Posted by: bazmewafa | 08/10/2012

શ્રી સુરેશ દલાલની કેટલીક કવિતાઓ—સંકલિત

સુરેશ દલાલ (1932-2012)શબ્દોના માણસ હતા.અછાંદસ કવિતા,બાળકાવ્યો,ગીત,ગઝલ,સોનેટ,કવિતાના કોઈ અંગને એ સ્પર્શ્યા વિના રહ્યા નથી.કવિતા માટે જીવતા આ માણસ ઉમરની સંધ્યાએ પણ અવિરત કાર્ય કરતા રહ્યા.કાવ્ય,નિબંધ,કટાર લેખન,વિવેચન,સંપાદન શબ્દની એકેય ગલી એવી નથી જ્યાં એમણે સરળતા અને સહજતાથી પગ ન મૂક્યો હોય.એમનાં નામ સાથે સંકળાયેલા પુસ્તકોની યાદી લખવા બેસીએ તો પાનાંઓ ઓછા પડે,એમનાપોતાના શબ્દોમાં કહીએ તો –‘આ માણસ લખે છે ,ઘણું લખે છે.લખવા થયો હોય એમ લાગે છે.(સંકલિત)

શ્રી સુરેશ દલાલની કેટલીક કવિતાઓ.

—————

તમે વાતો કરો તો થોડું સારું લાગે :

તમે વાતો કરો તો થોડું સારું લાગે,

આ દૂરનું આકાશ મને મારું લાગે.

વૃક્ષો ને પંખી બે વાતો કરે છે

ત્યારે ખીલે છે લીલેરો રંગ;

ભમરાના ગુંજનથી જાગી ઊઠે છે

ફૂલોની સૂતી સુગંધ.

તમે મૂંગા તો ઝરણું પણ ખારું લાગે,

તમે વાતો કરો તો થોડું સારું લાગે,

રોમાંચે રોમાંચે દીવા બળે

અને આયખું તો તુલસીનો ક્યારો;

તારી તે વાણીમાં વ્હેતો હું મૂકું છું

કાંઠે બાંધેલો જનમારો.

એક અમથું આ ફૂલ પણ ન્યારું લાગે

તમે વાતો કરો તો થોડું સારું લાગે.

————

આંખ્યુંના આંજણમાં :

આંખ્યુંના આંજણમાં ફાગણનો કેફ અને અંબોડે કેસૂડો લાલ;

રંગ ને સુગંધના સરવરિયે સંગ સંગ સાંવરિયા રમવાને ચાલ !

 

આવતા ને જાતાં આ વરણાગી વાયરાએ મચાવ્યાં છે ઝાઝાં તોફાન;

ભૂલીને ભાન ભંવર ભમતો ભમે છે આજ પુષ્પોના અમરતને પાન.

આંબલિયે બજવે છે કોકિલ બાંસુરિયાં અંતરને ઊંડે ઉછાળ;

રંગ ને સુગંધના સરવરિયે સંગ સંગ સાંવરિયા રમવાને ચાલ !

 

લૂમઝૂમતી મંજરીની હરિયાળી મ્હેક મારી મબલખ જગાવે છે ઝંખના;

નજરુંને હેરીને જોયું જરીક, કેવાં ઊડે પતંગિયા અજંપનાં !!

થઈને ગુલાલ આજ રંગે ધરાની ધૂળ વાયરાના રેશમી રૂમાલ;

રંગ ને સુગંધના સરવરિયે સંગ સંગ સાંવરિયા રમવાને ચાલ !

—————

અમે તો ગીત ગુલાબી ગાશું! :

 

નાનાં અમથાં આજ ભલે ને, કાલે મોટા થાશું;

અમે તો ગીત ગુલાબી, ગાશું !

 

કળી-કળીનાં ફૂલ થાય ને બુંદ-બુંદનો દરિયો !

નાની અમથી વીજ ચમકતી આભે થઈ ચાંદલિયો;

મસ્ત થઈને અજાણ પંથે અમે એકલાં જાશું :

અમે તો ગીત ગુલાબી ગાશું !

 

નાનકડી કેડીનો થાતો મારગ કેવો મોટો;

એવા મોટા થઈશું કે નહિ જડે અમારો જોટો !

હશે હોઠ પર સ્મિત : આંખમાં કદી હોય નહિ આંસુ,

અમે તો ગીત ગુલાબી ગાશું !

———–

યહી જીવન હૈ! :

 

કોઈકને જીવવા નો થાક લાગે છે,

કોઈકને ધાર્યું નહિ જીવવાનો વસવસો છે,કોઈ ને જીવવાનો નર્યો નશો છે,

કોઈને મરણની સાથે મહોબત થી જાય છે,કોઈક ઉદાસ છે.

કોઈકને જીવવાની ભરપુર પ્યાસ છે.

અને સાવ એકલા હોઈએ ,કે કોઈનો સહેવાસ હોય,

પ્રાસ મળે કે ન મળે,તો પણ

પંક્તિએ પંક્તિએ પ્રગટ તો થવાનું જ છે

ફૂલ ઉગતા પહેલાં ,કદિ વિચાર નથી કરતું,

કે ચૂંટાઈ જઈશ તો શું ?

બજારમાં વેચાઈ જઈશ તો શું ?

વિચાર નથી કરતું એટલે તો

એ ખુલે છે ને ખીલે છે.

ઝાકળ બિંદુને અને આકાશને એ

પોતાની રીતે ઝીલે છે.એકવાર ડાળી પર પ્રગટ્યું,

પછી હવામાં ઝૂલવાનું તો છે.

કાંટાથી ચિરાઈ જાય તો પણ,

સુગંધમાં વીખરવાનું તો છે.

પણ મારે,તમારે અને આપણે,

જીન્દગી જીવવાની છે-સહજપણે ,

ઝાડની જેમ,ફૂલની જેમ,નદીની જેમ,

વહી જતી સદીઓનો સદીની જેમ.

(સંકલિત)

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

શ્રેણીઓ

%d bloggers like this: