Posted by: bazmewafa | 07/04/2011

નવલિકા:માવિતર, કમાવિતર– જય ગજજર, C.M, M.A

માવિતર, કમાવિતર– જય ગજજર, C.M, M.A

ફિલિપની બર્થ ડે પાર્ટીમાં કેક કાપતાં સાઠ વર્ષના ફિલિપના હાથ ધ્રૂજતા હતા. એ જોઈ કોઈ બોલ્યું, “હવે ફિલિપે ધંધો છોડી ઘેર આરામ કરવો જોઈએ. સારાં નામ અને દામ કમાયો છે! હવે શેનો મોહ છે?”

“અમે તો કહી કહીને થાકયાં પણ ફેકટરીનો મોહ છૂટતો જ નથી!” શીલાએ મનનો ઉભરો કાઢયો.

ફિલિપને એ વાકય ગમ્યું નહિ, પણ મનની વાત કહી દીધી, “ટોની મન પરોવી ધંધો સંભાળે તો કાલ એને એ સોંપી દઉં.” “તમારા હાથમાંથી ધંધો છૂટતો નથી એમ કેમ કહેતા નથી? દીકરાને જવાબદારી સોંપો તો એને જવાબદારીનું ભાન થાય ને?” લીસાએ મનનો ઉભરો કાઢયો.

“પૈસાનું મહત્ત્વ સમજે તો કાલ એને બધી જવાબદારી સોંપી દઉં!” ફિલિપ હૈયું ખોલી હકીકત કહી ચૂપ થઈ ગયો.

ટોની સાચે જ આળસુ હતો. પૈસા મન ફાવે તેમ બેફામ ઉડાવતો. ડેડી સારું કમાતા હતા એટલે એને કમાવાની કોઈ લગની નહોતી. અવારનવાર ડેડી પાસે પૈસા માગતો. એક વાર લીસાની ઉશ્કેરણીથી ટોનીની જીદ પોષવા બંગલો ટોનીના નામે કરી દીધો. ફેકટરી પર પણ કબજો મેળવવા બંને તલસતાં હતાં. ફિલિપે એ થવા ન દીધૂં પણ કશી જ આનાકાની વિના એને પૈસા આપતો રહેતો. મનમાં વિચારતો, “યુવાનીનો ઉન્માદ ઓછો થશે એટલે સામે ચાલીને ફેકટરી સંભાળી લેશે.”

સાઠ થયાં ત્યાં સુધી રાહ જોઈ. પણ એ દિવસ આવતો નહોતો.

ટોની લીસા સાથે લાસ વેગાસ સાત દિવસ માટે ફરવા ગયો. એ અઠવાડિયે ચોથા દિવસે પોલીસ અને બેંક મેનેજરે ચોંકાવી દીધા.

“આ ઘરનો કબજો લઈ અમે હરાજી કરવાના છીએ!”

“હરાજી? કેમ?” ફિલિપે આશ્ચર્યસહ પૂછયું.

“છ મહિનાથી લોનનો એકે હપ્તો ભરાયો નથી અને ટોની અમારા ફોનનો જવાબ સુધ્ધાં આપતો નથી એટલે અમે લાચાર છીએ!”

“કેટલી રકમ બાકી છે?”

“છ મહિનાના લોનના હપતા પંદર હજાર. ઘર પર પચાસ હજારની લોન અને વ્યાજના થઈ એંસી હજાર થાય છે!”

“ઊભા રહો, હું એ રકમ ચૂકવી દઉં છું.” ઘરમાં જઈ સેફમાંથી એ રકમ લાવી મેનેજરને ચૂકવી દીધા.

ટોનીને નામે ઘર ટ્રાન્સફર કર્યાનો ફિલિપને પસ્તાવો થતાં એ તરત જ એના વકીલ પાસે ગયો. ઘરની માલિકી એના પોતાના નામે બદલી નાખી.

સાત દિવસ પછી ટોની પાછો ફર્યો. એ સાંજે દારૂ પીને ઘેર આવી એણે ફિલિપ પાસે પચાસ હજાર ડોલર માગ્યા. ફિલિપે એ આપવાની ના પાડી એટલે ટોની વિફર્યો, “આ ઘરમાંથી ચાલતી પકડો! તમારી ફેકટરી વેચી તમારું ઘર ખરીદજો!”

“આ ઘરમાંથી હું નહિ જાઉં તો તું શું કરીશ?”

એ શબ્દો સાંભળી લીસાએ ગુસ્સો ઠાલવ્યો, “ડેડી, આ ઘર ટોનીનું છે એ ન ભૂલતા. અમે ધકકો મારી તમને બહાર હાંકી કાઢીશું, સમજયા!”

“ટોનીને નામે દશ દિવસ પહેલાં હતું, આજ એ મારે નામે છે!” કહી સેફમાંથી દસ્તાવેજના કાગળો લાવી સામે ધર્યા.

બંને અવાક બની હકીકત સમજી જતાં બંને ચૂપ થઈ ગયાં. ચાલાક લીસા પરિસ્થિતિ સમજી જતાં ફિલિપના પગ પકડી બોલી, “ડેડી, માફ કરજો. છોરું કછોરું થાય પણ માવિતર કવિતર ના થાય!”

“સમય આવે એ પણ થાય. વહુ, જરા શાનમાં સમજી જાઓ.” શીલાને બેઠી કરતાં કહ્યું.

બંને સત્ય સમજી જતાં સદા માટે ચૂપ રહેવામાં ડહાપણ માન્યું.


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Categories

Follow

Get every new post delivered to your Inbox.

Join 31 other followers