Posted by: bazmewafa | 02/25/2011

સીરતે સીરતી(અહમદ આકુજી સુરતી_સીરતીનો પરિચય_જીવન*કવન) _મુહમ્મદઅલી વફા

બદરીકાચવાલા,સીરતી,અમીન અઝાદ

સીરતે સીરતી(અહમદ આકુજી સુરતી_સીરતીનો પરિચય_જીવન*કવન) _મુહમ્મદઅલી વફા

અહમદ આકુજી સુરતી_સીરતી
જન્મ:29ઓકટો.1908
ઈંતેકાલ: 28સપ્ટે.1980.

પ્રકાશન: વારસો(કાવ્ય સંગ્રહ)-1998

સર્જકનાઇંતેકાલના 18 વર્ષ પછી જ.મસ્ત મંગેરા અને શ્રી જય નાયકે આવાઝ પ્રકાશન, કાંગવાઈ-નવાસારીથી 1998માં એમની પ્રાપ્ય રચનાનો એક અમૂલ્ય સંપુટ પ્રકાશિત કર્યો.

કોઈ સસ્તી કીર્તિ પાછળ ભલે ભમતુ ફરે,
’સીરતી’ની ભવ્યતાને એ કદી ભાવે નહીઁ

,56-,57નો જમાનો હશે.હઝલ સમ્રાટ જ.આઈ..ડી.બેકાર સાહેબે(મર્હુમ),પટેલ મિત્ર,કારવાં નો સફર પુરો કરી લોકો ને “ઈનસાન” બાનાવવાની શરુઆત કરી.ઈનસાન,સામયિક શરૂઁ કર્યું .જનાબ ‘વહશી,માસ્તર તાજ સાહેબ,મ.બેબાક રાંદેરી,શેખચલ્લી(મ.),જ.મસ્તહબીબ સારોદી, શ્રી રતિલાલ’અનિલ, વિ.હમેશા એમના સફરના સાથી રહ્યા.મુશાયેરો એ શબ્દ તો સાઁભળવામાં આવેલો,પરંતુ પ્રથમ વખત બેકાર સાહેબની ટીમે’ મુશાયેરી’ શબ્દનો જન્મ આપ્યો.
આવી એક મુશાયેરી કે.આઇ.એમ.એ.વી.સ્કૂલ,મોટામિયાં માંગરોલ જિ.સુરત મા ગોઠવવામાં
આવી(પછળથી 1969અને 1971માં આવી બે મુશાયેરીમાં હું પણ શ્રીબેકારસા. સાથે ઊકાઈડેમ, ઊકાઈ, સોનગઢજિ.સુરતઅને મારા ગામ,લુવારા જિ.સુરત માં જોડાયેલો)
આચાર્ય શ્રી એમ.બી.દેસાઈ એ જાહેરાત કરી કે ગુ.શાયેરો(માંડ બે) આવ્યા છે અને બપોરર્ની રીસેસ પછી મુશાયેરી નો પ્રોગ્રામ છે.
જ.સીરતી સાહેબને પ્રથમ વાર સ્કૂલના પટાઁગણમાં જોયા.દાઢી હજી કાળી હતી ,નહી તો ર.ટાગોર સમજી લેવાતે.
સીરતી સાહેબે એમનાં બુલંદ અવાજ માં એમની રચના ‘મહોબ્બત ની મસ્તી નો એક જામ લઈલે’શરુ કરી.ત્યાં એક લતીફો થયો.મજકુર પંકતિ ગાવામાં વારઁવાર આવતી હતી. ટ્રસ્ટીઓ માંથી શ્રી યુસુફ ભાઈ પટેલે પટાવાળા ભાઈ હૈદર ને કહ્યુઁ કે સીરતી સાહેબનો જામ પાણીથી ભરી દે..હૈદર ભાઈ એ વારંવાર જગ લઈ ,જ્યારે પણ સીરતી સાહેબ જામ ભરીદે બોલે એટલે ગ્લાસો ભરવાનું શરું કર્યુઁ. હસાહસનું હુલ્લડ થયું.
પછી 1967 કઠોર,જિ.સુરતના મુશાયેરામા એમની સાથે ભાગ લેવાનીયે તક મળી.
શ્રી રતિલાલ’અનિલ’ સાથે એમની ભારે બે તકલ્લુફી હતી.’અનિલ’ સા..એમને પાપાચારના આદિ વાલ્મિકી કહીને ચીડવતા.
શ્રી રતિલાલ.અનિલ ના શબ્દોમાં બીજી વાતો રોમાંચિત કરી દે એવી છે ,હવે તે વાંચો
અહીઁ એમના થોડા શેરો પર તઝમીનો રજુ કરવાનો ઉદ્દેશ છે.

