Posted by: bazmewafa | 11/20/2007

પાનખરનું પાન*શ્રીજય ગજજર

autumn3.jpg

પાનખરનું પાન _ શ્રીજય ગજજર C.M,M.A.

શિયાળાની એ સવારે કડકડતી ઠંડી હતી. રોજ કરતાં વળી ઘણી વધારે ઠંડી હતી. ફૂટપાથ પર સૂતેલા ગરીબો ટૂંટિયું વાળી કાંપતા હતા. પોળનાં કૂતરાં જોરજોરથી ભસતાં હતાં.
મોડે સુધી પથારીમાં પડ્યા રહેવાવાળા કેટલાક ઊંઘ બગડ્યાની ફરિયાદ કરતા હતા. પણ સાંભળનાર કોણ હતું?
કેટલાક રજાઈમાં છૂપાઈ ગરમાવો લઈ રહ્યાં હતાં. કેટલાક બાજુમાં સૂતેલી પત્નીને સોડમાં ખેંચી રહ્યાં હતાં
પલંગમાં સૂતેલા એ ડોસાએ જોરથી ખાંસી ખાધી. એથી ડોસી સફાળી બેઠી થઈ ગઈ. કેટલાક દિવસથી એની ઊંઘ ઊડી ગઈહતી. ડોસો બહુ બિમાર હતો. દવાઓ કરીને એ થાકી ગઈ હતી. દીકરો બાપનું ખોરડું વેચી કોઈને લાખો રૂપિયા આપી અમેરિકા પહોંચીગયો હતો. પણ બેચાર દહાડે પાડોશમાં ફોન કરી બાપની તબિયતના સમાચાર જરૂર પૂછતો.
“પાનખરનું પાન છે. કયારે ખરી પડે એ કહેવાય નહિ.” પાડોશી શંકરભાઈ જવાબ આપતા.
મા પણ ભારે હૈયે એમાં સૂર પુરાવતી.
દીકરાને મા માટે બહુ લાગણી હતી. બાબાપુજી વચ્ચે ઉમરમાં ચૌદ વર્ષનો ફરક હતો. એટલે બાપુ માટે મા દોડાદોડી કરી શકતી.
પાછી હિમતવાળી હતી. એણે જ દીકરાને કોલેજમાં મોકલ્યો હતો.
“ભઈલા, ભણીશ તો કંઈક બનીશ. નહિ ભણે તો દીવો પકડવાનો દિ આવશે. આજકાલ ભણતરની જ કિંમત છે!”
ડોશીના શબ્દો દીકરા વિજયને ગળે ઊતરી ગયા. બી.એસસી. થઈ કોમ્પ્યુટરનો ડિપ્લોમા કર્યો. પણ સારી નોકરી ન મળી એટલેમાને અમેરિકાની વાત કરી.
માને દીકરા પર બહુ વહાલ. દીકરાના ભાવિમાં પણ બહુ શ્રધ્ધા. ગામને પાદર દશબાર વિઘા જમીન હતી. નવું પાટનગર બાજુમાંજ થતાં જમીનનું મૂલ્ય વધી ગયું. દીકરાએ માને ઉજળા ભાવિનાં સપનાં દેખાડ્યાં. પુત્રઘેલી મા ભોળવાઈ ગઈ.
“કશું જ નથી વેચવાનું… બાપદાદાની જમીન હશે તો ઘડપણમાં લાકડી બની રહેશે… દીકરો અમેરિકા જતો રહેશે તો કદી તારીકે મારી સામું ય નહિ જુએ. ભીખ માગવાના દિવસો આવશે તો શું કરશો?”
“એમ આડા ન ફાટો. મારો દીકરો આપણને એવા દહાડા દેખાડે એવો નથી. પંડના દીકરાને હું ઓળખું ને! જોજોને એક દિ તમનેપણ અમેરિકા દેખાડશે!” માના શબ્દોમાં શ્રધ્ધાનો સૂર હતો.
ડોસો અમેરિકાનાં સપનાં સેવતો થઈ ગયો અને દલીલ કરતો બંધ થઈ ગયો હતો.
ખાંસી ખાઈ બેઠા થતા પતિને કહ્યું, “તમે પોઢી ગયા પછી વિજયનો ફોન હતો. તમને બહુ યાદ કરતો હતો. ડૉકટર કે દવાના ખર્ચસામું ના જોશો એવી સલાહ આપતો હતો. પૈસા મોકલવાની વાત કરતો હતો.”
ડોસો ખંધુ હસ્યો.
બહાર કૂતરાંનો ભસવાનો અવાજ વધી ગયો હતો.
“મુઆં શિયાળાની કડકડતી ઠંડીમાંય ઝંપતાં નથી.”
“તમે કયાં ઝંપો છો તે એ ઝંપે!” ડોશીએ ટોણો માર્યો.
ડોસો ગમ ખાઈ ગયો. એક હરફે ન ઉચ્ચાર્યો. ચાદર ખેંચી મોઢું છૂપાવી પડખું ફેરવ્યું.
પોઢી ગયો. નસકોરાંનો અવાજ વધતો જતો હતો. જાણે ધમણ ચાલી.
ડોશીની ઊંઘ ઊડી ગઈ. એ બેઠી થઇ. દાતણ લઈ અરિસાની સામે ઊભી.
મલકાઈ.
“હજુ કયાં ડોશી લાગું છું?”
હાથના ઉલાળાથી સિંક પરનું ટબલર પડી ગયું. પાણી ઢળી ગયું.
ડોસાએ પાછું પડખું ફેરવ્યું. ઊંઘમાં ચાદર સરકી ગઈ.
મોઢા પરની કરચલીઓ ચાડી ખાવા લાગી.
ફરી ખાંસી ચાલુ થઈ. બહાર કૂતરાંનું ભસવાનું પણ વધી ગયું.
ડોશીને ફાળ પડી.
શંકરભાઈના શબ્દો યાદ આવ્યા.
“કોઈ મરી જાય તો કૂતરાંનું ભસવાનું વધી જાય છે… શેરીનો સૂનકાર પણ મટી જાય છે!”
“પાણી… પાણી…” શબ્દો હવામાં અફળાતાં ડોશી દોડી જાય છે. ગરમ પાણીની ડોલ જમણા પગને અથડાય છે. ઢળી પડે છે.
પાણી બધું ઢોળાઈ જાય છે. એની ફિકર કર્યા વિના પાણિયારામાંથી માટલીમાંથી લોટો ભરી પતિ પાસે દોડી જાય છે.
“લો, પાણી.”
“મેં વળી કયારે પાણી માગ્યું?”
ડોસો અકળાઈને બબડે છે. ડોશીને ગુસ્સો આવી જાય છે. પણ છેલ્લા કેટલાક દિવસથી ગુસ્સા પર કાબૂ મેળવ્યો હતો. આમ તો
બહુ ગુસ્સાવાળી. વાતવાતમાં ગુસ્સે થઈ જતી. ડોસો સામે ગુસ્સે થતો. દલીલબાજી અને ચણભણ થતી. કયારેક કલાકો કે પછીદિવસો સુધી અબોલા થતા.
“હવે ઉમર થઈ. આપણે નાના કીકા નથી. આવુંબધું આપણને ન શોભે!” એક દિવસ શાંત મને ડોશીનો હાથ પોતાના હામાં લઈડોસાએ કહ્યું.
કોણ જાણે કેમ ડોશીને ગળે એ વાત ઊતરી ગઈ. પાનખરના પાનની વાત યાદ આવતાં મનમાં થતું, “એ કયાં હવે જીવ્યા એટલુંજીવવાના છે! મરણ પથારીએ છે તો સુખેથી મરે એ જોવાની મારી ફરજ છે.”
ફરજનું ભાન આમ અવારનવાર થતું કયારેક ડોસો પણ ફરજનું ભાન કરાવતો.
“હેં, તમે મારી પાછળ બધી ક્રિયાઓ કરવાનાં ને?”
“એવાં શું ગાંડાવેડા કાઢો છો? હજુ તો ઘણું જીવવાના છો. ન કરે નારાયણ ને હું તમારા પહેલાં જાઉં એવું પણ બને!”
“આ ખખડી ગયેલી કાયા જુઓ અને તમારું ઘાટીલું શરીર જુઓ. પાનખરનું પાન તો હું છું. એક વાત પૂછું?”
“પૂછો ને… એમાં મારી રજા લેવાની ન હોય!”
“તમને કદી એવું તો નથી થયું ને કે આ ચૌદ પંદર વર્ષ મોટાને કયાંથી પરણી?”
“એમાં કોઈનો વાંક નથી. મારા નસીબે તમે લખાયા હો પછી કંઈં લખ્યા લેખ મેખ થાય? આપણે એકંદરે બહુ સારી જિંદગી સાથેજીવ્યાં. ભવોભવ તમે જ મળો એવું હું ઝંખુ છું.”
“તમારા મુખે આ શબ્દો સાંભળી હું ધન્ય થઈ ગયો… વિજયની મા, વિજય આપી તમે મારા જીવનને ધન્ય બનાવ્યું છે.”
ડોશીને આ શબ્દો યાદ આવતા ત્યારે પતિની સોડમાં ફરી એકવાર છુપાઈ જવાનું મન થતું.
પણ એ કલ્પના માત્રથી ધ્રૂજારી છૂટતી.
એકાએક ડોશીની નજર સામેના કપડાના કબાટના અરિસા પર પડી.
ગાલ પર ચારપાંચ કરચલીઓ દેખાતાં એ બબડી, “મેળ મુઈ, આ શું ગાંડપણ આદર્યું છે? ડોશી થઈ હવે… મૂક એવા બધાવિચારો..”
ડોસાએ બૂમ પાડી.
“આ જ કોફીમાં ખાંડ બહુ ન પડી જાય એની કાળજી રાખજો…”
પાનખરનું પાન હાલી ઉઠ્યું. ડોશીના પગમાં જોર આવ્યું. બહારથી રબારીનો અવાજ આવ્યો, “દૂધ.. દૂધવાળો…માજી
દૂધવાળો..”
ડોશી મનોમન પાછી બબડી, “હું કયાં માજી છું? હજુ હમણાં તો પંચાવન પૂરાં થયાં.. હેં ભઈલા હું તને માજી લાગું છું?”
સવાલ ગોખતી દૂધ લેવા કટોરો લઈ દરવાજે ગઈ. પણ રબારીને એ કંઈ પૂછી શકી નહિ. રબારી ટગર ટગર એની સામે જોઈ રહ્યોહતો. મનોમન બબડી, “આ મુઓ આમ શું ટગર ટગર મારી સામે જોઈ રહ્યો છે?”
કટોરાને બદલે દૂધ બહાર ઢળે જતું હતું એનું એને ભાન જ નહોતું….
ડોશીની જીભ પણ જાણે સીવાઈ ગઈ.
ડોસાની ખાંસી અટકી ગઈ. મોઢા પર જાણે યુવાનીનું તેજ પ્રસરી રહ્યું.
અંદર ડોસાની ખાંસીને બદલે મુખ પરના મલકાટનું તેજ વધી રહ્યું હતું.
પોળમાં કૂતરાંનું ભસવાનું અટકી ગયું.
“જરા પાસે આવશો?”
ડોશી પાસે દોડી ગઈ. ડોસાએ બે હાથ પકડી પૂછી નાખ્યું, “હેં, વિજયની મા. ખરેખર, તમને કોઈ વાતનો પસ્તાવો નથી થતોને?”
ડોશી શરમાઈ ગઈ. ડોસાની સોડમાં સમાઈ જવા અધીરી બની.ધીરે ધીરે ઊગતા સૂર્યનું અજવાળું અંધકારને આટોપી રહ્યું હતું.
ડોશીમાં જાણે યુવાનીનું જોર ધબકી રહ્યું હતું.

Jay Gajjar,P.O.Box2096, square one .PO Mississauga, Ontario Canada 15B 3C6
  Tel. (905)712-1130 Email;gajjar@mail.com

શ્રી જય ગજ્જરનાં પરિચયમાટે નીચેનું URL કલીક કરવા વિનંતી છે.
 https://bazmewafa.wordpress.com/2007/04/14/paritoshak_jaygajjar/

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

શ્રેણીઓ

%d bloggers like this: