Posted by: bazmewafa | 04/10/2013

પત્રકારત્વ અને સંપાદન વિશે માર્ક ટ્વેઇનની રમૂજી કથા..કેલિડોસ્કોપ – મોહમ્મદ માંકડ

પત્રકારત્વ અને સંપાદન વિશે માર્ક ટ્વેઇનની રમૂજી કથા..કેલિડોસ્કોપ – મોહમ્મદ માંકડ

માર્ક ટ્વેઇનનાં લખાણો, સાહિત્યકારો તેમજ સામાન્ય વાચકોને સૌને ગમે તેવાં હોય છે. વાંચનારને મજા પડે એવાં એ લખાણો ડંખરહિત હોય છે. ‘હકલબરી ફિન’ અને ‘ટોમ સોયરનાં સાહસો’ જેવી વિશ્વવિખ્યાત લાંબી કૃતિઓ જેવી જ માર્ક ટ્વેઇનની સાઠ જેટલી લાંબી અને મધ્યમ કદની રચનાઓ પણ રસિક અને મજાની હોય છે. એમાંની એક કૃતિ અહીં રજૂ કરી છે. મૂળ કૃતિનું એ શબ્દશઃ ભાષાંતર નથી. રૂપાંતર પણ નથી. સામાન્ય વાચક એને માણી શકે એ રીતે એ રજૂ કરી છે :ખેતીવાડીના વર્તમાનપત્રનું મેં કઈ રીતે સંપાદન કર્યું હતું એક ખેતીવાડીના પત્રના તંત્રીને થોડા દિવસ રજા ગાળવા જવાનું હોવાથી મને એ પત્ર સંપાદન કરવાની તક મળી હતી. જમીન ઉપર વસનાર માણસ કોઈ જહાજના કપ્તાનનું પદ સ્વીકારે ત્યારે ભૂલો થવાની જેવી સંભાવના રહે એવી ભૂલો કરવાની પૂરી ખાતરી સાથે મેં એ છાપાનું કામચલાઉ તંત્રીપદ સ્વીકાર્યું હતું. એમ કરવાનાં કારણોમાંનું સૌથી મહત્ત્વનું અને સબળ કારણ તંત્રી તરીકેનો મારો પગાર હતો.

નવું કામ કરવાનો આનંદ અનોખો હોય છે. અને એ આનંદ મેં એક અઠવાડિયા સુધી માણ્યો હતો. એકાદ અઠવાડિયું પ્રેસમાં વિતાવ્યા પછી મારા કાર્યની શુભ અસર જોવા માટે હું મારી ઓફિસનો દાદરો ચડવા જતો હતો ત્યારે એક નાનકડું ટોળું શેરીમાં અને ઓફિસનાં પગથિયાં પાસે જમા થયેલું મેં જોયું. મારા કામની કદર થવા લાગી હતી એ જોઈને સ્વાભાવિક રીતે જ મને આનંદ થયો. મને જોઈને કોઈએ કહ્યું, “એ જ છે. બરાબર જોઈ લેજો.” હું ખુશ થયો અને આ ખુશખબર મારી કાકીને વહેલીતકે લખવાનું મેં નક્કી કરી લીધું.

ઉપર પહોંચીને ઓફિસ ખોલવા જતો હતો ત્યારે કેટલાક લોકોને મેં જોર જોરથી હસતાં સાંભળ્યા. એનું કારણ હું જાણી ન શક્યો. ઓફિસ ખોલીને અંદર ગયો ત્યારે બે ગામડિયાઓને મેં ઓફિસમાં જોયા. એ લોકો ઓફિસની બારી તોડીને અંદર આવ્યા હતા અને એમનો ઈરાદો કંઈ સારો નહોતો, પરંતુ મને જોયા પછી એ લોકો જે રસ્તે આવ્યા હતા એ જ રસ્તે, બારીમાંથી કૂદીને બહાર નીકળી ગયા. અડધો એક કલાક વીત્યો હશે ત્યાં એક વૃદ્ધ ગૃહસ્થ ઓફિસમાં દાખલ થયા. લાંબી ફરફરતી દાઢી અને પ્રભાવશાળી ચહેરાવાળા એ સદ્ગૃહસ્થ, મેં એમને આગ્રહ કર્યો એટલે મારી સામે ખુરશી પર બેઠા. હેટ ઉતારીને એમાંથી એમણે એમનો રેશમી રૂમાલ અને ગડી વાળીને મૂકેલું છાપું બહાર કાઢયું.

છાપું ખોલીને એમણે પોતાના ખોળામાં પહોળું કર્યું. રૂમાલથી ચશ્માં સાફ કર્યાં અને મને પૂછયું, “છાપાના તંત્રી તમે છો?”

“જી હા.” મેં કહ્યું.

“તમે ક્યારેય કોઈ ખેતીવાડીના પત્રનું સંપાદન કર્યું છે?”

“ના” મેં કહ્યું “આ મારો પહેલો પ્રયત્ન છે.”

“તમારું લખાણ વાંચીને મને એમ લાગ્યું જ હતું.” એમણે કહ્યું. “આ છાપામાંથી હું થોડું વાંચું છું જે વાંચીને હું અહીં સુધી આવ્યો છું એ લખાણ તમે લખ્યું છે કે નહીં તે કહો.” સાંભળોઃ “સલગમને ક્યારેય ખેંચીને ઉતારવા નહીં, એમ કરવાથી એને નુકસાન પહોંચે છે. સાચો રસ્તો એ છે કે, કોઈક છોકરાને ઉપર મોકલીને એ ઉતરાવી લેવા.” હું માનું છું કે આ લખાણ તમે લખ્યું છે.

“માનવા નહીં માનવાનો પ્રશ્ન જ નથી. મેં જ એ લખાણ લખ્યું છે. તમે જોયું હશે કે ઉતારનારની અણઆવડતને કારણે દર વર્ષે લાખો સલગમ બગડી જાય છે. એ કરતાં કોઈક છોકરાને ઉપર મોકલીને…”

“માથું તમારું,” ડોસા ખીજાઈ ગયા. “કોઈને ઉપર મોકલીને…એટલે? સલગમ શું ઝાડ ઉપર થાય છે?”

“નથી જ થતા. કોણ કહે છે ઝાડ ઉપર થાય છે. મેં સાહિત્યની ભાષામાં એ લખ્યું છે, પરંતુ તમને એ નહીં સમજાય. મારો કહેવાનો અર્થ એ છે કે છોકરાએ સલગમના વેલાને હલાવવો જોઈએ. ઝાડ શબ્દ તો એક પ્રતીકરૂપે…”

તરત જ એ ડોસા ઊભા થયા અને છાપાને ફાડીને ચીરા કરી નાખ્યા. “સલગમ તો કંદ છે, કંદ ક્યાં થાય એની ખબર છે?” છાપાના ચીરા ઉપર એ પગ ઘસવા લાગ્યા. થૂંક્યા નહીં એટલું સારું. હાથમાં રહેલી લાકડીથી મારી સામેની કેટલીક ચીજોની તોડફોડ કરી. બારણું ખોલ્યું અને ધડાક કરતું બંધ કરી બહાર નીકળી ગયા.

મને લાગ્યું કે મારા લખાણની કોઈક બાબત ઉપર નારાજ થયા હતા, પરંતુ કઈ બાબત ઉપર નારાજ થયા હતા એની મને ખબર ન પડી. એથી એ ખીજાઈ ગયા હતા અને હું ખીજનું કારણ નહીં જાણતો હોવાથી એમની નારાજગી દૂર કરી શક્યો નહોતો.

થોડી ક્ષણો પસાર થઈ ન થઈ કે એક નવો માણસ ઓફિસમાં દાખલ થયો. અંદર આવીને એણે બારણું બંધ કર્યું અને બરાબર બંધ થયું છે કે નહીં એની ખાતરી કરી લીધી. પછી ધીમે ધીમે અવાજ ન થાય એ રીતે આવીને મારાથી થોડે દૂર ઊભો રહ્યો. એના હાથમાંનું છાપું ખોલીને મને બતાવ્યું અને કહ્યું, “આ લખાણ વાંચો, જલદી, એકદમ જલદી. મને ગભરામણ થાય છે.”

હું એને ઓળખી ગયો. અમારા છાપાનો એ તંત્રી હતો. એ રજા ઉપર ગયો હતો પણ કોણ જાણે કેમ રજાઓ પૂરી ગાળ્યા વિના જ પાછો ફર્યો હતો.

છાપામાં છપાયેલું લખાણ વાંચવાનુ મેં શરૂ કર્યું. મને લાગ્યું કે જેમ જેમ હું વાંચતો ગયો એમ એની ગભરામણ ઓછી થવા લાગી. એ લખાણ મેં જ લખ્યું હતું. એટલે એ વાંચવાનું સરળ હતું.

“ગ્યુઆનો એક સરસ પક્ષી છે પરંતુ એનો ઉછેર ખૂબ જ કાળજી માગી લે છે. જૂન મહિના પહેલાં અને સપ્ટેમ્બર પછી ક્યારેય એને મગાવવાની ભૂલ ન કરવી, કારણ કે અહીંની એ ઋતુ એને માફક આવતી નથી. શિયાળામાં ગરમી મળે એ રીતે એ પક્ષીઓને રાખવાં જેથી એ ઈંડાં સેવીને બચ્ચાં ઉછેરી શકે.”

“એ તો જાણીતી વાત છે કે, અનાજ માટેની સીઝન મોડેથી શરૂ થાય છે એટલે ખેડૂતોએ ઘઉંની ગંજીઓ ખડકવા માટે ઓગસ્ટના બદલે જુલાઈમાં જ વાવણી કરવી જોઈએ જેથી ઉનાળો હોય તો અનાજ બગડવાની ભીતિ ન રહે.”

“કોળાની બાબતમાં આપણે ત્યાં ઘણી ગેરસમજ પ્રવર્તે છે. કોળું પણ એક ફળ જ છે. ન્યૂ ઇંગ્લેન્ડ પ્રદેશના લોકો એને ખાટા અને મીઠા બોરને બદલે વધારે પસંદ કરે છે. એ લોકો પોતાની ગાયોને પણ એ જ ખવડાવે છે. જેથી તે વધુ દૂધ આપે. સંતરાં અને નારંગીના કુળનું આ ફળ ઉત્તરમાં વધુ પ્રમાણમાં પાકે છે. પોતાના કંપાઉન્ડમાં કોળાનાં ઝાડ વાવવાની પ્રથા હવે નષ્ટ થઈ રહી છે, કારણ કે છાંયો આપનારા વૃક્ષ તરીકે એ લગભગ નિષ્ફળ ગયું છે.”

“બસ,બસ” તંત્રી પોકારી ઊઠયો. એ ખુરશી ઉપર બેઠો અને બંને હાથે પોતાનું માથું પકડી લીધું. “મને લાગે છે હું ચોક્કસ ગાંડો થઈ જઈશ!”

મને એની વાત સમજાઈ નહીં.

એણે કહ્યું, “હું માનતો નહોતો કે કોઈ વ્યક્તિ આવું લખી શકે. હું માની નહોતો શકતો કે મારા છાપામાં આવું છપાયું હોય. મારા મિત્રોએ મને કહ્યું ત્યારે મને નવાઈ લાગી હતી. પણ એ સાચું હતું. રજાઓ ગાળ્યા વિના જ હું અહીં આવવા નીકળી ગયો હતો. રસ્તામાં મેં ચોક્કસ અકસ્માતો કર્યા હશે. મને ખબર નથી. અહીં આવવાની મને ઉતાવળ હતી, જેથી નવા અંકમાં કોઈ નવી વાત ન છપાય.”

મને નવાઈ લાગી કે નવી વાત તરફ એને એટલી સૂગ કેમ હતી.

થોડી વાર એ શ્વાસ ખાવા થોભ્યો. પછી બોલ્યો, “હવે મને સમજાય છે કે નીચે લોકોનું આટલું મોટું ટોળું કેમ હતું.”

“કેમ હતું?”

“કારણ કે, આવું ક્યારેય અગાઉ એમણે વાંચ્યું નહોતું.”

“પણ હવે તો વાંચવા મળ્યુંને?”

તંત્રી મારી સામે તાકી રહ્યો. મને થયું કે એ ખીજાઈ ગયો હતો. મને મારવાની પણ એને કદાચ ઇચ્છા હોય પણ મારા હટ્ટાકટ્ટા શરીર સામે જોયા પછી એણે માત્ર ગુસ્સે થવાની જ હિંમત કરી. “મિસ્ટર,” એણે કહ્યું, “ગ્યુઆનો શું છે ખબર છે? ગ્યુઆનો એ પક્ષી નહીં પણ દરિયાકાંઠે વસતાં પક્ષીઓનું ચરક છે, જેનો ખાતરમાં ઉપયોગ થાય છે અને કોળાનાં ઝાડ! ઓ ભગવાન,હું ચોક્કસ ગાંડો થઈ જઈશ!”

