હીરાપારખુ – જય ગજજર, C.M., M.A.
”મારી પાસે પૂરતા પૈસા નથી. દશ ખૂટે છે,” ગ્રાહકે દુકાનદારને વિનંતી કરી.
“પૂરતા પૈસા નથી તો શું જોઈને ખરીદવા નીકળ્યા છો? આ કંઇ સખાવતધામ નથી.” જરા ગુસ્સે થઈને દુકાનદારે માલ પાછો મૂકતાં કહ્યું.
તાળાં એક પછી એક જુદા કાઢતા વિનુકાકાને દુકાનદારની તોછડાઈ ન ગમી. પેલા ભાઈ વતી દશની નોટ આપવાનું મન થઈ ગયું. પણ બે અજાણ્યા માણસોની રકઝકમાં વચ્ચે પડવાનું હિતાવહ ન જણાતાં એ કંઇ બોલ્યા નહિ.
પેલો ગ્રાહક બબડતો બબડતો ચાલ્યો ગયો.
“સાહેબ, અસલ જલારામનાં તાળાં છે. અમારે ત્યાં બનાવટ જોવા નહિ મળે.” દુકાનદારે વિનુકાકા સામે જોઈ કહ્યું.
વિનુકાકાએ સ્મિત વેરતાં એક પછી એક ડઝન તાળાં અલગ કાઢ્યાં.
“ચારસોને ચાલીસ…” દુકાનદારે બિલ બનાવી કહ્યું.
પાકીટમાંથી પૈસા કાઢી વિનુકાકા બોલ્યા, “સોરી, મારી પાસે પૂરતા પૈસા નથી. તમે ગમે તે બે તાળાં પાછાં મૂકી દો.”
“અરે કાકા, એમાં શું? કહો કેટલા ખૂટે છે?”
“ચાલીસ ખૂટે છે.. પણ…”
“કશો વાંધો નહિ. એમ કરો ચાલીસ નહિ, પચાસ બાકી રાખો. બેચાર દહાડે આ બાજુ નીકળો ત્યારે આપતા જજો.”
“મારા જેવા અજાણ્યા માણસ પર તમને ભરોસો છે?”
“તમે ઓછા શહેર છોડી ભાગી જવાના છો?” હસીને દુકાનદારે ઉમેર્યું, “આ દેશમાં વિશ્વાસે વહાણ ચાલતાં હતાં એ કેમ ભૂલી જાઓ છો?”
“પણ જમાનો બદલાઈ ગયો છે!”
“જમાનો બદલાઈ ગયો છે, પણ માણસાઈ હજુ નથી મરી પરવારી.”
“મારી સાથે આમ માણસાઇની વાત કરો છો અને પેલા ભાઈ સાથે તમે કેવો વર્તાવ દાખવ્યો હતો એ ભૂલી ગયા?”
“કશું જ નથી ભૂલ્યો કાકા. એ મારી સાથે રમત રમતો હતો. એનું જૂઠાણું હું પામી ગયો હતો. અમે વેપારી સચ્ચાઈ પારખી જઈએ છીએ. મારે મન દશ રૂપિયા કંઈ વિસાતમાં નહોતા. ભાતભાતના લોકો અહીં આવે છે. કેટલાક લોકો જૂઠું બોલી આમ બનાવટ કરે છે.” મનુષ્યના હીરાપારખુ દુકાનદારના શબ્દો વિનુકાકાને સ્પર્શી ગયા
આપના પ્રતિભાવ