Posted by: bazmewafa | 02/25/2013

વાયદા‌‌‌‌—જય ગજ્જર

વાયદા‌‌‌‌—જય ગજ્જર

નવનીત ચ ૬ના બસ સ્ટેન્ડે ઊતરી ચાલવા માંડ્યો. સામે પ્રસુતિ ગૃહ હતું એટલે શાતા વળી. થોડુંક ચાલી જમણી બાજુ વળવાનું હતું. બરાબર યાદ હતું. આમે ઉમર થઈ પણ ઘણું બધું યાદ રહેતું હતું.

“તમે ભૂલકણા પ્રોફેસર છો… ઘણું બધું ભૂલી જાઓ છો.” એ વાકય પત્ની ઘણીવાર કહેતી.

“કઈ વાત ભૂલી ગયો, જરા કહે તો ખરી..” એમ સામો જવાબ આપવાનું મન થતું. પણ પત્ની સામે દલીલ કરવાનું  છેલ્લે છેલ્લે છોડી દીધું હતું. હા, પરણીને આવ્યો ત્યારે બહુ દલીલ કરતો. દલીલ કરવા ખાતર દલીલ કરતો. પરણ્યા પહેલાં મિત્રોએ સલાહ આપી હતી. નવી વહુ પર ધાક બેસાડવી જરૂરી છે.

મોટું   પેટ   લઈને   બેચાર  સ્ત્રીઓ  દરવાજે  પ્રવેશી એટલે ખાતરી થઈ કે એ પ્રસુતિગૃહ જ  હતું. છતાં ફરી પાટિયું વાંચી ચકાસી જોયું. આમ ચકાસવાની ટેવ હતી. પ્રોફેસર હતો ને એટલે આદત પડી ગઈ હતી.

આદતો તો ઘણી પડી હતી. એ બધી આદતો વાગોળવાનો હવે કયાં સમય હતો? અગિયાર વાગ્યા પહેલાં નિર્ધારિત બંગલે પહોંચવાનું હતું.

થોડું ચાલી ટર્ન લીધો. સામેથી આવતી કારે પણ એકદમ ટર્ન લીધો. સહજમાં બચી ગયો. નહિતર ભટકાઈ પડત. ફરી પાછા પાટાપીંડી અને પથારી. એ કલ્પના માત્રથી એની સમગ્ર કાયા ધ્રૂજી ઊઠી. બે વર્ષ પહેલાં સ્કુટર એક ઝાડ સાથે અથડાયું હતું. સારો એવો ખર્ચ થયો હતો અને પગ ભાંગ્યો હતો એની પીડા અસહ્ય હતી. પથારીમાં દોઢ મહિનાની કાચી જેલ મળી હતી. કોલેજ, ટયુશન બધું જ અટકી પડ્યું હતુંૂ. સારું હતું કે કોલેજનો પગાર નહોતો અટકી પડ્યો, નહિતર પત્નીના બળાપા ચાલુ થઈ ગયા હોત. સવા મહિનો પગાર ચાલુ રહ્યો. થોડા દિવસ  લંગ્ડાતે પગે નોકરીએ જવું પડ્યું હતું.

એક, બે , ત્રણ, ચાર ફલેટ વટાવ્યા. ફલેટે ‘માનસી’ ફલેટની યાદ અપાવી. ધરતીકંપે કેવી હોનારત સર્જી હતી. કેટલા બધા લોકોએ જાન ગુમાવ્યા હતા! નુકશાન પણ કેટલું બધું થયું હતું. પણ સરકારના પેટનું પાણી પણ નહોતું હાલતું.

“જવા દો એ લોકોની વાત… આ ગાંધીનગરમાં એર કન્ડિશન કેબિનમાં ગામગપાટામાંથી ઊંચા આવે ત્યારે ને!”

“મત લેવા કેવી આજીજી કરે છે. એક વાર ચૂંટાયા પછી સામે પણ કયાં જુએ છે! કોઈ સેવાભાવી નથી. બસ, ખાલી વાતો જ કરે છે. એમને કયાં પ્રજાની પડી છે!”

“છોડ એ બધી લપ. તને તારા કામની પડી છે ને! જલદી કર. પેલો નીકળી જશે તો નાહકનો ધકકો પડશે. ખાલી હાથે ઘેર જઈશ તો કમળાનો કકળાટ ચાલુ થઈ જશે!”

એણે નજર સામે કરી.

બંગલા પર પાટિયું હતું, “સુખશાંતિ ભવન”

“છે ને સુખશાંતિ મારા હાળાને..સાત વર્ષથી જમીન પચાવીને પડ્યો છે… પેટનું પાણી પણ નથી હાલતું. હર વખત બસ એક જ વાત… આ દિવાળીએ બધું જ પાર… દેવ દિવાળીએ આવજો. કમૂરતાં બેસે એ પહેલાં દસ્તાવેજ થઈ જશે અને બાકી લેણા બધા જ ચૂકવી દઈશું.”

બોલવામાં શું જાય છે.. સાત વર્ષથી આજ શબ્દો બોલાય છે. એક પછી એક વર્ષો વીતે છે. વ્યાજ આપવાની તો વાત જ નથી. સાત વર્ષ બેંકમાં મૂકયા હોત તો આજ બમણા થયા હોત.

બમણાની વાત તો બાજુ પર… જે બાકી છે એ આપે તો પણ બસ. રોજની રામાયણ ટળે!

આશા રાખો…. આ વખતે તો પતી જશે!

શું પતાવી દેશે? પૈસા કે ગુંડાઓ મારફતે જિંદગી?

રૂઆબ તો ભારે છે. કલેક્ટર હતો ને.

‘હતો એનું અત્યારે શું છે? ઊતર્યો અમલ કોડીનો. પણ એનો છોકરો ય કેવી દાદાગીરી કરે છે! જાણે પોતે કલેક્ટર ન હોય? જયાં હોય ત્યાં બાપનું નામ વટાવે છે! એથી કામ થતાં નથી, બલ્કે કામ ખોળંભે પડે છે! એની એને કયાં પડી છે. જેટલું ઠેલાય એટલું સારું એવી ગાંઠ વાળીને બેઠો લાગે છે!

મોટી ફાળો ભરી કંપાઉન્ડનો દરવાજો ખોલી બંગલાના કંપાઉન્ડમાં પ્રવેશ્યો.

એક નજર બંગલા પર પડી.

“શું ભવ્ય બંગલો છે!”

“એને કયાં જોર આવ્યું હતું! હરામજાદાએ બહુ મારી ખાધા હશે. ઑફિસમાં અને બહાર જબરો રૂઆબ રાખીને ફરતો. દાદાગીરી સિવાય તો કદી વાત ન  કરતો. ગુંડાઓનો સરદાર હતો. કોઈ કહેતું રોજ હજારો રૂપિયા લોકો પાસેથી પડાવતો!”

કયાં નાખ્યા હશે એ બધા પૈસા?

પહેલે માળની બારી બંધ કરવાનો અવાજ આવ્યો. એણે ઊંચે જોયું. કોઈ દેખાયું  નહિ.  બે  કબૂતર  લપાઈને  બેઠાં  હતાં. બંને ફફડતાં હતાં. એને પણ એક ધ્રૂજારી છૂટી. પૈસાને બદલે ગુંડાઓ તો નહિ મોકલે?

ગભરાતાં ગભરાતાં કોલ બેલ દબાવ્યો….

એક… બે… ત્રણ…

ચાતક નયને વાટ જોતો ઊભો રહ્યો.

થોડીવારે દરવાજો ખૂલ્યો.

આધેડ વયની બાઈ સામે ઊભી રહી ગઈ. એના વદન પર ગુસ્સો તરી આવતો હતો.

“કોનું કામ છે?”

“મોટા સાહેબને મળવું છે. જરા બોલાવશો?” અવાજમાં નમ્રતા હતી.

“એ તો બે દિવસથી બહારગામ ગયા છે.”

“મને આજે અગિયાર વાગે મળવાનો વાયદો કર્યો હતો.”

“એવા વાયદા ઘણા બધાને કર્યા છે. ભૂલી જાઓ…” અવાજમાં ઘૃણા અને રોષ બંને હતાં.

નવનીત ડઘાઈ ગયો. મોઢામાં બે મણની ગાળ આવી ગઈ. પણ ગમ ખાઈ ગયો અને પૂછી નાખ્યું, “કયારે આવશે?”

“મને કહીને જતા નથી.” જવાબમાં ઉધ્ધતાઈ હતી. પૂંઠ ફેરવી ધબ્બ દઈને બારણું બંધ કરી દીધું.

નવનીત પૂંઠ ફેરવી ચાલવા માંડ્યો.

ફરી એક નજર એ વિશાળ બંગલા પર ગઈ.

“હરામખોર, વાયદાઓ કર્યા કરે છે… વીશ લાખને સાત સાત વર્ષનાં વહાણાં વાઈ ગયાં.

ન મુદલ… ન વ્યાજ…!

બીજાં કેટલાં વર્ષ રાહ જોવાની?

સવાલ હતો. જવાબ જડતો નહોતો. જાતને ધિકકારતો પગલાં જમીન સાથે ટેકવી ચાલતો થયો. પગ ધ્રૂજતા હતા. બીક લાગી કે કદાચ લથડી પડશે. લથડતે પગે ગણી ગણીને  ડગ માંડવા લાગ્યો…

કાને કંઈ અવાજ પડતાં એકાએક એની નજર પાછળ ગઈ. અર્ધ ખુલેલી બારીની બીજી બાજુ કોઈ પુરુષના ઓળા જોઇ એના મુખમાંથી શબ્દો સરી પડયા,  “સાલો ચોર લાગે છે. ઘરમાં જ લાગે છે પણ કેવો ડોળ કરે છે!”

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

શ્રેણીઓ

%d bloggers like this: