Posted by: bazmewafa | 11/13/2009

મુકતકો- રમેશ પારેખ

મુકતકો- રમેશ પારેખ

1

આ હાથ ને હાથમાં કાગળનું રણ સફેદ

અહીં ઝાંઝવાં, મુકામ, તૃષા ને હરણ સફેદ

 

કઈ વેદનાએ શોષી લીધા એના રુધિર

કે છે તો છે વસંતમાં ગુલમ્હોર સફેદ

2

પ્રસંગનીજ શૂન્યતા પ્રસંગ લાગતી રહે

સ્વપ્ન તૂટતાં રહે અને આંખ જાગતી રહે

 

બારીઓ ખૂલે નહીં ને ભીંત ફરફરે નહીં

અને વસંતના પવનની ફાંસ વાગતી રહે

3

ક્યાં છે વિશ્વાસનાં વહાણો તરી શકે એવું

કયાં છે જે રણમાં ય દરિયો ભરી શકે એવું

 

મારી પાસે તો ફકત ક્ષણની પારદર્શકતા

ક્યાં છે આંખોમાં સ્વપ્ન થઈ ઠરી શકે એવું

4

ચીંધીને આંગળી તરસો હરણને દોડતું રાખો

દિશાઓ રેતી રેતી થઈને રણને દોડતું રાખો

 

બરફની કેડીએ નીકળે છે સૂરજ શોધવા જળને

બીજું છે કોણ જે એના કિરણને દોડતું રાખે


Leave a response

Your response:

Categories