Posted by: bazmewafa | 08/23/2010
ટોરોન્ટોના બે સર્જકોનાં પુસ્તકોનું લોકાર્પણ—પ્રકાશ મોદી


ટોરોન્ટોના બે સર્જકોનાં પુસ્તકોનું લોકાર્પણ—પ્રકાશ મોદી
ટોરોન્ટોની સાહિત્યિક સંસ્થા શબ્દસેતુના ઉપક્રમે ગઝલોની રમઝટનો એક ભવ્ય કાર્યક્રમ ૨૫મી જુલાઈએ ચર્ચ ઓફ સેન્ટ કોલુમ્બાના હૉલમાં સાહિત્યરસિકોની વચ્ચે ઉજવાઈ ગયો. શ્રી કિશોર પટેલે કાર્યક્રમનો આરંભ કરી ટોરોન્ટોના કવિઓને પોતાની એક એક ગઝલ રજૂ કરવા સ્ટેજ પર આમંત્ર્યા. જાણીતા ગઝલકાર અદમ ટંકારવીએ એમની વિશિષ્ટ અદાથી શ્રોતાઓને ગઝલના મહાસાગરમાં તરબોળ કરી દીધા. આ મહેફિલમાં ગુજરાતી ભાષામાં ગઝલને એક આગવું સ્વરૂપ આપનાર ચિનુ મોદીએ શ્રેતાજનોને એમની આગવી છટાથી રસભીના કરી દીધા.
આ મહેફિલ કાર્યક્રમમાં ટોરોન્ટોના બે જાણીતા સર્જકોનાં પુસ્તકોના લોકાર્પણનો એક યાદગાર કાર્યક્રમ તાજેતરમાં ટોરોન્ટોના સાહિત્યરસિકોની વચ્ચે યોજાઈ ગયો. સૌ પ્રથમ ટોરોન્ટોના સર્જક શ્રી જય ગજજરના નવા નવલિકા સંગ્રહ ‘પુનિત પગલાં’નું લોકાર્પણ ગઝલ સમ્રાટ ચિનુ મદીના હસ્તે કરવામાં આવ્યું. શ્રી ચિનુ મોદીએ આ નવલિકા સંગ્રહનું લોકાર્પણ કરતાં જય ગજજરને અભિનંદન આપી નવાજયા હતા. ટોરોન્ટોના સાહિત્યકાર શ્રી પ્રકાશ મોદીએ જય ગજજરનો એક સર્જક અને સમાજસેવક તરીકેના પ્રદાનનો ઉલ્લેખ કરી પરિચય આપ્યો હતો. ગુજરાતીમાં આઠ નવલકથાઓ અને ચાર વાર્તાસંગ્રહો અને બે અંગ્રેજી નવલકથાઓ આપનાર જય ગજજરને પૂર્વ અને પશ્ચિમના સમન્વયના સર્જક તરીકે બિરદાવી કેનેડાનો સર્વોચ્ય રાષ્ટ્રિય એવૉર્ડ ‘ઓર્ડર ઓફ કેનેડા’નો એવૉર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી હોઈ એમની સમાજસેવાના પ્રદાનનો ઉલ્લેખ કર્યો હતો.
એમના વાર્તાસંગ્રહ ‘પુનિત પગલાં’માં જય ગજજર એક નવલિકાકાર તરીકેની વિશિષ્ટતાની વાત કરી નવલિકા સ્રગ્રહનો રસાસ્વાદ કરાવતાં કહ્યું, “જય ગજજરના નવલિકાસંગ્રહ “પુનિત પગલાં”માં આધ્યાત્મિકતાનો વળાંક જોઈ શકાય છે. એમને પરદેશને સ્વર્ગ કરવાના કોઈ જ અભરખા નથી, તેમ જ વતનને મરુભૂમિ તરીકે પણ જોવાની કયારેય ઈચ્છા નથી સેવી. આ વાર્તાકારને માત્ર એટલી જ ઝંખના છે કે આ ધરતીને આનંદમય રીતે જોવી, માણવી અને સાહિત્યમાં આલેખવી. જય ગજજરની વાર્તાઓમાં પ્રેમની લજજાળુ, નાજુક અભિવ્યકિત છે, લાગણી છે, પણ એનું પ્રાચુર્ય નથી.એટલે જ “પુનિત પગલાં” નવલિકા સંગ્રહની વાર્તાઓ વહાલની વાર્તાઓ વહે છે, વેવલાઈની નહિ.”
એ પછી કવિ મુહમદઅલી વફાના કાવ્યસંગ્રહ ‘કોને મળું?’નું લોકાર્પણ અદમ ટંકારવીના હસ્તે કરવામાં આવ્યું. એમણે વફાને ટોરોન્ટોના એક અચ્છા ગઝલકાર તરીકે ઓળખાવી એમના કાવ્યસંગ્રહનું લોકાર્પણ કરી અભિનંદન પાઠવ્યા હતા. શ્રી જય ગજજરે વફાનો પરિચય આપી એમના કાવ્યસંગ્રહનું મૂલ્યાંકન કરતાં રસાસ્વાદ કરાવતાં કહ્યું, “વફા અર્વાચીન ગઝલ કાવ્યોનો એક વફાદાર રસિક કવિ છે. કવિ ‘વફા’ સાહિત્યના રસિયા માટે બિલકુલ નવું નામ નથી. મુશાયરાઓ કે સાહિત્યિક કાર્યક્રમોમાં એ જોવા મળે જ. નોર્થ અમેરિકાના જે થોડાઘણા કવિઓ ગઝલકારો છે એમની હરોળમાં બેસી શકે એવા એ કવિ છે, ગઝલકાર છે, શાયરીઓના ગણનાપાત્ર કવિ છે. એમનાં કાવ્યોનો આ સંગ્રહ હું વાંચી ગયો. લગભગ દોઢસો જેટલાં એમનાં કાવ્યોનો રસાસ્વાદ મેં આનંદભેર માણ્યો. એક રસીલા, રંગીલા, પ્રણયગીતો અને ઊર્મિકાવ્યોના એક મજેદાર કવિ તરીકે મારા પર છાપ પડી. એમનાં કાવ્યો સરળ, મધુર, રસીક, હૃદયસ્પર્શી, સુગમ સંગીતનો રસાસ્વાદ કરાવતાં વૈવિધ્યપૂર્ણ વિષયવસ્તુ ધરાવતાં કાવ્યો વારંવાર વાંચવાં ગમે એવાં છે. એમાં ભાષાનું લાલિત્ય, માધુર્ય, શબ્દોની રમઝટ, ઉર્દુ શબ્દોનો ઉભરો છે. કવિ ખીલે છૈ એમનાં પ્રણય કાવ્યોમાં, હૈયાની આરઝુમાં, જીવનના વિલાપમાં, સંબંધોની વિષમતામાં. કવિને પ્રેમનાં ગીતો ગાવામાં આનંદ અનુભવાય છે. આપણા આ કવિ પ્રણય અને પ્રકૃતિનાં કાવ્યોમાં બહુ ખીલે છે.” અંતમાં વફા સાહેબે એમની બેચાર ગઝલો વાંચી સૌને કાવ્યાનંદ પીરસી સૌનો આભાર માન્યો હતો.
અહેવાલ પ્રકાશ મોદી
Like this:
Be the first to like this post.
Posted in Article, કલા, કવન, કવિતા, કાવ્ય, ગઝલ, ગદ્ય, ગુજરાતી શાયરી, નઝમ, શાયરી, શેર, Gazal, Gujarati Gazhal, Gujarati Poetry, Gujarati Shayri, Information, News, Opinion | Tags: કવિતા, કાવ્ય, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, પરિચય_જીવન*કવન, મુશાયરો, મુહમદઅલી વફા, લઘુ વાર્તા, વાર્તા, શાયરી, શેર, Gujarati Gazhal, JayGajjar, Muhammedali Wafa, MuhammedaliWafa
બંને સર્જકોને અભિનંદન!
આભાર
By: vijayshah on 09/03/2010
at 12:07 AM
પ્રિય વિજયભાઈ
અભિનંદન બદલ ઉષમા અને પ્રેમની લાગણી અનુભવું છું.
શુક્રિયહ
મુહમ્મદલી વફા
By: bazmewafa on 09/03/2010
at 12:30 AM
ગજ્જર સાહેબ અને વફાસાહેબને શુભેચ્છાઓ અને સલામ.
વફાસાહેબ તમારી ધીમી પણ સાતત્યપૂર્ણ પ્રવૃતિથી તમે જુદા જુદા કવિઓની રચનાઓથી બ્લોગ પણ કેવા શણગારો છો! તમારું આ સંપાદનનુ કામ પણ ધ્યાનાર્હ છે.
By: Pancham Shukla on 09/03/2010
at 11:22 AM