હું ચૂપ રહ્યો.

એણે કહ્યું, “છાપાની નકલો વધી ગઈ છે, કારણ કે એમાં ગપ્પાં છપાયાં છે. ખ્યાતિ ઘણી રીતે મળે છે, પણ ગાંડા માણસ તરીકે પ્રખ્યાત થવાનું કોણ સ્વીકારશે?” વળી એ થોડી વાર રોકાઈ ગયો, કહ્યું: “મેં તમને પૂછયું કે, ખેતીવાડીનું પત્ર સંપાદન કરી શકશો? ત્યારે મને તમે કેમ ન કહ્યું કે, તમે ખેતી વિશે કશું જ જાણતા નથી?”

“એની શું જરૂર હતી? હું તો ગમે તે વર્તમાનપત્ર સંપાદન કરી શકું છું.”

“ખેતીની કોઈ પણ જાતની જાણકારી વિના ખેતીના પત્રનું સંપાદન થઈ શકે? હવે મારું છાપું બીજાને સોંપીને ક્યારેય હું રજા ગાળવા નહીં જાઉં. ઓ ભગવાન! તમે તો મારા છાપાનું કચુંબર કરી નાખ્યું. તમે કેમ ન કહ્યું કે, ખેતીનો એકડો પણ તમે જાણતા નથી.”

મેં એને પૂછયું, “મિસ્ટર, તમે સંપાદન અને પત્રકારત્વ વિશે શું જાણો છો? પત્રકારત્વના ક્ષેત્રમાં હું છેલ્લાં પંદર વર્ષથી છું. સારો પત્રકાર ગમે તે પત્રનું સંપાદન કરી શકે છે. સિનેમાના પત્રનું સંપાદન કરવા માટે શું એક્ટિંગ અને ડાન્સ શીખવાની જરૂર પડે છે? તંત્રીને તો કઈ ફિલ્મમાં કોણે શું ભૂલ કરી છે, અને પોતાના કોઈ મિત્રની ફિલ્મ હોય તો એમાં કેવી ખૂબીઓ છે એ જ લખવાનું હોય છે. પુસ્તકનું અવલોકન લેનાર શું એ પુસ્તક વાંચે છે? બિલકુલ નહીં. જો એ વાંચે તો જે મિત્રના પુસ્તકની એને પ્રશંસા કરવાની હોય એ કઈ રીતે કરી શકે? જેની ટીકા કરવાની હોય એ કઈ રીતે કરી શકે? સંપાદક શું મોચી કે દરજી છે કે એને સિવવાની જાણકારી મેળવવાની જરૂર પડે? સારો, સફળ પત્રકાર એ છે જે ઓછામાં ઓછું જાણતો હોવા છતા વધુમાં વધુ જોરથી બોલી શકે, જે વિવાદો ઊભા કરી શકે; અને એક વિવાદ પૂરો ન થાય એ પહેલાં બીજો વિવાદ શરૂ કરી શકે. જો હું ખેતીવાડી વિશે જાણતો હોત તો આજે તમારા પત્રની જેટલી નકલો છપાય છે એટલી છપાતી હોત ખરી? કેટલા ખેડૂતો ખેતીવાડીનું પત્ર ખરીદે છે? પોતાનો વાચકવર્ગ વધારવા તંત્રીઓ કેવા કેવા નુસ્ખા અજમાવે છે? મેં એવું કશું જ કર્યા વિના કેવો વિશાળ વાચકવર્ગ ઊભો કર્યો છે! પરંતુ પત્રકારત્વ વિશે કશું જ નહીં જાણનાર મૂર્ખને તે નહીં સમજાય.”

તંત્રીએ પોતાની આસપાસ ઓફિસમાં નજર કરી. ઓફિસની હાલત જોઈને એ કાંઈ કહે એ પહેલાં જ મેં કહ્યું, “હું જાઉં છું. મારી ખોટ તમને પડશે. મને નોકરીની ખોટ ક્યારેય નહીં પડે. જ્યાં મારી કદર ન હોય ત્યાં રહેવાનો કશો અર્થ નથી.”

અને સાચે જ હું ઓફિસ બહાર નીકળી ગયો.

(લખ્યા તાઃ ૧-૮-૨૦૧૨)

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

શ્રેણીઓ

%d bloggers like this: