Posted by: bazmewafa | 05/24/2011

આપને યાદ દિલાયા ,તો મુઝે યાદ આયા : યાસીન દલાલ

આપને યાદ દિલાયા ,તો મુઝે યાદ આયા : યાસીન દલાલ

ગુણવંતભાઈએ તાજેતરમાં પ્રગટ થયેલા એમના પુસ્તક ‘સેક્યુલર મુરબ્બો’માં મારું નામ દીધા વગર બોક્સ આઈટમમાં મારી ટીકા કરી છે અને યાદ અપાવી છે કે મારી દીકરીને એમણે ૨૦૦૨નાં તોફાનો વખતે મારી વિનંતીથી એમના એક મિત્ર મારફત રાજકોટ

પહોંચાડી હતી. મેં ત્યારે જ ‘નિરીક્ષક’માં એનો ખુલાસો કરેલો, જેનો સાર એ હતો કે આ સંબંધો અંગત છે અને આપણો વિવાદ વિચારધારાને લગતો છે. આજે પણ હું એમનો આ બદલ આભાર માનું છું.

ગુણવંતભાઈને એ પણ યાદ હશે કે એમણે પંચશીલ પદયાત્રા શરૂ કરી ત્યારે એ પદયાત્રા રાજકોટ પ્રવેશી કે તરત હું એમની પદયાત્રામાં શિષ્યભાવે જોડાયેલો અને એમને એ રીતે ગુરુપદે સ્થાપેલા. પાછળથી જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ એમના વ્યક્તિત્વનું એક એક પડ ઊતરતું ગયું અને એમનું અસલ વ્યક્તિત્વ ખૂલતું ગયું.

એમણે આ બોક્સ આઈટમમાં મારું નામ લખ્યું નથી અને મને એક ‘મુસ્લિમ પ્રોફેસર’ તરીકે ઓળખાવ્યો છે. એમણે મારી ઓળખ છુપાવી કેમ? અને મને રેશનલિસ્ટ મિત્ર તરીકે ઓળખાવવાને બદલે ‘મુસ્લિમ’ લેબલ કેમ લગાડ્યું. હું એમને એક હિંદુ લેખક તરીકે

ઓળખાવું તો એમને ગમશે? આ બોક્સ આઈટમમાં એમણે લખ્યું છે કે મેં ‘નિરીક્ષક’માં એક લાંબો લેખ લખી એમને કોમવાદી કહ્યા હતા. એમણે લખ્યું છે કે હું ગોધરાના બનાવ પહેલાં આર.એસ.એસ.ની નજીક હતો.

એમણે એક મુસ્લિમ પ્રોફેસરને કારણ પૂછ્યું તો એ પ્રોફેસરે કહ્યું કે “રાજકોટના એ મુસ્લિમ પ્રોફેસર કુલપતિપદની આકાંક્ષા રાખનારા હતા. તેથી તેઓ આર.એસ.એસ.ની નજીક ગયા છે.”

આ વાંચીને મને દુઃખદ આશ્ચર્ય થયું. જે વાત આખું ગુજરાત જાણે છે એ તેઓ જાણતા નથી. આખું ગુજરાત જાણે છે કે ગાંધીનગર લાઇબ્રેરી હાૅલમાં ગુજરાતના કેળવણીકારોની બેઠક પૂરી થયા પછી મુખ્યમંત્રી શ્રી શંકરસિંહ વાઘેલાએ પોતે મને બોલાવીને કુલપતિપદની ઓફર કરી હતી અને એમના અંગત મદદનીશને કહ્યું હતું કે યાસીનભાઈને કુલપતિપદનો નિમણૂક પત્ર મોકલી આપો અને અત્યારના કુલપતિનું રાજીનામું લઈ લો. મેં ત્યારે જ તે ઓફર નકારી કાઢેલી.

મુખ્યમંત્રીને આશ્ચર્ય થયું અને તેઓ બોલ્યા કે જે હોદ્દા માટે લોકો જાતજાતની લાગવગ લગાડે છે અને અમને પગે પડે છે. એ હોદ્દો સામેથી મળ્યો તોય તમે નકાર્યો, શા માટે? મેં જવાબમાં ફિલ્મ ‘પ્યાસા’ની ઢબે પંક્તિ ઉચ્ચારી . “કુલપતિપદ અગર મિલ ભી જાયે તો ક્યા હૈ?” આ ઘટના ત્યારના અમારા પ્રો. વાઈસ ચાન્સેલર શ્રી કલ્પકભાઈ ત્રિવેદીની

નજરે જોયેલી. પાછા વળતાં એમણે મને પૂછ્યું કે મુખ્યમંત્રીની ઓફરનો મેં ઇન્કાર શા માટે કર્યો? મેં એમને સમજાવ્યું કે હું કુલપતિ બનીને રાજકીય કાદવમાં ખરડાવા નથી માંગતો. મારો રસનો વિષય પત્રકારત્વ અને માધ્યમ છે. આમ આ આરોપ હડહડતું જૂઠાણું છે.

આર.એસ.એસ.ની હું ક્યારેય નજીક હતો જ નહીં. એક વાર એમના સમારંભમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાયના પત્રકારત્વ વિશે બોલવા હું ગયો હતો અને મારા વક્તવ્યમાં મેં એ વાતનો ખુલાસો પણ કર્યો હતો કે સંઘની વિચારધારા સાથે હું સંમત નથી. એમણે લખ્યું છે કે “કેટલાક સેક્યુલર ગણાતા મુસ્લિમ વિચારકો પણ અંદરથી ભારોભાર કોમવાદી હોય છે.” આ વાક્ય પણ હડહડતું જૂઠાણું છે. આ જ લેખમાં અન્યત્ર મેં એ વાતનો વિગતે જવાબ આપી દીધો છે. એક શેર છે :

મર્દે મુમિન મુઝે કાફીર સમજતે હૈ

ઔર કાફીર સમજતે હૈ કે મૈ મુસલમાં હૂં.

ગુજરાતમાં તટસ્થ અને નિર્ભીક રીતે સાચી વાત કહેનાર રેશનાલિસ્ટની પણ આ જ હાલત છે. મને દુનિયામાં ક્યારેય કોઈએ મુસ્લિમ કોમવાદી કહ્યો નથી બલકે આજે પણ મુસ્લિમ કોમવાદીઓ મારાથી નફરત કરે છે.

ગુણવંતભાઈએ એમના શબ્દોમાં ‘સેક્યુલર કર્મશીલો’ને પુસ્તકમાં ઠેરઠેર ઉતારી પાડ્યા છે, અને ગોધરાની ઘટનાને લઈને લખ્યું છે કે ગોધરામાં ડબો સળગાવાયો એની કોઈએ ટીકા ન કરી અને એકપક્ષીય રીતે અનુગોધરા રમખાણોની પાછળ પડી ગયા. આ વાત પણ હળાહળ ખોટી છે. ગોધરામાં જે બન્યું એ તો નરી ગુંડાગીરી છે. ગોધરાના ઘાંચીઓ આને માટે કુખ્યાત છે. વરસો પહેલાં મોરારજી દેસાઈ ત્યાંના કલેક્ટર હતા ત્યારે આ ગુંડાગીરીને કડક હાથે દાબી દીધેલી. આવી ગુંડાગીરીનો બચાવ કોઈએ કર્યો નથી. એમણે ‘ટાઇમ્સ આૅફ ઇન્ડિયા’નો અહેવાલ છાપ્યો છે જેમાં વિહિપના કાર્યકરોનાં અવતરણો ટાંક્યા છે, જે

એકપક્ષી હોવાનો સંભવ છે. કેટલાક અખબારો જ કહે છે કે કારસેવકોએ ગોધરાના સ્ટેશન ઉપરના સ્ટોલોમાં તોડફોડ કરી હતી અને એમને પૈસા આપવાનો ઇન્કાર કર્યો હતો. પણ આવું બન્યું હોય તોપણ ડબ્બા સળગાવવાની ઘટનાનો બચાવ કોઈ તટસ્થ વ્યક્તિ કરી ન શકે.

ગુણવંતભાઈએ ચોક્કસ દાખલા આપવાને બદલે વ્યાપક વિધાનો કર્યાં છે.સાચી વાત એ છે કે સુપ્રીમ કોર્ટે તાજેતરમાં આ ઘટનાના ૭૨ દોષીઓ સામે લાગેલા પોટાના આરોપ કાઢી નાખ્યા છે. હવે એમનો કેસ સામાન્ય અદાલતમાં ચાલશે. મતલબ કે મોદી સરકારે એમને કોઈપણ કામ ચલાવ્યા વિના સાત વરસ સુધી ગોંધી રાખ્યા. એ લોકો ઉપર ફાસ્ટ ટ્રેક કૉર્ટમાં કામ ચલાવીને દોષી ઠરે તો ફાંસીએ ચડાવવા જોઈએ. મૂળ પ્રશ્ન એ છે કે આવી ઘટના બની એના વિરોધમાં સરકાર પ્રેરિત રમખાણો થયાં એ વાત હવે લગભગ સાબિત થઈ ચૂકી છે.

શ્રીકુમાર નામના એક પોલીસ અધિકારીએ પોતે કહ્યું છે કે મોદીએ પોલીસની ખાનગી બેઠક બોલાવીને એમને ત્રણ દિવસ નિષ્ક્રિય રહેવાની સૂચના આપી હતી. એ પછી હાઇકમાન્ડના દબાણથી લશ્કર મોકલાયું, પણ નિયમ એવો છે કે લશ્કર પણ રાજય સરકારની સૂચનાને આધીન હોય છે. મોદીએ લશ્કરને બે દિવસ ફલેગમાર્ચ કરવાનું કહ્યું અને એ દરમિયાન બીજા પાંચસો લોકો માર્યા ગયા. સૌરાષ્ટ્રમાં કદી કોમી તોફાનો થયાં નથી. આ વખતે રાજકોટ અને ભાવનગરમાં પણ થયાં.

ભાવનગરમાં મહેબૂબ દેસાઈ અને વડોદરામાં બંદૂકવાલાના ઘર ઉપર હુમલો થયો. મારે પૂરું એક સપ્તાહ પોલીસ રક્ષણ માંગવું પડ્યું. તાજેતરમાં સુપ્રીમ કોર્ટે ‘સિટ’ નીમી છે, અને એને આદેશ આપ્યો છે કે રમખાણોમાં મુખ્યમંત્રી સહિત ૬૫ પ્રધાનો અને અધિકારીઓની ભૂમિકાઓની તપાસ કરો. મતલબ કે સુપ્રીમ કાૅર્ટે મુખ્યમંત્રીની કથિત સંડોવણીનો સ્વીકાર કર્યો છે. દેશના ઇતિહાસમાં કદી આવું બન્યું નથી. બીજો કોઈપણ મુખ્યમંત્રી હોત તો એ તરત રાજીનામું આપી દેત, પણ મોદી અત્યંત જાડી ચામડીના છે. જેમ જેમ તથ્યો બહાર આવતાં જાય છે તેમ તેમ સમગ્ર દેશ અને દુનિયામાં ગુજરાત બદનામ થાય છે. નરોડા

પાટિયાનો હત્યાકાંડ માયાબહેન કોડનાની નામના એક મહિલા તબીબે કરાવ્યો હતો એ વાત બહાર આવી ગઈ છે. માયાબહેન અને જયદીપ વાંચતાં વાંચતાં પટેલ સ્થળ ઉપર કારમાં કેરોસીનના કેરબા અને ખુલ્લી તલવારો લઈને ગયાં હતાં અને ત્યાં માર્ગદર્શન આપ્યું હતું. વરસોથી આ ઘટના બહાર આવી ગયેલી અને છતાં મોદીએ એમની ઉપર કોઈ પગલાં લેવાને બદલે પ્રમોશન આપીને પ્રધાન બનાવી દીધા. સુપ્રીમ કાૅર્ટના આદેશથી એની

ધરપકડનું વોરંટ નીકળ્યું તો સરકારે એમને ભાગેડું જાહેર કર્યા. દુનિયામાં ક્યાંય ન બને એવું ગુજરાતમાં બને છે. પોતાના પ્રધાન ક્યાં હોય એની સરકારને જ ખબર ન હોય? આખરે અદાલતે એમના જામીન રદ કર્યા અને એમને શરણે થવું પડ્યું. મોદી પાસે એમનું રાજીનામું માંગવા સિવાય કોઈ વિકલ્પ જ ન રહ્યો.

જેમ જેમ દિવસો વીતતા જાય છે તેમ તેમ ચોંકાવનારી અને ગોઝારી વિગતો ખૂલે જાય છે. તાજેતરમાં ગુલમર્ગકાંડના ભોગ બનેલા ઇમ્તિયાઝ પઠાણ નામના એક સાહેદે કહ્યું કે અહેશાન જાફરીના ઘર ઉપર હુમલો થયો ત્યારે હું એમના બાથરૂમમાં સંતાઈ ગયેલો. શ્રી જાફરીએ મોદીને ફોન કર્યો ત્યારે એમણે સાંત્વન આપવાને બદલે  એમને ગાળો કાઢી.

મોદીએ હજી સુધી આ વાતનો રદિયો આપ્યો નથી. હું પૂછું છું કે ચાળીસ માણસોને જીવતા સળગાવી નાંખવાની ઘટના અમદાવાદમાં જ બની ત્યારે માદી પોતે શું કરતા હતા? ગૃહૃ પ્રધાન તરીકે અમેણે ભોતપૂર્વ  સાસંદને બચાવવાને બદલે એમને ગાળો દીધી. આ વાત એટલા માટે પણ સાચી લાગે છે કે શાતિ સ્થપાઈ ગઈ એ પછીમોદી એ એકે વાર પણ જાફરીના ઘરની મુલાકાત લઈને એમના પત્નીને આશ્વાસન નથી આપ્યું. બલકે ભાષણોમાં  પણ જાફરીને કદી યાદ નથી કર્યા. આવા જ એક બીજા સાક્ષીએ અદાલતને જણાવ્યું કે શ્રી એરડા નામના પોલીસ અધિકારી મોડેથી આવ્યા પણ એ એમના રસાલા સાથે દોર ઊભા ઊભા હસતા હતા.એક  સાક્ષીએ કહ્યું કે મારી નજર સામે મારા બાર સ્વજનોની હત્યા કરી નાખવામાં આવી અને એરડાએ નજીકની દુકાને થી કેરોસીન નો ડબ્બો  મંગાવીને આ બધી લાશો સળગાવી નાખી.

શું ગુણવંતભાઈ આ બધી વાતો અખબારોમાં વાંચતા નહીં હોય? કે પછી એમની આંખે મોદીનાં ચશ્માં લાગી ગયા છે? તાજેતરમાં જશવંતસિંહે એમના પુસ્તકમાં કેટલાક ધડાકા કર્યા છે. યાદ રહે કે જશવંતસિંહ કોઈ સેક્યુલર કર્મશીલ નથી, બલકે ભાજપના નેતા છે. એમણે કહ્યું કે ગુજરાતનાં રમખાણો પછી વાજપેયીએ અડવાણીને કહ્યું હતું કે મોદીને હટાવવા જોઈએ. પણ મોદી અને અડવાણીએ મળીને નાટક કર્યું.

સંસદીય બૉર્ડની બેઠકમાં મોદીએ રાજીનામાની જાહેરાત કરી ત્યારે બાકીનામાંથી કેટલાકે હાથ ઊંચા કરીને ‘નો, નો’ના નારા લગાવ્યા અને મોદી બચી ગયા. એ પછી વાજપેયી એટલા વ્યથિત થયા કે ઘરે આવીને વડા પ્રધાન તરીકે રાજીનામું લખવાની શરૂઆત કરી પણ જશવંતસિંહે અણીના સમયે પહોંચીને રાજીનામાના પત્ર ઉપર હાથ મૂકી દીધો.

પુસ્તકમાં કિશોર મકવાણાએ પૂછેલા પ્રશ્નના જવાબમાં ગુણવંતભાઈ જણાવે છે કે “નરેન્દ્ર મોદી પોતાનું કામ નિષ્ઠાપૂર્વક અને  નિર્ભયપણે કર્યે જતા હતા. અમદાવાદના કોમી હુલ્લડ માટે પ્રોગ્રોમ, જીનોસાઈડ અને એથનિક ક્લીન્સિંગ જેવા ભયંકર શબ્દો પ્રયોજાવા

લાગ્યા. સેક્યુલર કટ્ટરતાને કારણે કેવળ હિંદુઓનો જ દોષ કાઢવાની ફેશન શરૂ થઈ ગઈ.”

વાચક મિત્રો, જુઓ કે આ શબ્દો કોઈ તટસ્થ વિચારકના લાગે છે કે વિહિપ અને બજરંગદળના નેતાના લાગે છે? અહીં ગુણવંતભાઈ એક હિંદુ તરીકેની ભૂમિકામાં ખૂલી ગયા છે. એમણે ઝીણાભાઈના શબ્દો ટાંક્યા છે કે “મોદીમાં બીજા દોષો હશે પણ કરપ્ટ નથી.” પ્રશ્ન એ છે કે મુદ્દો કરપ્શનનો ક્યાં છે? મોદી દૂધે ધોયેલા હોય તોપણ કોમવાદી આરોપોમાંથી આ શબ્દરમત વડે મુક્ત થઈ શકે નહીં. એમણે ‘ટાઇમ્સ ઓફ ઇન્ડિયા’ના એક રિપોર્ટનો હવાલો આપ્યો છે કે “નરેન્દ્ર મોદીની પ્રતિભાએ ભાજપની સફળતામાં બહુ મોટો ફાળો આપ્યો છે.”

આ શબ્દો પણ છેતરામણા છે. મોદી ચૂંટણીમાં સફળ થાય એટલે એમને માથે લાગેલું કલંક થોડ ભૂંસાઈ જાય? એમ તો હિટલર પણ ચૂંટણીમાં સફળ થતો હતો અને ત્યારે એ પ્રજામાં ખૂબ લોકપ્રિય હતો.

ગુણવંતભાઈને એ વાતની ખબર નથી કે લોકપ્રિયતા એ ગુણવત્તાનો પર્યાય ન બની શકે. એમને એ વાતની ખબર નથી કે વાજપેયીએ પોતે કહેલું કે ગુજરાતનાં રમખાણોને કારણે અમે દિલ્હીની સત્તા ગુમાવી અને એમણે એમ પણ કહેલું કે ગુજરાતનાં રમખાણો કરાવવામાં ભાજપના માણસો પણ હતા.

આશ્ચર્ય એ છે કે ગુણવંતભાઈ કહે છે કે હું મોદીને સેક્યુલર ગણતો નથી. આર.એસ.એસ.નો સ્વયંસેવક સેક્યુલર હોઈ જ ન શકે,

પણ પછી શબ્દરમત અજમાવીને પૂછે છે કે કોંગ્રેસ  સિક્યુલર ખરી? ભલા માણસ આમાં કોંગ્રેસ સાથે સરખામણીનો પ્રશ્ન જ ક્યાં છે? એ પોતે જ પોતાની શબ્દજાળમાં ફસાઈ ગયા છે. જો મોદી સેક્યુલર ન હોય તો પછી એમનો ગુણાનુવાદ શા માટે? એમણે એમ પણ કહ્યું કે જે માણસ અંગત જીવનમાં એકલો હોય અને સંસારનાં વળગણો ન હોય તે જ અજેય બની રહે છે. ગુણવંતભાઈને એ ખબર નથી કે મોદી પરણેલા છે અને પોતાના ઉમેદવારીપત્રમાં આ હકીકત એમણે છુપાવી છે. તેઓ આગળ જતાં લખે છે કે “ગુજરાતના પચાસ લાખ મુસલમાનોનો વિશ્વાસ તેઓ જીતી શકે એમ છે. પણ તેઓ એ અંગે ખાસા ઉદાસીન છે.” આગળ લખે છે કે તેઓ મને મળવા આવ્યા ત્યારે અમારી વચ્ચે આ વાત થયેલી. પણ અહીં તેઓ અટકી જાય છે. મોદીએ જવાબ ન આપ્યો એનોો અર્થ શ? આગળ કહ્યું તેમ તેઓ જાફરીના પત્નીને મળવા પણ ગયા નથી. છેલ્લી બે ચૂંટણીમાં ગુજરાતની ધારાસભાની ૧૮૨ બેઠકોમાંથી એક બેઠક ઉપર પણ એમણે મુસ્લિમને ઊભો નથી રાખ્યો. પચાસ લાખ મુસલમાનોનું આનાથી મોટું અપમાન શું હોય? મોદીના મુસ્લિમદ્વેષનો બીજો પુરાવો કયો હોય ?

પુસ્તકના પાના નં. ૧૯૪ ઉપર શ્રી શાહ લખે છે કે ‘સાધ્વી ગુનેગાર હોય તો સજા થવી જ જોઈએ.’ અહીં ગુણવંતભાઈ ‘જો અને તો’ની ભાષા વાપરે છે. આવી ભાષા એમણે કોઈ ઇસ્લામી ત્રાસવાદી માટે વાપરી નથી. એ સાચી વાત છે કે સાધ્વી પ્રથમ દૃષ્ટિએ ગુનેગાર છે.

એના કબજામાંથી મળેલા મોબાઇલ ફોનનો ચાર્ટ બતાવે છે કે એણે ધડાકો કરનારને પૂછ્યું હતું કે આટલા ઓછા માણસો કેમ મર્યા? જવાબમાં ધડાકો કરનાર કહે છે કે ભીડવાળા વિસ્તારમાં બોંબ મૂકવા હું જઈ ન શક્યો. ઉપરાંત સાધ્વીની સાથે એક આખી ગેંગ પકડાઈ ગઈ છે જેમાં લશ્કરના કર્નલ પુરોહિતનો પણ સમાવેશ થાય છે. શ્રી પુરોહિતે નાર્કો ટેસ્ટમાં કબૂલ કર્યું છે કે અમારી યોજના દેશમાં આઠસો સ્થળે ધડાકાઓ કરવાની છે. એમણે દેશભરમાં કેટલાંક સ્થળોએ તાલીમ કેન્દ્રો પણ સ્થાપ્યાં હતાં જેમાં પંચમઢી ખાતે મુખ્ય હતું અને અમદાવાદમાં પણ કેન્દ્ર હતું. સાધ્વી સુરતમાં મોદીનો પ્રચાર કરવા માટે ગયા હતા અને ત્યાં એમણે વારંવાર કહ્યું હતું કે દેશને ગાંધીની નહીં ગોડસેની જરૂર છે. એના

બદલામાં મોદીએ સુરતમાં એમને લાખો રૂપિયાનો એક બંગલો ખરીદી આપેલો. ઉપરાંત પુનાની ‘અભિનવ ભારત’ સંસ્થાના એક નેતા અને સાવરકર પરિવારનાં હિમાની સાવરકરે વડોદરાની પત્રકાર પરિષદમાં વાંચતાં વાંચતાં સ્વીકાર કરેલો કે એ ધડાકાઓ અમે જ કરાવેલા અને આ ધડાકા બદલાની કાર્યવાહી રૂપે થયા છે. આ બધી દીવા જેવી સ્પષ્ટ વાતો છે.

શ્રી શાહે એમ. વી. કામથના લેખનો હવાલો આપ્યો છે. શ્રી કામથ પોતાના ભાજપ અને સંઘ તરફી વિચારો માટે જાણીતા છે. હું નિયમિત એમની કોલમ વાંચું છું. એમને વિદ્વાન માનવા હું તો શું પણ કોઈ તટસ્થ વ્યક્તિ પણ તૈયાર નહીં થાય. તેઓ ભાજપના પ્રવક્તાની

જેમ લખતા રહ્યા છે. તાજેતરમાં ભાજપના પોતાના નેતાઓએ પક્ષની આકરી ટીકા કરી. અરુણ શૌરીએ ભાજપને ‘કટીપતંગ’ કહ્યો અને જશવંતસિંહે કહ્યું કે હિંદુત્વની વ્યાખ્યા મને તો સમજાતી જ નથી, પણ શ્રી કામથે એની પણ કોઈ નોંધ લીધી નથી. પુસ્તકના પ્રકરણ ૩૭મા શ્રી શાહ “ફેક એન્કાઉન્ટરને અનિવાર્ય ગણાવે છે અને લખે છે કે પ્રત્યેક ફેક એન્કાઉન્ટરનું સત્ય કે અસત્ય અનોખું હોય છે. મીડિયાના અહેવાલોને આધારે અભિપ્રાય બાંધવામાં જોખમ છે.”

હવે અહીં ગુણવંતભાઈનું આખું વ્યક્તિત્વ ખુલ્લું પડી જાય છે. એમણે જેલમાં શ્રી વણઝારાની મુલાકાત લીધી અને એમને બિરદાવ્યા અને લખ્યું કે આવા પોલીસ અધિકારીઓને કારણે આપણે નિરાંતે સૂઈ શકીએ છીએ. મારો પ્રશ્ન આ છે કે વણઝારા જેલમાં ગયા એને બે વરસ થઈ ગયાં.

આ બે વરસમાં ગુજરાતમાં એકપણ એન્કાઉન્ટર થયું નથી. આમ એમની દલીલ એમને જ વાગી છે. ફેક એન્કાઉન્ટરનો બચાવ આજ સુધી દુનિયાના કોઈ લેખકે કે ચિંતકે કર્યો નથી. ખુદ શ્રી મોદીએ કપડવંજમાં પત્રકારો સાથેની વાતચીતમાં કહેલું કે હું આવા નકલી એન્કાઉન્ટરોનો વિરોધી છું.

મારી એક ટેવ છે કે કોઈપણ સમાચાર હું ઝીણવટથી વાંચું છું. વણઝારાના અૅન્કાઉન્ટરના દરેક સમાચાર વખતે મને લાગેલું કે આ અૅન્કાઉન્ટર નકલી છે. કાશ્મીરમાં આજે પણ અૅન્કાઉન્ટર થાય છે અને એ પોલીસ નહીં લશ્કર કરે છે. અને એ કલાકો સુધી અને દિવસો સુધી ચાલે છે અને આવા એન્કાઉન્ટરમાં લશ્કરના જવાનો અથવા અધિકારો પણ મરે છે. અને આવા કોઈ એન્કાઉન્ટરમાં એવો દાવો થયો નથી કે એ આતંકવાદીઓ મુખ્યમંત્રીની હત્યા માટે આવેલા. ત્યારે ગુજરાતના બધા એન્કાઉન્ટર પછી પોલીસ એવું જાહેર કરતી કે આતંકવાદીઓ મોદીની હત્યા માટે આવેલા. ઉપરાંત કોઈ એન્કાઉન્ટરમાં વણઝારા તો શું પણ કોઈ કોન્સ્ટેબલને મામૂલી ઇજા પણ નથી થઈ. ઈસરતજહાં કેસમાં પોલીસનું કહેવું છે કે એ લોકો પાસે એ.કે. ૪૭ રાઇફલ હતી તો શું રાઇફલમાંથી એકપણ ગોળીબાર નહીં થયો હોય?

અને માત્ર પંદર જ મિનિટમાં બધાનાં ઢીમ ઢાળી દેવાયા હોય . વાસ્તવિકતા

એ છે કે વણઝારાનો ભૂતકાળ પણ ખરડાયેલો છે. એ જૂનાગઢમાં હતા ત્યારે આવા જ અનેક કાઉન્ટર કરતા. આવાઅનેક એન્કાઉન્ટરમાં પાચં જણાની હત્યા થઈ એના વિરોધમાં આખા જૂનાગઢ વિસ્તારે બંધ પાળેલો.

પુસ્તકના છેલ્લા પ્રકરણમાં પાના નં. ૩૧૩ ઉપર તેઓ લખે છે કે અહિંસા પાળતી વખતે તેમની (ગાંધીજીની) પાસે મૃત્યુને સામે ચાલીને ભેટવાની જે તૈયારી હતી તે મારી પાસે નથી. મેં અન્યત્ર કહ્યું છે કે મને આજ સુધીમાં મુસ્લિમ રૂઢિચુસ્ત તરફથી સેંકડો વખત ખૂનની ધમકીઓ મળી છે અને એક વખત તો મને “વાજીબે કત્લ” એટલે કે ‘હત્યાને

લાયક’ ગણાવતો ફતવો બહાર પાડવાની તૈયારી ચાલતી હતી, પણ હું એનાથી ડર્યો નથી. હું હંમેશા મારા વિચારો માટે મોતને ભેટવાની તૈયારી રાખું છું. મતલબ કે હું સલમાન રશદી અને તસલીમા નસરીનનો વારસદાર છું. ગુણવંતભાઈને વિશ્વાસ ન આવતો હોય તો આ

ધમકીઓની ફાઇલ મોકલવા હું તૈયાર છું.

શ્રી ગુણવંતભાઈની અસલિયત વરસો પહેલા જ ખુલ્લી પડી ગઈ હતી. ૨૦૦૨ની આસપાસ જયારે કારગીલનું યુદ્ધ થયું ત્યારે શિવસેનાના બાલ ઠાકરેએ પ્રશ્ન પૂછેલો કે કારગીલ ફંડમાં દિલીપકુમારે કેટલા પૈસા આપ્યા? તરત જ બીજા સપ્તાહે ગુણવંતભાઈએ પોતાની કટારમાં આ જ પ્રશ્ન પૂછ્યો, એ જ અરસામાં શાહ અટકધારી એક મિત્રે મને ફોન કરીને કહ્યું કે દિલીપકુમારે કારગીલ ફંડમાં પાંચ લાખ રૂપિયા આપ્યા છે. ‘સ્ક્રીન’માં આ સમાચાર છપાયેલા. ગુણવંતભાઈને મેં એનું કટિંગ મોકલ્યું.

મને આશા હતી કે તથ્ય જાણીને એ પોતાની કોલમમાં ભૂલ સુધારી લેશે, પણ એમનો ટૂંકો જવાબ પોસ્ટકાર્ડમાં આવ્યો. જેમાં લખ્યું હતું કે સંઘ પણ મારાથી નારાજ અને તમે પણ નારાજ, એટલે હિસાબ સરભર. મને આઘાત લાગ્યો. મને એમણે સંઘનો કાઉન્ટર પાર્ટ એટલે કે મુસ્લિમ કોમવાદી ગણ્યો. એમને ખબર નથી કે હું બાળપણથી જ મુસ્લિમ કોમવાદનો વિરોધી રહ્યો છું. પોરબંદરમાં અને અમદાવાદમાં મેં જાણીતા સુધારક શ્રી હમીદ દલવાઈને બોલાવીને એમની જાહેરસભા યોજેલી. એ જ અરસામાં મેં ‘સંદેશ’માં મુસ્લિમ કોમવાદ વિરુદ્ધ લેખમાળા લખેલી.

મુસ્લિમ સમાજમાં રૂઢિચુસ્ત વર્ગ તરફથી આનો જોરદાર વિરોધ થયો અને મને ખૂનની ધમકીઓ મળવા લાગી. રેડિયો પાકિસ્તાન ઉપર મારો વિરોધ થયો અને મને જનસંઘ તરફી ભાડૂતી ટટ્ટુ ગણાવ્યો. બીજે જ દિવસે ઓલ ઇન્ડિયા રેડિયોની ઉર્દૂ સર્વિસમાં એનો જવાબ અપાયો, જેમાં જણાવાયું કે ભારત એક લોકશાહી દેશ છે અને અહીં કોઈપણ લેખકને એના વિચારો દર્શાવવાની છૂટ છે. જાણીતા ગુજરાતી સાપ્તાહિક ‘વતન’માં મારી વિરુદ્ધ વિષવમન થયું. મેં એનો રદિયો આપ્યો પછી મેં ગુણવંતભાઈ સાથે પત્રવ્યવહાર કર્યો અને એમાં કેટલાક અણિયાળા સવાલો પૂછ્યા. દા.ત. તમે કોઈ બીજા કલાકાર નહીં અને દિલીપને જ કેમ નિશાન બનાવ્યાં? આ પ્રશ્ન દેવઆનંદ કે ધર્મેન્દ્રને કેમ ન પૂછ્યો? શું કોઈ મુસ્લિમ કલાકારે પોતાની દેશભક્તિનો પુરાવો આપવા ગુણવંતભાઈનું પ્રમાણપત્ર મેળવવું પડશે? એના જવાબમાં એમનું કોમવાદી માનસ ખુલ્લું પડી ગયું. તાજેતરમાં દિલીપકુમાર માંદા પડ્યા અને મુંબઈની હૉસ્પિટલમાં દાખલ થયા. એ જ સમયે બાલ ઠાકરે પણ ત્યાં જ દાખલ થયા. દિલીપકુમારને એ ભેટ્યા અને ભૂતકાળની ટિપ્પણી બદલ દિલગીરી દર્શાવી. મતલબ સાફ છે. ઠાકરેએ દિલગીરી દર્શાવી પણ ગુણવંતભાઈને મેં પુરાવો મોકલ્યા છતાં એમણે દિલગીરી દર્શાવી નહીં.

તાજેતરમાં દિલીપકુમારને ‘ભારતરત્ન’એવોર્ડ આપવાની હિલચાલ શરૂ થઈ જેનો પૂનાની સાવરકરે સ્થાપેલી ‘અભિનવ ભારત’ સંસ્થાએ વિરોધ કર્યો. મતલબ કે ગુણવંતભાઈ અને અભિનવ ભારતના વિચારો સરખા છે.

જેનાં ગુણગાન ગાતાં ગુણવંતભાઈ થાકતા નથી એ મોદીએ સુપ્રીમ કૉર્ટમાં સ્વીકાર્યું હતું કે સોરાબુદ્દીન સહિત ત્રણ લોકોની હત્યા મારી જ પોલીસે નકલી એન્કાઉન્ટરમાં કરી હતી. પછી એ જ મોદી સુરતની ચૂંટણી સભામાં ફરી ગયા અને ગર્વથી કહ્યું કે પેલા સોરાબુદ્દીનને

મેં જ પતાવ્યો હતો અને એને માટે સોનિયાબહેનને પૂછવાની જરૂર નથી.

આ પછી સુપ્રીમ કૉર્ટમાં અદાલતના તિરસ્કારનો કેસ થયો ત્યારે એમણે કહ્યું કે હું આવું બોલ્યો જ નથી. પણ કૉર્ટમાં એમના પ્રવચનની સીડી રજૂ થઈ ગઈ છે. આમ મોદી પોતે જ જાહેરમાં એકરાર કરે છે કે હું હત્યારો છું. પણ ગુણવંતભાઈ મોદીની આરતી ઉતારવાનું ચાલુ જ રાખશે એ નક્કી.

૫, સૌરાષ્ટ્ર કલાકેન્દ્ર સોસાયટી, રાજકોટ-૩૬૦૦૦૭

 

(સૌજન્ય: નિરીક્ષક 16july2010  )

ગુણવંત શાહનો હાથ, ખંડણીખોર એન્કાઉન્ટરબાજોને સાથ –ઉર્વીશ કોઠારી

 please clickthe following URL:

http://urvishkothari-gujarati.blogspot.com/2010/06/blog-post_16.html

 Please click the following URL to read the above article and many good literature.

http://www.nireekshak.com/wp-content/uploads/2009/08/20100726_16th_july_2010_nireekshak.pdf

http://www.nireekshak.com/wp-content/uploads/2009/08/20100621_16_june_2010.pdf

Please Follow me on the following twitter:

http://twitter.com/bazmewafa#


Responses

  1. મર્દે મુમિન મુઝે કાફીર સમજતે હૈ
    ઔર કાફીર સમજતે હૈ કે મૈ મુસલમાં હૂં.

  2. For another excellent article on the same subject, visit the following link:
    http://urvishkothari-gujarati.blogspot.com/2010/06/blog-post_16.html

    It raises similar questions on Mr. Shah’s thought process and exposes his communal temperament. He is nothing but phony.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

શ્રેણીઓ

%d bloggers like this: