વિખવાદમાં છે-ગની દહીંવાળા
ન પૂછો, કોન કોની યાદમાં છે?
ખુદા નારાજ આ વિખવાદમાં છે.
ઉપાલંભો ઘણા ફરિયાદમાં છે,
વિવેકી જીભ આ, મરજાદમાં છે.
રહ્યા જે દૂર નેતાઓને કહીદો!
ઘણું જોવા સમું બરબાદમાં છે.
લડું છું હાલ તો દુનિયાની સાથે,
હ્ર્દય! તારી વલે તો બાદમાં છે.
ન પાક્યું પ્રતીકનું ફળ તો થયું શું?
મઝા તો ખટમધુરા સ્વાદમાં છે.
ધરી દુનિયાના દોષો મારી આગળ,
હસીં બોલ્યાં કે તું અપવાદમાં છે.
ગની મોટા થવાનો મોહ છોડો,
પિતા સહુ, કોકની ઓલાદમાં છે.
(સૌજન્ય: મધુરપ પૃ.63)
આપના પ્રતિભાવ