*વફા
26ડીસે.2006

સફરના સાથી*રતિલલ ‘અનિલ’

આજે તો કેટલાક કવિઓએ પોતાની કવિતા ટેપ કરાવી છે. અને તેનું વિતરણ પણ થાય છે. જેની જેવે પહોંચ!પણ અમારા સમયમાં તો એ દુર્લભ હતું.ટેપ રેકર્ડીગની સગવડ હોત તો ઝવેરચન્દ મેઘાણીએ ગાયેલાઁ ગીતોની માત્ર એકાદ રેકોર્ડ હોય? એ અષાઢી કંઠ તો ટેપ કરવા જેવો હતો.
અહમદ આકુજી સુરતી-સીરતીની કવિતાના બે ભાગ પડતા હોવા જોઇએ.જો કે 1943માં એમના પરિચયમાં આવ્યો ત્યારથી છેવટ સુધી એમની ગઝલો એક પ્રકારની પરંપરિત શૈલીની ગંભીરજ રહી.
તે તેમની આગલી કવિતા પણ કદી સંભળાવતા નહીઁ એટલે એમની શરૂઆતની કવિતાથી હું અપરિચિત છું.પણ મેઁ જાણ્યુંકે તે સમયે એક રેકર્ડ મોહનકુમાર ઊનવાલાની ગાયેલી બહુ જાણીતી હતી,તે મેઁ સાઁભળીયે હતી.* તે ગઝલ એમણે લખેલી હતી એ જાણ્યુઁ ત્યારે ભારે આશ્ચ્રર્ય થયું
!
અય હકીમો જાવ,
દુનિયામાં દવા મારી નથી,
હું ઈશ્કનો બીમાર છું
બીજી કંઈ બીમારી નથી !


આ રેકર્ડ ત્યારે બહુ જાણીતી હતી.એ ગઝલ હતી’સીરતી’ની.
સીરતી બહુ ઉદાર અને ફક્કડ તબિયતના માણસ હતા. ખભે થેલો લટકાવી એ કઠોર થી નીકળી સુરત આવે ત્યારે સૌથી પહેલાઁ મિઠાઈ વાળાની દુકાને પહોઁચે,મિઠાઈ બઁધાવે,તે પછી અમીન આઝાદની દુકાને આવે.મિઠાઈનું પડીકુઁ ખોલી, હોય તે સૌને કહે; ‘ખાઓ’ ! અને પોતે પણ ખાવા લાગે.પોતે સંકોચ ન કરે અને બીજાને સંકોચ પણ ન કરવા દે. દરેક વખત આજ શિરસ્તો. ઘેર જાય ત્યારે એમની પાસે હોય તે ઝોળી સિવાય ,તેમાં કોઇ ઉર્દુ સામયિક ઉમેરાયું હોય બસ. સુરત આવીને એક તો મિઠાઇ વાળાની મુલાકાત લે, તે પછી સહિત્યિક ઉર્દુ સામયિકો મળતાં હોય ત્યાઁજાય અને નવા અંકો ખરીદે. એવો એ સાહિત્ય રાગી જીવ. પાછલી જિઁદગીમાં ઈ.સ.1942 પછી એમની આર્થિક હાલત સારી ન હોતી. તે છતાં એમનો એ શોખ છેવટ સુધી ચાલુ રહ્યો.
તંદુરસ્ત શરીર ,માથે વાંકડિયા ઝૂલ્ફાં ,દેખાવે પૂરા કવિ લાગે.કંઠ પણ સરસ પહાડી સાદનો,એ કવિતા ગાય ત્યારે સામે કોણ છે એ ભૂલી જાય,બસ પોતાની મસ્તીમામ ગઝલ ગાય,દાદ ની કોઈ પરવાહ નહીઁ,તેમજ અજઁપો યે નહીઁ.પુરો અલગારી સ્વભાવ.મુશાયેરામાં આવે ત્યારે એ એક આનઁદ પ્રવાસ હોય એ રીતે આવે. કવિતાની ગઁભીર ચર્ચામાં ઝુકાવે ખરા ,પણ તંતીલા નહીઁ.સસ્તી પ્રસિધ્ધિની ભારે નફરત,એવાઓની એ ટીકા પણ કરે.તાજી ઉર્દુ કવિતાના એ સંપર્કમાં રહે અને તેમને ગમી ગયેલી કવિતા ગાઈને સંભળાવે, એ રીતે એમને પોતાની કવિતા કદી સઁભળાવી ન હોતી.ઉર્દુ ગઝલના માયાર_ધોરણની ચર્ચા કરે.
ભારે વિનોદી.ગંભીર વાતો તો કરે પણ હળવી વાતો એમને વધારે પસઁદ.એ માણસ મૂળે હતાજ આનઁદી.!એમની ગઝલો સાહિત્યિક ધોરણની રહેતી.મુશાયેરાની ગઝલ કરતાં એમની સ્વતંત્ર ગઝલો વિશિષ્ટ રહેતી.એક અખઁદ ભાવસૂર ,પ્રાસંગિકતા એમને સ્પર્શે ગઝલને પ્રાસંગિકતાથી દૂર રાખે,એવી ગઝલની ટીકાયે કરે.એક સમયે ‘સીરતી’ની તો રંગુનની વોલસ્ટ્રીટ કહેવાતી’સુરતી બજાર’માં એક મિલ્કત અને દુકાન હતી એટલે એમની આર્થિક હાલત ઘણી સારી હતી.
બરમાના વિખ્યાત મોલમીનના લાકડાની બનેલી ‘સીરતી’ની વિશાળ હવેલી મેઁ જોઈ, ત્યારે એ કુટુઁબ બર્મા ખાતેની મિલ્કત, વેપાર અને આવક ગુમાવી બેઠેલું હતું.અને હવેલીની મરમ્મત માટે યે એમની પાંસે કશી જોગવાઈ નહોતી.
એમની પાંસેથી શ્રી રમણલાલ વસંતલાલ દેસાઈનાં સંસ્મરણો વારઁવાર સાંભળવા મળતા.કઠોર ગાયકવાડી કસબો હતું.સ્વ.દેસાઈ સુબા તરીકે ત્યાઁ આવ્યા ત્યારે એમનો પરિચય કઠોરવાસીઓને થયેલો.કેટલાકનો પરિચય તો ગાઢ પણ થયેલો.
એક વારના એ સુખી માણસે પાછલી જિઁદગી ખેડૂત અને પશુપાલક તરીકે ગાળી.લહેરી,ખર્ચાળ સ્વભાવને કારણે હાથ ભીડમાં હોય તોયે પહાડમાં પાટું મારે એવો એ મરદનો હાથ કદી ખર્ચના ભયે ખેઁચાયેલો રહ્યો નહીઁ.એક ‘ઈકબાલ ગ્રંથાવલિ ‘ચલાવતા. સીરતીને ખેતીની આવક સિવાય બીજી આવકતો ઉર્દુના ધાર્મિક સાહિત્યના અનુવાદોની. છેલ્લેતો તેઓ બીજાઓ દ્વારા ,બીજી સંસ્થાઓ દ્વારા ચાલતા સામયિકો આખા અનુવાદ કરી ભરી આપે! ઉર્દુ ભાષાનો અભ્યાસ અને શોખ એમને પાછલી જિન્દગીમાં સાઈડ આવક તરીકે ખપ લાગ્યો.એક ખેડૂત એક શાયર ,એક અદબી સાહિત્યકાર માણસ એવાં એમના અનેક રૂપ હતાં.કોઇ એક રૂપનો સામાજિકા રૂપનો આગ્રહ નહીઁ,જ્યારે જે કામ કરતા હોય તે રૂપ એમને મંજુર. !
લૂંગી અને કફનીમાં હાથમાં દાતરડું લઈને સીમ કે ખેતરથી આવતા એ માણસને જૂઓ તો લાગે નહીઁ કે આ માણસ શાયર હશે.! બીજા વિશ્વયુધ્ધ પછીનો જીવનસંઘર્ષ એમને ખેતરોમાં અને ઘાસિયામાં લઈ ગયો. : એમની સઁવેદના કેવી જીવંત હતી તેનું એક ઉદાહરણ : ખોડાઁ ઢોરોની સંસ્થાને ઘાસ પૂરું પાડે.કહે કે સસ્તાઈ હતી ત્યારે ઢોર દીઠ ખર્ચ નક્કી કરેલો તેજ દર ખર્ચ આજે ચાલે છે.
ઢોર ભૂખ્યાં ન રહે તે સિવાય બીજુઁ શુઁ થાય ?એ મોજીલો અલગારી દેખાતો જીવ ‘વિચારશીલ’સંવેદનશીલ પણ હતો. માત્ર કદી એને દેખાડો નહીઁ એટલુંજ.વિચારે રાષ્ટ્રીય કટ્ટરતા જરાયે નહીઁ.
તેઓ તો ખિલાફત ચળવલના રંગે પણ રંગાયેલા હતા.અને સુખના દિવસો હતા ત્યારે એ જુવાન ખિલાફતચળવળનો સૈનિક પણ હતો. એ સમયની એમની છ્બી મૌલાના મોહઁમદઅલીના અનુયાયીની યાદ તાજી કરાવે એવી.
સુખના દિવસોમાં એ યુવાને ક.મા.મુન્શી,ધૂમકેતુ,મેઘાણી આદિ લોકોનું સાહિત્ય વાંચી નાંખેલું.ને ત્યારથી તે ઠેઠ એમના અવસાનના છેલ્લા તબક્કા સુધી ,એમની બર્મિઝ થેલી માંથી એક-બે-અદબી મેગેઝીનો તો નીકળેજ.
પાકિસ્તાનમાં એક વાર ઈંડો-પાકિસ્તાની મુશાયેરો યોજાયેલો-તેમાં પણ એમને આમંત્રણ મળેલું,અને તેમા ભાગ લીધેલો.
બહુ લાંબુ શાયરજીવન, પણ એમનો એક કાવ્ય સંગ્રહ પ્રગટ થયો નહીઁ. કહેતા કે ,’મારા મર્યા પછી પ્રગટ કરવો હોય તો પ્રગટ કરજે!,કીર્તિનો લોભ નહીઁ તેમ સંગ્રહવ્રુત્તિ પણ નહીઁ,ક્યાઁ ખેતી ,ક્યાઁ ઢોર પાલન,ક્યાં પુસ્તકોનો શોખ,કયાં ઈકબાલ ગ્રંથાવલિ,ક્યાં ‘કિતાબ’માસિકના એ સંચાલક ,કયાં ધાર્મિક માસિકોના લેખક, કેટલું વિવિધરંગી એ જીવન હતું.
આવો અલગારી માણસ ,માત્ર સ્મ્રુતિમાં જીવેછે.

adiljaam.jpg

મસ્તીનો એક જામ લઈ લે

મહોબ્બતની મસ્તીનો એક જામ લઈ લે!
જીવન જીવવાનો સંરંજામ લઈ લે !

જરૂરત વિસામાની હો જિંદગી ને,
ફેરેબોની છાયામાં આરામ લઈ લે!

વફાઓને આંસુનો આપી દિલાસો,
કોઇ બે વફાનું ફરી નામ લઈ લે!

હૃદય હો અગર ડૂબવાની અણી પર,
સૂરાનાં જિગરમાંથી તું હામ લઈ લે!

સદા કેફમાં લીન તલ્લીન રહેવા,
કોઇનાં નયનમાંથી એક જામ લઈ લે!

દિલાસાની હો ભૂખ માયુસ દિલને,
મળે જે તને,તે અંજામ લઈ લે !

ન ઠરવનો તુજને મળે કયાંય આરો,
મહોબ્બત સમું તું પાક ધામ લઈ લે!

ધરા પર મળે જો ન ફરવાનું દ્રષ્ટિ,
ગગનમાઅંજ ભમવાનું તું કામ લઈ લે !

જવાનીનો આ થાક ને ‘સીરતી’ તું,
ભલો થઇ ખુદાનું હવે નામ લઈ લે !

આંસુઓ ઝરે ઝાલિમ ! __’સીરતી’

નઝમ(મુખમ્મસ)

દિન રાત નયનમાંથી આંસુઓ ઝરે ઝાલિમ !

તુજ યાદ મહીં ભૂલ્યો છું સર્વ અરે, ઝાલિમ !

તુજ ઈશ્ક તણો રોગી ઉપચાર વિના તડપે,

ઉપચાર વિના મરશે એ રંક ખરે ઝાલિમ !

ઈન્સાન બની કંઇ કર ઈન્સાન પરે ઝાલિમ.

ના મુકત થયો અંતે તું નાઝ ભરતી જા,

હા પ્રેમ મર્યાં મરતાં ,હે રૂપ રમતી જા.

બે બોલદુઆના પણ મુજ કાજ વદતી જા!

છો શુષ્ક હૃદય સુનાં, ઉપકાર કરતી જા !

બે અશ્રુ સરંતી જા મુજ કબ્ર પરે ઝાલિમ!

પળ પળ અહીં યુગ યુગ છે દર્શન અભિલાષામાં,

તું તાર દઇ દર્શન હા મારી નિરાશામાં,

પ્રત્યક્ષ થઇને પા સંયોગ સુરા_પ્યાલી,

હું કયાં લગી ઝૂંઝૂં ફળહીન શુભશામાં ?

તુ મીણ કદી તો થા પાષાણ અરે ઝાલિમ?

 

 

 

એનાં જ દર્શન**સીરતી

તમન્ના તક અમોલી સાંપડી છે.

શહાદત વાટ જો સામે ખડી છે.

 

હૃદયની આહ ક્યાં જઇ આથડી છે,

ગગન-સર્જન થયું વીજળી પડી છે.

 

દુઆ દોડીને ત્યાં પહોંચી ચઢી છે,

કૃપા જ્યાં જેની સત્કારે ખડી છે.

 

વધ આગળ, યાચના,અભિલાષ દાખવ,

ભલા દિલ આ જ તાર ધન ઘડી છે.

 

ઉમીદો કેરી પાંખોએ ચઢીને,

તમન્ના દિલની આકાશે ઉડી છે.

 

સકળ સંસારમાં એનાં જ દર્શન,

હવે દિલની ખૂલી ગઇ આંખડી છે.

 

થયો છું સુરતીથી સીરતી હું

મતા મુશ્કિલથી એ મુજને જડી છે.

 

(વારસો*46 કઠોર-મુશાયરો-1941)

 

<

તઝ્મીન

અય હકીમો જાવ, દુનિયામાં દવા મારી નથી
.હું ઈશ્કનો બીમાર છું ,બીજી કંઈ બીમારી નથી

*સીરતી

તઝ્મીન:_સૈયદ ‘રાઝ’ નવસારવી.
છે મને વરસોથી આ તકલીફ ,અણધારી નથી.
થઈ ગઈ રોજિન્દી ઘટના એટલે ભારી નથી.
દિલ વિના મે કોઇનીયે વાત ગણકારી નથી.

અય હકીમો જાવ, દુનિયામાં દવા મારી નથી.
હું ઈશ્કનો બીમાર છું ,બીજી કઁઈ બીમારી નથી

*સીરતી
કોઈ સસ્તી કીર્તિ પાછળ એ કદી દોડ્યો નહીઁ,
શાયરીમાં ,‘સીરતી’ની ભવ્યતા અણનમ રહી.

તઝ્મીન: *વફા
શાયરીમા સાથ ઊસુલો તણો છોડયો નહીઁ.
નેખુમારી ને ખુદીનો જામ પણ તોડયો નહીઁ.
જીઁદગીના ભવ્ય દર્પણ ને કદી ફોડયો નહીઁ

કોઈ સસ્તી કીર્તિ પાછળ એ કદી દોડ્યો નહીઁ,
શાયરીમાં ‘સીરતી’ની ભવ્યતા અણનમ રહી.

*સીરતી
મને ઓ પ્રેમ ! પાંખો આપ સત્વર ઉડ્ડયન માટે.
અહીઁ દિલની ધરા તૈયાર બેઠી છે ગગન માટે
.

તઝ્મીન:*વફા
હવે તો આંખ પણ છે ગઈ રહી શાયદ જલન માટે.
બધા દરિયા હવે ખાંગા અહીઁ અગ્નિ શમન માટે.
તમે વિઘ્નો તો ન નાંખો અમારા આ મિલન માટે

મને ઓ પ્રેમ ! પાંખો આપ સત્વર ઉડ્ડયન માટે.
અહીઁ દિલની ધરા તૈયાર બેઠી છે ગગન માટે.

એ તડ્પ _મુહમ્મદઅલી ભૈડુ’વફા’

ગઝલ

એતડપ હૈયાં તણી છે ,કોઈ બીમારી નથી.
એઅલગ છે વાત કે દુનિયાએ ગણકારી નથી.

આંખમા ચોંટી ગઈ એ નીકળી હૈયા થકી,
હા હવે તો છૂટ્વાની કોઇપણ બારી નથી.

જીઁદગીના કાફલા લુંટાયા તારા ગામમા,
તે છતાં કહેછે બધાઁ વાત અણધારી નથી.

તું તબીબ મિથ્યા પ્રયાસો છોડી દે નિદાનના,
વેદના જુની થઈ ગઇ એટ્લે ભારી નથી.

અય હકીમો જાવ, દુનિયામાં દવા મારી નથી.
હું ઈશ્કનો બીમાર છું ,બીજી કઁઈ બીમારી નથી

_મુહમ્મદઅલી ભૈડુ’વફા’

જનાબ સીરતી સાહેબ (મર્હુમ)નાં 10 મુકતકો:
1 અંતિમ આરઝુ

મરવા પછી દિલદારના આંસુ વડે નવડાવજો.
તેના કદમની ખાક મારી આંખમાં અંજાવજો.

કાફૂરને બદલે કફનમાં ખાક એ છંટાવજો,
‘સીરતી’ તણા શબને સનમનાં દ્વાર પર દફનાવજો,

2 તે કાળ સમય
પ્યાલા હતા, પીણું હતું , શીશા હતા ,સાકી હતો,
રજની હતી રળિયામણી ને ચન્દ્ર તેજસ્વી હતો.

પાનાર પણ પ્યારાં હતાં,પીનાર પણ પ્રેમી હતો,
હૃદયો હતાં શીરોશકર,તે કાળ લાસાની હતો.

શીરોશકર=દૂધ,સાકર
લાસાની=અનંત

3 પ્રેમની પ્યાલી

એ પ્રેમની પ્યાલી મહીં લાખો દિવાના થઇ ગયા.
લાખો બિચારા દેહનાં બલિદાન અંતે દઇ ગયા.

આશા મહીં અથડાઈને જીવતી નિરાશા લઇ ગયા,
એ બંધ જળ મોજાં મહીં લાખો જનો ખંચાઇ ગયા.

(વીસમી સદી, ગુજરાતીનું પ્રથમ સામયિક)

4 દૂઆ મારી

દર્દ તડપે છે દવાને માટે.
જીવ તડપે છે હવાને માટે.

દર્દદે,દર્દ થવાને માટે.

દર્દ દેનાર ! લે દૂઆ મારી,

5 છોડી

કોઇ આધાર જમાનામાં મેં જોયો નથી,
જિંદગી પ્રેમની આશાના સહારે છોડી.

દિલની બેચેન સૌ ઊર્મિ અને આશાઓને,
કોઇની આંખના બીડેલ એ દ્વારે છોડી.

(ખોલવડ જિ.સુરત મુશાયરો તા.31-5-1944)

6 ન તે

ન તે ગમ છે ,ન તો આંખોનો અશ્રુપાત બાકી છે.
ન તે દિલ છે ,ન તે આઘાત પ્રત્યાઘાત બાકી છે.

દૂઆ આકાશથી અથડાઇને પાછી જ ફરવાની
ન તે પહેલાં સમી જીવંત માઝમ રાત બાકી છે.

7 ખુશી કે ગમના પડછાયા

કદી હું હર્ષના ઉલ્લાસથી દિલને ભરી લઉ છું.
કદી આંસુ બનીને આંખ વાટે હું સરી લઉં છું.

ખુશી કે ગમના પડછાયા સમી છે જિંદગી મારી,
કદી એને જીવી લઉં છું , કદી એને મરી લઉં છું.

8 તમારા ચરણમાં

હું બુધ્ધિના ઉન્નત શિખર સર કરી લઉં,
મને પ્રેમનું ગાંડપણ જો મળે તો!

જમાનો ઝુકી જાય મારા ચરણમાં,
તમારા ચરણમાં શરણ જો મળે તો!

9 યાદ આવી

એ શ્રધ્ધા હતી કે મુસીબતમાં દિલને,
ન તારી કદી નાખુદા યાદ આવી .

મહોબ્બત તણા શું ફરી સૂર સુણવા
તને દિલ તણી દિલરૂબા યાદ આવી?

10 અલ્વિદા

અલ્વિદા, અલ્વિદા દિલના સહુ અરમાનોને,
મૃગ જળો, વન વિના કાંઈ મેં જોયું કયારે?

રમ્ય ઉપવન ને વસંતોને હવે જાઉં ભૂલી,
ફૂલ ખિલતાંજ નથી આશ_ચમનમાં જયારે
!


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Categories

Follow

Get every new post delivered to your Inbox.

Join 31 other followers