Posted by: bazmewafa | 06/22/2011

ભારતની મહામોટી શરમ —યશવંત મહેતા

ભારતની મહામોટી શરમ —યશવંત મહેતા

<h3એમ.એફ. હુસેનનું વિદેશમાં અવસાન

તા. દસમી જૂન, ૨૦૧૧નાં અખબાર શોકજનક સમાચાર લઈને આવ્યાં કે ગત એક શતાબ્દીના ભારતના સૌથી મહાન,  સૌથી વધુ જાણીતા, અને કેટલાંક સમાજવિરોધી તત્ત્વોને કારણે સૌથી વધુ વિવાદિત બનેલા ચિત્રકાર એમ.એફ.હુસેન(મકબુલ ફીદા હુસેન)નું નવમી તારીખે લંડનમાં અવસાન થયું છે. ઓગણીસમી સદીથી વીસમી સદીના પ્રારંભ સુધીના ગાળાના શ્રેષ્ઠ ભારતીય ચિત્રકાર રાજા રવિ વર્મા હતા.

૧૭ સપ્ટેમ્બર, ૧૯૧૫ને દિવસે જન્મેલા મકબુલ ફીદા હુસેન, વીસમી સદીના પ્રથમાર્ધીથી ૨૦૧૧ સુધીના શ્રેષ્ઠ ચિત્રકાર  હતા. અને સંભવ તો એવો છે કે એકાદ સહસ્ત્રાબ્દના શ્રેષ્ઠ ચિત્રકાર પણ એ ગણાશે.

   ફિલ્મો માટેનાં પોસ્ટરો ચીતરવાથી શરૂ કરનારા અને જીવનના અંત સુધીમાં કરોડોની કિંમત અંકાય એવાં ચિત્રો દોરનારા હુસેનની ઘણી વિચિત્રતાઓ હતી, વિશિષ્ટતાઓ હતી. ધૂનો હતી,પરંતુ આખરી નિષ્કર્ષમાં એ શ્રેષ્ઠ ચિત્રકાર હતા. ક્યારેક જાણીબૂઝીને વિવાદો સર્જતા લાગતા હુસેન સૌંન્દર્યના અઠંગ પૂજારી હતા. ખાસ કરીને ફિલ્મોમાં ચમકતી ખૂબસૂરત અભિનેત્રીઓની એ ખૂલીને પ્રશંસા કરતા. આમાં એમનો લગીર પણ દુર્ભાવ ન હોતો. માત્ર તકલીફ એ હતી કે લાજ, ઘૂંઘટ, હિજાબ અને ઓઝલ-પડદાના સંસ્કાર ધરાવતા આપણા દેશના ઘણા લોકો સૌંદર્યપ્રશંસાને લંપટતા જ માની બેસે છે.

હુસેનને જે અંજલિઓ અપાઈ છે એમાં સ્પષ્ટ લખાયું છે કે એ રામાયણ, મહાભારત અને હિન્દુ દેવસૃષ્ટિ (પાનથીઓન)નો બહોળો પરિચય ધરાવતા હતા. પોતાનાં સંખ્યાબંધ ચિત્રોમાં એમણે આ બધાં પ્રત્યેનો અહોભાવ અને સન્માનભાવ વ્યક્ત કર્યો છે.

     હનુમાનજી, ગણેશજી, દુર્ગામાતા, વગેરે વગેરેનાં એમનો ચિત્રો દર્શાવે છે કે કેવો અપ્રતિમ આદર તેઓ આ દેવત્વો વિશે ધરાવતા હતા. આમ છતાં, એક સરસ્વતી દેવીના એમના ચિત્ર બદલ કેટલાંક તત્ત્વોએ તેમને ખૂબ હેરાન કર્યા. ઠેર ઠેર એમની સામે મુકદ્દમાં માંડ્યા. કેટલાકે તો એમની હત્યાની પેરવીઓ કરી. પરિણામે, લગભગ ૮૫- ૮૬ની જૈફ વયે એમણે દેશ છોડવો પડ્યો. વતન માટે, ભારત માટે, અરે, અમદાવાદ માટે એમને અનહદ પ્રેમ હતો.

પરંતુ અમુક તત્ત્વો એમના લોહી માટે એટલાં તરસ્યાં હતાં કે એમણે જાતે દેશનિકાલની સ્થિતિ સ્વીકારી લીધી હતી. જે દેશમાં લગભગ નિર્વસ્ત્ર એવાં લાખો દેવતા-શિલ્પો છે. જે દેશમાં ખાજુરાહો અને મોઢેરા જેવાં કામકલાનું નિદર્શન કરતાં

હજારો હજારો શિલ્પો છે, ત્યાં પૂરા સન્માનભાવથી દોરાયેલી માતૃ-ચિત્ર બદલ એમની હત્યાનો અનુરોધ કરાયો અને એમણે વતન માટે ઝૂરતાં ઝૂરતાં વિદેશની માટીમાં ધરબાવું પડ્યું. મકબુલ ફીદા હુસેન વિશે,એમના જીવન તથા કાર્ય વિશે,એમને મળવા લાગેલા અનર્ગળ ધન વિશે, એમણે બનાવેલી ફિલ્મો વિશે અહીં ઘણું લખી શકાય. પરંતુ આજે એમને જરાક જુદી રીતે અંજલિ આપવી છે.

       વિવિધ વ્યક્તિઓએ તેમને અંજલિ અર્પતાં શું શું કહ્યું તે અહીં નોંધવું છે, જેથી વાચકોને આ ચિત્રકારની મહાનતાનો, એમને થયેલા હળાહળ અન્યાયનો અને દેશમાં કેવા પ્રકારનાં કેટલાંક અમાનવીય તત્ત્વો ફાલેફૂલે અને ફાળકે ચડે છે એનોય ખ્યાલ આવશે.

* એમને વિશેનો અક્કલ હીણો વિવાદ અમુક હેતુપૂર્વકનો હતો. ભૂંડા રાજકારણીઓએ પ્રસિદ્ધિને ખાતર અને પોતાના આગવા હેતુ સારવા માટે ઊભો કરાયો હતો. ક્યારેક આજકાલમાં હું એ ગુનેગારોનાંય નામ દઈશ.

અંજલિ ઈલા મેનન, કલાકાર

* જે પ્રકારે હુસેનનું નિધન થયું તે દર્શાવે છે કે એક મહાન દેશમાં જૂઠા માણસો વસે છે. –જનીન દાસ, કલાકાર.

* જે લોકોએ તેમને ભારત આવતા અટકાવ્યા એ મૂરખા હતા, તદ્દન મૂરખા, જે માત્ર પોતાને પ્રસિદ્ધિ મળે એમા ઝંખતા હતા. એમના મુંબઈ ખાતેના પ્રદર્શનમાં એ લોકો આવ્યા અને કહેવા લાગ્યા કે પેલા ચિત્રો ઉતારી લો – એમાં રામ કે સીતા

કે મહાભારતનો કશો સંદર્ભ નહોતો… પરંતુ અભદ્ર ગૂંડાઓ તરફથી આ પ્રકારની ધમકીઓ આવ્યા કરતી. – અકબર પદમશી, નાટ્યકલાકાર.

* હુસેનનો બચાવ નહી કરવાના પોતાના (કૃત્ય)નો પસ્તાવો કરવા માટે કોંગ્રેસ પાસે એક જ માર્ગ છે – એમને ભારતરત્નનો મરણોત્તર ખિતાબ આપવો. – રામચન્દ્ર ગુહા,ઈતિહાસવિદ.

* હુસેનનું અવસાન ભારતની બહાર થયું એ બદલ ભારતે પસ્તાવું પડશે. એ પસ્તાવો આપણને સદાય કોરતો રહેશે. –ગુલઝાર, કવિ-ગીતકાર

* કોંગ્રેસ એમના ટેકામાં બહાર આવતી નહોતી. સંઘ (આર.એસ.એસ.)ના એક પણ નેતાએ એમ કહ્યું ન હોતું કે એમના પરના હુમલા છેવાડા પરનાં અનિયંત્રિત જૂથોએ કર્યા હતા. (એટલે કે એ લોકો મૌન રહ્યા હતા.) – વિવાન સુંદરમ્ ચિત્રકાર

* આપણી કહેવાતી સહિષ્ણુતા હુસેનના કિસ્સામાં જરાય લાગુ ન પડી. આપણા મસ્તક શરમથી ઝૂકી જવાં જોઈએ. – શ્યામ બેનેગલ, ચલચિત્ર નિર્માતા !

* હકીકતમાં હુસેન અવસાન પામ્યા નથી. એમણે માત્ર ઉમરો ઓળંગ્યો છે અને સ્વગૃહે ગયા છે. હું માનું છું કે જિંદગી વિશે આપણે જે, જેવું માનીએ છીએ તેવું એ માનતા ન હોતા, અને એથી એ અવસાન પામે એ શક્ય જ નથી. – બાલકૃષ્ણ દોશી,અમદાવાદની ગુફાના હુસેન સાથેના સહ-સર્જક સ્થપતિ.

* હું એમને કેટલીક વાર મળ્યો છું, અને એ ખરેખર વખાણવા લાયક માણસ હતા… હું માનું છું કે એ ઉત્તમ ચિત્રકારોમાં એક હતા એટલું જ નહીં પૃથ્વી પરના એ સર્વોત્તમ માણસ હતા. કે.જી.સુબ્રમણિયમ, ચિત્રકાર (વડોદરા)

* મેં એમને વહેલવહેલા ૧૯૫૭માં મ.સ.યુનિ.માં જોયા જયારે હું લલિત કલાનો વિદ્યાર્થી હતો. એમને અમારા વિભાગના મહેમાન તરીકે નોતરવામાં આવ્યા હતા, જયાં એમણે અમારી નજર સમક્ષ એક ચિત્ર દોર્યું અમે સૌ આશ્ચર્ય ચકિત

થઈને જોઈ રહ્યા… એમણે (મારા એક પ્રદર્શનના ઉદ્ઘાટન ટાણે) પોતાના કેટલાંક કાવ્યોનું વાચન કરેલું. મારા જીવનની એ સૌથી વધુ યાદગાર ક્ષણો હતી. ગુલામ મોહમ્મદ શેખ, ચિત્રકાર અને કવિ.

* એ આપણામાંથી કોઈના પણ જેટલા હિન્દુ હતા… જે કોઈપણ માણસ પોતાના દેશને ચાહતો હોય તેને માટે દેશનિકાલની અવસ્થા વેદનાદાયક હોય છે. અને હુસેન મરતાં લગી ભારતને ચાહતા રહ્યા. દેશ છોડ્યા વગર એમનો છુટકો રહ્યો નહોતો કારણ કે પોતે જેને સર્વાધિક મૂલ્યવાન ગણતા હતા તે વસ્તુ એમની પાસેથી  છીનવી લેવામાં આવી હતી. એ વસ્તુ હતી એક ભારતીય તરીકેની એમની ઓળખ મારે માટે સૌથી દુઃખદાયક હકીકત એ છે કે આપણો સૌથી મહાન ચિત્રકાર, જે ભારતીય તરીકે પંઢરપુરી તરીકે જન્મ્યો, મુંબઈકર હોવાના ગર્વ સાથે જીવ્યો, પરંતુ એક કતરના નાગરિક તરીકે મરણ પામ્યો હતો લંડનના કોઈક છેવાડાના કબ્રસ્તાનમાં દફન થશે આશિષ નંદી, ચિંતક અને નિબંધકાર

* મારો એમની સાથેનો સંબંધ ઘણા લાંબા સમયનો હતો ૧૯૫૦થી કે જયારે મેં એમની મોટરકાર ખરીદી હતી અને એને મારી સાથે મુંબઈ લઈ આવ્યો હતો. મારે માટે એ હમેશાં એક પ્રેરણાદાતા અને ઉષ્માપૂર્ણ સ્વજન રહ્યા છે. એ મને સતત પ્રેરતા રહેતા કે બીજું બધું છોડી દે અને માત્ર ચિત્રો દોર. એમનું જીવન યુવા ચિત્રકારો માટે ભવ્ય પ્રેરણારૂપ છે. એમનામાં જબ્બર રમૂજવૃત્તિ હતી અને એ અફલાતૂન વાતોડિયા હતા. એમની કાવ્યની સમજ પણ જબ્બરદસ્ત હતી. મુઝફફર અલી, નાટ્યકલાકાર અને ચલચિત્ર – નિર્માતા.

* એ મારા પિતાના નિકટના મિત્ર હતા અને અમને મળવા આવ્યા કરતા. હુસેન જેવા ચિત્રકાર કે જે આટલી બધી ક્ષમતા ધરાવતા હતા અને જેમણે દેશને ઘણો બધો યશ ર્અિજત કરી આપ્યો હતો, એમણે દેશ છોડવો પડ્યો અને તે એટલા જ ખાતર કે એક નાનકડું લોક-જૂથ દાવો કરતું હતું કે અમારી લાગણી ઘવાઈ છે. એકવીસમી સદીમાંય આપણે આવું બનવા દીધું તે ખરેખર ખૂબ જ વેદનાજનક છે. આપણે એકલક્ષપણે મામલામાં પરોવાઈને એમને પાછાબોલાવવા જોઈતા હતા. એ ભારતમાં ઊંડે સુધી રોપાયેલા હતા. (એટલે કે એમના સંસ્કાર ગહનપણે ભારતીય હતા.) એમનાં માતાજી નૌવાત (નવવારી) સાડી પહેરતાં, કારણ કે એ મહારાષ્ટ્રમાં જન્મેલાં – શબાના આઝામી, અભિનેત્રી.

* હુસેનસાહેબ એક સંસ્થારૂપ હતા એટલું જ નહીં એ એક મહાન માનવ હતા અને સાચા સાચા ભારતીય હતા. એ ભારતના ગૌરવરૂપ હતા. પરંતુ આપણે એમની જિંદગીનાં અંતિમ વર્ષો દરમિયાન એમને ન્યાય ન અપાવી શક્યા, એ ખૂબ જ

દુઃખની વાત છે. એ દુબઈથી મને વારંવાર ફોન પર કહેતા કે હું ભારતની ખોટ સતત મહેસૂસ કરું છું, ભારતથી સારો અન્ય કોઈ દેશ નથી. – સુભાષ ઘાઈ, ચલચિત્ર – નિર્માતા

* એ ચોક્કસ છે કે ભારતીય રાજકારણે એમને દગો દીધો. આપણા સમાજમાંથી ઘણાએ તેમના પર હુમલા કર્યા અને બહુ ઓછા એમને ખરેખર સમજી- પ્રશંસી શક્યા, અને પોતે જે અનુભવે તથા કલ્પે તે પ્રમાણે સર્જન કરવાના એમના

અધિકારનો બચાવ કરનારા ખરેખર ખૂબ ઓછા નીકળ્યા -જેમાં સૌથી ખરાબ તો આપણી સરકારો જવાબદાર છે, જે પોતાના પ્રિય દેશમાં રહેવા અને કામ કરવાની એમની ભાવનાને રક્ષવામાં નિષ્ફળ નીવડી. સુનીલ ખિલનાણી, કલા-વેચક

 * એમ.એફ.હુસેન પોતાની માતૃ ભૂમિમાં પોતાના અંતિમ દિવસ ગાળી ન શક્યા ! હવે રડ, વહાલા દેશ, રડ ! (ક્રાય, ધીબીલવ્ડ કન્ટ્રી, ક્રાય !) – અમિતાભ બચ્ચન, મહાન અભિનેતા

* હુસેનના નિધનથી હું ખૂબ દુઃખી છું. તેઓ ભારતીય કલાના દિગ્ગજ તથા શાનદાર વ્યક્તિત્વના માલિક હતા. ભારત માટે એમનું અવસાન મોટું નુકસાન છે. – શશી થરૂર, પૂર્વ-વિદેશ રાજયમંત્રી

* ગઈ કાલે (તા. ૯-૬- ૨૦૧૧) આપણે એક રાષ્ટ્રીય સંપત્તિ ગુમાવી. એમ.એફ. હુસેને પોતાના ઘરથી દૂર અંતિમ શ્વાસ મુક્યો… હું વકીલ હતો ત્યારે મેં એમના લગભગ તમામ કાનૂની મુકદ્દમામાં લડત આપી હતી. એમના મુક્ત

આત્મા પરના ઝેરી હુમલાઓથી એ ખૂબ જ ક્ષુબ્ધ હતા… એ સમજી જ નહોતા શકતા કે એમના પર શા માટે હુમલા કરવામાં આવી રહ્યા છે… જેઓએ એમના પર હુમલા કર્યા એમણે પુનઃવિચાર કરવાની જરૂર છે. (કારણ કે)

તેઓ ભારતના સમૃદ્ધ આત્મા પર પ્રહાર કરતા હતા. કપિલ સિબલ, કેન્દ્રીય માનવસંસાધન મંત્રી.

* જે એક સમયે એક કઠોર મહાનગરમાં પેટગુજારા માટે પાટિયાં ચીતરતા હતા તે પોતાના વતનના ગામડાની ગંગા-જમની સંસ્કૃતિની નિર્દોષતા તેમજ હિન્દુ તથા મુસ્લિમ સંસ્કારો વચ્ચેના ભાઈચારાનો વારસો લઈને રામાયણ અને મહાભારત જેવાં પોતાનાં પ્યારાં મહાકાવ્યોને લઈને સાછઠના દાયકામાં ચિત્રો દોરવા લાગ્યા. પોતે અત્યંત પ્રેમથી આ ચિત્રો દોર્યાં એટલું જ નહીં બળદગાડામાં લઈ જઈને આ ચિત્રો અનેક ગામડાંઓમાં પ્રર્દિશત  લાગ્યા. ગામડાંનાં લોકો માટે આધુનિક ચિત્રકળા અજાણી હતી, પરંતુ આ કથાઓ જાણીતી હતી. કેટલાક દાયકા પછી એમના પર હુમલો કરનારાઓ હુસેનની આ અદ્ભૂત નિઃસ્વાર્થ ઉત્સાહી સેવાઓથી તદ્દન અજાણ હતા. એમના કરતાં વધારે સાચો અને વધારે દેશભક્ત ભારતીય ચિત્રકાર અન્ય કોઈ નહોતો. અર્પણા કોર, ચિત્રકાર.

 આ અને આવી સેંકડોહજારો પ્રશંસાત્મક અંજલિઓ એમ.એફ.હુસેનની મહાનતા દર્શાવી આપે છે. પરંતુ એમને જીવનમાં સતાવનાર તત્ત્વો એમના મોત પર પણ માતમ મનાવવાને બદલે મેલી વાણી ઉછાળતાં રહ્યાં. એવાં કેટલાંક તત્ત્વોના ઝેરયુક્ત શબ્દો અમારે અમારી આ કલમ વડે નથી લખવા. જેમને કાદવ-કીચડ જોવો જ હોય તેઓ “ધી ઈન્ડિયન એક્સપ્રેસ”ના ૧૦- ૬-૨૦૧૧ના અંકનું પૃષ્ઠ ૬    જુએ. અમને દુઃખ એટલું જ છે કે માણસના મરણની વેળાએ તો મોતનો મલાજો જાળવવાનો ભારતીય સંસ્કાર ભૂલી જનારાં આ તત્ત્વો પોતાને પાછા “ભારતીય સંસ્કૃતિ અને સ્વાભિમાનના રક્ષકો” ગણાવે છે! મકબુલ ફીદા હુસેન ભલે મરણ પામ્યા છે, પરંતુ તે ભારતના ઈતિહાસના નક્ષત્રમાં એક અતિ તેજસ્વી તારક તરીકે અમર બની ગયા છે.

(સૌ:ગુજરાત ટુડે16જુન2011)

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

શ્રેણીઓ

%d bloggers like this: