Posted by: bazmewafa | 06/18/2011

બંડખોર આફ્રિકન કવિ : ડેનિસ બ્રુટુસ –દીપક બારડોલીકર

બંડખોર આફ્રિકન કવિ : ડેનિસ બ્રુટુસ –દીપક બારડોલીકર

‘ધૂળ-માટીની સુગંધ

વિશ્વભરમાં સર્વત્ર

એકસરખી હોય છે!’

આ ઉમદા પંક્તિઓના સર્જકનું નામ છે ડેનિસ બ્રુટુસ. દક્ષિણ આફ્રિકાનો આ એક મહાન કવિ છે. જાણે પાકિસ્તાનના ફયઝ અહમદ ફયઝ. એમણે પોતાના અત્યાચારગ્રસ્ત લોકોની લાગણીને, આરઝૂઓને વાચા આપી છે, અને તે પણ કલાત્મક રીતે. એમનાં કાવ્યોમાં ઊંડાણ છે,

રસાનંદની છોળ છે.

આ અધ્યાપક કવિ ડેનિસનો જન્મ એક દક્ષિણ આફ્રિકન કુટુંબમાં ૧૯૨૪માં ઝિમ્બાબ્વેમાં થયો હતો. દક્ષિણ આફ્રિકન હાઈસ્કૂલોમાં તેમણે ચૌદ વર્ષ સુધી વિદ્યાદાન કરેલું અને પછી ડેનવરની ઉત્તર-પશ્ચિમ વિદ્યાપીઠમાં અધ્યાપક તરીકે જોડાયેલા.કવિ ડેનિસ બ્રુટુસ યુવાન હતા ત્યારથી જ ગોરી સરકાર સામેની ચળવળમાં સામેલ થઈ ગયેલા. તે આપખુદ-અત્યાચારી સરકારના સખત વિરોધી હતા. તેમના ઉગ્ર સંબોધનોના કારણે તેમની રાજકીય તેમજ સામાજિક પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મુકાયો હતો. પણ કવિ એવાં પ્રતિબંધક ફરમાનોની પરવા કરે એવા ક્યાં હતા. આથી ૧૯૬૩માં ગિરફતાર કરી લેવાયા અને જમાનત પર

હતા એ દરમિયાન ભાગી છૂટ્યા. ફરી પક્ડાયા અને ફરી ભાગ્યા. આ વખતે તેમને પીઠમાં ગોળી મારીને પકડી લેવામાં આવ્યા. અઢાર માસની સખત કેદની શિક્ષા ફટકારી દેવામાં આવી. રોબિન આઈલેન્ડ જેલમાંયે કેદ રખાયા.

આ કવિ રમતગમતમાં રંગભેદવિરોધી આંતરરાષ્ટ્રીય ચળવળના એક્ટિંગ ચેરમેન હોવા સાથે આંતરરાષ્ટ્રીય સંરક્ષણ અને સહાય માટેના યુ.એન. પ્રતિનિધિની હેસિયતે કેટલાંક વર્ષો સુધી સેવા બજાવતા રહ્યા હતા. તેમનાં કાવ્યો માત્ર આફ્રિકામાં નહિ. એશિયા, યુરોપ અને અમેરિકામાં પણ ખાસાં લોકપ્રિય થયાં છે. ખાસ કરીને તેમના આ કાવ્યસંગ્રહો લેટર્સ ટુ માર્થા, (૨) એ સિમ્પલ લસ્ટ અને સ્ટબોર્ન હોય તો અત્યંત લોકપ્રિય ગણાય છે અને તેમની અનેક આવૃત્તિઓ થવા પામી છે.

અહીં કવિ ડેનિસના કાવ્યસંગ્રહ ‘એ સિમ્પલ લસ્ટ’ની પાંચમી (૧૯૭૩) આવૃત્તિ માંહેથી ત્રણ કૃતિઓનો અનુવાદ પેશ કરવામાં આવે છે.

એમના એક કાવ્યનું શીર્ષક છે ‘બ્લડ રીવર ડે’. શીર્ષક પરથી જાહેર છે એમ એ કાવ્ય દક્ષિણ આફ્રિકાની ગોરી સરકારની ફિરઓનિયત વિશે છે. એ કાવ્ય તેમણે તેમના એક સાથી ડેફની એડમન્ડસનને અર્પણ કર્યું છે. તો વાંચો એ લોહીટપકતું કાવ્ય .

શોણિત સરિતા દિન

(ડેફની એડમન્ડસન માટે)

દર વર્ષે

આ દિવસે

ગોરા સૈનિકો તેમના બૂટ વડે

ધરતી ધમધમાવે છે!

અને

લોહીની ગંધ ફેલાવવા ખાતર

ગુસ્સામાં ઘુર્રાટે છે, ત્રાડે છે

ને લોહીની ગંધ માણવા માટે

ખાઉધરાની જેમ

હવાને સૂંઘે છે!

ઊંડા શ્વાસ લે છે !

ગોરી ગુનાઇત વૃત્તિ

નિર્દોષ લોકોને

વિકરાળ પશુઓની બોડ પ્રતિ

હાંકી જાય છે!!

અને સાંજ થતાંમાં તો

પ્રસરી જાય છે

ધૂળ-માટીની એક અજબ સોડમ!

માટીની સરસ સુગંધ!

વરસાદ ઝરે છે –

ઊની રેત ઉપર

ને સોડમ મારી પાસે આવે છે!

ધૂળ-માટીની સુગંધ

વિશ્વભરમાં, સર્વત્ર

એકસરખી હોય છે!

(૧૬-૧૨-૧૯૬૫)

અને આ બીજું કાવ્ય, દ.આફ્રિકાની કાળી પ્રજાના હૃદયમાં ગોરી સરકાર વિશે કેવી ઉગ્ર વિરોધલાગણી હતી તેનું પ્રતિબિંબ પાડે છે. આ એક પ્રતીકાત્મક કાવ્ય છે અને એની અંદર કવિએ પોતાના મનોભાવ અત્યંત કલાત્મક રીતે અભિવ્યક્ત કર્યા છે .

હુંએક વૃક્ષ છું

બહાર

રાતભર

હવામાં કિચૂડાટ કરતું

વંકું અને હઠીલું !

હુંએક પતરું છું !

ટિનના વિરૂપ ઝૂંપડાનું પતરું !

હવામાં ભભડાટ કરતું –

ઉગ્ર વિરોધમાં !

અજંપાની માધુરી

હુંએક અવાજ છું !

રાતની શ્યામ ચાદર ઓઢીને

વિલાપ કરતો અવાજ !

જે અવિરત આક્રંદ કરે છે

અને સ્તવન પામશે નહીં !

આ ત્રીજું કાવ્ય તેમની દેશનિકાલ દશા વિશે થોડી પંક્તિઓમાં ઘણુંબધું કહી જાય છે. એની અંદર શબ્દે-શબ્દે અંતરધ્વનિ સંભળાય છે, પરંતુ ઘોંઘાટનું નામ નથી. અને એ જ કવિની કમાલ છે.

હું છું એક દેશનિકાલી !

ભટકતો

ને ઠેક ઠેકાણે

ગૌરવગાન કરતો,

શૌર્યગીતો લલકારતો કવિ !

(તેઓ ભલે ગમે તે કહે)

હું છું વિનમ્ર, શાંત !

અને

અગોચર પગલે

મશગૂલ છું આયોજનમાં !

ગુલામ દશા પ્રતિ સમભાવી !

પરંતુ

ભરી રહ્યું છે

આક્રંદ મારા ભીતરને !

અને

મારા મસ્તિષ્કમાં,

મારી શાંત આંખો પાછળ

હું સાંભળું છું

આક્રંદને !

ચીખોને !

સાયરનને !

અને આ ચોથું કાવ્ય કવિની પ્રિય ભોમકાને ઉદ્દેશીને લખાયેલું છે.

એનું શીર્ષક છે ‘નાઈટ સૉંગ. આ કાવ્યમાં, આઝાદીની લડત દરમિયાન લોહીલુહાણ થયેલી ભોમકાને કવિ આશ્વાસન આપતા લાગે છે. કદીમદી મળી ગયેલી વિરલ, વિષમવેળાનો લાભ લઈ ઘડીક પોઢી જવા, થાકોટો ઉતારવા વિનંતી કરતાં કવિ તેમની ભોમકાને કહે છે.

શાંતિથી પોઢી જા !

ઓ મારા પ્રેમ !

શાંતિથી પોઢી જા !

બંદરની બત્તીઓ

હંમેશના અશાંત

ડક્કાઓ પર ઝગમગી રહી છે!

દોડી રહી છે પોલીસ-કારો

બોગદા – શેરીઓની આરપાર –

જાણે ખદબદતા વંદા !

ઝૂંપડાંમાંથી

પતરાંનો કર્કશ શોર ઊઠી રહ્યો છે,

જાણે હવામાં

ઉછાળી દેવાયેલું

કોઈ જીવાતભર્યું ચીથરું !!

અને

ભય વ્યાપક છે

વંટોળઘંટના અવાજ માફક !

સહરા-શા

લંબપ્રલંબ દહાડાનો ગુસ્સો

રેત અને શિલાઓ માંહેથી

ફૂંફવી રહ્યો છે –

કોઈ ભોરિંગની જેમ !

પરંતુ

કમથી કમ

આજની આ અલ્પવિરામ રાત્રિ પૂરતું

ઓ મારી પ્રિય ભોમકા !

ઓ મારા પ્રેમ !

તું શાંતિથી પોઢી જા !

માન્ચેસ્ટર, યુકે

 (સૌજન્ય: નિરીક્ષક 1જુન2011)

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

શ્રેણીઓ

%d bloggers like this: