લવિંગિયાં – મુસાફિર પાલનપુરી
ખેલ નિરંતર જારી રાખો
નેપથ્યે જે થાય, થવા દો
ખેલ નિરંતર જારી રાખો
એક ભવાઈ થાય જો પૂરી
બીજીની તૈયારી રાખો
જીવતી લાશો
સૂરજ ઊગ્યો છે સોનાનો
વરસી છે આનંદની હેલી
દૂર કુટિરોમાં કકળે છે
જીવતી લાશો મેલીઘેલી
ખુલ્લેઆમ
દાઝ્યા ઉપર કરો છોએ
પણ ખુલ્લે આમ કરો છો!
તઘલખ પણ તોબા પોકારે
કેવાં ‘કેવાં’ કામ કરો છો!
એઠું-ગંદું
ફળ મોંઘાં, મનગમતાં ચાખો
ધ્યાન ધનિક વર્ગોનું રાખો
ઝૂંપડીઓ કલ્પાંત કરે તો
એઠું-ગંદુ ત્યાં પણ નાખો
ભરવૈશાખે
દેવાનાં ડુંગર ખડકાણાં
લીધી ઉલ્લાસોની લ્હાણી
વાણીશૂરાં વાદળ વરસ્યાં
ભરવૈશાખે પાણી પાણી
જુઠ્ઠે જુઠ્ઠું
ઓછુંવત્તું તોલે રાખો
જુઠ્ઠે જુઠ્ઠું બોલે રાખો
આંસુ ને આઘાત છે જેમાં
એ જ પટારા ખોલે રાખો
દેખાડા
કરીએ સો-ના સાઠ મુસાફિર!
ઠાઠ વધારો ઠાઠ મુસાફિર!
દેખાડા કરવાનો યુગ છેકૈંક
તો શીખો પાઠ મુસાફિર!
- જૂના ડાયરા, સલીમપુરા પાસે, પાલનપુર
(સૌજન્ય:નિરીક્ષક ૧૬-૫-૨૦૧૧)
આપના પ્રતિભાવ