Posted by: bazmewafa | 04/24/2011

હાસ્ય લેખ:આગાહી – હરનિશ જાની

આગાહી – હરનિશ જાની

 

સપ્ટેમ્બરમાં ન્યૂયૉર્કના કેનેડી એરપોર્ટથી, ન્યુ જર્સી ઘેર જતાં,બનેવીને મે પૂછ્યું, ‘અમેરિકાના સ્નો વિષે બહુ વાંચ્યું છે. મને સ્નો જોવા તો મળશે ને ! ગુજરાતમાં કશી ખોટ હોય તો તે સ્નોની જ. સ્નોની બ્યુટી જ કાંઇ અનોખી છે. આણંદમાં આપણાં ઘરમાં સ્નોના સીનવાળા કેટલાય કેલેન્ડર લટકે છે.’ ઓકટોબરમાં મે બનેવીને પૂછ્યું, ‘સ્નો કેવો હોય ?હજુ સ્નો કેમ પડ્યો નથી ? મારે સ્નોના ફોટા પડવા છે.’

નવેમ્બરમાં બનેવીએ કહ્યું કે, ‘આ વખતે વિન્ટર વહેલો બેસશે. સ્નો વહેલો પડશે.’ મે ડિજીટલ કેમેરા તૈયાર કરી દીધો. વીડિયો કેમેરા તૈયાર કરી દીધો. મારે એ તક ઝડપવી હતી અને નવેમ્બરના છેલ્લા અઠવાડિયામાં બનેવીએ એક સાંજે બૂમ પાડી. ‘બહાર આવ; જો

સ્નો ચાલુ થયો…’ હું બહાર દોડ્યો. બે હાથ પ્રસરાવીને ગોળ ગોળ ફરવા લાગ્યો. નાની નાની, હલકીફૂલ, બરફની સફેદ ક્રિસ્ટલી કરચો વરસતી હતી. મે મોં ખોલી અને ઝીલવા માંડી. ખૂબ મઝા આવતી હતી.

સલમાન ખાનની જેમ ખમીશ કાઢી નાખ્યું. અંદરથી કેમેરા લઇ આવ્યો. બનેવીએ ફોટા પાડ્યા. કવિ હોત તો કવિતા લખી નાખી હોત. બહાર ઠંડી હતી પણ અંદર જુવાન ગરમ લોહી હતું. બીજી સવારે, રાતે પડેલા સ્નોને, સ્નો સાફ કરવાનો પાવડો લઇને સાફ કર્યો. બનેવીને કહી દીધું, મારા આવ્યા પછી તમારે કાંઇ ચિંતા નહીં કરવાની. મેં ડ્રાઈવ વૅ, વૉક વૅ અને બનેવીની ત્રણ કારને સાફ કરી. આમ પણ બે ઈંચ સ્નો પડ્યો હતો. મે બનેવીના ઘરની સામે રહેતા એક સિનિયર કપલને કહ્યું, ‘મને તમારો સ્નો સાફ કરવાની તક આપો. આ રીતે મને કસરત મળશે.’ તેમનો પણ સ્નો સાફ કર્યો. તેમને ખુશ કર્યા.

બનેવીએ અઠવાડિયા પછી કહ્યું, ‘આવતી કાલે સ્નોની આગાહી છે.’ મે પાછા કેમેરા તૈયાર કર્યા. બનેવીએ કહ્યું, આ વખતે છ ઈંચ સ્નો પડવાનો છે અને સ્નો પડ્યો. મે વધુ ફોટા પડાવ્યા અને ઈન્ટરનેટ પર આણંદમાં રહેતા મિત્રોને મોકલ્યા. સવારે સ્નો સાફ કરવાના પાવડાથી કલાક મજૂરી કરીને સ્નો સાફ કર્યો. પરંતુ પાડોશીને તેમનો સ્નો સાફ કરવાનું ન પૂછ્યું. બે દિવસ પછી બનેવીએ કહ્યું, ‘ગુડન્યૂઝ, આવતી કાલે સ્નો પડવાનો છે. લગભગ દસ ઈંચની આગાહી છે.’

અને સ્નો પડ્યો. સવારે પગ પર બે જોડી વુલન મોજાં પહેર્યાં. શર્ટ પહેર્યું, સ્વેટર પહેર્યું. જેકેટ પહેર્યું, ઊપર ઓવર કોટ પહેર્યો. માથે વુલન ટોપી પહેરી. હાથ પર લેધરના મોજાં પહેર્યાં. લાંબા બે ઈંચ જાડાં તળિયાંવાળા પાંચ કિલોના સ્નો શૂઝ પહેર્યાં. ચાલવાનો વૉક વૅ સાફ કરી, ડ્રાઈવ વૅ સાફ કર્યો. અને બનેવીની ત્રણ કાર પરથી સ્નો કાઢ્યો. ખાસ્સી મજૂરી

કરી. ફોટા ના પાડ્યા. પાડોશીના ઘર તરફ જોયું પણ નહીં. અઠવાડિયા પછી બનેવી બોલ્યા. ‘આગાહી છે કે સાઊથમાંથી નવું સ્ટોર્મ આવે છે. એટલે દસ બાર ઈંચ સ્નોની આગાહી છે.’ મે બનેવીને પૂછ્યું, ‘આ આગાહી ખોટી પડે ખરી ?’

અને એક ફૂટ સ્નો પડ્યો. સવારે પગ પર બે જોડી વલુ ન માજો પહેર્યાં સ્વેટર પહેર્યું. ઓવર કાટે પહેર્યો. માથે વુલન ટોપી પહેરી. હાથ પર લેધરના મોજાં પહેર્યાં. લાંબા બે ઈંચ જાડાં તળિયાંવાળા પાંચ કિલોના સ્નો શૂઝ પહેર્યાં. અને મજૂરી ચાલુ કરી દીધી. બનેવીની ત્રણે કાર સાફ કરી, ડ્રાઈવ વૅ સાફ કર્યો. ચાલવાનો વૉક વૅ સાફ કર્યો. – ઠંડી કહે મારું કામ. આંગળા ઠરી ગયા. નાક લાલ થઇ ગયું. છાતીમાં પવન ભરાતો હતો. ઠંડીને લીધે ચામડી દાઝતી હોય એમ લાગતું – ફોટા પડાવવાનો તો વિચાર સુદ્ધાં નહોતો આવતો. બનેવી

નફફટની જેમ મને મદદ કરવાની મૂકીને બારીમાંથી જોતાં હતા. પાડોશી બાયનોકયુલરથી દૂર એમની બારીમાંથી મારા નાકમાંથી દદડતું પાણી જોતાં હતાં. માંડ અઠવાડિયું થયું હશે અને બનેવી કહે, ‘સ્નોની આગાહી છે. આ વરસે વ્હાઈટ ક્રીસમસ છે.’ મારું માથું ફરવા લાગ્યું. કહેવાની ઈચ્છા તો થઇ કે ‘પડે તમારો સ્નો ચૂલામાં….’ – મે બનેવીને પૂછ્યું. કેટલો વખત આ સ્નો પડશે ?’ ‘પડશે માર્ચ સુધી.’ મે કહ્યું, ‘હજુ તો જાન્યુઆરી નથી આવ્યો. ક્રિસમસની આગલી રાતે પાછો એક ફૂટ સ્નો પડ્યો. – સવારમાં બારી બહાર જોયું અને મે બૂમ પાડી, ‘આ ન ચાલે ! આ અન્યાય કહેવાય. સાલો હરામખોર.’ બનેવી કહે, કોને ગાળો દે છે ? સ્નોને ? એના કરતાં સ્નો સાફ કરવા માંડ. ‘સવારે પગ પર બે જોડી વુલન મોજાં પહેર્યાં, શર્ટ પહેર્યું, સ્વેટર પહેર્યું, જેકેટ પહેર્યું, ઊપર ઓવરકોટ પહેર્યો. માથે વુલન ટોપી પહેરી. હાથ પર લેધરના મોજાં પહેર્યાં. લાંબા બે ઈંચ જાડાં તળિયાંવાળા પાંચ કિલોના સ્નો શૂઝ પહેર્યાં.

હાથમાં શોવલ લીધી અને મજૂરી ચાલુ કરી દીધી. બનેવીની ત્રણે કાર સાફ કરી. ડ્રાઈવ વૅ સાફ કર્યો. ચાલવાનો વૉક વૅ સાફ કર્યો. મજૂરીનો ટોટલ સમય ત્રણ કલાક. બનેવી મારા ફોટા પાડવા આવ્યા. મે તેમના હાથમાંથી કેમેરા ઝૂંટવી લીધો અને દૂર નાખી દીધો. મને ઠંડી ચઢી હતી માથું ઠરી ગયું હતું. બનેવી નફફટની જેમ કહે  ‘તારે સ્નોની બ્યુટી નથી

ઝડપવી ?’ મારી આંખમાંથી અને નાકમાંથી પાણી દદડતું હતું. ઠંડી હવામાં મારા હાથના આંગળાં ઠરી ગયા હતાં. બે બે જોડી મોજાં અને બૂટ હોવાં છતાં, પગનાં અંગુઠાં થીજી ગયા હતા. જુવાન લોહી હોય એ વાત ભૂલાઇ ગઇ. મને એવી ફિલગ થઇ કે પાડોશી દેખાતા નથી, પણ ચોક્કસ બારી પાસે ઉભા ઉભા મને જુએ છે. સાલ્લા !

જાન્યુઆરી મહિનો આવ્યો. બનેવીએ કહ્યું કે એ લોકો બ્લિઝર્ડની વાત કરે છે. બનેવીએ સમજાવ્યું કે કચ્છના રણમાં રેતીનું તોફાન થાય છે એવું આ સ્નોનું તોફાન આવવાનું છે. બનેવીએ કહ્યું કે આપણે સ્નો પડે તે પહેલાં મીઠું છાંટી દેવાનું, જેથી સ્નો સાફ કરતાં તને

ફાવે. એમણે મને વીસ કિલોની મીઠાની ગુણ પકડાવી અને ઘરની આગળના ભાગ પર મીઠું છટાવ્યું. સ્નો પડ્યા પછીની મજૂરી ઓછી હોય તેમ સ્નો પડે તે પહેલાં સ્નોને ખાતર મજૂરી કરાવી. આ અમેરિકનોની તો આગાહી પણ ખોટી પડતી નથી. બીજે દિવસે કલાકના બે ઈંચના હિસાબે બાર કલાક સ્નો પડ્યો. બનેવી બોલ્યા, ‘બારી બહાર જો કુદરતની લીલાના દર્શન થશે.’ મે  બારી બહાર જાયે . – કુદરતની લીલા ! માય ફૂટ ! આટલો સ્નો કયારે સાફ થશે ? કોણ સાફ કરશે ?

સવારે પગ પર બે જોડી વુલન મોજાં પહેર્યાં. શર્ટ પહેર્યું, સ્વેટર પહેર્યું. જેકેટ પહેર્યું. ઊપર

ઓવર કોટ પહેર્યો. માથે વુલન ટોપી પહેરી. હાથ પર લેધરનાં મોજાં પહેર્યાં. લાંબા બે ઈંચ જાડાં તળિયાંવાળા પાંચ કિલોના સ્નો શૂઝ પહેર્યાં. બહાર જતાં પહેલાં બનેવી તરફ જોયું. વિચાર્યું એ ઉઠે છે ખરા, મદદ કરવા ? પણ ના, એ તો કૉફી પીતા રહ્યા. પાછા ઊપરથી કહે. ‘સારું છે ને કે તું અહીં છે તે ! તારા વિના આટલો સ્નો કોણ સાફ કરત ?’ હાથમાં શોવલ લીધી અને મજૂરી ચાલુ કરી દીધી. ત્રણેમાંથી એકે કાર દેખાતી નહોતી રસ્તા પરના સ્નો અને તેના પર પડેલા સ્નોમાં દટાઇ ગઇ હતી.

મને એક મૂરખ જેવો વિચાર આવ્યો કે હમણાં વૈશાખી વાયરા વાય તો ? પ્રભુએ નરસૈયા માટે, મીરાં માટે કર્યું હતું એમ મારા માટે કરે તો ? પણ પ્રભુએ તેમ ન કર્યું અને બનેવીના આ સાળાએ સ્નો સાફ કરવા માંડ્યો. ત્રણ કલાકમાં એક જ કાર ચોખ્ખી કરી. બનેવી બોલ્યા, ‘કાર પરથી સ્નો તો કાઢ્યો પણ કારની આજુબાજુ તો મોટા ઢગલા કર્યા છે તે કાર કેવી રીતે કાઢીશું ? આ દસ ફૂટના ઢગલા સાફ કરવા માંડ.’ અને તે અંદર ગયા. હું મોટા મોટા સ્નોના ઢગલા જોતો હતો અને વિચારતો હતો. આ ગારબેજ કયારે સાફ થશે ? ભગવાનની લીલા જોતાં જોતાં ભગવાનમાંથી શ્રદ્ધા ઉઠી ગઇ. સાલી, ગ્લોબલ વોર્મીંગ કયાં ઉડી ગઇ ? હું કાંઇ કરું તે પહેલાં તો તે થોડી વારમાં બહાર આવ્યા. બોલ્યા, ‘હવે સ્નો કાઢવાની

જરૂર નથી. હમણાં જ આગાહી સાંભળી. આજે રાતે બીજું સ્નો સ્ટોર્મ આવે છે. ત્રીસ ઈંચની આગાહી છે. તે પડી ગયા પછી કાલે બધો સ્નો સાથે સાફ કરજો.’ મને કયારે ઘરમાં લાવ્યા તે તો યાદ નથી. પણ આંખ ખૂલી ત્યારે બહેન બોલતાં હતાં – ‘આમ તો એ મજબૂત મનનો છે. પણ બેભાન કેમ થઇ ગયો ? તે સમજાતું નથી. ભલું થજો આપણા પાડોશીનું કે જેમણે આને ઘરમાં લાવવામાં મદદ કરી!’ હું બોલ્યો, ‘તમે જાણો અને તમારો સ્નો જાણે. હું ચાલ્યો પાછો આણંદ.’

(સૌજન્ય:નિરીક્ષક 16એપ્રીલ2010)

Clik the URL to read about the author

http://bazmewafa.wordpress.com/2011/04/04/harvishjani_wafa/


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Categories

Follow

Get every new post delivered to your Inbox.

Join 31 other followers