Posted by: bazmewafa | 12/30/2012

દામિનીનાં અપમૃત્યુ પછી કંઇ કરવાનું રહે છે ખરંુ?(ગુજરાતમિત્ર અગ્રલેખ સોમવાર 31ડીસે.2012)

દામિનીનાં અપમૃત્યુ પછી કંઇ કરવાનું રહે છે ખરંુ?(ગુજરાતમિત્ર અગ્રલેખ સોમવાર 31ડીસે.2012)

 ચાલતી બસે દિલ્હીમાં ૧૬ ડિસેમ્બરે દામિની પર છ જણાએ કરેલા ગેંગરેપ પછી તે ૧૩ દિવસે સિંગાપોરમાં ગુજરી ગઇ છે ને એક અધ્યાય પૂરો થયો છે. આ પછી પણ ગેંગરેપ નહીં થાય તેવી કોઇ ગેરંટી આપતું નથી. દામિનીનાં મૃત્યુથી આખા દેશે કારમો આઘાત અનુભવ્યો છે. આખો દેશ ગ્લાનિમાં રહ્યો. દેખાવકારો દુખી અને આક્રોશયુકત છે. થોડા દિવસ વિરોધ ચાલશે. બીજી કોઇ ઘટના બનશે ને આ આખી વાત પસ્તીમાં જશે. આ થતું આવ્યું છે ને આ જ થશે. આમાં સરકાર, પોલીસ અને પ્રજા સરખે હિસ્સે જવાબદાર છે.

પહેલી વાત તો એ છે કે આપણે સ્વતંત્ર ભારતના સ્વતંત્ર નાગરિક છીએ તે વાત વહેલીતકે ભૂલી જવા જેવી છે. આપણે જરા પણ સ્વતંત્ર નથી. આપણે કેન્દ્ર સરકારના ગુલામ છીએ. અંગ્રેજો કરતા આપણી સરકાર વધારે નિર્લજ્જ, નફફટ અને નઘરોળ છે. આપણી પોલીસ ગુનેગારોને પંપાળવા માટે ને નિર્દોષો પર લાઠી વરસાવવા માટે છે. આપણે ગુલામ પ્રજા છીએ ને કોઇપણ આવીને આપણી માબહેનપત્નીને ઉપાડી જઇ શકે તેમ છે. આપણે હીજડાઓ કરતા વધારે નપુંસક છીએ. આપણે સ્વતંત્ર દેશ કહીને આપણી દીકરીઓને રાત્રે બહાર ન જવાની, અધૂરાં કપડાં ન પહેરવાની, કરાટે શીખવાની સલાહો આપીએ છીએ. પુરુષોને ગમે ત્યારે બહાર જવાની બંધી નથી. પાબંદી સ્ત્રીને જ છે. આ કેવા પ્રકારની સ્વતંત્રતા છે? એક તરફ સ્ત્રીઓને પુરુષ સમોવડી બનાવવાની કથા કરીએ છીએ ને કહીએ છીએ કે પાબંદી હેઠળ રહેવું. બેમાંથી એક જ સાચું હોય, બંને સાચાં કેવી રીતે હોય? સ્ત્રીને પુરુષ સમોવડી બનાવવાનો પણ અર્થ નથી. સ્ત્રી એ સ્ત્રી છે. તેણે પુરુષ થવાનું કામ જ શું છે? સ્ત્રીને પુરુષ સમોવડી કરવી એમાંજ સ્ત્રીમાં કંઇ ખૂટે છે તેનું ભાન કરાવવા જેવું છે. સ્ત્રીને તેનું સ્વતંત્ર અલગ વ્યકિતત્વ કેમ ન હોય? તેને, તેની રીતે વિકસવા દેવી જોઇએ. તેનો વિકાસ કરનારા આપણે કોણ જયાં આપણે જ અધૂરા છીએ?

જરા બારીકાઇથી જોઇશું તો સમજાશે કે આપણને ફરજો જ છે. હક જેવું કંઇ નથી. આપણી કર ભરવાની ફરજ છે. તેની સામે સરકાર પાસેથી સુરક્ષા મેળવવાનો અધિકાર આપણને નથી. કયાં જવું, કયાં ન જવું તે આપણે નક્કી કરી શકતા જ નથી. આપણે કાયમ સીસીટીવી કેમેરાની આંખમાં જ છીએ. કોઇ એક ગુનેગારને સાચવવામાં કરોડોનો ધૂમાડો થાય છે. ને કોઇ નિર્દોષને બે ટંકનું ભોજન પણ સરકાર આપી શકતી નથી.

ગેંગરેપનો ભોગ બનેલી દામિની ગુજરી ગઇ તે સમાચાર પહેલાં જ પોલીસ જાપ્તો ગોઠવાઇ ચૂકયો હતો. કેમ? લોકો ધમાલ કરશે એવી શંકાથી કે સરકારને ખબર હતી કે દામિની અહીં જ ગુજરી ગઇ છે ને તેની જાણ લોકોને થશે તો તોડફોડ થઇ જશે? દિલ્હી પોલીસે દામિનીના મૃત્યુના સમાચાર સાથે જ ઇન્ડિયાગેટ ને તેની આસપાસનો વિસ્તાર સીલ કરી દીધો. કેમ? લોકોનો આક્રોશ હતો, પણ બધા જ દુખી હતા. કોઇની હિંસા કરવાની કલ્પના પણ નો’તી. છતાં ઇન્ડિયાગેટ સીલ થયો. થયું તે કે આપણે જયાં જવું છે ત્યાં જવાની છૂટ નથી. પોલીસ કહે ત્યાં જ આપણે જવું પડે. આનું બીજું નામ વ્યકિત સ્વાતંત્ર્ય છે (!?)

લોકોને જંતરમંતર પર જવાનું કહેવાયું. કેમ ત્યાં ધમાલ ન થાય તેવો નિયમ હતો? પણ નહીં. આપણા નેતાઓ ને રાષ્ટ્રપતિને કે સાંસદોને ઊની આંચ ન આવે તે માટે ટ્રાફિક બીજે ધકેલાયો. જંતરમંતર પર પણ તોફાનની કોઇ શકયતા નો’તી. આ બનાવે નાનામાં નાના માણસને પણ વિચારતો કરી મૂકયો છે. જંતરમંતરની ભીડ પર યુવાનોને મહિલાઓનો જ પ્રભાવ રહ્યો. લોકોને ગુસ્સો હતો જ, પણ વાતાવરણ ઉદાસ હતું.લોકોને આવતા અટકાવવા રાજપથ, વિજયચોક, ઇંડિયાગેટ તરફ જતા બધા જ માર્ગો સાધારણ માણસો માટે બંધ કરી દીધા. દિલ્હી ઢળાઢળ પોલીસે પોતાના ટિ્વટર એકાઉન્ટ પર લખ્યું કે માર્ગોનો ઉપયોગ સ્ટેશનોને માર્ગો હતા. કોઇને પણ સ્ટેશનની અંદર કે બહાર જવાની પરવાનગી નો’તી. આ દમન નથી તો શું છે? દિલ્હી શહેર, રાજય ને કેન્દ્રની પોલીસો છતાં લોકોનો આટલો ભય કે તેમને ભયભીત કરીને જતાં, આવતાં અટકાવવાના? સંસદથી પણ એક કિલોમીટર દૂર જંતરમંતર પર લોકોને જવાઆવવાની છૂટ હતી. આપણા દેશમાં, આપણી રાજધાનીમાં, આપણને હટવાફરવાની છૂટ નથી, આઝાદી ૧૯૪૭માં મળી ગઇ હોવા છતાં? આટલા પાબંદી તો અંગ્રેજોએ નથી મૂકી. યાદ રાખીએ કે ગંભીક સ્થિતિમાં દામિનીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. તે ખૂબ ખરાબ સ્થિતિમાં હતી, પણ તેને બ્રેઇન ઇન્ટરી હોઇ શકે છે. તેવું તપાસ દરમિયાન કોઇ ડોકટરના ધ્યાનમાં ન આવ્યું. આ વાત સિંગાપોર તેર દિવસે દામિની પહોંચી ત્યારે બહાર આવી. ડોકટરો એટલા બધા અબૂધ કેવી રીતે હોય કે બ્રેઇન ઇન્જરી પકડાય જ નહીં. દેશની રાજધાની દિલ્હીમાં ઉત્તમ પ્રકારની ટ્રીટમેન્ટ દામિનીને મળી જ છે એવા ભ્રમમાં રહેવા જેવું નથી. મતલબ કે રાજધાનીમાં પણ ટ્રીટમેન્ટમાં લબાચા હોઇ શકે છે તે નોંધવું ઘટે. આ આખીય ઘટનામાં દિલ્હીના મુખ્યમંત્રી શીલા દીક્ષિતની ભૂમિકા અત્યંત રહસ્યમય છે. ટ્રીટમેન્ટ માટે દેશ બહાર મોકલવાની સૌથી પહેલી વાત શીલા દીક્ષિતે કરી હતી ન જરા પણ સલાહાયટેલું નો’તું છતાં દામિનીને કટોકટ હાલતમાં સિંગાપોર ખસેડાઇ. શીલા દીક્ષિતે શોક પ્રગટ કરવા દિલ્હી જવાનું સ્વીકાર્યું તો દેખીતું છે કે તેમની આરતી તો કોઇ ઉતારે જ નહીં. ઉપસ્થિત દેખાકારોએ ‘શીલા ગો બેક’ના નારા લગાવી પાછા જવાની ફરજ પાડી. એક મીણબત્તી સળગાવીને દામિનીનું શીલા દીક્ષિતે નાહી લીધું. ઇન્ડિયા ગેટ પર દિલ્હી પોલીસે સીલ મારી દીધું. પછી શીલા દીક્ષિતને ભાન થયું ને ઇન્ડિયા ગેટને ખોલી નાખવાની વકીલાત કરી. તેમને ખબર નો’તી કે પોલીસ ઇન્ડિયાગેટ સીલ કરે છે? ગૃહમંત્રાલય જોડે પછી વાત કરવાનું સૂઝયું. તે વહેલું પણ સૂઝી શકયું હોત. ઉપરાજયપાલ તેજન્દ્ર ખન્ના જેવાએ પણ કહેવું પડયું કે લોકોને દુખ અને આક્રોશ પ્રગટ કરવાની છૂટ મળવી જોઇએ, તેમણેએ ડહાપણ પણ ડહોળ્યું કે લોકોએ શાંતિપૂર્ણ રીતે દુઃખ અને ક્રોધ પ્રગટ કરવા જોઇએ ઉપ રાજયપાલને પણ ખબર નો’તી કે ઇન્ડિયાગેટ સીલ થવાનો છે? ને ગુસ્સો શાંતિપૂર્ણ કેવી રીતેહોય તે તેજેન્દ્ર ખણા સમજાવી શકે તેમ છે? પોલીસ ઇનિડયા ગેટ સીલ કરવાની છે તેની ખબર મુખ્યમંત્રીને નથી. ઉપ રાજયપાલને નથી નહીંતર તે સીલ થવા જ શું કામ દે. જો તેઓ ઇચ્છતા હોય કે શોકને રોષ પ્રગટ કવા દેવા જોઇએ. આનો શો અર્થ કરીશું? એ જ ને કે દિલ્હીમાં પોલીસ શાસન છે. લોકશાહી શાસન નથી. પોલીસે નવી દિલ્હીમાં બધા જ વિસ્તારોમાં ૧૪૪મી લાગુ કરી હોય તો શીલા દીક્ષિત કઇ રીતે કહી શકે કે પ્રદર્શનકારીઓને ત્યાં દેખાવો કરવા દેવા જોઇએ?

દિલ્હી પોલીસે એવી જાહેરાત કરી કરી છેકે દામિની પર આક્રમણના મામલે તપાસ આરોપીઓ પર હત્યાનો ગુનો દાખલ કરાશે. કદાચ પોલીસને હત્યાની કોશિશની કલમ મનમાં હશે. પોલીસનું માનવું છે કે ૩ જાન્યુઆરીએ ચાર્જશીટ દાખલ કરી દેવાશે. દોષીઓ પર ખૂનની કલમ ૩૦૨ હેઠળ કામ ચલાવાશે. બધા જ ગુનેગારોને કડકમાં કડક સજાની વાત કરે છે. પણ ફાંસી જેવી સજા કરવા માટે કાયદામાં ફેરફાર કરવો પડે અને તે કરવાનું બાકી છે. એટલે તે સ્થિતિમાં કાયદો જ ફાંસીની હિમાયત કઇ રીતે કરી શકે તે પ્રશ્ન જ છે. પોલીસ ૩૦૨ ભલે લગાવે પણ કોર્ટ કાર્યવાહીમાં એ કેટલી ટકે તે વિચારવાનું રહે. આરોપીઓ દિલ્હીની તિહાર જેલમાં બંધ છે. તેમાં એક આરોપી સગીર હોવાનું કહે છે. આરોપી સગીર ભલે હોય તેણે બળાત્કારીની ભૂમિકા ભજવી છે. એટલે તેની સામે પણ અન્ય આરોપીની જેમ જ કાર્યવાહી કરવી ઘટે. કેટલીક સગીર કન્યાના કેસમાં તે અન્ય રીતે પુખ્ત હોવાનું લાગે તો કોર્ટ અપવાદ કરે છે. એવો અપવાદ આ મામલે પણ થઇ શકે. આરોપીઓ બળાત્કાર કરીને અટકી ગયા નથી. તેમણે પીડિતાને મરણ તોલ માર માર્યો છે. એને કારણે તેનું મૃત્યુ થયું છે ને તે પણ ભયંકર યાતના પછી આ મામલે દયામાયાની ગુંજાઇશ જ નથી.

વડાપ્રધાન સોનિયા ગાંધી, સુશીલકુમાર શિંદે, શીલા દીક્ષિત જેવા ઘણા નમૂનાઓએ કડક કાયદાની હિમાયત કરી તેમજ બસપાની સર્વેસર્વા માયાવતીએ પણ કડક કાયદો બનાવવાની વાત કરી છે. આ બધા જ કાયદો કડક કરવાની વાતકરે છે. તે કાયદો ખરેખર કડક કોણે કરવાનો છે? આ કામ લોકોએ કરવાનું છે? જો નહીં તો હેડફોલો તમે સલાહ આપો છો તેના કરતા કાયદો કડક કરવા લાગી પડો ને! કે એનું મુહૂર્ત કઢાવવાનુૂં છે? નોનસેન્સ!

માયાવતીએ વિશેષ સત્ર બોલાવવાની વાત પણ કરી છે. આ વાત વિપક્ષના નેતા સુષ્મા સ્વરાજે પણ કરી છે. પણ હજી સુધી મગનું નામ મરી પડ્યું નથી. માયાએ કાયદો કડક કરાવવા વડાપ્રધાનને પત્ર પણ લખ્યો છે. બધા જ અંદરોઅંદર ચલક ચલાણી રમે છે. માયાવતીએ આખું નાટક કેમ કર્યું? તેણે ઉત્તર પ્રદેશની સમાજવાદી પાર્ટીની સરકારને ભાંડવી હતી તેથી આખું નાટક કર્યું. જયારથી સમાજવાદી પાર્ટીની સરકાર બની છે મહિલાઓ તરફના ગુનાનું પ્રમાણ વધી ગયું છે. માયાએ આંકડો પણ પાડયો કે છેલ્લા દસ મહિનામાં સપાના રાજમાં ૧૫૦૦ બળાત્કારના કિસ્સા નોંધાયા છે. આ ટાઢા પહોરનું ગપ્પું છે. જે ઘટના બની છે તે દિલ્હીમાં બની છે ને દિલ્હીનો આંકડો ૬૦૦ નો હોય તો ૧૫૦૦ની ફેંકાફેંક નો અર્થ શો છે? મહિલા આયોગના અધ્યક્ષાએ દામિનીને શહીદ કહી હકીકતમાંતોદામિની શહીદ નથી થઇ, તેનો બલિ ચડાવાયો છે. ખોટી પ્રશંસા કરવા કરતા હકીકતને જોવી જોઇએ.

હવે નો સવાલ છે કે આપણે શું કરવાનું છે? સરકારે કરવાનું તો એ કરે કે ન પણ કરે. પણ પ્રજા તરીકે આપણું કોઇ કર્તવ્ય બને છે કે કેમ? એકાએક ગળે ન ઉતરે એવું એકકામ તે કોએજયુકેશનનું છે. ના તેથી જ છોકરો છોકરી સાથે રહે. પરિચયમાં રહે તેવી શૈક્ષણિક વ્યવસ્થા ગોઠવવી ઘટે. નંબર બે પરિવારમાં દીકરી જ ન હોય તે છોકરાની માનસિકતા બગાડવા માટેનું મહત્વનું કારણ છે. બાળકીનો જન્મ જયાં સુધી નહીં વધાવાય ત્યાં સુધી સ્ત્રી સન્માનનો કોઇ કારસ્તે સફળ થવાનો નથી. નંબર ત્રણ આપણે શિક્ષણને કેવળ ધંધાલક્ષી બનાવ્યું છે. તેને પરિણામે સંસ્કૃતિ ઇતિહાસ સાહિત્ય, સંગીત, ચિત્ર જેવી કલાઓનો છેદ ઉડ્યો છે. કેવળ ધંધાલક્ષી શિક્ષણે માણસને મશીન બનાવ્યો છે ને તે સંવેદન રીતે જહોય તેમાં નવાઇ નથી. સંસ્કૃતિ, સાહિત્ય અને અન્ય કલાઓને કારણે માણસમાં સંસ્કારો, સંવેદનાનો પ્રભાવ હતો તે લુપ્ત થયો છે. ને આખીને આખી પેઢી નોટ છાપનારાઓની નિષ્ઠુર, નિર્દય પેઢી બહાર પડી છે. તેને માન, સન્માનની પડેલી નથી. તે હરામનો પૈસો કયાંથી મેળવાય તેમાં જ માને છે ને એવા પૈસાથી કેવળ વિકૃતિ જ પોષાય આપણે ધંધાદારી શિક્ષણનો એટલો મહિમા કર્યો કે આખીને આખી પેઢી ગુનાહિત પેદા થઇ છે. તામસી મિજાજને ઐયાશીએ નવી પેઢીની લાક્ષણિકતા છે. એની પાસેથી આશાજ શી રખાય? એકવીસમી સદીએ ઘોડિયાઘરને ઘરડાં ઘર આપ્યા છે. જે બાળક મા પાસે ઉછરતું નથી તે આની ચિંતા કરે એવી અપેક્ષા રખાય જ નહીં. જે સંયુકત કુટુંબની હૂંફમાં દાદાદાદી પાસે બાળક ઉછરતું હતું તેને નિષ્ઠુર થવાની તકો જ ઓછી હતી. નાનાં કુટુંબના સરકારી કન્સેપ્ટે કૌટુંબિક ખામીઓ ઘણી પ્રગટાવી.

આપણે ભૂલ્યા ત્યાંથી ફરી ગણવું પડશે. કેવળ ધંધાદારી શિક્ષણનો પ્રભાવ ઓછો કરવા સંવેદનશીલ પેઢીનું સર્જન કરવું પડશે. એવું નથીકે બળાત્કાર કે ભ્રષ્ટાચાર હતા જ નહીં. દરેક સમયમાં આ બે બાબતો રહી જ છે પણ તેનું પ્રમાણ અસહ્ય થયું છે. તેમાં શિક્ષણ દ્વારા પેદા થયેલા નિતનિયમો ફાળો મોટો છે. સગોબાપ કે સગોભાઇ કે નજીકના સગાઓ બાળકી કે સ્ત્રીને છોડતા નથી ને આ પેઢીની સહજત છે. વિદેશી વિકૃતિઓને આયત કરવામાં આપણે નકલખોર ને નફફત પેઢીનો ઉછેરી રહ્યા છે. આ બધું કાયદા દ્વારા કે પોલીસ કે સરકાર દ્વારા શકય નથી. કાયદાનો અમલ થાય તો તે પ્રભાવક બને જ, પણ આપણા તંત્રો જ કાયદાને કોઇના હિતમાં ને પોતાની કમાણીમાં ઢીલો પાડે તો કાયદાનું કૂટવાથી શું વળશે? નબળી પ્રજા સારી સરકાર આપે તે અશકય છે. આપણે સમજી લઇએ કે સરકારે આપણી પેદાશ છે. સરકારને ભ્રષ્ટ કરનારાં તત્વોમાં પ્રજા મોખરે છે. આપણું કામ કરાવવા પટાવાળો જો પૈસા પામતો હોય તો અધિકારી કે અન્ય પદાધિકારીઓ આપણને શું કામ છોડશે? સરકાર જવાબદાર નથી એવું નથી. તે પણ ખાઇબદેલીછે. તેને હરામનું ઘણંુ સદી ગયું છે. તે હરામ હાડકાની થઇ છે. પ્રજાનો વિશ્વાસ તેણે ગુમાવી દીધો છે. ૨૦૧૪માં ચૂંટણી આવે જ છે. કદાચ તે પહેલા પણ આવે તો શું થશે? આ જ કમબખ્તો લમણે ઝીંકાવાના છે. ભાજપ કે કોંગ્રેસ બંનેની પ્રજાને ઘાત છે.

Advertisements

Responses

 1. અત્યારે વાતાવરણમાં મીડીયાએ ઝેરીલો ગેસ છોડ્યો છે. એટલે આપણન બધાને ચારેબાજુ અન્યાય અને માત્ર અન્યાય દેખાય છે. એવુ ન થાય કે માત્ર સરકારને દોષ દેવાની આદત પડી જાય.
  જોકે તમારા કેટલાય સુચનો આવકાર્ય છે. હું લાંબા ગાળાના બેટી બચાઓ આંદોલનને જ એકમાત્ર ઉપ્પય તરીકે જોઉ છુ.

  (૧)જે ઘરમાં માત્ર છોકરી હોય તેમને પેશન અને મેડીકલ ઇન્સ્યોરંસ આપો.
  (૨)દરેક બાળકી દીઠ મા-બાપને કર-રાહતો આપો.
  (૩) અધાર કાર્ડના પૈસા અને એવી બધીજ સ્કીમ ના લભો તેમને જ આપો જેમને છોકરી હોય.
  (૪) નર બાળકના ગર્ભપાતની મંજુરી આપો.
  આ અને આવા દરેક ઉપાયો જેનાથી નર-નારી નો રેશીયો જળવાય તો જ આ સમસ્યાનો પ્રેકટીકલ ઉપાય થશે. બાકી માત્ર સરકાર તો હું કે તમે વડાપ્રધાન બનીયે તો પણ શેક્યો પાપડ ન શેકી શકાય.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

શ્રેણીઓ

%d bloggers like this: