Posted by: bazmewafa | 12/10/2008

અમે હેલીના માણસ…સુરેશ દલાલ

 nahinfave

 

અમે હેલીના માણસ…સુરેશ દલાલ

 

 

શાયર કહે છે કે મારી ગઝલમાં પણ કયાંક અંધારું તો હશે, પણ એ સ્વીકાર્યા પછીપણ કેટલાયે મિત્રોએ મારા દીવામાંથી પોતાના દીવા પ્રકટાવ્યા છે

 

નવો મારગ મેં કંડાર્યો હતો ખુદ મારાં પગલાંથી,
ઘણી પગદંડીઓ ફૂટી પછી તો એ જ રસ્તાથી.
હશે, મારી ગઝલમાં કયાંક અંધારું હશે તો પણ,
ઘણા મિત્રોએ સળગાવ્યો છે દીવો મારા દીવાથી.
રદીફ ને કાફિયા સાથે ગજબની લેણાદેણી છે,
મને ફાવી ગયું છે વાત કરવાનું સહજતાથી.
કદી તેં હાક મારીતી, ઘણાં વર્ષો થયાં તો પણ,
હજી ગુંજું છું ઘુમ્મટ જેમ હું એના જ પડઘાથી.
ખલિલ, આ મહેફિલોમાં કાલ હું આવું કે ના આવું.
ફરક શું પડશે કોઈના અહીં હોવા ન હોવાથી.
ખલિલ ધનતેજવી

આ શાયર કાગળને કન્સલ્ટ કર્યા વિના જે મોજમસ્તીથી ગઝલની રજૂઆત કરે છે એ વિરલ છે. એમની ગઝલ ચોટદાર છે, પણ કેવળ સભારંજની નથી. એમના શબ્દોમાં એક પ્રકારનાં આકર્ષણ અને ઊડાણ છે. ગહન વાતને પણ એ સરળતાથી સપાટી પર મૂકીને ફરી પાછા ઊંડાણમાં જઈ શકે છે અને સપાટી પર આવી શકે છે. આ અવગુણ નહીં પણ અતિગુણ છે. એમની ગઝલો સપાટ બયાની નથી. પોતાની વિધાપીઠમાં તૈયાર થયેલા આ શાયર એકાંતમાં અને જાહેરમાં જાણવા-માણવા જેવા છે.

ખલિલ ધનતેજવી પરંપરાના શાયર છે છતાં પણ એમની ગઝલો પરંપરાગત છે એવું કહેવાનું મન નથી થતું. એમની કવિતાને આધુનિક થવાના કોઈ ઓરતા કે અભરખા નથી. ગઝલ એ કાવ્ય સ્વરૂપ છે અને એમાં કવિતાનાં સત્વ-તત્ત્વ જળવાય એ સાથે જ હંમેશ કોઈ પણ શાયરને કાયમની નિસબત હોય છે. આ નિસબત ખલિલમાં દેખાયા વિના નહીં રહે. જીવનના અનેક અનુભવોમાંથી પસાર થયા પછી એ અનુભવોનો સમગ્ર રીતે ઉપયોગ કરીને પોતાના અવાજથી ગઝલને પ્રગટ કરે છે. એમની ગઝલમાં એક પ્રકારની બુલંદી છે. એ બુલંદીનો અર્થ એ ગઝલ વાચાળ છે એ અર્થમાં નહીં પણ એમના શબ્દોમાં એક પ્રકારની ખુમારી છે. આ ખુમારી શબ્દના સ્વાભિમાનમાંથી પ્રકટે છે. કવિને પોતાના પંથમાં અને પગલાંમાં બંનેમાં ભરોસો છે. આ તો ગઝલમાં આ રીતે પંકિત આવી પણ સાથે સાથે ગીતની બે પંકિત યાદ આવે છે:

મારા પગલાંથી પંથ એક ફૂટયો
કે પંથમાં પગલાં બંધાયાં, હું છૂટયો

શાયર કહે છે કે મેં મારા પગલાંથી નવો મારગ કંડાર્યો છે. રાજેન્દ્ર શાહની પંકિત છે : પંથ નહીં કોઈ લીધો, ભરું ડગ ત્યાં જ રચું મુજ કેડી.તો હરીન્દ્ર દવેની પંકિત છે: જયાં ચરણ રુકે ત્યાં કાશી.વોલ્ટ વ્હીટમન કહે છે કે મારો રસ્તો તો મારા પગનાં તળિયાંની નીચે જ સમાયો છે. ખલિલ કંઈ આવું બધું વાંચવા રોકાયા નથી. એ તો ખુદને વાંચીને ખુદવફાઈથી લખનારા શાયર છે અને એટલે જ કહે છે કે કેટલીયે પગદંડીઓ મારા રસ્તામાંથી પ્રગટી છે.

વિવેચકોનું કામ તો ચર્ચા અને ચૂંથણાં કરવાનું. સર્જક કેટલો નબળો છે ને પોતે કેટલા સમજુ અને શાણા છે એનું પ્રદર્શન ભરવાનું. સહૃદય થઈને કોઈ કૃતિને પૂરેપૂરી માણતું નથી. કોઈ પણ કૃતિ સાવ સંપૂર્ણ ન હોય, પણ એ કૃતિમાં જયાં પૂર્ણતા દેખાઈ હોય એની વાત કરીને એની મર્યાદા ચીંધવી એ અલગ વાત છે પણ માત્ર મર્યાદાઓને ચૂંથવી અને વિશિષ્ટતાની બાદબાકી કરી નાખવી એવું વિવેચન કરવું એ ભૂલભરેલું છે. વિવેચન સમતોલ હોય તો જ વિવેચન કહેવાય. સર્જકે, વિવેચકે મર્યાદા ચીંધી હોય તો ઉદારપણે એને સ્વીકારી પણ લેવી જોઈએ. ટૂંકમાં વિવેચન કૃતિલક્ષી હોવું જોઈએ. પણ કમભાગ્યે એ કર્તાલક્ષી હોય છે. શાયર કહે છે કે મારી ગઝલમાં પણ કયાંક અંધારું તો હશે, પણ એ સ્વીકાર્યા પછી પણ કેટલાયે મિત્રોએ મારા દીવામાંથી પોતાના દીવા પ્રકટાવ્યા છે. કોઈ પણ કવિ સર્વાંશે મૌલિક નથી હોતો. એ એના પૂર્વજોનો ઋણી હોય છે. મરીઝ જયારે જીવતા હતા ત્યારે કેટલાયે કવિઓએ એમની ગઝલથી પ્રેરાઈને કવિતાઓ આપી હતી અથવા કહેવાય છે કે કેટલાક તો મરીઝની જ ગઝલો વાંચતા અને મરીઝ પાસેથી જ દાદ ઉઘરાવતા. ખલિલની મજા એ છે કે એ તાણીતૂસીને પ્રાસ મેળવતા નથી. જે કંઈ લખે છે તે અનાયાસે લખે છે, શ્વાસમાંથી લખે છે. રદીફ ને કાફિયાથી એમને લેણાદેણી છે. કહો કે અકબંધ ઋણાનુબંધ છે. એમના પહેલા કાવ્યસંગ્રહનું નામસાદગીરાખ્યું હતું તે સૂચક છે. ગઝલ એમને સહજ છે. એમાં કશું અટપટું કે દુર્બોધ નથી. જે કંઈ છે તે સરળ અને સહજ છે. એમના શેર કમળની પાંખડીની જેમ ખીલતા હોય છે. માણસ કેટલુંક તો સ્મૃતિમાં જીવતો હોય છે. કોઈકે એકાદવાર હાક મારી હોય અને એનો અવાજ પ્રસરી ગયો હોય, અને ભલે એ ઘટનાને વર્ષો થાય તો પણ ઘુમ્મટમાં એની સ્મૃતિ કાયમ માટે પડઘાતી હોય છે.

અંતિમ શેરમાં કવિ આ મહેફિલમાં હોય કે ન હોય એનાથી કાંઈ ફરક પડવાનો નથી એવું નમ્રતાથી કહીને ગઝલને સમેટે છે. મહેફિલમાંથી ઊઠવું એ પણ એક કળા છે. કોઈ સંગીતની મહેફિલ ચાલતી હોય અને આપણે કલાકારને ખલેલ પહોંચે એમ ઊઠી જઈએ અને જલસાઘરમાં ઉઝરડા પાડતા જઈએ એ ઊઠી જવાની રીત નથી. કોઈને પણ ખબર ન પડે એમ મહેફિલમાંથી ચૂપચાપ ચાલ્યા જવું એ સર્વોત્તમ કળા છે. આ શાયરની એક બીજી ગઝલ પણ માણીએ:

તમે મન મૂકી વરસો, ઝાપટું આપણને નહીં ફાવે,
અમે હેલીના માણસ, માવઠું આપણને નહીં ફાવે.
કહો તો માછલીની આંખમાં ડૂબકી દઈ આવું,
પરંતુ છીછરું ખાબોચિયું, આપણને નહીં ફાવે.
તું નહીં આવે તો એ ના આવવું પણ ફાવશે અમને,
ઘરે આવી, તારું પાછું જવું, આપણને નહીં ફાવે.
વફાદારીની આ ધગધગતી તાપણીઓ બુઝાવી દો,
સળગતું દિલ, દઝાતું કાળજું આપણને નહીં ફાવે.
તને ચાહું, ને તારા ચાહનારાઓને પણ ચાહું?
તું દિલ આપી દે પાછું, આ બધું આપણને નહીં ફાવે.
તમાચો ખાઈ લઉ ગાંધીગીરીના નામ પર હું પણ,
પણ આ પત્નીને બા સંબોધવું, આપણને નહીં ફાવે.
ખલિલ, અણગમતાને ગમતો કરી લેવું નથી ગમતું,
ભલે તમને બધાને ફાવતું, આપણને નહીં ફાવે.

 

(જ.જિદ્દી લુવારવી સાહેબે આ આખો લેખ, ગઝલ સહિત લખી મોકલ્યો, તે બદલ એમનો અને દિવ્ય ભાસ્કરના આભાર સહિત)

 

 

 


Responses

 1. aakhri gazal ma je khumaari chhe e saache j adbhoot … aakhi j gazal ahi paste kari dau fari thi .. darek ash’aar aflaatoon ..

  તમે મન મૂકી વરસો, ઝાપટું આપણને નહીં ફાવે,
  અમે હેલીના માણસ, માવઠું આપણને નહીં ફાવે.
  કહો તો માછલીની આંખમાં ડૂબકી દઈ આવું,
  પરંતુ છીછરું ખાબોચિયું, આપણને નહીં ફાવે.
  તું નહીં આવે તો એ ના આવવું પણ ફાવશે અમને,
  ઘરે આવી, તારું પાછું જવું, આપણને નહીં ફાવે.
  વફાદારીની આ ધગધગતી તાપણીઓ બુઝાવી દો,
  સળગતું દિલ, દઝાતું કાળજું આપણને નહીં ફાવે.
  તને ચાહું, ને તારા ચાહનારાઓને પણ ચાહું?
  તું દિલ આપી દે પાછું, આ બધું આપણને નહીં ફાવે.
  તમાચો ખાઈ લઉ ગાંધીગીરીના નામ પર હું પણ,
  પણ આ પત્નીને બા સંબોધવું, આપણને નહીં ફાવે.
  ખલિલ, અણગમતાને ગમતો કરી લેવું નથી ગમતું,
  ભલે તમને બધાને ફાવતું, આપણને નહીં ફાવે.

 2. bahu saras


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

શ્રેણીઓ

%d bloggers like this: