Posted by: bazmewafa | 11/24/2009

નજર: અલમદાર બુખારી

નજર: અલમદાર બુખારી

મંગળવાર

લિબ્રાહન અહેવાલ  લીક થયાની મોંકાણ કરતા એના તથ્યો મહત્ત્વના છે

બાર વર્ષે બાવો બોલ્યોની જેમ સત્તર વરસના વહાણાં વહ્યાં બાદ જસ્ટીસ લિબ્રાહને પોતાનો અહેવાલ અનેક જાતના ઠાગાઠૈયા પછી સરકારને સુપરત કર્યો એનેય ઘણો સમય વીતી ગયો છતાં સરકારના પેટનું પાણી હલતું નહતું. સરકાર તો શું પરંતુ કોઇ રાજકીય પક્ષોય સળવળતા નહતા. કોઇ કરતા કોઇએ એવી વજનદાર માગણી નહતી કરી કે આ રિપોર્ટને પ્રજા સમક્ષ રજૂ કરો. એક, બે, ત્રણ, ચાર એમ એક પછી એક મહિનાઓ વીતી રહ્યા હતા અને લોકો પણ ભૂલવા લાગ્યા હતા કે લિબ્રાહન નામનું પંચ અયોધ્યાકાંડના કલંકની તપાસ માટે સરકારે રચ્યું હતું જેણે સત્તર વર્ષની મહામહેનત અને કરોડોના આંધણ બાદ જે હેવાલ તૈયાર કર્યો હતો એ સરકારની તિજોરીમાં ધૂળ ખાઇ રહ્યો છે. પરંતુ લોકશાહીને જીવંત રાખનારા આધાર સ્તંભો પૈકીના એક સ્તંભ અર્થાંત પત્રકારિત્વએ પોતાની ફરજ બજાવી અને વિશ્વની સૌથી મોટી લોકશાહીમાં વસતા લોકો સમક્ષ અહેવાલ રજૂ કરી દીધો.

ખોજી પત્રકારિત્વના સીમાચિહ્નરૂપ આ દૃષ્ટાંતને પરિણામે માત્ર સરકાર જ નહીં પણ સૂઇ રહેલા તમામ રાજકીય પક્ષોમાં અચાનક ભાગદોડ મચી ગઇ. શિયાળાની સવારમાં સવામણ રૂની રજાઇમાં સૂતેલા શખ્સો પર કોઇ ઠંડા પાણીનો છંટકાવ કરે અને જે સ્થિતિ સર્જાય એનાથીયે ખરાબ અસર લિબ્રાહન પંચનો હેવાલ અચાનક લીક થવાથી ઘણા રાજકીય પક્ષોમાં સર્જાઇ છે. વાસ્તવમાં તેમની નિષ્ક્રીયતા અને બેજવાબદારીને કારણે જ તેમના આવા હાલ થયા છે ત્યારે આ બેહાલ નેતાઓ હેવાલ લીક કરનાર મીડિયાને દોષ દઇ રહ્યા છે અને તે બાબતે હોબાળો મચાવી રહ્યા છે.

પરંતુ અહીં સવાલ એ છે કે અહેવાલ લીક કેમ થયો એ મહત્ત્વનું છે કે એ અહેવાલમાં શું છે એ મહત્ત્વનું છે ? આટલી મોટી હોનારત છઠ્ઠી ડિસેમ્બર ૧૯૯રના રોજ સર્જાઇ જાય જેના કારણે દેશ આખો ભડકે બળે, ત્રણ હજારથી વધુ ભારતીય હિન્દુ-મુસ્લિમ દંગામાં હોમાઇ જાય જે પૈકી મોટાભાગના મૃતકો કે પીડિતો લઘુમતીના જ હોય, દેશના અર્થતંત્રથી માંડીને તમામ ક્ષેત્રની પ્રગતિ મહિનાઓ સુધી સ્થગિત થાય અને રાષ્ટ્રને ગણી ન શકાય એટલું પ્રચંડ નુકસાન થાય એવી રાષ્ટ્રીય કલંકિત ઘટના આચરનારા ષડયંત્રકારીઓનો પર્દાફાશ થતાં સત્તર વર્ષ લાગી જાય અને તે છતાંય સરકાર આ અહેવાલ પર કુંડલી મારીને બેસી રહે તો એ શરમજનક નહ તો બીજું શું ? ચાલો માની લઇએ કે જસ્ટીસ લિબ્રાહને પોતાનો હેવાલ સરકારને સુપરત કર્યો ત્યારે મહારાષ્ટ્ર, હરિયાણા સહિત ચાર રાજયોમાં વિધાનસભાની ચૂંટણી હતી અને ત્યારે વાતાવરણ ન ડહોળાય તેમજ કાગ્રેસ પર રાજકીય આક્ષેપ ન થાય એટલા માટે ત્યારે મનમોહનસિંઘની સરકારે આ અહેવાલ રજૂ ન કર્યો એ સમજી શકાય એવી વાત હતી પરંતુ એ રાજયોમાં ચૂંટણીય કયારની પતી ગઇ અને નવી સરકારોય કામ કરતી થઇ ગઇ છતાંય કાગ્રેસના નેતૃત્વવાળી સરકાર હેવાલ પર પલાંઠીવાળીને બેસી રહે તે કયાંથી ચાલે ? એકાદું ખૂન કરનાર કે જાહેર માલ-મિલ્કતને નુકસાન કરવા માટે જવાબદારો વિરૂધ્ધ તાત્કાલિક આરોપો ઘડાઇ જાય અને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં તેનો કેસ પણ ચાલી જાય જયારે અહ તો હજારો લોકોને મોતના મ્હોંમાં ધકેલવા માટેના જવાબદારો અને રાષ્ટ્રને સામાજિકથી માંડીને આર્થિક સુધીના મોરચે પારાવાર નુકસાન પહાચાડનારાઓ વિરૂધ્ધ કેસ ચલાવવાની વાત હતી છતાં સરકાર ઢીલાશ દાખવે તે કંઇ ચાલે ? છતાં ચાલી રહ્યું હતું પણ જાગૃત મીડિયાએ સૂતેલા સત્તાકારણીઓને હચમચાવી નાખ્યા અને બધા જ જે દિશા સૂજી એ તરફ દોડવા લાગ્યા. જેમાં સૌથી નિરર્થક વલણ જે લોકોને અયોધ્યામાં બાબરી મસ્જિદ શહીદ કરવા માટે જવાબદાર ઠેરવાયા છે એ લોકોનું છે. દેખીતી રીતે જ અડવાણી એન્ડ મંડળીને જસ્ટીસ લિબ્રાહને આ કાંડ માટે દોષિત ઠરાવી છે ત્યારે ગુનાનો એકરાર કરવાના બદલે આ આખી મંડળી એ બાબતે કાગારોળ કરી રહી છે કે મીડિયામાં અહેવાલ લીક કેવી રીતે થયો ? લોકોનું ધ્યાન બીજી તરફ વાળવા માટે અને આરોપોના ગાળિયામાંથી બચવાની જ આ બેશરમ કવાયત છે. વાસ્તવમાં તો તેઓ જો દૂધે ધોયેલા હોત તો આ હેવાલને લીક થયો તે પૂર્વે જ વહેલી તકે રજૂ કરવાની માંગણી તેમણે કરી હોત કારણ કે સૌ જાણે છે કે બાબરી મસ્જિદ શહાદત કાંડના ગુનેગારો કોણ છે. તેમ છતાં તેઓ આ બાબતે મૂંગા રહ્યા કારણ કે જે વાત આખો દેશ જાણે છે એ હકીકત ખુદ દોષિતોને ખબર ન હોય એ કઇ રીતે શકય બને ? અર્થાંત લિબ્રાહન પંચનો હેવાલ તેમના ગળાનો ગાળિયો બને નહીં એ માટે તેઓ તત્પર હતા અને તેનો સૌથી શ્રેષ્ઠ ઊપાય તેમના માટે એ જ હતો આ હેવાલ રજૂ જ ન થાય અને ધૂળ ખાતો રહે. પરંતુ કાગ્રેસની ફરજ હતી કે તે આ હેવાલને વહેલી તકે રજૂ કરે પણ તેય આવા કામોમાં પરોક્ષ રીતે સંડોવાયેલી હોય છે એવો ભૂતકાળનો આપણો અનુભવ રહ્યો છે અને આ અનુભવમાં વધારો થઇ રહ્યો હતો ત્યાં મીડિયાએ આ હેવાલ લીક કરીને કાગ્રેસની ખુરશી નીચે ફટાકડાની આખી લૂમ સળગાવી દીધી છે. જેના ધૂમ ધડાકાથી કાગ્રેસ અત્યારે ઊછળી રહી છે પણ એમાં વાંક એનો પોતાનો છે.

વાસ્તવમાં અહેવાલ લીક કેમ થયો એ અંગે સવાલ પૂછવાનો હક કાગ્રેસનો અને તેની સરકારનો છે એના બદલે જે લોકો ગુનેગારો છે એ આ બાબતે હોબાળો કરી રહ્યા છે કે અહેવાલ લીક કેમ થયો ? અરે ભાઇ લીક થયો તો થયો પણ એનાથી તમને પેટમાં ચૂંક કેમ આવે છે ? તમે તો એમાં દોષિત ઠરાવાયા છો ત્યારે કાયદાના શરણે જાવ અને દેશના બંધારણની આમન્યા સાચવો. અહેવાલ લીક થયો એની પરવા કરવાના બદલે એમાં જે છે એની પરવા કરો ને…! ખરેખર તો કાગ્રેસે પણ આ હેવાલ લીક થવાના પ્રશ્નને બીજી પ્રાથમિકતા પર મૂકીને પોતાની પહેલી પ્રાથમિકતા એ નક્કી કરવી જોઇએ કે હેવાલમાં જે કાંઇ તથ્ય તારણો બહાર આવ્યા છે એ અંગે ન્યાયી કાર્યવાહી કરવી. લીક થયા બાદ બીજા જ દિવસે સંસદમાં અહેવાલ રજૂ કરીને તેણે શરૂઆત તો કરી દીધી છે પરંતુ એકશન ટેકન રિપોર્ટ (એટીઆર) હવે સૌથી વધુ મહત્ત્વ ધરાવે છે. સરકારને અને દેશને આજે અધિકૃત રીતે ખબર પડી ગઇ છે કે બાબરી મસ્જિદને શહીદ કરીને દેશ માટે ભારે મુશ્કેલી સર્જનારા ખલનાયકો કોણ હતા. ત્યારે આ અભૂતપૂર્વ અને ઐતિહાસિક કલંકિત ઘટના માટેના દોષિતોને સજા પણ અભૂતપૂર્વ અને ઐતિહાસિક થાય એ જોવાની પહેલી ફરજ સરકારની છે.

મહેક

કરીબહૈ યારા, રોઝે મહેશર,

છૂપેગા કિશ્તાકા ખૂન કયુંકર

જો ચૂપ રહેગી ઝબાને ખંઝર,

લહૂ પુકારેગા આસ્તીંકા

એક નજર ઇધર ભી

કાચબો પોતાના કવચમાંથી માથું બહાર કાઢવાનું જોખમ લે તો જ આગળ વધી શકે છે.

-યાસીગો.

જરા હસ કે

અડવાણીએ વાજપેયીને કહ્યું : કાલે રાત્રે ઉંઘમાં તમે મને ભાંડી રહ્યા હતા.

વાજપેયી કહ્યું : અડવાણીજી જરૂર તમને કોઇ ગેરસમજ થઇ હશે.

અડવાણીએ પૂછયું : કેવી ગેરસમજ ?

વાજપેયીએ જવાબ આપ્યો : એ જ કે હું ઉંઘમાં હતો.

કલીક કરો

http://www.gujarattoday.in/fullnews.asp?nid=19765

(ગુજરત ટુ ડે –મંગળવર તા.24 નવેંબર 2009 ના સૌજન્યથી)


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Categories

Follow

Get every new post delivered to your Inbox.

Join 31 other followers