Posted by: bazmewafa | 06/28/2009

અનોખું વ્યકિત્વ _ડૉ.મહેબૂબ દેસાઈ

 

અનોખું વ્યકિત્વ _ડૉ.મહેબૂબ દેસાઈ

1954ની સાલ હતીગાંધીજીની વિદાય છતાં ભારતની હવામાં હજુ ગાંધીવિચારો ધબકતા હતા. યુવાનોમાં ગાંઘીઘેલછા પ્રસરેલી હતી. એવા યુગમાં એક યુવાનની શાદીની શહેનાઈ ધામધૂમથી વગાડવાની તેની માતાની મનોકામના અધૂરી રહી ગઈ. નવ વર્ષની વયે યુવાનના પિતાનું અવસાન થયું હતું. માએ કષ્ટો વેઠીને પુત્રને ઉછેર્યો હતો. એટલે પુત્રના નિકાહ ધામધૂમથી કરવા મા ઉત્સુક હતી પણ યુવાન ગાંધીરંગે રંગાયેલો હતો. શ્રી મનુભાઈ પંચોળી, શ્રી વજુભાઈ શાહ અને શ્રી લલ્લુભાઈ શેઠ જેવા ગાંધીજનોના સંગમાં તાલીમ પામેલો હતો. તે હંમેશાં કહેતો, ‘સ્વ માટે તો સૌ જીવે, પણ સૌ માટે જે જીવે તે સાચું જીવન.’
અને એટલે જ યુવાને પોતાની માતાને કહી દીધું હતું : ‘મા, મારી શાદીમાં ખોટા ખર્ચા ન કરશો. શાદીની ઉજવણી પાછળ થનાર ખર્ચ જરૂરતમંદોમાં વહેંચી દેજો.’ માએ કમને પુત્રની ઈચ્છા સ્વીકારી અને મનને એમ કહી મનાવી લીધું કે ‘ભલે બેટા, ધામધૂમ નહિ કરીએ, પણ નવાં કપડાં અને તાજાં ગુલાબનાં ફૂલોનો સહેરો (હાર) તને પહેરાવી શાદીનો આનંદ માણીશું.’યુવકે તેનો પણ સઆદર અસ્વીકાર કર્યો અને કહ્યું : ‘ગુલાબનો સહેરો નહિ પહેરું, નવાં કપડાં પણ નહિ પહેરું. માત્ર ખાદીનાં કફની, લેંઘો, ચંપલ અને ગળામાં સૂતરની આંટી પહેરીને જ નિકાહ પઢવા જઈશ.’

નાનકડા ગામ વંડામાં વાત પ્રસરી ગઈ. ગફાર તો ખાદીની કફની-લેંઘો અને સૂતરની આંટી પહેરી ચાલતો નિકાહ પઢવા જવાનો છે. ગામમાં જોણું થયું. ગફારનો નવી તરહનો વરઘોડો જોવા ગામઆખું ભેગું થયું. ગફારને તેની જરા પણ પડી ન હતી. ગોરો વાન, દૂબળો-પાતળો ઊંચો બાંધો, આદર્શોમાં રાચતી આંખો, સફેદ ખાદીની કફની, એડીથી ઊંચો પહોળો લેંઘો, પગમાં ચંપલ અને ગળામાં સૂતરની આંટી ધારણ કરી લાંબાં ડગલાંઓ ભરતો ગફાર વટથી નિકાહ પઢવા નીકળ્યો અને નિકાહ સંપન્ન થયા.દસકાઓ વીત્યા. યુગ બદલાયો. નવા વિચારો પ્રસર્યા. જિંદગીના ઉતારચડાવમાં ગફારે ઘણા અનુભવો મેળવ્યા. ચહેરા પર પ્રૌઢ રેખાઓ ઊપસી આવી. સંઘર્ષોએ ગફારભાઈને યારી આપી. તંગીના દિવસો બદલાયા. નાણાંની ભરતીથી ગફારભાઈને ખુદાએ નવાજ્યા, છતાં ગફારભાઈ ન બદલાયા. સાદગી, સદભાવ અને સૌને માટે જીવવાની ભાવના અકબંધ રહી. એ જ સફેદ ખાદીની કફની, એડીથી ઊંચો પહોળો લેંઘો, પગમાં ચંપલ, પ્રૌઢ ચહેરા પર મીઠી મુસ્કાન અને મધુરવાણી ગફારભાઈની પહેચાન બની ગયાં. જોકે હવે સૌ ગફારભાઈને ‘બાપુજી’ કહેવા લાગ્યા હતા. એક દિવસ બાપુજી એક કાર્યક્રમમાં હાજરી આપવા જતા હતા. પોતાની કારમાં શેઠની જેમ પાછળ બેસવા કરતાં ડ્રાઈવરની બાજુમાં બેસવાનું બાપુજીને ગમતું, કારણ કે છેલ્લાં વીસ વર્ષથી ડ્રાઈવર તરીકે કાર્ય કરતો અનિલ તેમના સ્વજન જેવો બની ગયો હતો. કાર પૂરપાટ દોડી રહી હતી. ત્યાં જ તેમની નજર 30-35 ગણવેશધારી શાળાના વિદ્યાર્થીઓ પર પડી. ભરબપોરે ઓશિયાળા ચહેરે બાળકોને ઊભેલાં જોઈ બાપુજીએ કાર ઊભી રાખી. કારમાંથી બહાર આવી તેઓ વિદ્યાર્થીઓ પાસે આવ્યાં. બાળકના માથે હાથ ફેરવતાં બાપુજીએ પૂછ્યું : ‘દીકરાઓ, આવા ભરતડકામાં અહીયાં કેમ ઊભા છો ?’‘દાદા, સામે જ અમારી શાળા છે. અમે ફી નથી ભરી એટલે અમને સ્કૂલમાંથી કાઢી મૂક્યા છે.’‘ફી નથી ભરી તો મા-બાપને સજા કરવી જોઈએ. તમારાં જેવાં માસૂમ ભૂલકાંઓને થોડી સજા કરાય ?’ આટલું બોલતાં તો બાપુજીનો અવાજ ભીનો થઈ ગયો. વ્યથિત હ્રદયે લાંબાં ડગલાં ભરતાં તેઓ સ્કૂલમાં પ્રવેશ્યાં.
‘ક્યાં છે આ શાળાના આચાર્ય ?’
ખાદીના સફેદ કફની-લેંઘાધારી વૃદ્ધને જોઈ આચાર્ય દોડી આવ્યા.
‘વડીલ, હું આચાર્ય છું. આવો, મારી રૂમમાં બેસીને શાંતિથી વાત કરીએ ?’
‘આચાર્યસાહેબ, આપની ચેમ્બરમાં જરૂર બેસીશું, પણ ફી ન ભરનાર મા-બાપને સજા કરવાને બદલે તમે આવાં માસૂમ બાળકોને શા માટે સજા કરો છો ? સૌ પ્રથમ તમે એ બાળકોને કલાસમાં બેસાડો પછી આપણે તમારી ચેમ્બરમાં બેસીએ.’
ખાદીધારી વૃદ્ધની વિનંતીને સ્વીકારી આચાર્ય થોડા શરમાયા. બાળકોને તરત વર્ગમાં બેસાડવા સૂચના આપી પછી પોતાના રૂમ તરફ બાપુજીને દોરી જતાં બોલ્યા,
‘વડીલ, 35 વિદ્યાર્થીઓના ફીના લગભગ પાંત્રીસ હજાર બાકી છે. અમારે પણ શાળા ચલાવવા પૈસાની જરૂર તો પડે જ ને ? એટલે બાળકો પર જરા સખતી કરવી પડી છે.’
આચાર્યની ચેમ્બરમાં ખુરશી પર સ્થાન લેતાં બાપુજીના ચહેરા પર આછું સ્મિત પથરાઈ ગયું અને મનોમન તેઓ બોલી ઊઠ્યા :
‘આટલી રકમ માટે માસૂમ બાળકોના લાખ લાખ રૂપિયાના ચહેરાને તડકામાં રતૂમડા કરાતા હશે ?
અને બાજુમાં ઊભેલા ડ્રાઈવર અનિલને કહ્યું : ‘અનિલ, જરા વિદ્યાર્થીઓની ફીના રૂ. પાંત્રીસ હજાર ભરવાની વ્યવસ્થા કરશો ?
અનિલે તરત મોબાઈલ પર સંદેશો આપ્યો. એકાદ કલાકમાં પાંત્રીસ હજારનો ચેક આચાર્યના ટેબલ પર આવી પડ્યો. ત્યારે આચાર્ય બાપુજી અને ચેકને હતપ્રભ નજરે તાકી રહ્યા પણ બાપુજી તો, ‘પૈસાના વાંકે છોકરાઓને હવે પછી આવી સજા ક્યારેય ન કરશો.’ એમ કહી લાંબાં ડગલાં ભરતાં હવામાં ઓગળી ગયા.
આવી ઘટનાઓની બાપુજીના જીવનમાં નવાઈ ન હતી. પણ તેને યાદ કરવાનું તેઓ ક્યારેય પસંદ ન કરતા. બાપુજી હજયાત્રાએ ગયા. આમ તો હજયાત્રાએ જનાર પોતાનું તમામ દેવું, કરજ ચૂકતે કરીને જતા હોય છે. પણ બાપુજીના કેસમાં આથી ઊલટું થયું. હજયાત્રા દરમ્યાન કાબા શરીફની પરિક્રમા કરતાં કરતાં બાપુજીના મનમાં વિચાર ઝબક્યો. ’20 લાખ રૂપિયા જુદા જુદા માણસો પાસેથી લેવાના નીકળે છે. એ તમામને તાલમાં રાખી હું તો નિરાંતે હજ પઢી રહ્યો છું. મારે તે લેણું માફ કરીને આવવું જોઈતું હતું.’
અને કાબા શરીફની પરિક્રમા પછી બાપુજીએ એ વિચારને અમલમાં મૂક્યો. કાબા શરીફ સામે ઊભા રહી તેમણે અલ્લાહના નામે તે તમામ લેણું માફ કરી દીધું. હજયાત્રાએથી પરત આવ્યા પછી એક દિવસ એક હિન્દુ સ્વજન પ્લાસ્ટિકની થેલીમાં રૂપિયાની થોકડીઓ લઈને આવ્યો અને બાપુજીની સામે મૂકતા બોલ્યો :
‘બાપુજી, આ આપની અમાનત રૂ. પાંચ લાખ. આપની પાસેથી ઉછીના લીધા હતા. પણ હવે મારે તેની જરૂર નથી. એટલે પરત કરવા આવ્યો છું.’
બાપુજીએ એક નજર એ વ્યક્તિ અને પ્લાસ્ટિકની થેલી પર નાખી, પછી ગોરા ચહેરા પર સ્મિત પાથરતાં કહ્યું :
‘હરિભાઈ, મેં તો ખુદાના દરબારમાં આ રકમ માફ કરી દીધી છે. એટલે તે મારાથી ન લેવાય. તમારે ખુદાની રાહમાં જ્યાં તેને ખર્ચવી હોય, ત્યાં તે ખર્ચી શકો છો.’
અને 72 વર્ષના બાપુજી લાંબાં ડગલાં માંડતાં હવામાં ઓગળી ગયા. ત્યારે તેમના જીવનઆદર્શનું પેલું સુત્ર હવામાં ચોમેર સુગંધ પ્રસરાવી રહ્યું હતું :
‘સ્વ માટે તો સૌ જીવે પણ સૌ માટે જીવે તે સાચું જીવન.’

 .

 

માનનીય  જનાબ ડૉ.મેહબૂબ દેસાઈ  સાહેબ, જે એક ઉત્તમ શિક્ષણ વિદ,સારા લેખક, ઈતિહાસકાર અને માનવતાવાદી દ્રષ્ટિકોણ ધરાવતા, 

 સર્વ ધર્મ ઔદાર્યના પ્રતીક સમ વ્યક્તિત્વ ધરાવતી શખ્સિયત છે.

એમણે આનંદ પૂર્વક એમનો લેખ  “અનોખુ વ્યક્તિત્વ” (સત્યકથા) બઝમે વફા ને અર્પણ કર્યો. તે બદલ બઝમે વફા ગ્રુપ એમનું આભારી છે.

અને નીચેની લાગણી પૂર્વકની એમની કોમેંટસની બઝમે વફા સહર્ષ નોંધ લે છે.

                                                                    –મુહમ્મદઅલી વફા                    

 Submitted on 2009/06/29 at 3:07am

બઝ્મે વફા બ્લોગ ગુજરાતી ભાષાને આંતર રાષ્ટ્રીય કક્ષાએ જીવંત રાખવાનો ઉમદા પ્રયાસ છે.
એમાં આપના સૌના સહકારની અપેક્ષા સ્વાભાવિક છે.
મારો બ્લોગ પણ એ માટે ખુલ્લો છે. આપ ને તેમાં પ્રવેશવા નિમંત્રણ છે. તેમાં ઈતિહાસ , ધર્મ , સાહિત્ય અને સંસ્કૃતિ સુભગ સમન્વય આપને મળશે.

મારા બંને બ્લોગના સરનામાં નીચે આપ્યા છે.
1 mehboobdesai.blogspot.com.
2 mehboobudesai.wordoress.com


Responses

  1. ‘સ્વ માટે તો સૌ જીવે પણ સૌ માટે જીવે તે સાચું જીવન.’ – “અનોખુ વ્યક્તિત્વ” હ્રદયમાં એક અમિટ છાપ ઉપસાવી ગયું.

  2. ડો. મેહબુબ દેસાઇ ના વ્યક્તિત્વની ઝાંખી કરાવવા માટે “બઝ્મે વફા”ને ધન્યવાદ.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

શ્રેણીઓ

%d bloggers like this: