કાબા ને ક્હાનમાં !_ મુસાફિર પાલનપુરી
ઘોળ્યું જો પ્રેમ તત્વ અમે દરમિયાનમાં
ના આરતીમાં ભેદ રહ્યો ના અજાનમાં.
વાસો છે એક માત્ર પરમ તત્વનો બધે
સૂફીની બારગાહ કે સંતોના ધ્યાનમાં.
એકત્વ કેરી ભાવના વિકસાવી જયારથી
વેદોમાં જે વરસ્યું , એ જોયું કુરાનમાં.
માને જે ભિન્ન ૐને અલ્લાહનું સ્વરૂપ,
ખામી છે એની દ્રષ્ટિમાં નિતિમાં જ્ઞાનમાં.
આરંભ સૌનો ધૂળ છે ને ધૂળ અંત પણ
મૂરખ છે એ ગણે છે નિજને મહાનમાં.
ઝાંખી છે એની સામે કુબેરોની સાહ્યબી,
આપ્યું છે પ્રેમ તત્વ જે દાતાએ દાનમાં.
સબંધ બેઉ વચ્ચે મુસાફિર છે કંઈ જરૂર,
જોયો છે એક રંગ મેં કાબા ને ક્હાનમાં
આપના પ્રતિભાવ