Posted by: bazmewafa | 11/23/2008

ગઝલનું સ્વરૂપ**બઝમ

gazhal

ગઝલનું સ્વરૂપ**બઝમ

ગઝલના સ્વરૂપની ચર્ચા કરતાં જ.મસ્ત હબીબ સરોદી  ગઝલની રચના વિષે નીચે મુજબની સમજણ આપે છે.

ગઝલની રચનામાં ગઝલના બાહ્ય સ્વરૂપને નીચેની બાબતો મહત્વની લેખાય.

(1)મત્લો:- ગઝલનો પ્રથમ શેર કે જેની બેઉ પંક્તિઓ  પ્રસાનુ પ્રાસ બધ્ધ હોય છે,જેને મત્લો કહેવામાં આવે છે.મત્લા પછી ગઝલમાં શએરો આવે છે.શએર અને મત્લામાં તફાવત છે.મત્લાની બેઉ પંક્તિ પ્રાસાનુપ્રાસ હોય છે.શએરોની સંખ્યા નિશ્ચિત નથી.ગમે તેટલા લખી શકાય.

ગઝનો અંતિમ શએર જેમાં શાયરનું તખલ્લુસ હોય એને .મકતો, કહેવામાં આવે છે .

(2) ગઝલનો પ્રત્યેક શએર એક સંક્ષિપ્ત કવિતારૂપ હોય છે.એની બન્ને પંક્તિઓ સઅર્થ હોય છે.શએરોમાં વિષયની દ્રષ્ટિએ સાતત્ય હોતું નથી.

(3) ગઝલ  અરબી પિંગળની બહેરમાં જેની સંખ્યા 700 જેટલી છે.તેમાંની એકાદ બહેરમાં લખાયેલી હોવી જોઇએં.કેટલાક માને છે તેમ, ગઝલ કોઇ એકાદ છંદ પ્રકાર નથી.

ડૉ.અદમ ટંકારવી સાહેબ  ‘તમારે ગઝલ શીખવી છે? માં જત લખવાનું કે..શિર્ષક બાંધી લખે છે કે આજકાલ ગઝલ કાવ્ય પ્રકાર એટલો બધો લોક પ્રિય થઇ ગયો છે કે કોઇ પણ નવોદિત કવિ એની કવિતા લખવાની શરૂઆત ગઝલથી કરે છે, એમ કહીશું તો અતિશ્યોકતિ નહીં લાગે. જો કે સારી અને સાચી ગઝલ લખવી એ ઘણું અઘરૂં છે.(અસંભવ નથી)ગઝલની શૈલીગત સરળતા,સચોટતા અને કાફિયા-રદીફની સંરચનાને કારણે અન્ય કાવ્ય પ્રકારો કરતાં ગઝલ વાંચતા કે સાંભળતા સરળતાથી સમજી શકાય છે.એટલે કવિતામાં ગઝલ પ્રકારને સહેલો કે સરળ સમજીને નવકવિ ગઝલ લખવા તરફ આકર્ષાય છે.આમ ગઝલ પ્રકાર એ લપસણી ભૂમિ છે.નવોદિત કવિ ગઝલ પ્રકારની ગંભીરતા – ઉંડાણ સમજ્યા વગર,ગઝલ શાસ્ત્રના યોગ્ય અભ્યાસ વગર માત્ર પોતાન મનની લાગણીઓ – ભાવનાના તરંગોમાં વહી ગઝલ(ગઝલ જેવું-વફા) લખી નાંખે છે,તો તે ગઝલ ન બનતાં માત્ર તૂક બંધી બનીને રહી જાય છે.આ સ્થાને શકીલ કાદરીના શબ્દો  ટાંકવાને લાલચ રોકી શકતો નથી..તેઓએ એમના પુસ્તક ‘ગઝલના પિંગળ શાસ્ત્ર’માં નોંધ્યું છે:ગઝલમાં સપ્રમાણતા ,નિયત ગતિશીલતા,લયબધ્ધતા નએ સમતુલા સિધ્ધ થાય છે છંદના કારણે.ગઝલને છંદ સાથે અભિન્ન સબંધ છે .છંદ વિનાની અછાંદસ કવિતા લખી શકાય,પણ છંદ વિનાની અછંદાસ ગઝલ ,ગઝલ નામજ સ્વીકારી શકે નહિ.ગઝલ શબ્દ ધારણ કરતાં પહેલાં લય રૂપે, દર્દ રૂપે, અકળ વેદના રૂપે ગઝલકારના મનમાં ઘૂંટાય છે એ પછીજ શબ્દ રૂપ ધારણ કરે છે.

                   જો કાવ્ય ગમે તેમ લખી શકાતાં હોત તો પછી કોઇ પણ પ્રકારના છંદો શોધવાની કે તેના શાસ્ત્રો રચવાની આવશ્યક્તાજ ન રહેત.છંદ શાસ્ત્રો રચાયાં છે. એનો પુરાવો છે કે  તમે જે પ્રકારની કાવ્ય રચના કરવા ઈચ્છતા હો તોજે કાવ્ય પ્રકારના છંદ શાસ્ત્રના  નિયમ મુજબ જ હોવી જોઇએ.માટેજ કોઇ પણ પ્રકારની રચના કરવા માટે જે તે કાવ્યના અભ્યાસની અત્યંત આવશ્યકતા છે.અનું મહત્વ સમજાવતાં કવિ દલપતરામ એમના ‘દલપત પિંગળ’ અને અલંકાર દર્શન,પુસ્તકનો પ્રારંભ આ દોહાથી કરે છે.

 

પિંગળ પાઠ પઢ્યા વિના,કાવ્ય કરે કવિ હોય?

વળી વ્યાકરણ વિન વદે,વાણી વિમળ ન હોય?

 

 

આજ વાત જનાબ નઝર ગફૂરી આ રીતે કહે છે.

 

સાફ શબ્દોમાં કહી દો આજે ‘નઝર’

જે વજનમાં ના લખે એ શાયર નથી.

 

આ સંદર્ભમાં જાણીતા ગઝલકાર/ વિવેચક નશ્તર ખાનકાહીના શબ્દો પણ સૌએ ખાસ નોંધવા જેવા છે.જોકે એમણે હિન્દી ગઝલ માટે લખ્યું . છતાં પણ એમની વાત ગુજરાતી ગઝલ મટે પણ એટલીજ લાગુ પડે છે.તેઓ લખે છે કે ,ગઝલો તો ખૂબ લખાઇ રહી છે.ગઝલકારો પણ ઘણાં છે.પણ કમનસીબે તેઓ ને કોઇ માર્ગ દર્શક મળતો નથી.એવો માર્ગ દર્શક કે જે એ સમજાવી શકે કે એની વિધા અને આકાર પ્રકારની દ્રષ્ટિએ ગઝલ કોને કહેવાય ?ગઝલની જરૂરિયાતો અપેક્ષઓ અને સીમાઓ શું છે?જ્યારે કોઇ કવિ આ બધી જરૂરિયાતો તરફ આડા કાન કરે છે,અથવા તો ગઝલની નિર્ધારિત સીમાને વટાવી જાય છે ત્યારે માત્ર ગઝલનાસુંદરતમ વિધાનોજ વધ નથી કરતો પરંતુ ગઝલની અદાલતે  એક એવો  અપરાધ બની જાય છે,જે સ્વયંય નથી જાણતો કે એનાથી શું અપરાઅધ થયો છે.તેઓ આગળ જણાવે છે:દરેકને માનવુંજ પડશે  કે ગઝલ અથવા એનો કોઇ શેર છંદ મુકત અથવા છંદ રહિત હોય તો આપણે એને ગઝલ અથવા ગઝલનો શેર ન કહી શકી એં.

        જેને ખરે ખર છંદ બધ્ધ ગઝલ લખવાની ખેવના છે એવા નવોદિતો છંદ શાસ્ત્રની તલાશ કરશેજ.સાક્ષર શ્રી રણછોડરાય ભટ્ટે એમના ‘રણ પિંગળ’માંફારસી કાવ્ય રચના સબંધે સમજણ આપી છે.સ્વ.ઝાર રાંદેરીએ ગઝલના છંદ શાસ્ત્ર પર બે ભાગમાં પુસ્તિકાઓ લખી છે.પરંતુ હાલમાં આપુસ્તકો અપ્રાપ્ય છે.(મર્હુમ ઝાર રાંદેરી સાહેબની પુસ્તિકાઓનો મોટા ભાગનાં અંશો બાગેવફા—ગુજરાતી અને બઝમેવફામાં પોસ્ટ થઇ ચૂક્યાં છે—વફા).

છંદ શાસ્ત્રની  દીર્ઘ સમયની ખોટ ભરવા માઅટે સ્વ.શ્રી શૂન્ય પાલંપુરીએ ‘અરૂઝ’(છંદ શાસ્ત્ર)નો એક ભાગ પ્રકટ કર્યો છે.જે નવોદિત માટે ખૂબ ઉપયોગી પુરવાર થાય તેવો છે.જો કે એ પુસ્તક પણ હાલમાં અપ્રાપ્ય છે.પણ ઘણા શાયરોકે લાઈબ્રેરીમાં એની નકલ હોઇ શકે છે. શ્રી શૂન્ય પાલનપુરી સંપૂર્ણ ‘અરૂઝ’ ક્રમવાર પ્રગટ કરવા ઈચ્છતા હતા,પણ ‘અરૂઝ’નો એક ભાગ પ્રકાશિત થવા બાદ એમના અવસાનથી આ કાર્ય અધૂરૂં રહી ગયું.

 

તકતી:ગઝલના છંદો અમુક રૂકનના(ગણ બિમ્બના) સંયોજનથી બન્યા છે.કોઇ પણ ગઝલ છંદ બધ્ધ છે કે નહીં,તે જાણવા માટે અરકાન(ગણબિમ્બો) લખી તે નીચે ગઝલની પંકતિ લખી  તેના લઘુ – ગુરુના વજન પ્રમાણે બરાબર છે કે નહીં ,તે જાણવાની રીતેને ‘તકતી’માંડવી, એમ કહી શકાય.તકતી એટલે ટૂકડા કરવા.

દા.ત.:

મને સદભાગ્ય કે શબ્દો મળ્યા તારે નગર જાવા

ચરણ લઈ દોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.

                                    — મનોજ ખંડેરિયા

આ ગઝલ.લગાગાગા,ના ચાર આવર્તનમાં લખાઇ છે.આની તકતી નીચે પ્રમાણે માંડી શકાય.

લ ગા ગા ગા—લ ગા ગા ગા— લ ગા ગા ગા—લ ગા ગા ગા

મ ને સદ્ ભા—ગ્ય કે શ બ્દો—  મ ળ્યા તા રે—ન ગર  જા વા

ચ રણ લઇ દો—ડ વા બે સું—તો વર સો ના—વ રસ લા ગે

–   = =   = _-  = = = — –  =  = =  –  =  =  =

 

ઉપરોકત ગઝલનાં લય પ્રમાણે જોશું તો જણાશેકે સદભાગ્યમાં .સદ્.નગરમાં,ગર,ચરણમાં,રણ વરસમાં ‘રસ’આ બે લઘુ અક્ષરો  એક ગુરુ તરીકે લેવામાં આવ્યા છે.’સું’’તો’અક્ષરો અનુક્રમે ગુરુ અને લઘુ લેવામાં આવ્યા છે.’શબ્દો’માં બ્દો નો ઉચ્ચાર કરતાં ‘શ’ પર ઠડકો લાગતો હોવાથી ‘શ’ લઘુ હોવા છતાં ગુરુ ગણાશે.

ઉપરોકત ઉદાહરણથી લઘુ- ગુરુ અક્ષરો વિષે જાણી શકાય છે.આજ બતાવે છે કે કે ગઝલોનું લય બધ્ધ વાંચન કેટલું અગત્યનું છે.જો ખૂબ વાંચશો તો આપો આપ આ ભેદ સરળતાથી સમજી જશો.

(ગઝલ નાં છંદો માત્રા મેળ છંદ છે,જ્યારે આપણી પારંપરિક છંદોમાં લખાતી કવિતા અક્ષરમેળ છંદમાં લખાય છે એટલે ગઝલમાં આપણને બે લઘુ મેળવી એક ગુરુ બનાવવાની સરળતા છે.પરંતુ એક ગુરુના બે લઘુ કરી શકાતા નથી.જ્યારે અક્ષર મેળ છંદમાં આ સરળતા પ્રાપ્ય નથી.)

 

(ગઝલ શીખવી છે?: રજૂ.આશિત હૈદરાબાદીમાંથી સાભાર)

 

 

 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

શ્રેણીઓ

%d bloggers like this: