Posted by: bazmewafa | 10/06/2011

સાચ્ચે ગુજરાત હવે વાંચે ગુજરાત…(વાતનું વતેસર)– – ડો. રઈશ મનીઆર

સાચ્ચે ગુજરાત હવે વાંચે ગુજરાત…(વાતનું વતેસર)– – ડો. રઈશ મનીઆર

ગુજરાતીઓ જેવું પુસ્તકપ્રેમી વિશ્વમાં ભાગ્યે જ બીજું કોઈ હશે. ગુજરાતીઓ પુસ્તક માટે ચોપડા શબ્દ વાપરે છે અને ધનતેરસના દિવસે ધનની સાથે સાથે એનું પણ પૂજન કરે છે. આમ તો લક્ષ્મી અને સરસ્વતી બે બહેનો. સરસ્વતી સાથે વધુ ઘરોબો રાખીએ તો લક્ષ્મી રિસાઈ જાય એટલે સરસ્વતી સાથે માપસરનો જ સંબંધ રખાય. ગુજરાતીઓને મન બુક્સની વ્યાખ્યામાં ચેકબુક, પાસબુક, એમની નાની સાઈઝની કારણે સહેલાઈથી ફિટ થઈ જાય.

બાકીનાં થોથાંઓ માટે તો લાઈબ્રેરીઓ છે જ ને…. ‘ગરીબ કી જોરુ સબ કી ભાભી’ જેવી હાલત લાઈબ્રેરીનાં પુસ્તકોની હોય છે. લેખકે જે કંઈ લખ્યું હોય તેથી વિશેષ વાચકોને કંઈ કહેવાનું હોય છે. હોય જ છે. તેથી વાચકો સ્વહસ્તાક્ષરે પુસ્તકની સમૃદ્ધિમાં વધારો કરે છે. ‘લખનાર ગધેડો છે’ ત્યાંથી શરૂ કરી ‘વાંચનાર ગધેડો છે’ ત્યાં સુધીનાં લખાણો દ્વારા પોતાના સિવાયના જીવોના મનુષ્યત્વ પર શંકા કરે છે. જોકે, ઘણી વાર મૂળ લખાણ કરતાં આ લખાણ વધુ રસપ્રદ હોય છે!

કેટલાક પરગજુઓ પુસ્તકની અંદર રસ પડે તેવું શૃંગારિક લખાણ કયા પાને છે, તેની નોંધ અન્ય વાચકોના લાભાર્થે પહેલે પાને જ કરી દેતા હોય છે તો કેટલાક વાચકો એ રસપ્રદ પાનાંઓ ફાડી લઈ જાય, તે વખતે ‘તેઓ વિકૃત કે લંપટ છે’ એવું વિચારવાને બદલે તેઓ શંકરની જેમ વિષપાન કરી સમાજને અધોગતિથી બચાવે છે એમ ન કહેવાય?

માણસે જીવનમાં જ્ઞાન પચાવવું જોઈએ એવી મહાપુરુષોની સલાહને અનુસરી ન્યાયે ઘણા પુસ્તકાલયનાં સારાં સારાં પુસ્તકો પચાવી પાડે છે અને ખરાબ પુસ્તકો પર ‘વાંચવાલાયક નથી’ એવો શેરો મારી દે છે. આમ સ્વહિત અને પરહિતનું કામ એકસાથે કરે છે. તાજેતરમાં એક મહાનુભાવના સ્વમુખે આપણે સાંભળ્યું હતું કે જે ઘરમાં પાંચ સારાં પુસ્તકો ન હોય તે ઘરમાં દીકરી આપશો નહીં, ત્યારથી અમારા પસ્તીવાળાનાં છોકરાંઓ માટે માંગાઓની વણઝાર લાગી છે!

હું નસીબદાર લેખક છું, કેમકે મારા મિત્રો મારાં પુસ્તકોને અમૂલ્ય સમજે છે. એટલે કે મૂલ્ય ચૂકવ્યા વગર મેળવવાની આશા રાખે છે.

ઘણી વાર મેં સપ્રેમ ભેટની નોંધ સાથે મિત્રોને ભાવપૂર્વક આપેલાં પુસ્તકો મને પસ્તીવાળાને ત્યાંથી કિલોના ભાવે પાછાં મળે છે. જોકે મારા બધા મિત્રો એવા નથી. માત્ર નવ્વાણું ટકાના કારણે બાકીનાનું નામ બદનામ ન કરાય. બાકીના એક ટકા સાચા પુસ્તકરસિકો છે, કેમકે તેઓ મારાં પુસ્તકોને સદાકાળ ઘરમાં રાખે છે. જાડાં પુસ્તકનો ઉપયોગ પેપરવેઈટ તરીકે અને પાતળા પુસ્તકનો ઉપયોગ તિજોરીના ડગમગતા પાયાને સંતુલિત કરવા માટે કરે છે. અને એ રીતે તેઓ ગૌરવ લઈ શકે છે કે એમની જાહોજલાલી જ્ઞાનના પાયા પર ટકેલી છે.

લેખક તરીકે જ્યારે મારો આત્મવિશ્વાસ ડગી જાય, હતાશાની ગર્તામાં ડૂબી જવાય ત્યારે હું કોઈ સાઇકિયાટ્રિસ્ટ કે ઉપદેશકની પાસે જવાને બદલે પસ્તીવાળાની દુકાને જાઉં છું. ત્યાં ટાગોર, ઉમાશંકર જોશી, ચન્દ્રકાંત બક્ષી, હરકિસન મહેતા અને હું… કોઈ પણ ભેદભાવ વગર એક જ ભાવે (૪ રૂ. કિલો) વેચાઈએ છીએ. આ જોઈને મારી હીનતા દૂર થાય છે. ડિપ્રેશન ગાયબ થાય છે અને મારું લેખન ફરીથી શરૂ થાય છે. મસ્તીથી પસ્તી થવા માટે…

પેશ-એ-ખિદમત છે ‘વાંચે ગુજરાત’ના મુબારક મોકા પર અમારી રૂહાની ખુશીનો ઈઝહાર કરતું એક ગીત

વાંચે ગુજરાત, અલ્યા!

સાચ્ચે ગુજરાત, હવે વાંચે ગુજરાત

‘ઢ’ ભાઈની જાનમાં,

‘છ’ ભાઈની શાનમાં

દીર્ઘ ‘ઈ’ની જેમ વળી, નાચે ગુજરાત

વાંચે ગુજરાત, અલ્યા!

સાચ્ચે ગુજરાત હવે વાંચે ગુજરાત

ગરવા ગુજરાતીએ કીધા છે

વાંચનના એવા તે શ્રીગણેશ

વાંચશે કદીક એ ગ્રંથો પણ

હમણાં તો વાંચે બસ એસએમએસ

સંતોની ટોક એમાં, ખોલો જો લોક,

તો નોનવેજ જોક, બધું વાંચે ગુજરાત

વાંચે ગુજરાત, અલ્યા!

સાચ્ચે ગુજરાત હવે વાંચે ગુજરાત

જીવનરસ પીવાને દક્ષિણમાં

દમ્મણ ને ઉત્તરમાં આબુ

પૂરવમાં સાપુતારા પશ્ચિમમાં

દીવ પછી કેમ રહે કાબૂ

રાતદિવસ સંતોષે વાંચન રસ,

બોટલનાં લેબલ, બસ વાંચે ગુજરાત

વાંચે ગુજરાત, અલ્યા!

સાચ્ચે ગુજરાત હવે વાંચે ગુજરાત

ગઝલો ના ગમશે કદી શે’ર,

હાલ મારકેટના શેરથી લગાવ

શે’રોમાં નિપજે તે ભાવ નહીં,

શેરોના ઉપજે તે ભાવ,

કાવ્યો કાવ્યો તું કરે,

કાવ્યો કાવ્યો એ કરે,

લાવ્યો નવો પ્રાસ, વાંચે ગુજરાત,

વાંચે ગુજરાત, અલ્યા!

સાચ્ચે ગુજરાત, હવે વાંચે ગુજરાત

(સંદેશ5મે2011ના સૌજન્યથી)

amiraeesh@yahoo.co.in

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

શ્રેણીઓ

%d bloggers like this: