મારા રકતથી અળગી કરો—મહેન્દ્ર જોશી
આવતી હર રાત મારા રકતથી અળગી કરો
છે ઓધઈની જાત મારા રકતથી અળગી કરો.
આહ-અશ્રુ ઑસ-અગ્નિ શાપ-સ્ર્મુતિ ને તૃષા
આ નદીઓ સાત મારા રકતથી અળગી કરો.
કોઈ ચકલીની ફડક લઈ રોજ આવે છે અહીં
સાંજની સોગાત મારા રકતથી અળગી કરો
હા તણખલાથી તરાવી જાઉં હોડી પેલે પાર
પણ પ્રથમ જળઘાત મારા રકતથી અળગી કરો
સૂર્ય નીચે આમ હું ભડભડ બળું પણ એ શરત
ગંધ-પારિજાત મારા રકતથી અળગી કરો
કેમ ટૂંકાતી જતી લંબાઈ પડછાયા તણી
આ પીડા નવજાત મારા રકતથી અળગી કરો
સ્વપ્નમાં પણ લોક ઊભું છે બજારે સ્તબ્ધ થઈ
બંધ ઘરની વાત મારા રકતથી અળગી કરો
શું બન્યું ક્યારે બન્યું ને આમ ટોળું પણ બન્યું
છે બધી પંચાત મારા રકતથી અળગી કરો
આપના પ્રતિભાવ