલાં ભલા?
પ્રેમ સાચો વરી કાળજે, કોણ માનશે?

એક રાજા થવું, એ સહેલું નથી સમજ,
જીવને ચારણે ચાળજે, કોણ માનશે ?

છંદ: ગાલગા ગાલગા ગાલગા ગાલગા લગા

[2]
ગુમાન હતું,કોણ માનશે ?–અશોક વાવડીયા’રોચક’

મારું ય માનપાન હતું, કોણ માનશે ?
એથી ય વધુ ગુમાન હતું,કોણ માનશે ?

હાઈકુ,ગીત,છંદ,ગઝલ,કાવ્ય ને ભુલી,
એની ઉપર જ ધ્યાન હતું,કોણ માનશે ?

ગાગાલ ગાલગાલ લગા ગાલ ગાલગા,
હા એ, સરસ તો ગાન હતું,કોણ માનશે ?

હું તો હજી ય શોધુ છું સાગર જુઓ, દ્વિધા,
તટ પર જ,આ રુવાન હતું,કોણ માનશે ?

“રોચક” હશે ગુમાન તને કીર્તિ, સિધ્ધિ નું,
ખુદ પર મને ય માન હતું,કોણ માનશે ?
#છંદ=મુઝારિઅ અખ્રબ
ગાગાલ ગાલગાલ લગા ગાલ ગાલગા

[3]

જળમાં કમળ, કોણ માનશે ?—ભાવિન ગોપાણી ‘ભાવ’

ચાંદા ઉપર મળેલ છે જળ, કોણ માનશે ?
ખીલ્યા હતા એ જળમાં કમળ, કોણ માનશે ?

એક આંગળી કદી તું અડાડે સરોવરે ,
ને તે પછી ઉઠે ના વમળ , કોણ માનશે ?

ઓઢીને તેજ ખુદનું એ પ્રત્યક્ષ થયા ને હું ,
ખોલી શક્યો નયન ના પડળ, કોણ માનશે ?

હોઠે અડાડતાંજ જે ખાલી થયો હતો ,
કૂવો હતો સજળ ને અતળ, કોણ માનશે ?

સૌને મળે વફાની બદલમાં સદા વફા ,
શોધ્યું છે એવું એક મેં સ્થળ, કોણ માનશે ?

હારીને માણસાઈ જો જીત્યા છે યુદ્ધને ,
તે યુદ્ધને કહો જો સફળ ,કોણ માનશે ?

ગાગાલગા લગાલ લગાગાલ ગાલગા …

[4]

અસર કોણ માનશે?– સાગર કણસાગરા

થઈ છે ભમરી ગઝલની અસર કોણ માનશે?
ખુદ હવે થઇ ગયો છું ગઝલ કોણ માનશે?

જાય ભમરા બધા જયારે ફૂલોની જાનમાં,
એ પછી પૂર્ણ પાકે ફસલ કોણ માનશે?

ભેદ ખોલું ગઝલમાં બધા એથી થાઇ છે,
મિત્ર ઈશ્વરને મારે ટસલ કોણ માનશે?

દોસ્ત ચાલે છે આ દુનિયા પ્રેમના થકી,
છે જ સર્વત્ર એની અસર કોણ માનશે?

પ્રેમ રસ્તાય ઈશ્વર લગી હોય છે જતા!
આ અનોખી કરી મેં સફર કોણ માનશે?

પી શકું જામની જેમ આકાશને “ગરીબ”
મેય રાખી છે એવી તરસ કોણ માનશે?

ગાલગા ગાલગા ગાલગા ગાલગા લગા

[5]

કહાની કોણ માનશે ?—મોહસીન મીર ‘સ્પર્શ’

એક રાજા સાત રાણી ,કોણ માનશે ?
જિંદગી કેવળ કહાની કોણ માનશે ?

પથ્થરોના દેશમાં પ્રસ્તુત થાઓ ના
વાત છે સંવેદનાની કોણ માનશે ?

મોત આવે , થોભી ને કેવું કરે નમન
છે સમયને ખાનદાની કોણ માનશે ?

જૂઠ નો પડદો લગાવ્યો હોય કાને તો
સત્યની આકાશવાણી કોણ માનશે ?

વાયકા ઇશ્વર તણી પ્રચલિત હો ભલે
પણ હતી શ્રદ્ધા રૂહાની કોણ માનશે ?

લાગણી લાચાર થૈ ચૂપચાપ થૈ ગઈ
છંદ કરતા છેડખાની કોણ માનશે ?
ગાલગાગા-ગાલગાગ-ગાલ-ગાલગા

[6]

ખાણ હતી કોણ માનશે_મુહમ્મદઅલી વફા

તારા નગરની જાણ હતી કોણ માંનશે?
શરમો હયાની આણ હતી કોણ માંનશે?

શોધી તને હું રર્હ્યો રણ અને જંગલ મહીં
દિલમાંજ એની ખાણ હતી કોણ માંનશે?

સર્જન થયું આ વિશ્વતણુંએક કુન થકી
શક્તિ તણી પિછાણ હતી કોણ માંનશે?.

પાકી જતાં આ ડાળખી ના સંઘરે કદી
ફળ,ફૂલ ને ક્યાં જાણ હતી કોણ માંનશે?..

સુકાયા પછી પાંદડા ખરતે નહીઁ “વફા”
કંઈ લાગણીની તાણ હતી કોણ માંનશે?
ગાગાલગા-ગાગાલ-લગા-ગાલ-ગાલગા
કુન=થઈ જાઓ

[7]

ફાવી ગયા ! કોણ માનશે ?-મેહુલ એ. ભટ્ટ

મુર્ખા ગણ્યા એ ફાવી ગયા ! કોણ માનશે ?
શાણા જ સાવ કોરા રહ્યા ! કોણ માનશે ?

સમજાવતા હતા સદા ગીતાનો સાર જે,
સૌથી પહેલા થાકી પડ્યા , કોણ માનશે ?

કાંટા સ્વભાવગત કરે વર્તન તો ઠીક છે,
ફૂલોથી પણ ઉઝરડા થયા, કોણ માનશે ?

જે ચોરે બેસી ગાતા ભજન પાનબાઈના,
સંગાથીઓને એ જ નડ્યા, કોણ માનશે ?

લેવામાં લાંચ હાથ ન ધ્રૂજ્યા ગરીબથી,
ફાનસના તેજમાં એ ભણ્યા, કોણ માનશે ?

વરસો જુના અનુભવી પાસેથી સાંભળ્યું:
” ફૂંકીને પીધી તો ય બળ્યા, કોણ માનશે ?”

મળતાવડા છે દર્દ ખરેખર, ઓ જિંદગી,
સાકરમાં દૂધ જેમ ભળ્યા, કોણ માનશે ?

પ્હોંચી ગયા’તા મંજિલે તો ક્યારના ચરણ,
પગલાંને જોવા પાછા વળ્યા કોણ માનશે ?

લવ-પ્રેમ-ઈશ્ક-ઈશ-મહોબત-ખુદા કે ગોડ,
‘મેહુલ’ ગમ્યા એ નામ કહ્યા, કોણ માનશે ?

[8]

ત્રિકમ! કોણ માનશે?…..ચિરાગ ઝા “ઝાઝી”

એના લખેલા નિયમ! કોણ માનશે?,
અલ્લાહ નામે શિવમ! કોણ માનશે?.

ગ્રંથો બધા છંદમાં જે લખી ગયા!,
એ હાથમાં છે ત્રિકમ! કોણ માનશે?.

હું આંખમાં આંજવા મેશ લઈ ગયો!
દેખાય એવો ઈલમ! કોણ માનશે?.

સા રે ગ સાં, રે ની સાં, રે ની સાં, ગ સાં,
આ અવનવી છે રિધમ!, કોણ માનશે?.

જાતી પુરુષની અલગ હોય છે બધે!,
એક સ્ત્રીની કિસમ!, કોણ માનશે?

(છંદ: ગાગાલગા ગાલગા ગાલગા લગા)

[9]

ભલા,કોણ માનશે?- રાહુલ શાહ

જામ્યા હતા આસાર,ભલા,કોણ માનશે?
આપ્યા હતા અણસાર,અલા,કોણ માનશે?

કાણાં ચલાણામાં ભરવા ચાંદની જુઓ,
દીધા અમે,સરતાણ સલા,કોણ માનશે?

સૂરજ કરે, આકાશ સમું ડોકિયું, જરા
તાકી ને જોવા રૂપ, હલા, કોણ માનશે?

જોયા ક્યાં સોદાગર,આ ખુદા જેમ તરકટી,
સૌ ખૂંચવી લેશે એ,મલા,કોણ માનશે?

જોયું છે નભ સમજણનું ને સ્મરણ આ દાદરા,
તોયે જુઓ સૌ આંખ જલા, કોણ માનશે?

ગાગાલગા-ગાગાલ-લગા-ગાલ-ગાલગા

[10]

તરણ કોણ માનશે?…પ્રશાંત સોમાણી

આંગણ માં શ્રી ચરણ કોણ માનશે?
ઉત્સાહ આમરણ કોણ માનશે?

એ બંધ પરબિડીયું ખુલી ગયું,
જાણે થયું મરણ કોણ માનશે?

ડૂબાડશો તમે ખાતરી હતી,
શીખી ગયો તરણ કોણ માનશે?

મૃગજળ સમાન દેખાય છે મને,
સાચું હતું ઝરણ કોણ માનશે?

રાખ્યો હતો નયનમાં “પ્રશાંત”ને,
માંગ્યું હતું શરણ કોણ માનશે?

ગાગાલગા લગાગાલ ગાલગા

[11]

તાપતો’તો, કોણ માનશે !…કુમાર જિનેશ શાહ

સૂર્યને પણ રોશની હું આપતો’તો, કોણ માનશે !
રાત આખી ચાંદનીને તાપતો’તો, કોણ માનશે !

રાતની દિવાલ સૂની-શ્યામ-કાળી લાગતી હતી,
એટલે હું ચાંદ-તારા થાપતો’તો, કોણ માનશે !?

પ્રેમમાં તો ઘૂઘવે છે આગ દરિયો સાંભળી કરી,
હું હૃદયમાં પ્રેમ-કાંડી ચાંપતો’તો, કોણ માનશે !

તે પછી દોરી ગયા લોકો શબદના દેશમાં મને…
આજીવન હું ડાળખી નિજ કાપતો’તો, કોણ માનશે.

સાવ કોરું પોત… તડકાનું વણીને તે પરે પછી…
છાંયડાની બાંધણીઓ છાપતો’તો, કોણ માનશે !

રૂપિયાથી જોખવાનું કામ મૂકીને ‘જિનેશ’ તો…
પ્રેમ ગજથી માનવીને માપતો’તો, કોણ માનશે !

(ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા લગા)

[12]

ઘાત કોણ માનશે -જયપ્રકાશ સંતોકી “જય”

સમયને મેં કર્યો છે માત કોણ માનશે,
મેં રાતમાં કર્યું પ્રભાત કોણ માનશે.

હું જેમની સમક્ષ રોજ ભીખ માંગાતો,
મુઠ્ઠીમાં છે એ કાયનાત કોણ માનશે.

હિસાબ સ્મિતનો ગણી ગણે બધા સુખી,
અમારા પર પડી છે ઘાત કોણ માનશે.

સલામ એક જો કરે સલામ બે કરૂ,
આ ટેવ મારી જન્મ જાત કોણ માનશે.

ઊંડાણ છે અલગ છતાં સમાન લાગતા,
નથી સમુદ્ર છું અખાત કોણ માનશે.

આ માણસોતો છે જ આવા એનો ગમ નથી,
કરે ખુદાય પક્ષ પાત કોણ માનશે.

લાગ લગા લગા લગા લગા લગા લગા

[13]

કવન કોણ માનશે?–સપના વિજાપુરા

હોય છે આંસુંમા પણ અગન કોણ માનશે?
તોય હસતાં રહે છે વદન કોણ માનશે?

હો પહેરા અહીં ટેરવે તે છતાં જુઓ
હોંઠ પર એમનાં છે કવન કોણ માનશે?

માં કરી નેજવું દીકરાની છે રાહમાં,
કેટલા એ કરે છે જતન કોણ માનશે?

શીઘ્રતાથી ચડે છે એ પાછાં ફરે છે શીઘ્ર
થાય અભિમાનથી તો પતન કોણ માનશે?

લાશ આવી છે સરહદથી લોહી લુહાણ જે
કોઈ માંની આંખનું એ રતન કોણ માનશે?

રણ હ્રદયનાં સુકાયા છે એવાં ના પૂછજે
પ્રેમ ટીપું કરે છે જલન કોણ માનશે?

આગમન એમનું થયું હ્રદયની જમીન પર
લો મહેંકી ગયું છે સદન કોણ માનશે?

મોતથી આટલો પ્રેમ!! ‘સપના’ તું છે ખરી!!
તું ય રાખે છે ઘરમાં કફન કોણ માનશે?

(છંદ: ગાલગા ગાલગા ગાલગા ગાલગા લગા)

.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

શ્રેણીઓ

%d bloggers like this: