Posted by: bazmewafa | 01/25/2013

મળશે નહીં-9 કવિ મિત્રો

1

કિતાબોમાં ખુદા મળશે નહીં‌—-મેહુલ ભટ્ટ

 

જો તને બાળકની આંખોમાં ખુદા મળશે નહીં ,

તો હકીકત તો શું ખ્વાબોમાં ખુદા મળશે નહીં .

ખોપરીમાં આંખ નામે ફક્ત કોડા હોય તો

શોધનારાને કિતાબોમાં ખુદા મળશે નહીં.__

દાણાના બદલામાં ટહુકાની અપેક્ષા રાખીએ

તો લીલા-કુંજાર બાગોમાં ખુદા મળશે નહીં .

જે કશું ભાળી ગયા એના કથનમાં શોધવા,

બાકી મોટી-ખોટી વાતોમાં ખુદા મળશે નહીં .

ઠૂંઠવાતા તનની પીડા સાંભળો નૈ તો કદી

જાગરણની લાખ રાતોમાં ખુદા મળશે નહીં .

2

અદા મળશે નહીં….ચિરાગ ઝા “ઝાઝી”

 

શોધનારાને કિતાબોમાં ખુદા મળશે નહીં

વાંચ એનો તું અમલ કર આપદા મળશે નહીં

ચાલ એને શોધવા તું પણ અમારી સાથમાં

એક સાથે જોઈ લઈએ એ જુદા મળશે નહીં

લાખ કપડાં એ નવા લે, મોં ઉપર મોં રાખશે

રાજ,યૂસુફ,દેવ જેવી પણ અદા મળશે નહીં

પાતળી છે ભેદ રેખા આપણી વચ્ચે સખા

એક સાથે ભૂસવાથી અન્યદા મળશે નહીં

ને ગઝલમાં તો અમનની વાત લખશે આદમી

આદમીના સાવ સાચા વાયદા મળશે નહીં

જિંદગી છે એમની એજ સાચો રાહબર

એક સરખા સૌ, અલગ ત્યાં કાયદા મળશે નહીં.

(છંદ: ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા)

3

જુદા મળશે નહી—– સાગર કણસાગરા

 

શોધનારાને કિતાબોમાં ખુદા મળશે નહીં,

દૂર રે’વાની અમુકને તો રજા મળશે નહીં,

ધર્મ નામે રોટલાઓ શેકતા હો તેમને,

એક ઈશ્વર છે ખબર થાય  તો મજા મળશે નહીં.

દાખલો છે તેમના હોવાપણાનો આજતો,

મોરલાના રંગ શોધ્યે પણ નવા મળશે નહીં.

મુજ કલમની આગને ભડકાવવા હું શું કરું?

તેમની ઈચ્છા વગર થોડી હવા મળશે નહીં.

દૂધમાં સાકર અમેતો ભેળવીને પી ગયા!

તમને રામ,રહીમ મારામાં જુદા મળશે નહી.

4

હમઝબાં મળશે નહીં —~ ટેરેન્સ જાની ‘સાહેબ’

 

આ નગરમાં કોઈને પણ હમઝબાં મળશે નહીં,

શોધનારાને કિતાબોમાં ખુદા મળશે નહીં .

તું જરા ગંભીર થાજે  આ મુહબ્બત છે દોસ્ત મુજ ,

માનજે ના કે તને પણ બેવફા મળશે નહીં .

ઓ તબીબો જોર ના કરજો હવે થોભી જજો,

હું વિધી નો માર્યો છું મુજ ને દવા મળશે નહીં !

કે, તમે પણ આવશો એવા કિનારા પર કદી,

જ્યાં ખુદામળશે નહીં ને નાખુદા મળશે નહીં ,

કર્મ સારા હોય તો સારું થશે એવું નથી,

ખાતરી છે એટલી કે બદદુઆ મળશે નહીં.

તું જ સામે છું કહેવા દે મને એક બે ગઝલ,

ઉમ્રભર ‘સાહેબ “ને આવી સભા મળશે નહીં

5

         વફા મળશે નહી ____” ભાવ”ભાવિન ગોપાણી    

 

હોય ના શ્રદ્ધાતો રસ્તા કોઈ નવા મળશે નહી ,

શોધનારાને કિતાબોમાં ખુદા મળશે નહી .

કાં ઉડાવી પણ શકે ,કાં ગૂંગળાવી પણ શકે ,

ક્યાંક પુષ્કળ ,ક્યાંક થોડી પણ હવા મળશે નહી .

ઝાડ-જંગલ ,ફૂલ-પંખી ,મેઘ-વાદળ ને કલમ ,

બેઅસર જન્નત છે જો ત્યાં આ બધા મળશે નહી .

થાય કે ક્યારેક એ થોડી ઘણી મોડી મળે ,

એવો ક્યાં અપરાધ છે ? જેની સજા મળશે નહી .

રંક ને હંફાવતો ,શ્રીમંત ને દોડાવતો ,

મોહ એવો રોગ છે જેની દવા મળશે નહી .

જો મળે ક્યારેક તો એ સાવ ઓચિંતી મળે ,

આશ જ્યાં રાખી હશે ત્યાંથી વફા મળશે નહી .

6

ભેદ કળશે નહિ__—- રાહુલ ગિરીશ શાહ

 

શોધનારાને કિતાબોમાં ખુદા મળશે નહિ

દિલ સિવાય કશેય, એને એ જડશે નહિ

ચાંદલા અભિષેક આરતી કે પછી ઘંટનાદ

પથ્થરની મૂર્તિઓમાં એ પ્રાણ પૂરશે નહિ

ગીતા કુરાન બાઈબલ કે વેદ ઉપનીશદ

એમાં અંધશ્રદ્ધા સિવાય કાંઈ મળશે નહિ

માનવ જન્મ્યો,રહે થઇ માનવી નહીતર

માનવતા જ ખુદાઈ એ ભેદ કળશે નહિ

સૌ ની હોય કે લાખની ટીકીટ દર્શનની

ઈશ્વર ક્યારેય પથ્થરો મહી દીસશે નહિ

શોધનારાને કિતાબોમાં ખુદા મળશે નહિ

દિલ સિવાય કશેય, એને એ જડશે નહિ

7

મળશે નહીં. — જયપ્રકાશ સંતોકી

જાપ તસબીના હિસાબોમાં ખુદા મળશે નહીં,

શોધનારાને કિતાબોમાં ખુદા મળશે નહીં.

તો તને મળશે નહી આકાશને પાતાળમાં,

જો તને સુંદર ગુલાબોમાં ખુદા મળશે નહીં.

સાવ ખુલ્લું સાવ ખાલી રાખજે તારું હૃદય,

અંધશ્રધ્ધાના નકાબોમાં ખુદા મળશે નહીં.

કાલું ઘેલું બાળઆ ખુદા નથી તો કોણ છે?

ધર્મના ખ્યાલોને ખ્વાબોમાં ખુદા મળશે નહીં.

“જય” બધું છોડી નજર નાખીલે તારી ભીતરે,

ચાંદ ,ધરતી, આફતાબો માં ખુદા મળશે નહીં.

8

              

તારા કદી ખરશે નહીં___ ભાવેશ શાહ

 

ઓશિયાળી આંખની ભીનાશને હરશે નહીં,

શોધનારાને કિતાબોમાં ખુદા મળશે નહીં.

કર્મ તારું સિર્ફ તારા હસ્ત વાટે જાગશે,

જો હથેળી હો સુંવાળી તો દુઆ ફળશે નહીં.

નામ તારું વાપરીને રાવણો લીલા રચે,

રામ તારા નામની શ્રધ્દ્ધા હવે તરશે નહીં.

આસમાને રોજ તાકીને થશે નાં ફાયદો,

માગણી છે એટલા તારા કદી ખરશે નહીં.

 

પીડ નાં જંગલ મહીં પણ હામ નાં ફૂલો ઉગે,

ચોતરફ કાંટા હશે પરવાહ એ કરશે નહીં…

9

ઝૂંપડુ બળશે નહિ‌‌-‌‌‌‌‌‌- સ્પર્શ – મોહસીન મીર

 

શોધનારાને કિતાબોમાં ખુદા મળશે નહિ

ને મળી પણ જાય તો એને ખબર પડશે નહિ

મંદિરો ને મસ્જીદોના  ઝઘડા બધા છોડો હવે

બંધનોમાં જીવવું કોને ય પરવડશે નહિ

મૌનનાં છેલ્લા કિનારેથી પ્રભુને સાદ કર

ઘંટરાવોને અઝાનો કોઇ સાંભળશે નહિ

ક્રુષ્ણ, શંભૂ ,રામ, ઈસા ને મોહમ્મદ એક તરફ

સેંકડો બીજી તરફ હો આપદા, નડશે નહિ

માંગવું એ પણ કલા કારીગરીનું કામ છે

આ દુઆ છે એટલી સહેલાઇથી ફળશે નહિ

એક છાંટો હોય માનવતા અગર ઇન્શાનમાં

હૂલ્લડૉમાં એક નાનું ઝૂંપડુ બળશે નહિ

કૂંપળોના ફૂટવાથી વ્રુક્ષના વિસ્તાર લગ

કોણ એને પોષતું એ કોઇને જડશે નહિ

અન્યની પીડા નિહાળી જીવ બળતો થાય તો

જીન્દગીભર ભીતરે ટાઢક કદી વળશે નહિ

આભાર દર્શન:શોધનારાને કિતાબોમાં ખુદા મળશે નહીં-તરહી પંક્તિ પર ગઝલ લખવાના નિમંત્રણને માન આપી  9 કવિ મિત્રોએ પોતાની કલમ કસી છે. તમામ રચાનાઓને  ઉપર પોસ્ટકરી છે.પ્રથમ પાંચ કવિઓએ અપેક્ષિત રદીફ અને કાફિયા લઈ રચના રચી છે.અન્ય  ચાર કવિ મિત્રોએ  મહદ અંશે રદીફ એજ રાખી અલગ કફિયાનાં પ્રયોગો સાથે લખી છે.દરેક કવિ મિત્રોનો ઘણો આભાર.ફરી એકાદ મહિનામાં આવો પ્રયોગ કરીશું.આશય શયદા -મરીઝ યુગની રિવાયત જિવંત કરવાનો છે.

Advertisements

Responses

  1. સુંદર પ્રયાસ , હવે પછી હું પણ પ્રયત્ન કરીશ

  2. શોધનારાને કિતાબોમાં ખુદા મળશે નહિ
    ને મળી પણ જાય તો એને ખબર પડશે નહિ
    મંદિરો ને મસ્જીદોના ઝઘડા બધા છોડો હવે
    બંધનોમાં જીવવું કોને ય પરવડશે નહિ

    wah…


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

શ્રેણીઓ

%d bloggers like this: