‘તમે મોડા કેમ જન્મ્યા?’ / દુષ્યન્ત પંડ્યા
આજથી પોણાસો એંસી વર્ષ પહેલાં શ્રીમતી લીલાવતી મુનશીએ ‘હું મોડો કેમ જન્મ્યો?’ એ શીર્ષક હેઠળ હાસ્યરસિક લેખ લખ્યો હતો અને તેમાં નરસિંહ મહેતા, મીરાંબાઈ, પ્રેમાનંદ, અખો, દયારામ,
દલપત, નર્મદ, ગાંધીજી અને કનૈયાલાલ મુનશીની પહેલાં ઈશ્વરે પોતાને જન્મ આપ્યો નહીં તે બદલ ઊંડો ખેદ અને ઈશ્વર સામે ફરિયાદ વ્યક્ત થયેલાં હતા. એમના એ લેખમાં મજાક હતી, આ લેખમાં તેવું નથી.
સાવરકર, ડો.હેડગેવાર, ગોળવલકર, ડોક્ટર મુંજેથી આરંભી, પ્રજ્ઞા ઠાકુર, લે. કર્નલ પુરોહિત સુધી સૌને પ્રશ્ન પૂછવો જોઈએ કે “તમે મોડા કેમ જન્મ્યાં?”
જે મહાન વ્યક્તિઓનાં નામ ઉપર આવ્યાં છે તેમાં અડવાણીનું અને સિંઘલનું, ડાૅ. તોગડિયાનું અને સુદર્શનજીનું, ડો. મુરલીમનોહર જોશીનું અને મુંબઈ નગરીના મનોહર જોશીનું, બાળઠાકરેના પરિવારનું, નરેન્દ્ર મોદીનું, ગોરધન ઝડફિયાનું, ડો.. માયાબહેન કોડનાનીનું, પ્રવીણભાઈ મણિયારનું, રાજેન્દ્રસિંહ રાણાનું, મુછાળાનું ને રૂપાળાનું, સાંજય જોશીનું, ઉમા ભારતીનું, ઋતંભરાનું… એમ બીજાં અનેક નામો ઉમેરી શકાય છે.
વીસમી સદીમાં આ પૃથ્વી પર પોતાનાં પનોતાં પગલાં પાડનાર આ સૌ અને એમની વિચારસરણીને અનુસરનારાં હિંદુ સેવક સંઘના, બજરંગદળના, શિવસેનાના, વિહિપના અને રામસેનાના સૌ માનવંતા સભ્યોએ એક હજાર વર્ષ પૂર્વે અગિયારમી સદીના આરંભમાં આ ધરતીમાતા પર પોતાની પ્રથમ પગલીઓ પાડવાની જરૂર હતી.
અગિયારમી સદીથી માંડીને અઢારમી સદીના પૂર્વાર્ધમાં એ સૌ વીર નરનારીઓ જન્મ્યાં હોત તો… તો… તો…! ‘ભારતનો ઇતિહાસ જુદો લખાયો હોત’ એમ વાક્યર્પૂિત કોઈ કરે. પણ એ પ્રકારની ર્પૂિતમાં શ્રદ્ધા ન હોવાં છતાં, આ સૌ હિન્દુત્વવાદીઓએ ઈ.સ. ૧૦૦૦થી ઈ.સ. ૧૭૦૦ સુધીના ગાળામાં આ પૃથ્વી પર અવતરવાની જરૂર હતી. કારણ એક જ છે. તે એ કે, મુસલમાનદ્વેષનું જે ગરલ એમનાં હૈયાંઓમાં એ સૌ ધારણ કરી રહ્યાં છે તેની જરૂર ઈ.સ. ૧૦૨૪ પછીથી ઊભી થઈ હતી.
ઈ.સ. ૧૦૨૪માં મહમ્મદ ગઝનીએ સોમનાથ પર ચડાઈ કરી ત્યારે, અહીં જેમનાં નામ આપ્યાં છે તે સૌના, મારા પોતાના અને સૌ વાચકાના પૂવજોએ ગઝનીથી સામે નાથ સુધીની પદંરસોકે તેથી વધારે કિલોમીટરની મહમ્મદની કૂચને ક્યાંક રોકવાનો જરાક જેટલો પણ પ્રયત્ન કર્યો જણાતો નથી. મુનશીના ઘોઘાબાપા અને સજજન કલ્પિત પાત્રો છે. ગુજરાતનો રાજા ભીમદેવ તો સોમનાથની સહાયે આવવાને બદલે પાટણ છોડી ક્યાંક સંતાઈ ગયેલો હતો. મોખડાજી ગોહિલ જેવા અપવાદો જૂજ હતા.
હવે જરા કલ્પના કરો ઃ તે સમયે લાલકૃષ્ણ અડવાણી હોત તો, મહમ્મદને સિંધુ ઓળંગવી પણ ભારે પડી જાત એમ તમને નથી લાગતું? એમ થયું હોત તો અડવાણીજીને સોમનાથથી મોટરયાત્રા કાઢી, ઠેરઠેર મુસલમાનવિરોધી પ્રવચનો કરી, અયોધ્યા જઈ ત્યાં બાબરી મસ્જિદનો ધ્વંસ કરી પોતાની જાતને મહમ્મદ ગઝનીની અર્વાચીન આવૃત્તિ બનાવવાનું કષ્ટ ઉઠાવવું પડ્યું હોત નહીં. ૨૦૦૨માં ગોધરાને સ્ટેશને વારાણસી એક્સપ્રેસના ડબ્બાની આગ ઠરે અને એ વિશે કશી જાતતપાસ થાય તેની પહેલાં ગુજરાતના મુખ્યમંત્રીએ પોતાની ‘દિવ્ય દૃષ્ટિ’થી જાણી લીધું કે ગોધરાનું એ દુર્ભાગી કૃત્ય પૂર્વયોજિત કાવતરું હતું અને કાવતરાખોરો દેશવિદેશના મુસલમાનો હતા. બેસવા(sit)માંથી શું ઊભું થાય છે તે તો સમય આવ્યે ખબર પડશે પણ, અમદાવાદની ગુલબર્ગ સોસાયટીમાં, વડોદરાની બેસ્ટ બેકરીમાં અને અન્ય જે તાંડવ ખેલાયું તે અંગે આરોપોનાં આંગળીચિંધામણાં તો શરૂ થઈ ચૂક્યા છે અને દેશની વરિષ્ઠ અદાલતની દૃષ્ટિએ ગુજરાતમાં સળગેલી એ હોળી સમયે આનંદનું નર્તન કરનાર નીરો પણ પકડી પડાયો છે. એ નીરાઓ અને નીરીઓ સર્વે હજાર વર્ષ મોડાં જન્મ્યાં છે.
એ સાવરકરી, ગોળવાલકરી સંઘના સભ્યોનું પ્રદાન ભારતની સ્વતંત્રતા માટેનાં ગાંધીજી પ્રેરિત આંદોલનોમાં શૂન્ય રહ્યું છે. કદાચ ‘માઇનસ’ પણ હશે. ભારતીય ઇતિહાસની એમની સમજણ વિકૃત છે.
મહમ્મદ ગઝનીના જ એક અમલદાર અલબેરુનીએ સંસ્કૃતનો અને તત્કાલીન ભારતીય સંસ્કૃતિનો ઊંડો અભ્યાસ કર્યો હતો. મુસલમાનના સ્પર્શમાત્રથી હિંદુ અભડાઈ જતો અને એને માટે પ્રાયશ્ચિત્ત નહીં હોઈ, મુસલમાન બનવા સિવાય એને માટે બીજો માર્ગ ન હતો. ‘સૌરાષ્ટ્રની રસધાર’માં આની કેવી કરુણ કહાણી મેઘાણીએ નોંધી છે. મહમ્મદ બેગડાના દરબારમાં ચારપાંચ દિવસ પૂરા આદર સાથે અને પોતાનો ધર્મ જાળવીને રહેલા એક યુવાનને એની ભાભી પાણિયારીએ જતા રોકે છે ઃ ‘તમે હવે અભડાઈ ગયા કહેવાવ.’ સ્પૃશ્યાસ્પૃશ્યના ભેદભાવે કહેવાતા નીચલા વર્ણના અનેક લોકોને ઇસ્લામ તરફ ધકેલ્યા છે. પૂર્વ બંગાળ હાલના બાંગ્લાદેશમાં મુસલમાનોની વસતી વધારે હોવાનું આ જ કારણ છે, એમ સ્વામી વિવેકાનંદે ખેદપૂર્વક જણાવ્યું છે. સ્વામીજીએ પોતે અસ્પૃશ્યના હાથમાંથી ઝૂંટવી લઈને એની ચલમમાંથી બે ફૂંક મારી હતી. રાજસ્થાનના કોઈ ગામમાં મુસલમાનને ત્યાં પ્રસાદ લેવા પણ સ્વામીજી ગયા હતા. સ્વામીજી અભેદમાં માનતા હતા.
આપણા ધર્મ વિશેની સ્વામીજીની કે એમના ગુરુ શ્રી રામકૃષ્ણની સમજણ કરતાં આ ગોળવલકરી -સાવરકરી સંઘ તદ્દન જુદી કદાચ વિરોધી સમજ ધરાવે છે. રામકૃષ્ણ-વિવેકાનંદ સમન્વયના, સંવાદિતાના પુરસ્કર્તા હતા. શ્રી રામકૃષ્ણે ઇસ્લામ અને ખિ્રસ્તી ધર્મો અનુસાર સાધના પણ કરી હતી. અનેક સાધકોની સાધનાધારા આપની સાધનાધારામાં ભળી એકરૂપ થઈ છે, એમ કવિવર રવીન્દ્રનાથે શ્રી રામકૃષ્ણની જન્મશતાબ્દી પ્રસંગે લખેલા સુંદર કાવ્યમાં લખ્યું હતું. ત્યારે આ હિંદુ સેવક સંઘની મરજાદી વિચારધારા પર ઊછરેલા ‘જમાલભાઈ’ઓ પોતાનો જુદો ચોકો કરીને બેઠા છે અને, જે વિધર્મીઓને એ પોતાના શત્રુઓ માને છે તેમાંના કેટલાયનું અનુકરણ કરી પોતાની જાતને અર્વાચીન ગઝનીઓ અને ઘોરીઓ બનાવી રહ્યા છે. એટલે જ તો એ આખા વર્ગે મહમ્મદ ગઝનીના, શાહબુદ્દીન ઘોરીના, અલ્લાઉદ્દીન ખીલજીના, ઔરંગઝેબના કાળમાં જન્મ લેવાની જરૂર હતી. આક્રમણકાર મુસલમાનો સામે હિંદુ રાજાઓ સંગઠિત થઈને કદી લડ્યા ન હતા. પોતાનાં નાનાં નાનાં રાજયોની હદની બહારની વિશાળ દુનિયાથી તેઓ સાવ અજાણ હતા. નાલંદાની અને વલભીની દેશકાળ વિદ્યાપીઠાના પતન પછી ઉચ્ચ અભ્યાસ પર મીંડું મુકાઈ ગયું હતંુ. ગ્રહણ થવાનું સાચું કારણ જાણનાર બ્રહ્મગુપ્ત પણ ‘રાહુ-કેતુ’ના ગ્રાહની પકડમાંથી બહાર નીકળી શક્યો ન હતો. ભાસ્કરાચાર્યની ગણિત વિષયક શોધો એની પોથીઓથી બહાર નીકળી પ્રજાના મોટા વર્ગ પાસે પહોંચી ન હતી. ભારતીય અંકો, ભારતીય બીજગણિત, ભારતીય ખગોળ અને આપણાં ઉપનિષદો પણ યુરોપમાં આરબો લઈ ગયા હતાં. આપણે યુરોપ સાથે કશા સંપર્કો રાખ્યા ન હતા. ‘મ્લેચ્છો’ સાથે કંઈ સંપર્ક રખાય?
સદીઓની અકર્મણ્યતાનું, મરજાદનું, ‘અમે તમારાં કરતાં ચડિયાતા છીએ’ – એ મિથ્યાભિમાનનું અને, એમાંથી ફલિત થતી ઇતરધર્મીઓને હલકા ગણવાની વૃત્તિનું પ્રાયશ્ચિત્ત કરવાનો સાચો રાહ અપનાવવાને બદલે, એમનાં ધર્મસ્થાનો તોડી પાડવાં, એમનાં ધંધાઉદ્યોગોનાં સ્થાનોને આગ ચાંપવી અને, બેસ્ટ બેકરી તથા ગુલબર્ગ સોસાયટીના અને એવા બીજા કેટલાય નાના મોટા કિસ્સાઓની કતલની અને આગજનીની ક્રીડા કરવી તેની પાછળ આ હજાર વર્ષ પહેલાંની ઘટનાનો બદલો લેવાની સમજણહીન વૃત્તિ છે. હિંદુ સેવક સંઘના, ભાજપના, વિહિપના, શિવસેનાના,બજરંગદળના, રામસેનાના સૌ મહાનાયકો અને મહાનાયિકાઓ માત્ર હજાર વર્ષો મોડાં જન્મ્યાં છે.
(સૌજન્ય:નિરીક્ષ્ંક 1ઓગષ્ટ-૨૦૦૯ ગુજરાતનું પાક્ષિક વિચારપત્ર)
http://www.nireekshak.com/wp-content/uploads/2009/08/20090820_nireekshak_august_1_2009.pdf
આપના પ્રતિભાવ